Monday, May 2, 2022

ગો.મા.ત્રિ.ની ટપાલટિકિટ નિમિત્તે

(27 એપ્રિલ, 2016ના રોજ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના નામનું ફર્સ્ટ ડે કવર ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું. એ નિમિત્તે કેટલાક કાલ્પનિક સંવાદ) 


 દૃશ્ય ૧

'આ ગોરધનભાઈ કોણ છે, યાર? બહુ મોટા માણસ હતા?'
'એવું જ હશે. એમના નામની ટપાલટિકીટ એમ ને એમ બહાર પડે?'
'ટપાલટિકીટ તો ગમે એના નામની બહાર પડી શકે એવી વ્યવસ્થા સરકારે કરી છે. બોલો, તમારી પાડવી છે?'
'ના, ભઈ. જવા દે ને! મારા ફોટા પાછળ લોકો થૂંક લગાવે એ મને પસંદ નથી.'
'હા, ભાઈ, હા. લોકો તમારા ફોટાની ઉપર થૂંકે એ રીતે તમે ટેવાયેલા છો.'

દૃશ્ય ૨
'હેય ડ્યુડ! હુઝ ધેટ ગોમેટ્રિ? આઈ સપોઝ ઈટ શુડ બી જ્યોમેટ્રી!'
'ચીલેક્સ, બ્રો! હી વૉઝ અ ગુજ્જુ રાઈટર. એમણે સરસ્વતીદેવીની નોવેલ લખેલી.'
'યુ મીન, પેલી ટીવી પર આવતી હતી એ?'
'એક્ઝેક્ટલી ધ સેમ! સંજુભાઈવાળી!'
'ઓહ રીયલી? યાર, આઈ ગૉટ મિસ્ગાઈડેડ. થોડી વાર જોઈ તો મને લાગ્યું કે ઈટ્સ બાય એકતા કપૂર. શીટ! આઈ મિસ્ડ એન અનધર એપિક ઑફ સંજુભાઈ!'

દૃશ્ય ૩
ક: 'ગોવર્ધનરામભાઈ, અભિનંદન! તમારી ટપાલટિકિટ બહાર પડી ને કંઈ! મેં લખેલું ને 'જ્યાં જ્યાં નજર મારી પડે, યાદી ભરી ત્યાં આપની!' એ તમને આટલા વરસે લાગુ પડશે એ મને ખુદને ખ્યાલ નહોતો.'
ગો: 'દુ:ખી હું તેથી શું, સુખી હું તેથી શું, સુરસિંહજી!'
મ: 'આવું કહ્યું ત્યાં શિર શૂળ ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું..'
ક: 'કંઈ સમજાય એવું કહો, મણિશંકરભાઈ!'
મ: 'એવું છે, બાપુ, કે ગોવર્ધનરામભાઈની ટપાલટિકિટ એ સમયે બહાર પડી છે કે જ્યારે ટપાલોનો ઉપયોગ નહીંવત થઈ ગયો છે. જ્યાં એ થાય છે, ત્યાં ફ્રેન્કીંગથી સ્ટેમ્પ મારવામાં આવે છે. ઈ-મેલ પર આ ટિકીટ લગાવી શકાય નહીં. એટલે ગોવર્ધનરામભાઈ દુ:ખી પણ છે ને આનંદમાં પણ છે.'
ક: 'આહા! કિંતુ કળ ઉતરી ને આંખ તો ઉઘડી એ.'

(ક કલાપિ, ગો= ગોવર્ધનરામ ત્રિપાઠી, મ= મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્‍ત') 

No comments:

Post a Comment