-સુજાત પ્રજાપતિ
(સુજાત એટલે મારા પરમ મિત્ર પરેશ પ્રજાપતિનો દીકરો, જે મારા પછીની પેઢીનો ગણાય. ઈજનેરવિદ્યાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. તેના પરિણામસ્વરૂપ હવે તેણે ‘લાઈન બદલીને’ વહીવટી ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો છે. પણ તેની સાથે થતા રહેતા સતત આદાનપ્રદાનને કારણે તે હવે ભત્રીજો મટીને મિત્ર બની રહ્યો છે. અગાઉ પરેશ પ્રજાપતિએ આ બ્લૉગ પર લખેલા ગ્રહણ-પ્રવાસના અહેવાલ પછી તેના પુત્ર સુજાતનો લખેલો આ વિશેષ અહેવાલ પ્રસ્તુત છે.)
૨૦૨૦માં કોરોના વાઈરસ નવો-નવો ભારતમાં આવ્યો ત્યાર પછી મૃત્યુનો ડર વિચિત્ર સંદર્ભે મારા મનમાં પેસી ગયેલો. કેમ કે, ત્યાં સુધીનું મારું જીવન એ હદે ભણવામાં વીતેલું કે એ સિવાય કશું કરેલું નહિ એમ કહું તો ખોટું નહીં. 'ઐસે જીવન ભી હૈં જો જિયે હી નહીં' એ પંક્તિ મને મારા માટે બંધબેસતી લાગતી. એક વાર અભ્યાસ પૂરો થયા પછી નોકરી મળશે એટલે ગમતાં કામ થશે એમ વિચારીને મારા બધા શોખને મેં રીતસર ટાળી અને ખાળી રાખેલા. આખરે મને નોકરી મળી, પણ એ સાથે જ કોરોનાકાળ શરૂ થયો. મને સતત એમ થયા કરતું કે હજી તો મારા દિવસો શરૂ થયા, અને ક્યાંક કોરોનાની લપેટમાં આવી ગયા તો ‘જિનકો જીને સે પહલે હી મૌત આ ગઈ’નો ઘાટ સર્જાશે. આથી કોરોનાનો પ્રકોપ જરાક ઓછો થયો એટલે નક્કી કર્યું કે આ રીતે નહિ ચાલે. મરીઝનો 'એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે' શેર મને રીતસર ‘વાગ્યો'. એ પછી મેં અઢળક ફિલ્મો જોવાની શરૂ કરી, ગોવામાં સાઈકલ ટ્રેકિંગ કરી આવ્યો, ગમતાં મેગેઝિન્સનાં લવાજમ ભરીને વાંચવાના શરૂ કર્યા.
દરમ્યાન બીરેનકાકા (બીરેન કોઠારી) થકી મને કળાજગતનો થોડો પરિચય થયેલો. મને એમાં રસ પડ્યો હતો, પણ સ્થાનિક આર્ટ ગેલેરીમાં ક્યારેક ચિત્રો જોવા જવાથી આગળ કશું નક્કર કરેલું નહિ. ઇચ્છા હતી કે અભિવ્યક્તિના એક માધ્યમ તરીકે ચિત્રકળાને અજમાવી જોઉં. એ માટે હાથમાં પેન્સિલ લેતાં બહુ ખચકાટ થતો. એવામાં સમાચાર વાંચ્યા કે દિલ્લીમાં ૭થી ૧૦ એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન ચિત્ર પ્રદર્શનોનો બહુ મોટો મેળો યોજાવાનો છે. મેં નક્કી કરી લીધું કે એ મેળો જોવા જવું. ચિત્ર પ્રદર્શનને ચાર જ દિવસની વાર હતી, પણ એક મિત્રે સાથે આવવાની તૈયારી બતાવી એટલે મળ્યું એ ટ્રેનમાં બૂકિંગ મેળવીને અમે બન્ને ઊપડ્યા દિલ્હી. એ અગાઉના બે-ત્રણ દિવસમાં વિવિધ કળાસ્વરૂપો અંગેની પ્રાથમિક માહિતી મેં મેળવી લીધી હતી. અમે દિલ્હી પહોંચી ગયા અને જોતજોતાંમાં મેળાના પ્રવેશદ્વાર પાસે આવી ગયા હતા.
