‘સર, તમે આ એક કામ ઉત્તમ કર્યું, હોં!’
‘કયું? આજે દેશમાં રહ્યો એ?’
‘એ તો ખરું જ, સર. પણ આ 21 મી જૂનને ‘વર્લ્ડ યોગા ડે’ બનાવી દીધો એ.’
‘ભાઈ, એ તો મારી ફરજ છે. આપણી સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. આપણા લોકો તો છેક ગુફામાં હતા ત્યારથી.....’
‘સર, સર! એક મિનીટ! આપણે દેશમાં જ છીએ.’
‘સોરી! આ તો તમે વખાણ કર્યા એટલે મારાથી રહેવાયું નહીં.’
‘સર, માફ કરશો. આખું વિશ્વ આ બાબતે આપની પ્રશંસા કરતાં થાકતું નથી. પણ અમને ગુજરાતવાસીઓને બહુ મોટી ફરિયાદ છે. આઈ મીન, નારાજગી છે. એટલે કે એક સૂચન છે.’
‘અલ્યા, હું તમને સૂચન કરનારો અને હવે તમે મને સૂચન કરશો?’
‘સર, એટલે એવું નથી. તમે સાંભળો તો ખરા?’
‘લે. પહેલાં તમે સૂચન કરો અને પાછું મને સાંભળવાનું પણ કહો. હું ચાર વરસ બહાર શું ગયો કે મારા બેટા, ફાટીને ધાબે, આઈ મીન, ધુમાડે જતા રહ્યા છો.’
‘સર, એક્ઝેક્ટલી! ધાબાને લગતી જ વાત હતી.’
‘અલ્યા, તમારા બધાના ધાબે આવીને હું પતંગ ચગાવી ગયો છું. ભૂલી ગયા? નીકળી પડ્યા છે પાછા, સૂચનો કરવા.’
‘સર, આપ ધાબે આવ્યા ત્યારે અમે ઓલરેડી પતંગ ચગાવી રાખેલી. આપને તો સહેલ ખાવા જ આપેલી. પણ આપના ગયા પછી દરેક ઊત્તરાયણે પવન સાવ પડી જાય છે. તો અમારું સૂચન એટલું જ હતું કે આ ‘વર્લ્ડ યોગા ડે’ 21 મી જૂને રાખ્યો એને બદલે 14 મી જાન્યુઆરીએ રાખ્યો હોત તો? શું કે અમારે પવન-બવનનો કશો પ્રોબ્લેમ જ નહીં.’
"અમારું સૂચન એટલું જ હતું કે આ ‘વર્લ્ડ યોગા ડે’ 21 મી જૂને રાખ્યો એને બદલે 14 મી જાન્યુઆરીએ રાખ્યો હોત તો? શું કે અમારે પવન-બવનનો કશો પ્રોબ્લેમ જ નહીં.’"👍🏼
ReplyDelete