Wednesday, June 29, 2022

અલવિદા, સુમનભાઈ! ક્વે સેરા સેરા!

 

સુમનભાઈ મોદી 
(21-7-1932 થી 28-6-2022) 

ગઈ કાલે સુમનભાઈ મોદીના અવસાનના સમાચાર મળ્યા એ સાથે જ તેમની સ્મૃતિકથા 'સ્મૃતિની સફર'ના આલેખન દરમિયાન અમે સાથે ગાળેલો આખો સમયગાળો મનમાં જીવંત થઈ ઊઠ્યો. 

ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે તેમને પહેલી વાર મળતાવેંત જે છાપ મનમાં પડી હોય તે ધીમે ધીમે બદલાતી જાય અને અનેક મુલાકાતો પછી તે સાવ વિપરીત બનીને ઊભી રહે. 2017ના અંત ભાગમાં પહેલવહેલી વાર સુમનભાઈ મોદી(એસ.આર.મોદી- તેઓ પોતાનું નામ આ રીતે બોલતા)ને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે તેમના સૌજન્યપૂર્ણ, વિવેકી છતાં ઉષ્માસભર વહેવારની છાપ મન પર ઊપસી હતી. અમારી એ પહેલી મુલાકાત ઔપચારિક હતી, જેમાં તેમના પુત્ર ડૉ. ભરતભાઈ પણ પછી સામેલ થયા. આ વાતચીતમાં સુમનભાઈનાં સંભારણાને પુસ્તકરૂપે શી રીતે આલેખી શકાય એ મુદ્દો કેન્‍દ્રસ્થાને હતો.

તેમને પહેલી વાર મળ્યા પછી તેમની સ્મૃતિકથાનું આલેખન કરવાનું નક્કી થયું અને એ પછી અનેક બેઠકો અમે સાથે કરી, છતાં પહેલી મુલાકાત દરમિયાન તેમની જે છાપ પડેલી એમાં શો ફેરફાર ન થયો, બલ્કે તે ઊત્તરોત્તર દૃઢ બનતી રહી છે. તેમાં ઉમેરો કરવો હોય તો એટલું કહી શકાય કે આ લક્ષણ એકલા સુમનભાઈ પૂરતું મર્યાદિત નહોતું, બલ્કે તેમના સમગ્ર પરિવારમાં વ્યાપેલું છે. ચાહે એ રંજનબેન હોય, ડૉ. ભરતભાઈ કે ડૉ. હર્ષિદાબેન હોય કે પછી તેમનાં સંતાનો ડૉ. ક્ષિતિજ અને ડૉ. આશય હોય!

સુમનભાઈની ત્રણ દાયકાની વ્યાવસાયિક કારકિર્દી જી.એસ.એફ.સી.માં બહુ ઉજ્જવળ રહી હતી, પણ તેમનાં સાડા આઠ દાયકાનાં સંભારણામાં તો એ તેમની દીર્ઘ જીવનસફરનો એક મુકામમાત્ર હતો. તેમાં સુમનભાઈની અનેકાનેક સિદ્ધિઓ હતી, પણ તેમની જીવનકથાના પુસ્તકના આલેખનનો મુખ્ય હેતુ સુમનભાઈના જીવનના વિવિધ તબક્કા અને જે તે સમયગાળાને દર્શાવવાનો હતો. ફૂલદાનીમાં ગોઠવેલું પુષ્પ આકર્ષક જણાય, પણ તે કઈ ક્યારીમાં ઊગ્યું છે એ જાણીએ તો જ તેની સુગંધ અને આકર્ષણના મૂળનો ખ્યાલ આવી શકે. આઝાદી પહેલાંનાં રજવાડાંનો યુગ, આઝાદી પછી માત્ર આઠ વર્ષ માટે અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યની કામગીરી, સૌરાષ્ટ્રના મુંબઈમાં વિલીનીકરણની અને ત્યાર પછી ગુજરાતમાં જોડાવાની ઘટના, અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓનું જીવન, નવનિર્મિત ગુજરાત રાજ્યના વિકાસ માટેના નિષ્ઠાવાન પ્રયાસો, એક બાળકને જન્મ આપવાથી માંડીને ઉછેરવા સુધીની પ્રક્રિયા જેવી જી.એસ.એફ.સી.ના જન્મ અને વિકાસનો અરસો...કેટકેટલી વિભિન્ન ઐતિહાસિક બાબતો સુમનભાઈએ જીવનમાં નિહાળી. ક્યાંક તેઓ સાક્ષી રહ્યા છે, તો ક્યાંક તેનો હિસ્સો પણ બની રહ્યા. આવી મહત્ત્વની ઘટનાઓને સુમનભાઈના સંદર્ભ પૂરતી અને તેમના કાર્યક્ષેત્રની પૃષ્ઠભૂમિનો અંદાજ મળી રહે એ રીતે પુસ્તકમાં આલેખવામાં આવી.