મેળાના પ્રવેશદ્વારે |
દિલ્લીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આ મેળો ભરાયો હતો. તેમાં મોટે ભાગે ચિત્રો ઉપરાંત કેટલાંક શિલ્પ પણ પ્રદર્શિત થયા હતા. કળાના માધ્યમ તરીકે હું હજી સુધી શિલ્પકળામાં પૂરતો રસ લઈ શક્યો નથી. મને અંગત રીતે ચિત્રો જોવામાં વધુ મજા આવે છે.
આ મેળામાં થોડાં શિલ્પ પ્રદર્શિત થયાં હતાંં પણ તેનું પ્રમાણ ઓછું હતું.
હાજરી પૂરાવતાં થોડાં શિલ્પો |
અમે પ્રદર્શન સ્થળમાં દાખલ થયા કે જાણે કોઈ અલગ ગ્રહમાં આવી ગયા હોઇએ એમ લાગ્યું. આવો અનુભવ ગુજરાતની કોઈ આર્ટ ગેલેરીમાં જાઉં ત્યારેય થતો, પણ અહીંનું પરિમાણ અલગ હતું. એક સંપ્રદાયના મોટા ગુરુથી લઈને અતિ ધનાઢ્ય લોકો, કળાના વિદ્યાર્થીઓ, પ્રદર્શન નિહાળવા આવેલા કેટલાક મધ્યમવર્ગીય કળારસિકો, વગેર જેવા વિવિધ શ્રેણીના લોકો આ મેળામાં જોવા મળ્યા. આ બધાની વચ્ચે કેટલાક દેખાવે ધૂની લાગતા માણસો પણ દેખાતા હતા. એમના બોલચાલ કે હલનચલનનો કંઈક અલગ પ્રભાવ પડતો જણાતો હતો. એમાંના ઘણા ચિત્રકાર હતા, જેમનાં ચિત્રો અહીં પ્રદર્શનમાં મૂકાયા હતા.
પ્રદર્શનમાં અંદરનો માહોલ |
અત્યાર સુધી હું મોટે ભાગે એવા એકલ કે સમૂહ પ્રદર્શનોમાં ગયો છું, જ્યાં સંખ્યાની રીતે ચિત્રો ઓછા હોય.. અહીં ૩૫૦૦થી વધુ ચિત્રો પ્રદર્શિત થયેલા હોવાનું કહેવાતું હતું. તેમને સ્ટોલમાં જથ્થાબંધ મૂકવામાં આવેલા. આર્ટ ગેલેરીને આધારે, એ સિવાય પણ ત્રણ-ચારના જૂથમાં, તો ક્યાંક ચિત્રકાર દીઠ પણ સ્ટોલ ફાળવવામાં આવેલા.
વિવિધ સ્ટોલમાં પ્રદર્શિત ચિત્રો |
અમે પહેલા સ્ટોલથી વારાફરતી ચિત્રો જોવાનું શરૂ કર્યું, અને ‘વાહ’, ‘સરસ’, ‘જોરદાર’, ‘ઓહો’ જેવા ઉદગાર નીકળતા ગયા. કેટલાક વાસ્તવદર્શી ચિત્રો એટલા વાસ્તવિક લાગે કે કોઇ ફોટો પણ આટલી આબાદ વિગતો ભાગ્યે જ ઝીલી શકે. કેટલાક અમૂર્ત ચિત્રો એવા જટિલ ભાવ વ્યક્ત કરતા હતા કે તેને શબ્દોમાં વ્યક્ત કરવા વિસ્તૃત નિબંધ સિવાય ચાલે નહિ.
