16/07/1936 થી 13/02/2012
હિન્દી ફિલ્મોમાં એવા કેટલાય ગીતકારો છે, જેમનું પ્રદાન અધધ કહી શકાય એવું છે. મજરૂહ સુલતાનપુરી, આનંદ બક્ષી જેવાઓએ જથ્થો અને ગુણવત્તા- એમ બન્ને રીતે ગીતો લખ્યાં છે. આ બન્ને ઉપરાંત પણ બીજા ઘણા આવા ગીતકારો છે, સામે પક્ષે એવા પણ કેટલાક ગીતકારો છે, જેમનું પ્રદાન સાવ મર્યાદિત હોય અને છતાં એ ચિરંજીવ હોય.
આવા જ એક શાયર હતા શહરયાર/Shahryar, જેમનું તાજેતરમાં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ પંચોતેર વર્ષની વયે નિધન થયું. હિંદી ફિલ્મોમાં તેમનું પ્રદાન જોઈએ તો એક જ આંગળીના વેઢામાં સમાઈ જાય એટલું છે. ગણીને ચાર-પાંચ ફિલ્મોમાં તેમણે ગીત લખ્યાં છે, જેમાં ત્રણ ફિલ્મો તો મુઝફ્ફર અલી/ Muzaffar Ali દ્વારા દિગ્દર્શીત છે. આ ફિલ્મો છે ‘ગમન’ (૧૯૭૮), ‘ઉમરાવજાન’ (૧૯૮૧) અને ‘અંજુમન’ (૧૯૮૬). આ સિવાય મધુસુદન શ્રીવાસ્તવ / Madhusudan Srivastav નિર્મિત- દિગ્દર્શીત ‘ત્રિકોન કા ચૌથા કોન’ (૧૯૮૩) માં અને યશરાજ ફિલ્મ્સની ‘ફાસલે’ (૧૯૮૫) માં પણ તેમણે ગીત લખ્યાં હતાં.
શહરયારનું મૂળ નામ હતું કુંવર અખલાક મોહમ્મદ ખાન/ Kunwar Akhalaq Mohammed Khan. ૧૬મી જુલાઈ, ૧૯૩૬ના દિવસે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગામ અંવલામાં થયો હતો. શહરયારનું શાળાકીય શિક્ષણ બુલંદશહરમાં થયું, જ્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી/ Aligarh Muslim University માં જોડાયા. શહરયાર કંઈ સીધેસીધા શાયર બનીને કવિતાઓ લખવા નહોતા મચી પડ્યા. તેમના પિતાજીની ઈચ્છા તેમને પોલીસ બનાવવાની હતી. શહરયાર બનવા ઈચ્છતા હતા રમતવીર. પિતા-પુત્ર બન્નેના રસ્તા ભિન્ન હોવાથી શહરયારે ઘર છોડ્યું. ઊર્દૂના શાયર ખલીલ-ઉર-રહમાન સાથે તેમની મુલાકાત થઈ એ પછી તેમની નજર તળે શહરયારની ઉર્દૂ કવિતાને પાંગરવાની તક મળી અને યોગ્ય દિશા મળી.
મુઝફ્ફર અલી |
મુઝફ્ફર અલીએ આગળ જતાં ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું ત્યારે પોતાની ફિલ્મ ‘ગમન’/ Gaman માં આ ગઝલનો ઉપયોગ કર્યો. ભીડભાડભર્યા શહેરમાં, વતનથી દૂર, મૂળસોતા ઊખડી ગયેલા છોડ જેવી વેદના અનુભવતા માણસની વ્યથાને સુરેશ વાડકરે પોતાના કંઠમાં વ્યક્ત કરી હતી,જેને જયદેવે સંગીતબદ્ધ કરી હતી.
આ જ ફિલ્મની બીજી એક ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ હતી, જે એ. હરિહરને/A. Hariharan ગાઈ હતી.
‘ગમન’ ફિલ્મની તેના કથાવસ્તુ અને ગીત-સંગીતને કારણે ઠીક ઠીક નોંધ લેવાઈ, પણ શહરયારની ગઝલોની ખરી ઓળખ ઉભી થઈ ૧૯૮૧ માં આવેલી મુઝફ્ફર અલીની ક્લાસિક ફિલ્મ ‘ઉમરાવ જાન’/ Umrao Jaan થી. મિર્ઝા હાદી રુસવાએ ૧૯૦૫માં લખેલી આ મૂળ કૃતિ અસલમાં ઉમરાવજાન અદા નામની એક નર્તકીની જીવનકથા હતી, જે સંભવત: સૌ પ્રથમ ઉર્દૂ નવલકથા મનાય છે. મૂળ કૃતિના ઓગણીસમી સદીના મધ્યભાગના કાળખંડને ફિલ્મમાં જીવંત કરવામાં આવ્યો હતો. ઉમરાવજાન અદા પોતે અચ્છી નર્તકી હોવા ઉપરાંત શાયરા પણ હતી. આ કથા પરથી પાકિસ્તાનમાં ‘ઉમરાવજાન અદા’ (૧૯૭૨) નામની ફિલ્મ તેમજ આ જ નામની ટેલીસિરીયલ પણ ૨૦૦૩માં બની હતી. જે.પી.દત્તાએ પણ ૨૦૦૬માં ‘ઉમરાવજાન’ ફિલ્મ બનાવી હતી, જેમાં મુખ્ય ભૂમિકા હતી ઐશ્વર્યા રાયની. જો કે, આ બધામાં યાદગાર અને અવિસ્મરણીય કહી શકાય એવી ફિલ્મ તો મુઝફ્ફર અલીની જ બની રહી, જેમાં મુખ્ય ભૂમિકા રેખાની હતી. સંગીતકાર ખૈયામે/ Khayyam શહરયારની ગઝલોને સંગીતબદ્ધ કરી હતી, જેને આશા ભોંસલેએ ગાઈ હતી. આજે પણ આ ગઝલો એવી ને એવી જ તાજી છે.
