Thursday, May 26, 2022

ચિંતનની ચિંતા અને ચિતા

શું આપને ચિંતન લખવું છે? અને એ શી રીતે લખવું એની ખબર પડતી નથી? ફિકર નહીં, તમે જેને ચિંતક માનો છો, એવા ઘણાને પણ આ તકલીફ છે. આ સંજોગોમાં માનવ માનવને કામ નહીં આવે તો કોણ આવશે? પતંગિયાં અને પારિજાત?

આપની સુવિધા માટે પ્રસ્તુત છે ચિંતન લખવાની ટીપ્સ.
"પતંગિયું બેઠું. ખરેખર એ બેઠું નહોતું. એ બેસી શકે પણ નહીં. પણ ઉડતું નહોતું એટલે એ બેઠું હતું એમ કહી શકાય. તેને જોઈને પુષ્પ હસ્યું. પુષ્પ ખરેખર હસતું નહોતું. એ હસી શકે પણ નહીં. પણ તેની પર સૂરજનો તાપ પડતો હતો એટલે એ હસતું હતું એમ કહી શકાય. પુષ્પને હસતું જોઈને તેની ડાળી સહેજ ઝૂકી. પુષ્પના હસવાથી ડાળી ઝૂકે નહીં. એ ઝૂકી શકે પણ નહીં. પણ એ વખતે સહેજ પવન આવ્યો એટલે એ ઝૂકી એમ કહી શકાય. પવને ઝૂકેલી ડાળીને કાનમાં કંઈક કહ્યું. પવને ખરેખર ડાળીને કંઈ કહ્યું નહોતું. એ ખરેખર કંઈ કહી શકે પણ નહીં. પણ પંખો ચાલુ થયો એટલે એમ લાગ્યું. પંખાનો સૌથી મહત્વનો હિસ્સો કયો? કહી શકો છો? ના, એની પાંખો નહીં, પણ વચ્ચેનો ગોળાકાર. એ ગોળાકાર ન હોય તો પાંખો શેના આધારે ફરે? પંખો ફરતાં જ ફડફડ કરતો પાનાં ફરવાનો અવાજ આવ્યો. પંખાની સ્વીચ ચાલુ કરનારની નજર હવે પંખા પરથી પાનાં પર ગઈ. પંખાની હવાથી પાનાં ઉડી રહ્યા હતાં. પાનાં ખરેખર ઉડે નહીં. ઉડી શકે પણ નહીં. એ સ્ટેપલર પીનથી બંધાયેલાં હતાં. એટલે આમતેમ ફરી રહ્યાં હતાં."
(બસ, દર ચાર વાક્યે એક નવું પાત્ર ઉમેરતા જાવ. આ થઈ લેખનો ઉપાડ કરવાની ટીપ. તકલીફ અહીં જ છે, આગળ તો સહેલું છે. એક વાર ચિંતન લખવાના ચાળે ચડી જાવ. પછી તમારા માટે અનેક બારીઓ ખૂલી જશે અને તમારી ખ્યાતિ એટલી વધશે કે ‘સાર્થક જલસો’માં એ લેખ નહીં સ્વીકારાય તોય કશો ફરક નહીં પડે.)
****
"રસ્તે જતા વિશાળ હાથીને કોઈ દારૂ પાય તો? તો આખા ગામના દારૂડીયાઓએ તરસે મરવાનો વારો આવે. તરસ પ્રકૃતિનું એક એવું કાવ્ય છે, કે જેને સાંભળ્યા વિના ચિત્કાર નીકળી જાય છે. સુજાતા મહેતાના ‘ચિત્કાર’ કરતાં પણ તેની અસર વધુ પ્રભાવી હોય છે. પ્રભાવી અસરની સામે પ્રચ્છન્ન અસર કોઇને દેખાતી નથી, પણ સમાજમાં રહેલા તાણા અને વાણામાં તે વણાઈ જાય છે, જે સરવાળે એક સેક્યુલર સમાજની રચના કરે છે. સેક્યુલર સમાજ આઈસ્ક્રીમ જેવો નહીં, ફ્રોઝન ડેઝર્ટ જેવો હોય છે. સહરાનું રણ બરફ બનીને થીજી જાય ત્યારે તેની રેતી ફ્રોઝન ડેઝર્ટ થઈ જાય છે. આ બરફને ખોડવા બેસીએ તો વરસોનાં વરસ લાગે છે, તેથી તે પીગળે ત્યાં સુધી રાહ જોવી ઈષ્ટ છે. રાહ જોવા માટે કોઈને ગુરૂ બનાવવા હોય તો બગલાને બનાવી શકાય. બગલાઓ સામાન્ય રીતે ગુરૂ નહીં, ભગત બનવાનું પસંદ કરે છે. ‘ભગત’ અને ‘ભક્ત’માં પણ આઈસ્ક્રીમ તથા ફ્રોઝન ડેઝર્ટ જેટલો ફરક હોય છે."
