Tuesday, June 7, 2022

વ્યારાની સાહિત્યપરંપરાને ઉજાગર કરતી પુસ્તકત્રયી

દસ્તાવેજીકરણ બાબતે આપણું વલણ સામાન્ય રીતે ઉદાસીન રહ્યું હોય એવું જોવા મળ્યું છે. જે કંઈ થાય એમાં પણ ધોરણસરનું ઓછું જોવા મળે. એક એક ફોટામાં દસ- બાર- પંદર લોકો કાં એમના એમ ઊભા હોય, કાં હાથમાં કશુંક ચોરસ કે લંબચોરસ પકડીને ઊભા હોય એવા ફોટાઓની ભરમાર મોટે ભાગે આવા પુસ્તકોમાં વધુ હોય છે. આના થકી જે તે સંસ્થા કે વ્યક્તિની તવારીખનો ભાગ્યે જ અંદાજ આવે. આવા કામોમાં ક્યારેક સુખદ અપવાદ જોવા મળે ત્યારે આનંદ થાય. 2018 માં પ્રકાશિત આ પુસ્તકત્રયીનું લેખન-સંપાદન દક્ષાબેન વ્યાસના દ્વારા અને તેમના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.

**** 

કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ ત્રણેક વરસ અગાઉ પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં છે. પુસ્તકત્રયી પૈકીનું પહેલું પુસ્તક છે 'સાંધ્યગોષ્ઠિ'.

વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.

ડૉ. દક્ષાબેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.

વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.

આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.

હોમાય વ્યારાવાલા વિશે વ્યારા ખાતે
'સાંધ્યગોષ્ઠિ'માં દૃશ્યશ્રાવ્ય રજૂઆત 

'સાંધ્યગોષ્ઠ' પુસ્તકમાં આ વાર્તાલાપની નોંધ 

બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનેશ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.

'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.

મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.

****


આ પુસ્તકત્રયીમાંનું બીજું પુસ્તક એટલે 'યાત્રાપથ'. તેમાં 'શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય'નો આશરે 150 વર્ષનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. સમગ્ર તવારીખને દસ સ્તબકમાં વિભાજીત કરી દેવામાં આવી છે, જેને લઈને કયા તબક્કામાં કેટલું કામ થયું તેનો અંદાજ મળી રહે છે. છેક 1944માં કાશીબેન પવાર નામનાં એક બહેને પોતાનું મકાન, તેની ગલી અને વાડાની જમીન સાથે આ પુસ્તકાલયને ભેટ તરીકે આપ્યું હતું. કાશીબેન એક વિધવા હતાં, જેઓ કપડાંવાસણ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. ચાર સંતાનોના ભરણપોષણ અને ઉછેરની તેમને માથે જવાબદારી હતી. એ નિભાવ્યા પછી તેમણે આ નિર્ણય કર્યો હતો.


આવી અનેક બારીક વિગતો આ પુસ્તકમાં આલેખાઈ છે. પ્રત્યેક ગામમાં પુસ્તકાલયની સ્થાપના કરવાની મહારાજા સયાજીરાવ ગાયકવાડની દૂરંદેશી વિચારતાં આજે તેમના પ્રત્યેનો આદર વધતો જાય.
ત્રીજું પુસ્તક છે 'વ્યારાના સારસ્વતો'. પ્રત્યેક ગામ, નગર યા શહેરનું વ્યક્તિત્ત્વ (કે નગરત્વ) તેના રહીશો થકી ઘડાતું હોય છે. મિથ્યા ગૌરવ લેવાની ફેશન આજકાલની કે આપણા પ્રાંત પૂરતી મર્યાદિત નથી. પણ મિથ્યાગૌરવની લ્હાયમાં ક્યારેક સાચું અને વાજબી ગૌરવ લેવાનું વિસરાઈ જતું હોય એમ લાગે. આ પુસ્તકમાં વ્યારામાં જન્મેલા/કાર્યરત એવા 55 સાક્ષરોનો સંક્ષિપ્ત પરિચય સમાવવામાં આવ્યો છે. 'આધુનિકોના આચાર્ય' ગણાતા સુરેશ જોશી વ્યારામાં જન્મેલા, એની જાણ મને આ પુસ્તક થકી થઈ. પરિચયનું ફોર્મેટ પણ નક્કર- નામ, સરનામું, ફોન નંબર, અભ્યાસ, વ્યવસાય, રસનાં ક્ષેત્ર, લેખનનાં ક્ષેત્ર, પુસ્તકો તેમ જ અન્ય આનુષંગિક વિગતો.
આ પ્રકારનાં પુસ્તકો એક સંદર્ભની ગરજ સારે છે.


આ ત્રણે પુસ્તકોના લેખન-સંપાદન બદલ દક્ષાબેન વ્યાસ અને તેમની ટીમ તથા પુસ્તકાલયના કર્તાહર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન અને પુસ્તકોનું સ્વાગત.

No comments:

Post a Comment