રાજનેતાઓ ઘડિયાળના કાંટાને ઊંધી દિશામાં ફેરવવા માટે ઉસ્તાદ હોય છે. ચાહે એ ગમે એ દેશના હોય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકામાં જન્મથી મળતા નાગરિકત્વ બાબતે ડંડો ઊગામવાની ચેષ્ટા કરી છે. અમેરિકા દેશ જ દેશાગત લોકોનો છે. પોતાને અમેરિકન મૂળના ગણાવતા લોકો પણ બહારથી આવીને વસેલા છે. આ અગાઉ ટ્રમ્પે અમેરિકાના મૂળ નિવાસી સિવાયનાઓએ માપમાં રહેવું એ મતલબનું નિવેદન કરેલું. ટ્રમ્પ જેવા પ્રમુખ હોય તો કાર્ટૂનિસ્ટો ને કદી વિષયની ખોટ ન પડે.
 |
એક અમેરિકન સામયિકની કવર સ્ટોરી |
મુશ્કેલી જુદી છે. કાર્ટૂનિસ્ટો જે હાસ્યાસ્પદ કલ્પના કરીને વ્યંગ્ય ચીતરે છે એ હવે સમાચાર બનીને, એટલે કે વાસ્તવિકતા બનીને સામે આવે છે. આથી ઘણા સારા કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન પણ ફીક્કાં લાગે એમાં નવાઈ નથી. અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઈન્ડિયન તરીકે ઓળખાય છે. ટ્રમ્પના આવા વલણ સાથે રેડ ઈન્ડિયનોને સાંકળતાં કાર્ટૂન અહીં આપેલાં છે.
 |
ટ્રમ્પ: આવું થશે એ ખ્યાલ નહોતો. Cartoonist: : Bill Bramhall |
 |
રેડ ઈન્ડિયન: એ કહે છે કે આપણે આવ્યા ત્યાં એ આપણને પાછા મોકલવા માગે છે. Cartoonist: Mike Luckovich |
પણ આ અમેરિકામાં આશરે દોઢસો વર્ષ પહેલાં શી સ્થિતિ હતી એ પણ એ સમયના કાર્ટૂન દ્વારા જ જાણવા જેવું છે.
જાણીતા અમેરિકન કાર્ટૂનિસ્ટ જોસેફ કેપ્લરે ચીતરેલું આ કાર્ટૂન ઈ.સ.1880માં અમેરિકન વ્યંગ્ય સામયિક 'PUCK'માં પ્રકાશિત થયું હતું. પહેલાં કાર્ટૂનને ઊકેલીએ અને પછી તેનો સંદર્ભ ચકાસીએ.
કાર્ટૂનમાં એક જહાજ બતાવ્યું છે અને તેની પર સૌને આવકારતા અન્કલ સેમ (અમેરિકાનું પ્રતીક) ઊભેલા છે. કાર્ટૂનનું શિર્ષક છે 'welcome to all' અર્થાત્ સહુનું સ્વાગત છે. જહાજ પર લખ્યું છે 'US Ark of Refuge' એટલે કે 'આશ્રય માટેનું અમેરિકન જહાજ.' જહાજમાં ચડી રહેલા મુસાફરો જોડીમાં છે, એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી એ રીતે. આગળ જ વંચાય એવું પાટિયું માર્યું છે, જેમાં જહાજનાં આકર્ષણ જણાવ્યાં છે. જેમ કે, 'દમનકારી વેરા નહીં, ખર્ચાળ રાજાઓ નહીં, ફરજિયાત લશ્કરી સેવા નહીં, કોરડા કે અંધારકોટડીની સજા નહીં.' એ જ રીતે જહાજના દ્વારે બીજું પાટિયું છે, જેમાં લખેલું છે, 'નિ:શુલ્ક શિક્ષણ, નિ:શુલ્ક જમીન, મુક્ત વાણી, મુક્ત ચૂંટણી, નિ:શુલ્ક ભોજન.' મતલબ સ્પષ્ટ છે કે અમેરિકા વિવિધ લોકોને પોતાને ત્યાં આવકારતાં કહે છે કે અમારે ત્યાં આ નહીં હોય, અને આ હશે.
 |
અન્કલ સેમ: આપ સૌનું સ્વાગત છે. Cartoonist: Joseph Keppler |
આટલું તો એક નજરમાં જ સમજાય એવું છે. કાર્ટૂનિસ્ટની કમાલ આ પ્રતીકમાં અને તેને અનુરૂપ બતાવેલી મુસાફરોની જોડીમાં છે. 'Noah's ark' એટલે કે નોઆના જહાજની પુરાણકથા યહૂદી, ઈસ્લામ અને ખ્રિસ્તી જેવા અબ્રાહમિક ધર્મોમાં બહુ જાણીતી છે. એ મુજબ આદમ અને ઈવના સર્જનનાં કેટલાય વરસો પછી ઈશ્વરને લાગે છે કે લોકો એમનામાં માનતા નથી. આથી હવે પ્રવર્તમાન સૃષ્ટિનો નાશ કરીને નવેસરથી સૃષ્ટિનું સર્જન કરવું પડશે. આ માટે તૈયારી કરવાની જવાબદારી તે નોઆને સોંપે છે. સૌ પ્રથમ તો નોઆ એક વિશાળ જહાજ બનાવે છે. એ પછી તે દરેક જીવની એક એક જોડી (નર-માદા) એમાં ચડાવે છે, જેથી પ્રલય ઓસર્યા પછી નવેસરથી સૃષ્ટિ રચાય ત્યારે પ્રત્યેક જીવ એમાં જન્મીને પાંગરી શકે. (એનું એક કાર્ટૂન પણ મૂકેલું છે)
 |
નોઆ: હવે સાંભળો. આપણે જહાજમાં કક્કાવારી મુજબ ચડવાનું છે. (આ સાંભળીને ઝેબ્રા નિ:સાસો નાખે છે) Cartoonist: Gary Larson |
મૂળ પૌરાણિક કથાની આટલી પૂર્વભૂમિકા પછી પાછા કાર્ટૂન પર આવીએ તો અહીં પણ અન્કલ સેમ નર-માદાની જોડીને જહાજમાં આવકારે છે. એનો અર્થ એ કે આવો, અમારે ત્યાં વસો, અને તમારા પરિવારનો વિસ્તાર કરો.
કોને ખબર, કાકા ટ્રમ્પના પૂર્વજો પણ આવી જ હોડીમાં ચડીને આવ્યા હોય! પણ હવે એ જ ટ્રમ્પ અમેરિકામાં જન્મેલા બાળકોના નાગરિકત્વના હક બાબતે બૂમબરાડા કરે ત્યારે લાગે કે ઘડિયાળના કાંટા તેઓ ઊંધા ફેરવવાની કોશિશ કરી રહ્યા છે.
No comments:
Post a Comment