(અમારા આગામી પ્રકાશિત નહીં થનારા પુસ્તક ‘ચિંતન શીખો 07 દિવસમાં’માંથી ત્રીજા દિવસના પ્રકરણનો અંશ)
****
'ચંદ્રનું હિમ જેવું કિરણ ઝીલીને તેને ડીપ ફ્રીઝરમાં મૂકીને બરફ બનાવી શકાય એવી શોધ હજી થઈ નથી. ઘુવડોને ઉલ્લુ બનાવી શકાતાં નથી, કેમ કે, ગુજરાતનું ઘુવડ હિન્દીભાષી પ્રદેશમાં જાય એટલે તે આપોઆપ ‘ઉલ્લુ’ બની જાય છે. પણ સૂર્યગ્રહણ થાય ત્યારે આ ઘુવડો કશે ગયા વિના, ઘેરબેઠે જ ‘ઉલ્લુ’ બની જાય છે. લોકતંત્રમાં ચૂંટણી એક મહાન ઘટના છે. તેને સૂર્યગ્રહણ સાથે કદી સરખાવી ન શકાય. સૂર્યગ્રહણને ઘણા લોકતંત્રની ચૂંટણી સાથે સરખાવે છે. એમ તો કૃષ્ણે વાળમાં ખોસેલા મોરપીચ્છના રંગોને ઘણા મેઘધનુષ સાથે સરખાવે છે. ગોકુળના ગોવાળિયાઓના ઘરમાં શિકામાં મૂકી રખાતા માખણને ઘણા અમૂલ બટર સાથે સરખાવે છે. ‘અમૂલ’ની ક્રાંતિના પહેલવહેલા સગડ એ રીતે છેક ગોકુળ સુધી પહોંચે છે. કૃષ્ણ અને કુરિયન એક જ કુળનાં નામ છે.'
(ચિંતનના સફળ ટ્રાયલ રન પછી આ બૂસ્ટર ડોઝ. અનુભવે સમજાયું કે ચિંતનમાં પ્રવર્તમાન સમસ્યાઓ અને રાજકારણના પ્રશ્નો સામેલ કરવા જોઈએ.)
****
"થર્મોમીટરમાં પારો ચાલીસથી ઉપર જાય ત્યારે અખબારોની હેડલાઈન બને છે, પણ રોજેરોજ ગેસના ચૂલા આગળ ઉભી રહેતી ગૃહિણી આગળ થર્મોમીટર મૂકી જોજો. એ તો હેડલાઈનની પરવા કર્યા વિના મૂંગે મોંએ પોતાની ફરજ બજાવે છે. થર્મોમીટરના પારાનું જીવનકાર્ય જ ઉપરનીચે થયા કરવાનું છે. એ તેના પોતાના હાથમાં નથી. કેમ કે, કાચને કે પારાને હાથ હોતા નથી. જેને હાથ ન હોય તેને પાંખો આપીને કુદરતે પલ્લું સરભર કરી આપ્યું છે. પ્રાણીઓને આગલા પગ હાથની જગ્યાએ આપેલા છે, એ બતાવે છે કે છેવટે દરેક સજીવને હાથની જરૂર હોય છે.
આ હાથ હલાવતા રહેવું એ આપણું જીવનકાર્ય હોવું ઘટે. હાથ હલાવતો ન હોય એ જીવ જીવતો હોવા છતાં તેને મૃત ગણવો જોઈએ અને એ માટે સિવિલ સર્જનના સર્ટિફિકેટની કશી આવશ્યકતા ન હોવી જોઈએ. કોઈકના હાથ જીવનની યાચના માટે ઉઠેલા હોય, કોઈના એન્કાઉન્ટર માટે, તો કોઈના આ ઘટનાનો અખબારી અહેવાલ વાંચવા માટે! હાથ એના એ જ છે, પણ જે દેહ સાથે એ જોડાયેલા છે તેની મનોવૃત્તિ વિજય માલ્યા જેવી હોય છે. અંદર હોય શું અને બહાર દેખાડે શું! એટલું યાદ રાખો કે મન વિજય માલ્યા છે, તો સંયમ સ્કોટલેન્ડ યાર્ડની પોલિસ હોવો જોઈએ."