મનોજ સ્વૈન વ્યવસાયે સોફ્ટવેર એન્જીનિયર છે. સાથે તેઓ ચિત્રો પણ દોરે છે. તેમનું 'વસંતસેના' શીર્ષકનું એક કેન્વાસ, જે તેમણે એક્રેલિક રંગોથી તૈયાર કરેલું છે. 'મૃચ્છકટિકમ્'ની નાયિકા વસંતસેનાનું એ આલેખન હતું.
વસંતસેના |
ચિત્રોને કળા તરીકે મૂલવવામાં હું તદ્દન શિખાઉ છું. પહેલી નજરે ચિત્ર શું કહી રહ્યું છે, તે ઉકેલવાનો હું પ્રયત્ન કરતો, પછી તેનું માધ્યમ ઓળખવાનો પ્રયત્ન કરતો. ઓઇલ કલર છે કે વોટર કલર, એનો તુક્કો ઘણી વાર ખોટો પણ પડતો. મોટા ભાગનાં ચિત્રોનું માધ્યમ કયું છે તે લખેલું રહેતું, આથી સાચો જવાબ મળી રહેતો. એ પછી હું કેટલીક રેખાઓ પાછળની વિચારપ્રક્રિયા કેવી રહી હશે, એ બનાવતાં ચિત્રકાર શું વિચારી રહ્યા હશે, વગેરે કલ્પનાઓ કરતો. મને ચિત્રમાં ઘણી વાર કશી ખબર પડતી ન હોય, પણ આ બધું ઉકેલવામાં ચિત્રને ધારીને જોઇ રહ્યો હોઉં, અને બે-પાંચ મિનિટ નીકળી જાય. એક ભાઈ ત્યાં પ્રદર્શન જોવા આવેલા, કળારસિક તરીકે કદાચ મારા કરતાં જુનિયર (નવા) હશે, એ મને બોલાવીને કહે, 'આપ ધારી-ધારીને પેશનેટલી ચિત્રને નીહાળી રહ્યા છો એ બહુ પ્રેરણાદાયક છે. ચિત્રકારના કામને તમે પૂરેપૂરો ન્યાય આપી રહ્યા છો. ચિત્ર જોતી વખતે શું-શું જોવું જોઇએ, એ મને પણ શીખવશો? મારે પણ એક ખરીદવું છે.' મને મનોમન હસવું આવી ગયું, જરાક ક્ષોભ પણ થયો. મારા મિત્રે મને બચાવી લીધો. એણે એ ભાઈને કહ્યું, 'તમે ચિત્રની સામે ઊભા રહો, અને તમારા હૃદયને એની સાથે વાત કરવા દો. ચિત્રને જોઇને દિલમાંથી અવાજ આવે કે ‘વાહ!' તો પછી રંગ-રૂપ-રેખા કશું મહત્વનું નથી. તમે એ ચિત્ર ખરીદી લેજો.' ‘બહુ ઊંચી’ વાત સાંભળવા મળી એમ જાણીને તૃપ્ત થયેલા પેલા સજ્જન અન્ય સાથે વાતે વળગ્યા. હું ચિત્રો જોવામાં આગળ વધ્યો.
મુંબઈની રિધમ આર્ટ ગેલેરી, કલકત્તાનું શાંતિનિકેતન, વગેરે બહુ જાણીતી આર્ટ ગેલેરીના ચિત્રો પણ પ્રદર્શનમાં મૂકાયા હતા. માનવદેહ ચિત્રકળાની રીતે એવો આકાર ગણાય છે કે તેમાં તમામ રેખાઓ-વળાંકો આવી જાય. આ કારણે કળાનાઅભ્યાસક્રમમાં માનવશરીર દોરવાનું સૌથી પહેલું શીખવવામાં આવે છે. પ્રદર્શનમાં સામાન્ય રીતે નગ્ન દેહનાં ચિત્રો ઘણાં જોવા મળે, જેને જુદી જુદી રીતે ચિત્રકારો પ્રયોજતા હોય છે.
શાંતિનિકેતનનો સ્ટૉલ |
ચહેરાના હાવભાવ વિના પણ મોહી લેતું આ ચિત્ર મને બહુ ગમ્યું. ચહેરા પૂરતી એમાં હુસેનસા'બની શૈલીની ઝલક જણાઈ.
