Sunday, May 29, 2022

એક મલ્ટીબોધ કથા

એક તળાવમાં બે બગલા અને એક કાચબો રહેતા હતા. એક વાર ઉનાળામાં તળાવનું પાણી સૂકાવા માંડ્યું. તેથી બન્ને બગલાઓએ ઉડીને બીજે રહેવા જવાનું નક્કી કર્યું. કાચબાએ કહ્યું, ‘હું આવું તમારી સાથે?’ બગલાઓએ કહ્યું, ‘તું આવે એનો વાંધો નથી, પણ તું બહુ વાતોડીયો છે. તારે તારી ટેવ પર કાબૂ રાખવો પડશે. નહીંતર મુશ્કેલી થશે.’ કાચબાએ કહ્યું, ‘સારું, હું વાતો નહીં કરું.’ બન્ને બગલાઓએ પોતાની ચાંચમાં એક લાકડી પકડી. એ લાકડીના વચ્ચેના ભાગને કાચબાએ પોતાના મોં વડે પકડી. બન્ને બગલાઓ ઉડ્યા અને તેમની સાથે કાચબો પણ ઉંચકાયો.

ધીમે ધીમે તેઓ આગળ વધ્યા. કાચબાને વાત કરવાનું બહુ મન થતું હતું, પણ તેને બગલાઓએ આપેલી ચેતવણી યાદ હતી. આથી તે મહામહેનતે જાત પર કાબૂ રાખતો હતો. છેવટે એક જગાએ એક સરોવર દેખાયું. એ જોઈને બગલાઓ બોલી ઉઠ્યા: ‘અહીં બહુ પાણી છે. અહીં લેન્ડીંગ કરીએ.’ બગલાઓ વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમની ચાંચમાંથી લાકડી છટકી અને કાચબો નીચે પટકાયો.
****

બોધ:
૧. પોતાની ખરાબ ટેવની જેમ, બીજાની સારી ટેવથી પણ ક્યારેક જાનનું જોખમ થઈ શકે.
૨. લાંબી મુસાફરીમાં સાથીદારની પસંદગીમાં ચીવટ રાખવી જોઈએ.
૩. ગમે તેની સાથે લટકી ન જાવ, અને ગમે તે વાહનમાં પણ!
૪. વાતોડીયા હોવું ખરાબ નથી. પણ ક્યારે ચૂપ રહેવું એ જાણી લેવું જોઈએ.
૫. શાંત રહેવું સારું નથી, પણ ક્યારે બોલવું એ જાણી લેવું જોઈએ.
૬. બીજાને સલાહ આપ્યા પછી ભૂલેચૂકેય પોતાનાથી તેનું પાલન ન થઈ જાય તેની કાળજી રાખો.
૭. પાણી ન હોય તો ગભરાવ નહીં. હવે બોટલમાં તૈયાર પાણી મળે છે.
૮. તળાવ પર દરવાજા બનાવી દો, અને એમાં એન્ટ્રી ટિકિટ રાખો, જેથી એમાં કોઈ મફત રહી કે જઈ ન શકે.
૯. વાર્તાઓ જેટલી જ લંબાઈ બોધની હોય તો એ વાંચવાનું ટાળો.
૧૦. બોધ નં. ૯નો અમલ ન થઈ શક્યો હોય તો શરમાયા વિના બોધ નં.૬ નું સ્મરણ કરો.
૧૧. કોઈ પણ વાતમાંથી બોધ, પોઝીટીવ થીન્કીંગ, જીવનોપયોગી ટીપ્સ વગેરે જોવાની કે લેવાની આદત પડી ગઈ હોય તો વેળાસર કોઈ સારા ડૉક્ટરને બતાવો. મઝા ખાતર મઝા લેતાં શીખો.

No comments:

Post a Comment