(આ ચિંતનક્યુબમાં કેટલીક સાંપ્રત ઘટનાઓનો સમાવેશ કરીને લખનારની સજ્જતા દેખાડવાનો પ્રયાસ કર્યો છે.) 

****

"સર, જુઓ ને. આ દવાઓ તો કેટલી મોંઘી! એ તો સારું છે કે સરકારે જેનેરિક મેડીસીન્સની પહેલ કરી..."
"ભાઈ, તમે અહીં સવારસવારમાં મારી સાથે સરકારી નીતિઓની કે જેનેરીક મેડીસીન્સની વાત કરવા આવ્યા છો? તો સોરી. મારે ઘણું કામ છે. જુઓ, એક તો આજે કોલમનો લેખ મોકલવાની ડેડલાઈન છે. એ લેખ માટે હજી મારે ચાર પુસ્તકો રીફર કરવાના છે. અને..."
"સાહેબ, માફ કરજો. પણ આ જેનેરિક મેડીસીન્સ પરથી એક વિચાર આવે છે."
"ઓહ! તમે યાર, સમજવા તૈયાર જ નથી. ડોન્ચ્યુ નો કે એક કોલમિસ્ટની સવાર કેટલી ટ્રબલસમ હોય છે? એમાંય લેખ મોકલવાની ડેડલાઈનનો દિવસ હોય ત્યારે તમે આ જેનેરિકનો ઘૂઘરો લઈને બેસી ગયા છો."
"સર, સોરી ટુ ટ્રબલ યુ અ લીટલ મોર. પણ મને એમ થાય છે કે જેમ સરકારે જેનેરિક મેડીસીન્સની સુવિધા કરી એ રીતે જેનેરિક ચિંતનકોલમની વ્યવસ્થા કરે તો કેવું?"
"વાઉ! યુ આર મોર ઈન્ટેલિજન્ટ ધેન આઈ એક્સ્પેક્ટેડ. પ્લીઝ, બી સિટેડ. આવો ને. આપણે થોડી ચર્ચા કરીએ એની. પ્લીઝ ટેલ મી મોર અબાઉટ ધેટ. યુ નો, મુખ્યમંત્રી અને હેલ્થ મિનિસ્ટર મારી કોલમ નિયમીત વાંચે છે. તો પ્લીઝ આ આઈડિયાને વિસ્તારથી કહો. સો ધેટ આઈ કેન...."
"સર, જવા દો હવે. મારે મોડું થાય છે. હું તો એટલું જ કહેવા માંગતો હતો કે સરકાર ચિંતનકોલમોને જેનેરિકની કેટેગરીમાં મૂકે તો તમારું નામ એમાં સૌથી પહેલું આવે."

No comments:

Post a Comment