લાતુરની ચિત્રકાર શ્વેતાએ દોરેલી કેટલીક સુંદરીઓ.
ગૂઢ ભાવ વ્યક્ત કરતા સાધુઓ.
ઘોડાનાં બે ચિત્રો, જેમાં પહેલું મનોજ સ્વૈનનું છે.
બીજું લાઈફ-સાઈઝ પેઇન્ટિંગ ઓમ થાડકરે દોરેલું છે.
નિધિ ભાટિયાએ તૈયાર કરેલા ઓઇલ પેઇન્ટિંગ્સ જોવાની બહુ મજા આવી. એમણે લિનન પર ચિત્રો તૈયાર કર્યાં હતાં.
આ ચિત્ર જોતા જ દંગ રહી જવાય એટલું સુંદર છે. તેની વિગતો નોંધવાની રહી ગઈ, પણ ચિત્ર ચૂકી ન જવાય એ માટે અહીં મૂક્યું છે.
ચિત્રકાર માધવીએ વોટર કલરથી તૈયાર કરેલું શ્રીલંકામાં સૂર્યાસ્તનું ચિત્ર.
Art should cofort the disturbed and disturb the comfortable. (કળા વ્યગ્ર મનને રાહત આપવી જોઈએ, અને શાંત મનને વ્યગ્ર કરવી જોઈએ)આ કથનને સાર્થક કરતું દેબોપ્રિયો ચેટરજીનું આ ચિત્ર બે યુવતીઓ વચ્ચેની અંગત ક્ષણ દર્શાવે છે. તે કેન્વાસ પર ઓઇલ રંગો વડે તૈયાર થયું છે. તેનું શીર્ષક છે, ચુંબન. ચિત્રમાં પ્રેમ અને સમાજ, સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે ફસાયેલું યુગલ દર્શાવાયું છે. પશ્ચાદભૂમાં યૌવનસહજ આવેગનો રંગ એ જ ધિક્કારનો રંગ પણ છે. પ્રેમ કરવાની સ્વતંત્રતા માટે લડાઈ હજી ચાલુ છે.
હાથીના ટોળામાં.
સદાશિવ સાવંતના પેન્સિલ સ્કેચ મન મોહી લે એવા હતા. એમાં એમણે ચારકોલનો પણ ઉપયોગ કર્યો હતો. પહેલા ચિત્રનું શીર્ષક છે તૃપ્તિ, જ્યારે બીજા ચિત્રનું શીર્ષક છે ‘અમોરા’, જેનો ફ્રેન્ચમાં અર્થ પ્રેમ થાય છે.
સ્ટોલ પર હાજર ચિત્રકારો પૈકીના ઘણાં એટલા વિનમ્ર હતા કે આપણને આવકાર આપે, અને તેમના ચિત્રને લગતી બે વાતો પણ કરે.હું ચિત્રકારોને એમના ચિત્રોના ફોટો લેવા વિશે પૂછું, તો પ્રેમથી મને ફોટો લેવા દેતા. અમે છેક વડોદરાથી પ્રદર્શન જોવા આવ્યા હતા એ જાણીને તેઓ આનંદ વ્યક્ત કરતા. દિલ્લીના એક ચિત્રકાર ઈન્દ્રજીત ગ્રોવરે બનારસમાં ગંગા કિનારે ઘાટનાં સરસ ચિત્રો બનાવ્યાં છે. એમણે મને એમના ચિત્ર સાથેનું એક કાર્ડ ભેટ આપ્યું, અને ઓટોગ્રાફ પણ કરી આપ્યો.
