ગુડ્ઝ ટ્રેન મારા માટે બહુ વિસ્મયનો વિષય રહ્યો છે. આજે ગુડ્ઝ ટ્રેનમાં મોટા ભાગે રંગબેરંગી, છતાં એક જ આકારના લંબચોરસ કન્ટેનરો મૂકાયેલાં જોઈને મને અતીતરાગ અનુભવાય છે કે - અહાહા! શું અસલના જમાનાની ગુડ્ઝ ટ્રેનો આવતી!
એક જ ગુડ્ઝ ટ્રેનમાં કેટકેટલું વૈવિધ્ય! લંબચોરસ વેગન, લંબગોળ ટેન્કર, ક્રેન સાથેનાં વેગન, ક્યાંક સાવ સપાટ ભાગ.....! પહેલવહેલી વાર 'સફારી'માં ગુડ્ઝ ટ્રેન વિષેની ક્વીઝ વાંચી ત્યારે રોમાંચિત થઈ જવાયું હતું કે જે અક્ષરો કે લખાણો આપણે સાવ કુતૂહલભાવે વાંચતા આવ્યા છે તેનો ખરેખરો અર્થ શો થાય છે.
કોઈ પણ સ્ટેશન પર ગુડ્ઝ ટ્રેન સર્પાકારે એ રીતે પડી રહી હોય કે જાણે સદીઓ સુધી હાલવાની ન હોય. તેમાંનો ગાર્ડનો ડબ્બો મોટે ભાગે પ્લેટફોર્મથી ખાસ્સો છેટે હોય. એ ડબ્બામાં માત્ર એક પતરાની બેઠક અને ટોઈલેટ સિવાય કશું જ ન હોય. આવામાં ગાર્ડનો સમય શી રીતે પસાર થતો હશે? આ વિચાર મને પહેલેથી સતાવતો રહ્યો છે, પણ કદી કોઈ ગાર્ડ સાથે મુલાકાત થઈ નથી, એટલે હજી તેનો જવાબ મળ્યો નથી. આજે મોટે ભાગે એન્જિન ડ્રાઈવર અને ગાર્ડ સાથે વૉકી ટૉકી હોય છે, પણ એ નહોતી ત્યારે બન્ને શી રીતે વાત કરતા હશે?
અમારા મહેમદાવાદ જેવા નગરમાં તો સ્ટેશન એક ફરવા જવાનું સ્થળ હતું. તેથી ગુડ્ઝ ટ્રેન પસાર થાય ત્યારે તેના 'ડબ્બા' ગણવાની રમત સહુ કોઈ રમતા. અમુક ગુડ્ઝ ટ્રેન વિદ્યુત એન્જિન દ્વારા ખેંચાતી હોય અને અમુક ડીઝલ એન્જિન દ્વારા અને બેયના અવાજ જુદા જુદા આવે. એકધારા લયમાં પસાર થતી ગુડ્ઝ ટ્રેનમાં વેગન, ટેન્કર કે ખાલી ભાગવાળો 'ડબ્બો' પસાર થાય ત્યારે બદલાતો અવાજ પણ બહુ વિશિષ્ટ હોય છે.
ગુડ્ઝ ટ્રેનને ઘણા 'ભારખાનું' કે 'માલગાડી' કહે એ સાંભળીને જાણે કે તેને ઉતારી પડાતી હોય એમ લાગે. મહેમદાવાદથી વડોદરા આવતાં એક વખત મહેમદાવાદ સ્ટેશને પડી રહેલી ગુડ્ઝ ટ્રેનને જોયા પછી તેને ક્લીક કરી એ કદાચ મેં પાડેલો ગુડ્ઝ ટ્રેનનો પહેલવહેલો ફોટો હશે. મને ખ્યાલ નથી કે કોઈ ફોટોગ્રાફરે આ વિષય પર કામ કર્યું છે કે કેમ, પણ આ બહુ રસપ્રદ વિષય બની શકે એમ છે.
મણિરત્નમ દિગ્દર્શીત 'દલપતિ' ફિલ્મના આરંભિક દૃશ્યોમાં ગુડ્ઝ ટ્રેનનાં દૃશ્યો અદ્ભુત રીતે ઝડપાયાં છે. રસ હોય એ મિત્રો અહીં જોઈ શકશે. મૂળ તમિલ ફિલ્મનું અહીં તેલુગુ વર્ઝન મૂક્યું છે. આ ક્લીપમાં 2.08 થી ગુડ્ઝ ટ્રેન પહેલી વાર દેખાય છે અને પછી ફિલ્મના ટાઈટલમાં પણ તે સતત દેખાય છે.
અહાહા! શું અસલના જમાનાની ગુડ્ઝ ટ્રેનો આવતી!
ReplyDelete