(રમણભાઈ નીલકંઠે લખેલું 'હાસ્યમંદિર' પુસ્તક હાસ્યના વિવિધ પ્રકારોથી સભર છે. આ પુસ્તકમાં તેમણે હાસ્ય વિશે લખેલો નિબંધ પણ વિશદ્ છે. અહીં કેવળ ચખણી લેખે એના અંશ)
ગધેડાને કાળો કરવાનો ઉપાય
ગધેડાને શાહી ચોપડી તડકામાં બાંધી રાખવો. સુકાઈ જાય એટલે દોરડાં છોડી નાંખવા.
બીજો ઉપાય એ છે કે પ્રથમ ગધેડાને શરીરે દીવેલ લગાડવું. તે પછી રોટલા કરી ઉતારી લીધેલા ઠીકરાના તવા ટહાડા પાડી ગધેડાના શરીર ઉપર ઘસવા. કાળો રંગ બેસે ત્યાં સુધી આ પ્રમાણે ઘસ્યા જવું. આ રીત અજમાવતાં ગધેડાની ચામડી છોલાવાનો સંભવ રહે છે માટે બહુ બારીકીથી અને સાવચેતીથી કામ લેવું. ગધેડાને પાછલો પગ ઉપાડવાની ટેવ હોય છે તે ધ્યાનમાં રાખવું.
પૈડાં વગર ગાડી ચલાવવાનો ઉપાય
એક સરખી લંબગોળાકાર કોઠીઓ કુંભાર પાસે ઘડાવવી અને ગાડી નીચે એવી બે કોઠીઓ બાંધવી. કોઠી ગાડી કરતાં કંઈક વધારે પહોળી હોવી જોઈએ. કોઠીનું મહોં રોટ આયર્નનાં ઢાંકણાંથી બંધ કરી દેવું. આ ગોઠવણથી ગાડી વગર પૈડે બહુ સારી રીતે ચાલશે.
(પ્રકરણ: હુન્નર-કૌશલ્ય-દર્પણ-પ્રકાશ તથા કળા-હીકમત-કારીગરી)
*****
હાસ્યલેખનો અંશ:
(મોટે ભાગે અભણ હજુરિયાઓ વચ્ચે ઘેરાયેલા રહેતા નવાબના દરબારમાં કોઈ ભણેલા કે જાણકારનો પ્રવેશ મુશ્કેલ છે. પણ એક અંગ્રેજ મુસાફર દુભાષિયાને ફોડીને દરબારમાં આવે છે. એ દુભાષિયા દ્વારા મુસાફર અને નવાબ વચ્ચે થતી વાતચીતનો અંશ)
મુસાફર (ઈંગ્રેજીમાં): આ ઈંગ્રેજ નવાબસાહેબને સલામ કરે છે અને સલામ કબૂલ થાય એવી અરજ કરે છે. અમારો રાજા નવાબસાહેબનો દોસ્ત છે, દુશ્મન નથી.
દુભાષિયો: આ ગુલામ નેકનામદાર ખુદાવિંદ આલીજનાબ નવાબસાહેબને કુરનસ કરી પગે પડી ધૂળ ચાટે છે. અમારા મુલકમાં પણ નવાબસાહેબનો જ અમલ ચાલે છે, અને, અમારો રાજા નવાબસાહેબનું નામ સાંભળીને કંપે છે.
નવાબસાહેબ- સચ હયે, તુમારે મુલુકમેં ચીડીઆં હોતી હયે?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમારો દેશ અહીંથી કેટલો આઘો છે?
મુસાફર (ઈંગ્રેજીમાં) - અમે આવીએ છીએ તે રસ્તે તો પંદર સત્તર હજાર માઈલ દૂર થાય, પણ સીધો રસ્તો હોય તો ચાર પાંચ હજાર માઈલ થાય.
દુભાષિયો- ચકલીઓ અમારા દેશમાં ઘણી થાય છે. અને, ગુલામ ચકલીઓના ખેલ કરી જાણે છે. ચકલીઓ તોપ ફોડે છે.
નવાબસાહેબ- વાહ! અજબ! તુમ મુરઘે લડા સકતે હો?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમને અહિં આવતાં કેટલો વખત લાગ્યો?
મુસાફર (ઈંગ્રેજીમાં)- લગભગ સાત મહિના થયા. પણ બધે રસ્તે પવન અનુકૂળ હોત તો છ મહિનાથી વધારે ન થાત.
દુભાષિયો- હાંં ખુદાવિંદ, મરઘાં લડાવી શકું છું. સાપ અને નોળીયાને પણ લડાવું છું. નોળીયાએ મારેલા સાપને જાદુના જોરથી જીવતો કરૂં છું.
નવાબસાહેબ- તુમારે મુલકમેં ઘોડેકા બચ્ચા અંડે મેં સે હોતાં હયે એ બાત સચ્ચી?
દુભાષિયો (ઈંગ્રેજીમાં)- તમે અહીં આવતાં રસ્તામાં ક્યાં ક્યાં મુસાફરી કરી?
મુસાફર(ઈંગ્રેજીમાં)- આ દેશમાં તો મારા દેશથી બારોબાર વહાણમાં આવ્યો. મદ્રાસ આવી ઉતર્યા પછી દક્ષિણના એક એક રાજ્યમાંં ફર્યો છું. આ પ્રાંતોમાં ફર્યા પછી ઉત્તર તરફ જવા ધારું છું.
દુભાષિયો- ઘોડીનું ઈંડું કોળાથી કંઈ મોટું થાય છે, પણ, રંગે ધોળું. મદ્રાસમાં એવાં ઈંડાં થોડાં આણ્યાં છે. ઘોડી એ ઈંડાં સેવતી નથી, પણ, પાણીમાં મુકી આવે એટલે મગરી સેવે છે.
(નવાબસાહેબની મુલાકાત, હાસ્યમંદિર, રમણભાઈ નીલકંઠ, ત્રીજી આવૃત્તિ, સંવત 1993, પ્રથમ આવૃત્તિ, 1915)
(પુસ્તક: હાસ્યમંદિર, લખનાર: રમણભાઈ મહીપતરામ નીલકંઠ અને વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ,
પ્રકાશક: જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ અને મુંબઈ,
ત્રીજી આવૃત્તિ, વર્ષ: ૧૯૩૭)
No comments:
Post a Comment