૧૯૮૩માં આવેલી મધુસુદન શ્રીવાસ્તવ નિર્મિત- દિગ્દર્શીત ‘ત્રિકોન કા ચૌથા કોન’/ Trikon ka chautha kon ના ત્રણ ગીતકારો પૈકી શહરયાર એક હતા. આ ફિલ્મમાં તેમની ગઝલને ભૂપીન્દર/ Bhupinder અને પીનાઝ મસાણી/ Peenaz Masani એ સ્વર આપ્યો હતો અને સંગીત હતું જયદેવ/ Jaidev નું.
ત્યાર પછી ૧૯૮૫માં આવેલી યશરાજ ફિલ્મ્સ/ Yashraj Films ની ‘ફાસલે’/ Faasle માં શહરયારનાં ગીતો સાંભળવા મળ્યાં. ‘ફાસલે’માં મહેન્દ્ર કપૂરના દીકરા રોહન કપૂરને હીરો તરીકે ચમકવાનો મોકો મળ્યો હતો.
યશરાજની ત્યારની પરંપરા મુજબ એ ફિલ્મમાં શિવહરિ/ Shiv-Hari નું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત.
કહેવાય છે કે ‘ફાસલે’ પછી યશરાજ ફિલ્મ્સ દ્વારા શહરયારને બીજી ત્રણ ફિલ્મોમાં ગીતો લખવાની ઓફર કરવામાં આવી હતી. જો કે, શહરયાર મુંબઈ સ્થાયી થઈને કેવળ ફિલ્મી ગીતકાર બની રહેવા નહોતા માંગતા.
મુઝફ્ફર અલીએ ‘અંજુમન’/ Anjuman બનાવી ત્યારે ફરી એક વાર શહરયારનાં ગીતો લોકપ્રિય થાય એવી શક્યતા ઉભી થઈ હતી, પણ ફિલ્મ ખાસ સફળ ન રહી એટલે ગીતો પર પણ તેની અસર થઈ. આ ફિલ્મનાં ગીતોની વિશેષતા એ હતી કે તેને ખુદ શબાના આઝમી/ Shabana Azmi એ ગાયાં હતાં અને ખૈયામે સંગીતબદ્ધ કર્યાં હતાં. અગાઉ જો કે, શબાનાએ શ્યામ બેનેગલ/ Shyam Benegal ની ‘મંડી’/ Mandi માં ગાયું હતું. આ સાંભળતાં એમ લાગ્યા વિના રહે નહીં કે ગાવાની બાબતમાં પણ શબાના આઝમી કોઈ નિયમીત ગાયિકાની બરોબરી કરી શકે એમ છે.
આ અદભુત ગઝલ શબાના સાથે ભૂપીન્દરસિંગે ગાઈ છે.
'ઝૂની'નું એક દુર્લભ પોસ્ટર |
આવી જ બીજી ફિલ્મ હતી ‘દામન’/ Daaman , જેમાં મનીષા કોઈરાલા/ Manisha Koirala ની મુખ્ય ભૂમિકા હતી. ખૈયામના સંગીતવાળી આ ફિલ્મમાં કુલ છ ગીતો હતાં અને બધાં શહરયારે લખેલાં હતાં. મીરાં નાયર/ Mira Nair ની ફિલ્મ ધ નેમસેક/ The Namesake માં પણ શહરયારે લેખન કર્યું હોવાની માહિતી મળી, પણ એ અંગે વધુ જાણવા મળી શક્યું નથી. કોઈ મિત્ર જણાવશે તો આનંદ થશે.
ઉર્દૂ કવિતામાં શહરયારનું નામ અગ્રણી કવિઓમાં લેવાતું હતું. વખતોવખત તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થતાં રહેતાં હતાં, જેમાં ઈસ્મ-એ-આઝમ, સાતવાં દર, હીજ્ર કે મૌસમ, ખ્વાબ કે દર બંદ હૈ, નીંદ કી કીર્ચેં, ધુંદ કી રોશની વગેરે મુખ્ય છે. તેમની શાયરીના અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયા છે.
