"એફ.ટી.આઈ.આઈ. (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા)ના નિદેશક બન્યા પછી મેં લીધેલો પહેલવહેલો મોટો નિર્ણય સ્ક્રીન ટેસ્ટ રદ કરવા અંગેનો હતો. અભિનયના અભ્યાસક્રમમાં પ્રવેશ ઈચ્છનાર પ્રત્યેક ઉમેદવાર પાસેથી અપેક્ષા રખાતી કે તેઓ સ્ક્રીન ટેસ્ટ આપે. આથી તેને રદ કરવાનો નિર્ણય ક્રાંતિકારી કહી શકાય એવો હતો, કેમ કે, અત્યાર સુધી આ સંસ્થામાં અપાતા શિક્ષણ પાછળ એ વિચાર હતો કે આનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાવસાયિક હિન્દી ફિલ્મ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવાનો છે. સ્ક્રીન ટેસ્ટનો હેતુ 'સિનેમેટીક દેખાવવાળા' ઉમેદવારને પસંદ કરવામાં પસંદગીકર્તાઓને મદદરૂપ થવાનો હતો. 'સિનેમેટીક દેખાવ'ની સાથે અભિનયની થોડીઘણી પ્રતિભા અને નૃત્યની આવડત હોય તો બીજું શું જોઈએ!
હરીફરીને આલા દરજ્જાના સ્ટાર મટિરીયલની તલાશ રહેતી: સારા દેખાવવાળા અને સહેજ ગ્લેમરસ લોકોની. હિન્દી સિનેમાનું ઘર મુમ્બઈ અને પ્રાદેશિક ફિલ્મોનાં મદ્રાસ તેમજ કલકત્તા જેવાં અન્ય કેન્દ્રો પહેલેથી જ 'ચોકલેટી' યુવા પ્રતિભાઓથી ઠાંસીને ભરેલાં હતાં. આ સંસ્થાએ પોતાની પસંદગીની વ્યક્તિને પસંદ કરીને તેને પ્રશિક્ષિત કરી, તેને આકાર આપવાનો હતો અને ફિલ્મી મોગલો સમક્ષ તેને પેશ કરવાનો હતો; વિદ્યાર્થીઓનું સંસ્થા પ્રત્યે કશું દાયિત્વ નહોતું. મને લાગ્યું કે આ તો બહુ હાસ્યાસ્પદ છે."
"સ્વાભાવિક હતું કે આ પરિવર્તનને કારણે પ્રોફેસર રોશન તનેજા નારાજ થયા. મને એ અંદાજ નહોતો કે મારા આ નિર્ણયનાં પરિણામ તત્કાળ જોવા મળશે. એ વર્ષે અભિનયના અભ્યાસક્રમમાં એક સાવ અલગ દેખાતો વિદ્યાર્થી આવેલો, જે એન.એસ.ડી. (નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા)માં ભણીને આવેલો. લાંબો, અતિશય દુબળો અને બાળપણમાં કુપોષિત હોવાને કારણે ચહેરા પર શીળીનાં ચાઠાંથી આખો ચહેરો ભરેલો. સ્ક્રીન ટેસ્ટની પ્રથા હજી ચાલુ હોત તો પહેલા જ તબક્કામાં તેને કાઢી મૂકવામાં આવત. પણ ઈન્ટરવ્યૂમાં તેણે કમાલનો અભિનય કરીને દેખાડી દીધું કે એ એક અસાધારણ પ્રતિભાશાળી અભિનેતા છે."
"પસંદગી માટે આમંત્રિત જ્યૂરીએ એને તરત નાપસંદ કરી દીધો. એમનું કહેવું હતું કે એ શાનદાર અભિનેતા અવશ્ય છે, પણ એનો દેખાવ ફિલ્મઉદ્યોગમાં કામ કરવા લાયક નથી. હું એ લોકો સાથે અસંમત હતો. મેં કહ્યું, 'એનો દેખાવ એ એની સમસ્યા છે. પણ એનામાં જરા અમથી પણ પ્રતિભા હોય તો આપણું કામ એને પ્રશિક્ષણ આપવાનું છે.' જ્યુરીના સભ્ય અભિનેતા જયરાજે એકલાએ મારી વાતને ટેકો આપ્યો."
"અન્ય સભ્યો પોતાના મત પર મક્કમ રહ્યા કે ફિલ્મઉદ્યોગમાં એનું અપમાન થશે, આપણે એ વિદ્યાર્થીને ધીમે ધીમે સમજાવવો જોઈએ કે એ થિયેટરને જ પોતાની કારકિર્દી તરીકે સ્વીકારે. મારી કારકિર્દીમાં કેવળ એક વાર જ્યૂરીના સભ્યોના મતને અવગણીને મેં એ યુવકને અભિનયના અભ્યાસક્રમમાં લીધો.
પોતાની પેઢીના એક મુખ્ય અભિનેતા તરીકે ઊભરી આવેલા ઓમ પુરીએ પોતાની ક્ષમતામાં મારા વિશ્વાસને સાચો ઠેરવ્યો. આગળ ઉપર 'ગાંધી' અને 'ઈસ્ટ ઈઝ ઈસ્ટ' જેવી ફિલ્મોમાં કામ કરીને તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. વીસ વરસ પછી 'ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ' સ્વીકારતાં તેમણે કહેલું, 'ગિરીશે પરંપરાને હડસેલીને મને સંસ્થામાં પ્રવેશ ન આપ્યો હોત તો આજે હું અહીં ઊભો ન હોત.' તેની આ વાત મને સ્પર્શી ગઈ."
(यह जीवन खेल में: ગિરીશ કર્નાડનાં સંસ્મરણો, મૂળ અંગ્રેજી પુસ્તક 'This life at play'નો હિન્દી અનુવાદ: મધુ બી. જોશી, ૨૦૨૨ )
No comments:
Post a Comment