(સ્વામી આનંદે પોતાના દીર્ઘ લેખનવાચન દરમિયાન જૂના અને ભરપૂર અભિવ્યક્તિવાળા, છતાં ચલણમાંથી નીકળી ગયેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાંઉખાણાં વગેરે એકઠા કર્યા હતા. તેમના અવસાન પછી 1980માં આ તમામનું સંપાદન મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર.બુચ દ્વારા 'જૂની મૂડી'ના નામે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રકાશક હતા એન.એમ.ત્રિપાઠી પ્રા.લિ; મુમ્બઈ. હવે તો આ પુસ્તક પણ અપ્રાપ્ય બન્યું છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંથી ચખણીરૂપે કેટલાક શબ્દપ્રયોગો. મૂળ જોડણી યથાવત્ રાખવામાં આવી છે.)
- બાદરાયણ સંબંધ = પોતાનું કામ કાઢી લેવા પૂરતો મનથી જોડી કાઢેલો ઉટપટાંગ નાતો.
[આ ઉક્તિ પાછળની કથા: એક ભટજી કોઈ જજમાનની ડમણી (નાનકડું બળદગાડું) માંગી કોઈ ગામે જવા નીકળ્યા. રોટલાવેળા થઈ ને એક ગામે ખાસું મોટું ઘર જોયું. આંગણે બોરડીનું ઝાડ. ત્યાં ડમણી છોડીને અંદર ગયા. ઘરમાલિકને નમસ્કાર કર્યા. માલિક કહે, 'ક્યાંથી આવો છો? આપનું નામ? મેં ઓળખ્યા નહીં.' ભટજી કહે, 'આપ ભૂલી ગયા હશો, પણ આપણો તો જૂનો નાતો, સંબંધ છે.' માલિકે તે વખતે વધુ પૂછગાછ ન કરતાં ભટજીને અતિથિ ગણી જમાડ્યા-જુઠાડ્યા. જમી, આરામ કરી ભટજીએ વિદાય માંગી ત્યારે જજમાને ફરી પૂછ્યું, 'માફ કરજો, પણ આપણો સંબંધ મારે હૈયે રહ્યો નથી. (યાદ રહ્યો નથી)' ભટજી કહે, 'અરે ભલા માણસ! ન જાણ્યું? આપણો તો બાદરાયણ સંબંધ-
अस्माकं बदरीचक्रं, युष्माकंबदरीफलम् ।
बादरायणसंबंधाद् यूयं यूयं वयं वयम् ॥
(बदर=બોરડી)
મારા ગાડાનું પૈડું બોરડીનું ને આપના આંગણામાં ઝાડ બોરડીનું, તેથી આપણો બાદરાયણ સંબંધ. લ્યો, આવજો, રામરામ.' કહી ભટજી રવાના થઈ ગયા.]
- બાપ દેખાડ, નકર સરાધ કર.
(પ્રત્યક્ષ પુરાવો આપીને સાબિત કરવાની માગણી કરવી)
- લફરું
(૧) 'લાફો'નું લઘુતાદર્શક રૂપ. લાકડાનું બે'ક ફૂટ લાંબું, ચાર-છ ઈંચ પહોળું. અર્ધોક ઈંચ જાડું પાટિયું તે લાફો. લાફો પૂરો ન વપરાતાં વધેલો નાનોસરખો તેનો પેટાટુકડો તે લફરું. સુતારી કામમાં કે સ્લેબના શટરિંગમાં જ્યાં પૂરા લાફાની જરૂર ન હોય ત્યાં લફરાં મારવામાં આવે. (૨) આ ઉપરથી પોતાની પરણેતર ઉપરાંત પુરુષને બીજી સ્ત્રી સાથે સંબંધ હોય, જે છૂટવો મુશ્કેલ બને તે પણ 'લફરું'. (વિદેશ ગયેલો, ત્યાં તેને એક લફરું વળગ્યું છે.)
- રણછોડ
(ડાકોરના દેવ, ઋણમાંથી છોડાવનારો દેવ. દ્વારકાના દેવને ડાકોરનો ભક્ત બોડાણો ચોરી લાવ્યો. પાછળ દ્વારકાના પૂજારી ગુગલી ભ્રામણોએ ડાકોર આવીને 'અમારી રોજીરોટીનું સાધન તમોએ છીનવી લીધું' કરીને ભક્ત જોડે રકઝક માંડી. અંતે લાલચુ ભ્રામણોએ દેવમૂર્તિની ભારોભાર સોનું ભક્ત પાસેથી નુકસાન ભરપાઈ તરીકે લેવાનું સ્વીકારી પતાવટનો સોદો કર્યો. ભક્તનાં પત્ની ગંગાબાઈએ મુફલિસ ભક્તને શ્રદ્ધા રાખવા કહી, ત્રણ ફૂટ ઊંચી દેવમૂર્તિ સામે ત્રાજવામાં પોતાના કાનની સવા વાલની વાળી મૂકી અને દેવમૂર્તિનું તેટલું જ વજન થયું!
