Wednesday, June 15, 2022

મરના તો સબકો હૈ, જી કે ભી દેખ લે

 દેવ આનંદની ‘ટેક્સી ડ્રાઈવર’ જોઈ હશે એ સૌ તેમાં કલ્પના કાર્તિક ઉપરાંત શીલા રામાણીને ભૂલ્યા નહીં હોય. ‘દિલ જલે તો જલે’, ‘‘દિલ સે મિલા કે દિલ પ્યાર કિજીયે’, ‘એ મેરી જિંદગી, આજ રાત ઝૂમ લે’ જેવાં આ ફિલ્મનાં ગીતોને પડદા પર મસ્ત અદાથી રજૂ કરનાર શીલા રામાણીનું ૧૫ જૂન, ૨૦૧૫ના રોજ મહુ, મધ્ય પ્રદેશ ખાતે અવસાન થયું. ’૫૦ ના દાયકાની હીરોઈનોની સરખામણીએ ‘બોલ્ડ’ કહી શકાય એવાં પાત્રો ભજવનાર અને વસ્ત્રો પહેરનાર શીલા કેવલરામાણી પડદા પર ‘શીલા રામાણી’ તરીકે જાણીતા બન્યાં. ‘તીન બત્તી ચાર રાસ્તા’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ફન્ટૂશ’, ‘નૌકરી’, ‘રેલ્વે પ્લેટફોર્મ’ જેવી સફળ ફિલ્મોમાં તે ચમક્યાં હતાં. એક પાકિસ્તાની ફિલ્મ ‘અનોખી’માં પણ તેમણે મુખ્ય ભૂમિકા કરી હતી. જો કે, તેમની ફિલ્મકારકિર્દી બહુ મર્યાદિત રહી હતી. લક્સ સાબુની જાહેરખબરમાં પણ તેમણે દેખા દીધી હતી.

જાલ કાવસજી નામના ઉદ્યોગપતિ સાથે તેમણે સંસાર માંડ્યો હતો. લગ્ન પછી તે ઘણો સમય અમેરિકા રહ્યા પછી છેલ્લા વરસોમાં મહુમાં સ્થાયી થયાં હતાં. તે અલ્ઝાઈમરના રોગથી પીડિત હતાં. આ રોગમાં દર્દી વિસ્મૃતિનો ભોગ બને છે. જો કે, સાવ ગણીગાંઠી ફિલ્મોમાં, અને યાદગાર ભૂમિકા તો તદ્દન મર્યાદિત ફિલ્મોમાં કરવા છતાંય આ અભિનેત્રી માનસપટ પરથી વિસ્મૃત થઈ શકે એમ નથી.

તેમના પર ફિલ્માવાયેલું, સાહીર લુધિયાનવીએ લખેલું, સચિન દેવ બર્મને સંગીતબદ્ધ કરેલું, આશા ભોંસલેએ ગાયેલું આ ગીત માણીને તેમની સ્મૃતિને તાજી રાખવાનો નમ્ર પ્રયાસ એ જ તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

શીલા રામાણી પર ફિલ્માવાયેલાં મસ્ત ગીતોમાંથી આ ગીત પસંદ કરવાનું કારણ છે તેમાં અનેક સ્થાને વગાડવામાં આવેલા એકોર્ડીયનના અદ્ભુત પીસ.

1 comment:

  1. અદભુત ગીત છે. સવાર-સવારમાં મજા આવી ગઈ!

    ReplyDelete