Tuesday, May 3, 2022

ધ રાજા

૧૯૯૩માં દક્ષિણ ભારત (કર્ણાટક, કેરળ, તમિલનાડુ)ના સ્વઆયોજિત પ્રવાસે જવાનું બન્યું ત્યારે ત્યાં ફરતાં અનુભવ્યું કે ઠેરઠેર ગીતો વાગતાં સંભળાય છે, પણ તેમાં ક્યાંય હિન્દી ફિલ્મી ગીતો નથી. વાગતાં ગીતો તમિલ, તેલુગુ કે મલયાલમમાંથી કઈ ભાષામાં છે એ પણ સમજાતું નહોતું. અમુક હોટેલના રૂમમાં ચેનલ મ્યુઝીકની વ્યવસ્થા હતી. ત્યાં પણ આ જ ગીતો. એ ગીતોને બંધ કરી દેવાને બદલે એને સાંભળવાની ટેવ પાડવાનું નક્કી કર્યું, તો એમાંથી બે ગાયકોના સ્વર ઓળખી શકાયા. એક એસ.પી.બાલાસુબ્રમણ્યમ અને બીજા કે.જે.યેસુદાસ. એ સિવાયના ગાયક-ગાયિકાઓ વિષે કશો જ ખ્યાલ નહોતો, અને આ બન્નેનો ખ્યાલ એટલે હતો કે તેમણે હિન્દીમાં ગીતો ગાયેલાં. હોટેલવાળા સાથે સૌથી મોટી સમસ્યા ભાષાની. સંગીતકાર ઈલયા રાજાનું નામ કાને પડેલું, પણ એ માયા કેવી છે એ ખબર નહોતી. ત્યાં મળતી કેસેટનાં નામ ત્યાંની લિપિમાં લખાયેલાં હોય અને એમાંનો એક અક્ષર પલ્લે ન પડે, અને બીજી કશી ખબર ન હોય એટલે પૂછવું કોને?

કોડાઈકેનાલ પહોંચ્યા અને ત્યાં ચારેક દિવસ રહેવાનું હતું. ત્યાં એક કેસેટ શોપ જોઈ. લાગ્યું કે પ્રવાસન સ્થળ હોવાથી દુકાનદારને હિન્દી ફાવતું હશે. તેને પોતાને હિન્દી બોલતાં ખાસ નહોતું ફાવતું, પણ સદભાગ્યે અમારું હિન્દી સમજાતું હતું. અમે તેની પાસે એવી કેસેટ માંગી જેમાં ઈલયા રાજાનાં વિવિધ ગીતોનું આલ્બમ હોય. એ અમને સીંગલ ફિલ્મની કેસેટ લાવીને બતાવે અને અમે એને એકબે ફિલ્મની નહીં, 'બેસ્ટ ઑફ ઈલયારાજા' અથવા એવા કોઈ આલ્બમ વિષે પૂછીએ. લમણાઝીંક બહુ ચાલી, પણ તેની દુકાનમાં એટલી બધી કેસેટ હતી કે માથાકૂટ પડતી મૂકવાનું મન ન થાય. અમે 'આલ્બમ' શબ્દ વાપરતા એ વારેવારે સાંભળીને અચાનક એના મનમાં કંઈક બત્તી થઈ અને એ કોઈક રેકમાંથી બે કેસેટ લઈ આવ્યો. એ ફિલ્મોની નહોતી, પણ ઈલયા રાજાનાં બે આલ્બમ હતાં, જેનાં નામ હતાં 'Nothing but wind' અને 'How to name it'. ઈન્લે કાર્ડ વાંચ્યું તો તેમાં 'You cannot be free', 'Chamber welcomes Thiagraja', 'I met Bach in my house' જેવાં નામ લખેલાં હતાં, જે શું હશે એની અટકળ સુદ્ધાં કરી શકાય એમ ન હતી.


ઘેર આવીને એ કેસેટ ચડાવી અને એનો જે નશો ચડ્યો છે! આ બન્ને આલ્બમ ઈન્ડીયન-વેસ્ટર્ન સંગીતનાં ફ્યુઝનનાં ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ હતાં. ભારતીય સંગીતમાં વિશેષ કરીને કર્ણાટકી સંગીત. તેમાં શબ્દો ક્યાંય નહોતા. વિવિધ પ્રકારનાં વાદ્યો કંઈક અજબ સંયોજનથી બજતાં અને એ સાંભળતાં સ્તબ્ધ થઈ જવાતું. એ અગાઉ કે એ પછી પણ સિમ્ફની સાંભળવાનું ખાસ બન્યું ન હતું, પણ આ બન્ને કેસેટો અનાયાસે હાથ લાગેલા ખજાના જેવી હતી.
કેસેટ સાંભળવાનું હવે બંધ થઈ ગયું છે, પણ યૂ ટ્યૂબ પર મોટા ભાગનું સુલભ છે. આ બન્ને આલ્બમની અલગ અલગ આઈટમો યૂ ટ્યુબ પર આ જ નામથી મૂકાયેલી છે, જેની લીન્‍ક ઉપર આપેલી છે. 
ઈલયા રાજાના સંગીતના પ્રેમમાં પડવા માટે આ પૂરતાં થઈ પડે એમ છે.

No comments:

Post a Comment