'ધન ધન ગંગાબાઈની વાળી, સવા વાલ થયા વનમાળી'. એમ ભગવાને ભક્તને ભ્રામણોના ઋણમાંથી છોડાવ્યા, તેથી ઋણછોડ, રણછોડરાય કહેવાયા.
- મારે કૂલે કરમ છે એવાં એને કપાળેય નથી.
(મારી નબળી સ્થિતિ એની સારી સ્થિતિ કરતાં ચડિયાતી છે.)
- છગનમગન સોનાના, પાડોશીના પિત્તળના, ગામનાં છોકરાં ગારાનાં.
(પોતાનાં છોકરાં સૌને રૂડાં, પાડોશીનાં મામૂલી, અને ગામનાં છોકરાં કચરાપટ્ટી જેવાં લાગે એ અર્થ)
- અંધારું તડકે નાખવા નીકળવું
(નિરર્થક કામ કરવાનો મનોરથ, To attempt the impossible)
- જેને દૂધે દીવા બળે
(બહુ ઘટ્ટ દૂધ દેનારી ગાય)
- જેને પેશાબે દીવો બળે
(ખૂબ જ વગદાર વ્યક્તિ)
- પાન ખાઈને પદમશી થાવું
(આડંબર રાખવો, ન હોઈએ તેવા લાગવાનો પ્રયત્ન કરવો; પદમશી: પદ્મશ્રી; કમળ જેવી શોભાવાળા, હોઠ પર કુદરતી રતાશ નથી, ફીકાશ છે, તે પાન ખાઈને લાવવી અબે 'પદ્મશ્રી' દેખાવું, તે પરથી)
- ચૉરો વાંઝિયો ન રહે
(દરેક કાળે, દરેક સમાજમાં નવરા, પારકી પંચાયત અને કૂથલી કરનાર લોકોનો કદી અભાવ નહિ થવાનો; તેવા લોકો રહેવાના જ.)
- મોઢે મલક આખાની ચોવટ ને નાકે લીંટ
બીજાને ઉપદેશ આપવો ને પોતે આચરણમાં મીંડું; મરાઠીમાં 'મી મ્હણતો લોકાલા અન્ શેંબુડ માઝ્યા નાકાલા'. અંગ્રેજી: Those who live in glass-houses should not throw stones at others.)
- ચોરનો ભાઈ ગંઠીચોર ('ઘંટીચોર નહીં)
ગંઠી એટલે છેડે બાંધેલી પૈસાની ગાંઠ. અગાઉને કાળે સીવેલાં કપડાં કે ખીસાંનો રિવાજ ન હતો. તેથી લોકો ઘરબહાર કે ગામતરે જાય ત્યારે નાણું ધોતિયા કે સાલ્લાને છેડે ગાંઠ વાળીને કમ્મરે ખોસતા. તેવી ગાંઠ છોડાવીને લૂંટી લે તે લૂંટારો ચોરના કરતાં ભૂંડો- એ અર્થ.
- જૂતિયાં ખાઈં, પર મખમલ કી થીં
('મિયાં પડ્યા પણ ટંગડી ઉંચી' જેવું)
- અહલ્યા દ્રૌપદી તારા, ત્યાંત આમચી ગોદુબાઈ સારા
'સારા'= સેરવી દો. (મરાઠી);
સાત મહાસતીઓનાં નામ સવારે ઉઠીને લેવાય તેમાં અમારી દીકરી ગોદુબાઈનું નામ પણ સેરવી દો એટલે એનું નામ પણ અમર થાય.
- કાવડિયું
જૂને કાળે ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચાલુ કરેલો તાંબાનો એક પૈસાનો સિક્કો, જેમાં એક બાજુએ બે પલ્લાં અને દાંડીવાળા ત્રાજવાની છાપ હતી, જે કાવડ તરીકે લોકોમાં ઓળખાઈ. આ ઉપરથી 'કાવડિયું' શબ્દ ભાષામાં પ્રચલિત થયો.
No comments:
Post a Comment