મને આલિશા ઠાકુરનું એક ચિત્ર ગમ્યું. હું એને ક્લિક કરતો હતો, ત્યાં એમણે સામેથી ઓળખ આપીને વાત શરૂ કરી. મને એમાં શું ગમ્યું, મેં ચિત્રમાં શું જોયું, એમણે ખરેખર શું દોરેલું છે, એમણે કેટલો સમય એ ચિત્ર પર કામ કર્યું છે, એ વિશે અમારે વાતચીત થઈ. મને પહેલી દૃષ્ટિએ બેકગ્રાઉન્ડ વોટર કલરનું લાગ્યું હતું, પણ એમણે આખું ચિત્ર એક્રિલિક રંગોથી તૈયાર કરેલું. મને એમાં કોઇ ગિરિમાળા દેખાઇ, પણ એમના ચિત્રનું શીર્ષક હતું- Set in Desert. મેં ચિત્ર પાસે એમને ઊભા રહેવા વિનંતી કરીને ચિત્ર સાથે એમનો ફોટો લીધો.
આલિશા ઠાકુર |
કેટલીક મોટી આર્ટ ગેલેરી સાથે સંલગ્ન ચિત્રકારોનો અલગ પ્રભાવ પણ જોવા મળ્યો. તેઓ એમના ચિત્રોની ખરીદી બાબતે મોટી-મોટી રકમોની ભાવતાલમાં પડ્યા હોય, અને આપણે એમના સ્ટોલ પર જઈએ તો એની નોંધ સુદ્ધાં લેવાની એમને ફુરસદ ન હોય. જો કે તેઓ અવિવેકી હતા એમ ન કહી શકાય. મેળો કેટલેક અંશે ગ્રાહકકેન્દ્રી હતો એમ પણ મને લાગ્યું. દેખાવે ધનિક લાગતા સંભવિત ગ્રાહકો, કળાસંગ્રાહકો કે પત્રકારો સાથે ચિત્રકારો બહુ રસપૂર્વક અને ઉત્સાહથી વાત કરતા. કોઇ ચિત્રકાર એવા પણ હોય, જે સમજી જાય કે સામેવાળાને ચિત્રમાં રસ છે, પણ ખરીદશે નહિ, તો બહુ ભાવ ન આપે એમ પણ બનતું. આ વર્તન તદ્દન સહજ અને સમજી શકાય તેવું હતું. કેટલાક ચિત્રો પર તે વેચાઈ ગયું હોવાની જાણ કરતું સ્ટીકર મારેલું હતું.
સ્વરાજ દાસનું એક ચિત્ર, જેની કિંમત સાડા છ લાખ રૂપિયા હતી.
અયાન ચક્રવર્તીનું આ ચિત્ર વેચાઈ ચૂક્યું હતું.
પ્રદર્શિત ચિત્રો સંખ્યાની દૃષ્ટિએ ઘણાં હતા. હું એક ચિત્ર જોવામાં જેટલો સમય લઉં, એ પરથી મને અંદાજ હતો કે બે દિવસ ત્યાં જશે. અહીં ચિત્રકારોને સ્ટોલ ફાળવાયેલા હોય એમાં તેમનું એક ચિત્ર જોયા પછી એ જ શૈલીનું બીજું ચિત્ર હોય તો જોવામાં વધુ વખત ન જાય. ઘણાં સ્ટોલમાં વિષયવસ્તુ અલગ, પણ એક જ શૈલીનાં પાંચ-સાત ચિત્રો હોય એમ પણ બનતું. આથી કારણે ધાર્યા કરતાં ઝડપથી ચિત્રો જોવાઇ ગયાં. એક જ દિવસમાં અમે આખું પ્રદર્શન ફરી લીધું, અને બીજો દિવસ વધી પડ્યો.
અહીં નિમિષ જૈને અલગ-અલગ વિષયો પર ચિત્રો તૈયાર કર્યા છે, પણ તેમની શૈલી સરખી છે.