અગાઉથી સમય નક્કી કરીને અમારી મુલાકાતો ગોઠવાતી. મોટે ભાગે સવારના અગિયારથી એક દોઢ સુધી આ બેઠક રહેતી. ડૉ. ભરતભાઈ પણ પોતાની અનુકૂળતા કરીને આ બેઠકોમાં રસપૂર્વક હાજરી આપતા અને અનેક મહત્ત્વની વિગતો પૂરી પાડતા. સુમનભાઈના સહકાર્યકર શ્રી વિપીનભાઈ બૂચ પણ ઘણી અગત્યની વિગતો પૂરી પાડતા રહેતા. 

સુમનભાઈનાં જીવનસંગિની રંજનબહેન અમારી બેઠક દરમિયાન  વાતોમાં પૂરેપૂરો રસ લેતાં, છતાં જરૂર પડે ત્યાં અને તેટલું જ બોલતાં. એ જ રીતે ડૉ. ભરતભાઈ અને ડૉ. હર્ષિદાબેન પોતાના અતિ વ્યસ્ત નિત્યક્રમ છતાં આ પુસ્તકના આલેખનમાં શરૂઆતથી રસ લેતા રહ્યા.

સુમનભાઈ અને રંજનબહેન: દામ્પત્યજીવનનાં આરંભિક વરસોમાં 

સુમનભાઈ સાથેની દીર્ઘ બેઠકો દરમિયાન અમુક વાર બહુ ગમ્મત પડતી. તેઓ મૂળભૂત રીતે મેનેજમેન્‍ટના માણસ. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક ડિક્ટેશન આપેલાં. આથી શરૂઆતમાં તેઓ ડિક્ટેશનની ઢબે ટૂંકમાં વાક્યો બોલતા. એ તો બરાબર, પણ ક્યારેક કહેતા, 'ના, આ નહીં, એને બદલે આ શબ્દ લખો.' અમારી વચ્ચે આત્મીયતા સધાઈ એટલે મેં હસીને એમને કહ્યું, 'સુમનભાઈ, તમારે મને ડિક્ટેશન નથી આપવાનું. તમે ટૂંકમાં નહીં, વિગતવાર બોલો, કેમ કે, સ્મૃતિકથા માટેની વિગતો આપણને તો જ મળશે.' તેઓ સમજ્યા, અને એ રીતે બોલતા થયા, છતાં ક્યારેક આદતવશ ટૂંકમાં બોલી જાય એ પછી તરત તેમને ખ્યાલ આવે કે પોતે વિગતે માહિતી આપવાની છે, એટલે સહેજ અટકે, પછી હસીને કહે, 'મારે લાંબું બોલવાનું છે, નહીં?' તેઓ આમ કહે એટલે અમે બન્ને હસી પડતા. 

અમારી બેઠકો દરમિયાન એવી અનેક ક્ષણો આવતી કે તેઓ ભાવુક થઈ જતા. પણ એટલા જ ઝડપથી તેઓ સ્વસ્થ થઈ જતા. સમગ્ર મોદી પરિવારમાં તેમનું અને રંજનબહેનનું સ્થાન ધરી જેવું હતું. પરિવારનું ગઠબંધન એટલું મજબૂત કે એમના મકાનમાં પ્રવેશતાં જ એનો અહેસાસ થયા વિના રહે નહીંં. ઘરની પ્રત્યેક વ્યક્તિ આગંતુકને સસ્મિત આવકાર આપે. સુમનભાઈના જીવનની અનેક બાબતો તેમના પુત્ર હોવાને નાતે ડૉ. ભરતભાઈને તો ખબર હોય, પણ પુત્રવધૂ ડૉ. હર્ષિદાબહેનને સુદ્ધાં ઝીણામાં ઝીણી વિગત યાદ હોય! આ બહુ નવાઈ પમાડે એવી બાબત હતી. 