જ્ઞાનપીઠ સન્માનનો સ્વીકાર કરતા શહરયાર |
૧૯૮૭માં તેમના સંગ્રહ ‘ખ્વાબ કે દર બંદ હૈ’ ને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યાર પછી ૨૦૦૮માં તેમને સાહિત્યનું સર્વોચ્ચ ગણાતું જ્ઞાનપીઠ સન્માન/ Jnanpith Award મળ્યું ત્યારે આ સન્માન મેળવનારા એ ચોથા ઉર્દૂ સર્જક હતા. અગાઉ આ સન્માન શાયર ફિરાક ગોરખપુરી, લેખિકા કુર્તલૈન હૈદર, શાયર અલી સરદાર જાફરીને પ્રાપ્ત થયું હતું.
છેલ્લા ઘણા સમયથી શહરયાર ફેફસાંના કેન્સરથી પીડાતા હતા. આગવા મિજાજવાળા આ શાયર મુશાયરાઓમાં જવલ્લે જ જતા. તરત મળતી પ્રસિદ્ધિથી એ જાણીજોઈને સલામત અંતર રાખતા હતા. તેમનો દીર્ઘ ઈન્ટરવ્યૂ તેમજ તેમની થોડી બિનફિલ્મી રચનાઓ તેમના દીકરા ફરીદૂન શહરયારના બ્લોગ પર અહીં વાંચવા મળી શકશે.
આ ક્લીપમાં શહરયારને પોતાની કૃતિ રજૂ કરતા જોઈ શકાય છે.
ગણીગાંઠી ફિલ્મો માટે ગીતો લખવા છતાં ગીતકારોની યાદીમાં જેમનો ઉલ્લેખ કરવો જ પડે એવી સબળ કૃતિઓ ઉર્દૂ સાહિત્ય ઉપરાંત પણ આપનાર આ શાયરને હાર્દિક શ્રદ્ધાંજલિ.
(ઝૂનીનું પોસ્ટર અને પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટીનું મહત્વ કેટલું છે તે શહરયારસાહેબનું જીવન દેખાડી આપે છે
ReplyDeleteપ્રિય બિરેનભાઇ,બહુ જ ઓછી માહિતીને સુંદર રીતે પરોવવા બદલ ધન્યવાદ. શહરયાર વિશે આપણે યાદ કરીએ, તો ક્લાસિક ઉમરાવજાન જ યાદ આવી જાય. પછી બીજી ફિલ્મો ય આંગળીને વેઢે ગણી શકાય એટલી જ.પણ મહાનતાનો વ્યાપ એની વિસ્તરણ પરથી નહી, એના ઉંડાણ પરથી જ આંકવો જોઇએ, તો જ સાચું ચિત્ર મળે. ને જથ્થો એની રીતે સાચો, પણ ગુણવત્તાની તો હરિફાઇ જ ન હોય ને..? 'માસુમ' ફિલ્મનું તુઝ સે નારાજ નહી જિંદગી..' એ અનુપ ઘોસાલના અવાજને ભૂલી શકો? એ અનુપે બીજા ક્યાં ગીતો સાંભળ્યા છે,એ કોને ખબર છે? ને ગીત ગાતા ચલ ફિલ્મના ગાયક જસપાલસિંગ જે રીતે ઉલટથી ગાય છે તુઝે ગીતો મેં ઢાલૂંગા સાવન કો આને દો,પછી એણે શું શું ગાયેલું કોઇને યાદ છે,ખરુ? ને કલાને માપવા માટે ક્વોંટિટી નો ઉપયોગ કદી ન થવો જોઇએ.એ સત્ય સુંદર રીતે સમજાવ્યું, એને માટે દિલથી આભાર.
ReplyDeleteशुक्रिया बिरेन जी...आलेख अच्छा लगा। ख़ूबसूरत आलेख के लिए बधाई!!!
ReplyDeleteFantastic !
ReplyDeleteA fine piece. Many accolades to you.
ReplyDeleteશ્રી બિરેનભાઈ,
ReplyDeleteઆ લેખ ઘણો જ સરસ છે. તમને અને શ્રી હરીશભાઈ બન્નેને ગીત-સંગીત જગતની અદ્ભુત્ સેવા બદલ ધન્યવાદ. ગમન (૧૯૭૮) અને ઉમરાવજાન (૧૯૮૧) બન્ને થિએટરમાં રિલીઝ થયા ત્યારે જોયા હતા. ‘દિલ ચીઝ ક્યા હૈ’ તો ત્યારથી આજ સુધી મારું પ્રિય ગીત રહ્યું છે. આ ગીતના શાયર અને તેની અન્ય સિદ્ધિઓ વિશે અન્યત્ર ક્યાંય પણ ઉપલબ્ધ ન હોય તેવી સુંદર માહિતીનો રસથાળ પીરસવા બદલ ઘણો જ આભાર.
-માવજીભાઈ