બધું જોઇ રહ્યા પછી છેલ્લે એક સ્ટોલ પર ચિત્રકામને લગતી વિવિધ સામગ્રી વેચાતી હતી. મારે થોડા વખત પહેલાં બીરેનકાકા સાથે વિવિધ શોખ સંદર્ભે વાત થયેલી. એમણે એક મિત્રનું ઉદાહરણ આપેલું, જેમને માઉથ ઓર્ગન વગાડતાં શીખવાની બહુ ઇચ્છા હતી, પણ કદી એને પ્રયોગમાં ન મૂકી શક્યા. આ વાદ્યને ખરીદી લાવવામાં છેલ્લી ક્ષણે એ સંકોચમાં રહી જતા. ત્યારથી અમારી હળવી મજાકમાં એ મુદ્દો સંદર્ભબિંદુ બની રહ્યોછે. કોઇને ડાયરી લખવી હોય, પણ લખવાનું શરૂ ન કરી શકે તો અમે એને ‘ફલાણાકાકાનું (નહિ ખરીદાયેલું) માઉથ ઓર્ગન’ તરીકે ઓળખીએ. આ મેળા-કમ-પ્રદર્શનમાંથી મને એટલી પ્રેરણા મળી રહી કે હું ચિત્રકળાને મારું માઉથ ઓર્ગન નહિ બનવા દઉં. મેં સ્ટોલ પર જઈને એક સ્કેચબૂક ખરીદી લીધી. આવા પ્રદર્શનમાં હાજરી આપી હતી, એની યાદગીરી તરીકે પણ સ્કેચબૂક સાથે રહેશે. ચિત્ર દોરવાનું હું ભલે ગમે ત્યારે શરૂ કરું કે ન કરું, પણ સ્કેચબુક ખરીદવાની આળસે એ પાછું ન ઠેલાય એની જાતને આપેલી આ ખાતરી કહી શકાય.
મેળામાં એક વાર તો રોમાંચને વશ જઈ આવ્યો, પણ ખાસ પ્રદર્શન માટે ૧૦૦૦ કિમી દૂર જવું એ મારા માટે પણ એક અખતરો હતો. હવે મારે એ નક્કી કરવાનું છે કે આટલે દૂર જઈને આવી મુલાકાતો આર્થિક અને સમય ખર્ચની રીતે વાજબી ગણાય કે કેમ? મને આમાં મજા એટલી બધી આવી કે મને ત્યાં જવું વસૂલ લાગ્યું. આવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા રહેવાનું નક્કી કર્યું છે. ‘માઉથ ઓર્ગન’ વગાડતાં ફાવે કે ન ફાવે, પણ એને ખરીદીની વસાવવું અને એનો અખતરો કરવો જ, એટલું પેલા ‘કાકા’ પાસેથી શીખવું જ રહ્યું!
(તમામ તસવીરો: સુજાત)
જ્યારે પ્રથમવાર અમારી મુલાકાત થઈ ત્યારથી આજ સુધી મારી અને અન્યોની ઘણી સલાહો મુજબ સુજાતે પોતાની જાતમાં ઘણા સુધારા અપનાવ્યા છે અને એ વાતનો મને મારા મિત્ર પર ગર્વ છે. સુજાતની સાથે દિલ્હી જવામાં મારો હેતુ બસ એટલો જ હતો કે હું રખડી શકું બાકી કળારસિક તરીકે મને શૂન્ય જ ગણવો રહ્યો. પણ હવે વિચારું છું કે આટલો મહાન મિત્ર મારી પાસે છે તો થોડોક લાભ ઉઠાવી લઉ. સુજાત એવું કહે છે કે મને કોઈ સાહિત્યિક રચના લખતા નથી આવડતી પણ આ વાંચ્યા પછી લગે છે કે સુજાતે મારે મેન્ટોર બનાવવો પડશે.
ReplyDeleteખુબ સરસ, સાહિત્યમાં રસ છે કે નથી તે ખબર નથી,પણ બ્લોગ સાહિત્યથી પ્રચુર છે.
ReplyDeleteNice article.
ReplyDeleteસરસ રજૂઆત છે. કદમ માંડવાની શરૂઆત એટલે અડધો રસ્તો કપાઈ ચૂક્યો ગણાય, પરંતુ અડધો રસ્તો તય કરવાનો બાકી છે - તે તરફ મક્કમ ડગ મંડાય એવી મંગલ કામના.
ReplyDelete