પુસ્તકનું આલેખન પૂરું થયા પછી તસવીરો પસંદ કરવાનો વખત આવ્યો એ વખતે તેમની બન્ને દીકરીઓ ડૉ. મીનાબહેન અને ડૉ. પારૂલબહેન પણ વડોદરા આવેલાં. ડૉ. ભરતભાઈએ તમામ તસવીરો યોગ્ય નોંધ સાથે એકદમ વ્યવસ્થિત રીતે જાળવેલી. આમ છતાં, પુસ્તક માટે પસંદગી કરવી કપરી હતી. તસવીરોના ખડકલા વચ્ચે સહુ બેઠાં હોય, તસવીરો જોવાતી જાય, એની સાથે સંકળાયેલી કથાઓ નીકળતી જાય, એમાંની વ્યક્તિઓની ઓળખ પણ થતી જાય એવે વખતે ડૉ.ભરતભાઈ કડક પરીક્ષકની જેમ સૌને મુખ્ય કામ યાદ અપાવતા. સુમનભાઈ પોતે હાજર હોય, અને હું પણ આ દૃશ્યનો સાક્ષી હોઉં. ત્યારે સમજાતું  કે આવાં પારિવારીક માહોલવાળાં દૃશ્ય જ દુર્લભ બની ગયાં છે! 

હમ સાથસાથ હૈ
(ડાબેથી) આશિની અને પ્રિયંકા શેઠ, રંજનબહેન, સુમનભાઈ,
(પાછળ) સંજીવ શેઠ, આર્યા અને પારૂલબહેન,
(પાછળ) ડૉ. ક્ષિતિજ, ડો. હર્ષિદા મોદી અને ડૉ. મીનાબહેન
 

વિપરીત સંજોગોમાં મૂલ્યો ટકાવીને માર્ગ કરવાની સૂઝ, કેવળ જરૂરતકેન્‍દ્રી નહીં, પણ સાચેસાચા સંબંધો બાંધવાની, કેળવવાની અને ટકાવવાની આવડત, પરિવારપ્રેમ જેવાં શાશ્વત માનવીય મૂલ્યો તેમના જીવનમાં કેન્‍દ્રસ્થાને રહ્યાં. 

ખુશખુશાલ ઉજવણી
(ડાબેથી) ડૉ. હર્ષિદા, (વેવાઈ) ડૉ. હિંમતલાલ શાહ, .
સુમનભાઈ- રંજનબહેન, ડૉ. ક્ષિતિજ, ડૉ. ભરતભાઈ અને ડૉ. આશય 

લગભગ નવ દાયકા જેટલું પ્રલંબ જીવન સુમનભાઈએ માણ્યું. પોતાના પરિવારની વાડીને વિસ્તરતી જોઈ, એટલું જ નહીં, પરિવાર માટે તેઓ શીળી છાંય સમા બની રહ્યા. છેલ્લા ત્રણ-ચાર વરસમાં વધતા જતા પાર્કિન્‍સન અને પ્રસરતા જતા કેન્‍સર દરમિયાન તેમનાં પરિવારજનોએ પણ તેમની દરકાર લીધી, અને જાણે કે તેમને છાંયો પૂરો પાડ્યો. જૂજ પિતા અને સંતાનોને આવી દુર્લભ તક પ્રાપ્ત થતી હોય છે. 

તેઓ હંમેશા માનતા કે સ્વાર્થ વિનાના સંબંધો જ જીવનને સમૃદ્ધ બનાવે છે. માટે આવા સંબંધો કેળવવા જોઈએ. બાકી તો 'ક્વે સેરા સેરા, ક્વે સેરા સેરા, વ્હોટએવર વીલ બી, વીલ બી. (થવાનું છે એ જ થશે. માટે કોઈ પણ બાબત માટે પ્રયત્ન કરી છૂટવા, પણ ધમપછાડા ન કરવા.) આ તેમનું પ્રિય ગીત હતું અને તેમના જીવનનો અભિગમ પણ આવો જ રહ્યો.

હવે સદેહે ભલે તેઓ હયાત ન હોય, તેમની સ્મૃતિ સૌના મનમાં તેમને જીવંત રાખશે. 'સ્મૃતિની સફર'માં આલેખાયેલાં તેમનાં સંભારણાં તેમના જીવનની જ નહીં, એક આખા કાળખંડની ઝાંખી છે. એ રીતે તેઓ અક્ષરદેહે પણ જીવિત રહેશે. 

સ્મૃતિની સફર 

આજે સવારે દસ વાગ્યે સુમનભાઈના અંતિમ સંસ્કાર વડોદરાના વડીવાડી સ્મશાનગૃહે યોજાશે. 



No comments:

Post a Comment