હિન્દી ફિલ્મોમાં ગાયિકા નૂરજહાંનો પ્રવેશ કરાવવાનું શ્રેય સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરના ફાળે જાય છે. 1942માં રજૂઆત પામેલી 'ખાનદાન'નાં ગીતો અતિશય લોકપ્રિય થયા તેને પગલે અનેક સંગીતકારોએ આ પ્રતિભાશાળી ગાયિકા પાસે ગીતો ગવડાવવા માંડ્યા. શ્યામસુંદર, સજ્જાદ, ફિરોઝ નિઝામી, મીરસાહેબ, કે. દત્તા, નૌશાદ જેવા સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલાં ગીતોએ રસિકોને રીતસર ઘેલું લગાડ્યું.
અલબત્ત, એ હકીકત છે કે આજે નૂરજહાંની ઓળખ મુખ્યત્વે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતો પૂરતી સીમિત થઈ રહી છે (અનમોલ ઘડી), પણ મારા અંગત મતે નૂરજહાંનો સ્વર આ ગીતોમાં સાવ સપાટ છે. તેમના સ્વરની વિશાળ રેન્જ અને તેમની ખૂબી જેવી મુરકીઓ ક્યાંય જણાતી નથી.
1945માં રજૂઆત પામેલી ફિલ્મ 'બડી માં'ની વાત નીકળે એટલે નૂરજહાના ચાહકોને 'ઓહોહો' થઈ જાય, કેમ કે, આ ફિલ્મમાં સંગીતકાર કે. દત્તા (દત્તા કોરેગાંવકર) દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં નૂરજહાંના ગીતો 'આ ઈન્તજાર હૈ તેરા', 'દિયા જલાકર આપ બુઝાયા', 'તુમ હમકો ભૂલા બૈઠે' અને 'કિસી તરહ સે મુહબ્બત મેં ચૈન પા ન સકે'નો જાદુ એવો છે કે એક વાર સાંભળનાર એને કદી વીસરી ન શકે.
1942થી 1948 સુધીનો ગાળો નૂરજહાંના ગાયનનો સુવર્ણકાળ હતો, એ પછી તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયાં. આ જ અરસામાં તેર- ચૌદ વરસની એક કિશોરી પિતાજીના અવસાન પછી પોતાના પરિવાર (ચાર ભાંડરડાં અને માતા)ને ટેકારૂપ થવા માટે ગાયન-અભિનયનું જે કામ મળે એ સ્વીકારતી હતી અને જે આવક થાય એનાથી દિવસો ટૂંકા કરી રહી હતી. નૂરજહાંની નજીકમાં પણ ક્યાંય એ ઊભી રહી શકે એમ નહોતી. પણ પરિવારના એક હિતેચ્છુ વિનાયક દામોદર કર્ણાટકી થકી તેને ગાયન-અભિનયનું છૂટુંછવાયું કામ મળતું રહ્યું હતું.
વિ.દા.કર્ણાટકી માસ્ટર વિનાયક તરીકે જાણીતા હતા, જેમણે દિગ્દર્શીત કરેલી 'બડી માં'માં સંગીતકાર કે.દત્તાના દસ ગીતો હતાં, અને એ પૈકીનાં ચાર આજેય નૂરજહાંની ઓળખ બની રહ્યા છે. (આગળ જતાં આ જ માસ્ટર વિનાયકની પુત્રી હિન્દી ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી બની, જેનું નામ નંદા).
માસ્ટર વિનાયકને કારણે પેલી કિશોરીને પણ આ જ ફિલ્મમાં બે ગીત ગાવાની તક મળી. 'માતા તેરે ચરણોં મેં' અને 'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ'. આ ગીત સમૂહગીત હતાં, જેમાં પેલી કિશોરીની સાથે અન્ય ગાયક/ગાયિકાનો સ્વર પણ હતો.
આ કિશોરીને ધીમે ધીમે કામ મળતું ગયું, અને 1948માં તેનો પરિચય માસ્ટર ગુલામ હૈદર સાથે થયો એ કેવળ તેના જીવનનો જ નહીં, હિન્દી ફિલ્મસંગીતના એક આગવા અને નવા અધ્યાયનો આરંભ હતો. એ કિશોરીનું નામ લતા મંગેશકર.
આ પોસ્ટ પૂરતી વાત એટલી જ કે- 'બડી માં'નાં ગીતો એટલે નૂરજહાંનાં ગીતો એવી જે વાત છે, ત્યારે એ જ ફિલ્મમાં લતાએ ગાયેલાં બે ગીતો પણ હતાં એ જાણીને આનંદ થાય.
(નોંધ:પીળા હાઈલાઈટવાળી ગીતની પંક્તિ પર ક્લીક કરવાથી એ સાંભળી શકાશે.)
બહુ સરસ લેખ. લતા ના બે ગીતો માં તે આપણી લતા જેવી લાગતી જ નથી ! નૂરજહાં ના ગીતો તો અદ્વિતીય છે. ખૂબ ખૂબ આભાર
ReplyDelete:પીળા હાઈલાઈટવાળી ગીતની પંક્તિઓ સાંભળી ,માણી. ધન્યવાદ..
ReplyDelete"બડી મા" ના ગીઓ સમુહગીતો હતાં, તોય તે એમાં પેલી આપણી કિશોરીનો સ્વર ઓળખાય જ જાય.👍🏼👌😊