Saturday, May 14, 2022

બસ, એમ જ...

 ભારતનો એક જાસૂસ પાકિસ્તાન-ભારત વચ્ચે આવનજાવન કરે છે. બીજા આવા ઘણા જાસૂસો છે. પોતાના એક સાથીએ જ કરેલી ચુગલીથી આ જાસૂસ પકડાઈ જાય છે. તેને પાકિસ્તાનની જેલમાં પૂરવામાં આવે છે. એક જેલમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ તેને ફેરવવામાં આવે છે. સતત મોતના ખોફ નીચે જીવતો આ ભારતીય જાસૂસ પોતાની આ હેરફેર દરમિયાન પાકિસ્તાની જેલોનો અનુભવ લે છે, ત્યાંની સૃષ્ટિને જુએ છે. તેનું સદ્નસીબ એ છે કે આખરે તેનો જેલવાસ પૂરો થાય છે અને તે ભારત પરત ફરે છે.

ભારત પરત ફર્યા પછી તેને વરવા અનુભવ થાય છે. સરકાર તેમની કોઈ જાતની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દે છે. ખિન્ન અને હતાશ થયેલા એ જાસૂસે લખ્યું છે: 'તે વખતે મારી પાસે પિસ્તોલ હોત તો તેની ચેમ્બર ખાલી થઈ જાય ત્યાં સુધી હું એમાંથી ગોળીઓ છોડ્યા કરત.'
આ જાસૂસનું નામ મોહનલાલ ભાસ્કર અને તેમના પુસ્તકાકારે લખાયેલા અનુભવો એટલે 'મૈં પાકિસ્તાન મેં ભારત કા જાસૂસ થા'. 1985-86ની આસપાસ 'જનસત્તા'માં સાપ્તાહિક ધારાવાહિક તરીકે તે પ્રકાશિત થતા હતા, જે મારા વાંચવામાં છૂટકછૂટક આવેલા. અતિશય રોમાંચક વાંચન હતું.

1997-98ની આસપાસ આ મૂળ હિન્દી પુસ્તક મેં ખરીદ્યું. અત્યંત રસપ્રદ એ પુસ્તક મેં ઝડપથી પૂરું કર્યું. પણ એટલેથી મને સંતોષ થયો નહીં. મને થયું કે આનો મારે ગુજરાતી અનુવાદ કરવો જોઈએ. શા માટે? એ સવાલ મનમાં ઉગ્યો જ નહોતો. બસ, કરીએ. એને પ્રકાશિત કરવાનો કશો વિચાર હતો જ નહીં. રતિલાલ સાં.નાયક દ્વારા સંપાદિત 'બડા કોશ' (હિન્દી-ગુજરાતી કોશ) ખરીદી લીધો અને અનુવાદ શરૂ કર્યો. પુસ્તક તાજું જ વાંચેલું હતું, અને તેની ભાષા પ્રમાણમાં સરળ હતી. આથી અનુવાદ ઝડપથી થવા લાગ્યો. જોતજોતાંમાં એ પૂરો પણ થઈ ગયો. હવે શું કરવું? કશું નહીં. એક ગમતું કામ કર્યાનો રાજીપો મેં અને ઉર્વીશે માણ્યો, અને એ અનુવાદ ફાઈલમાં મૂકી દીધો.
પ્રથમ પ્રકરણનો અનુવાદ
એ પછી 2002માં પહેલવહેલી વાર રજનીકુમાર પંડ્યાએ મને એક વ્યાવસાયિક કામમાં સાંકળ્યો. (એ વખતે હું અન્યત્ર નોકરી કરતો હતો) અમે ચોવીસે કલાક ભેગા રહેતા. કામ વચ્ચે બ્રેક લેતાં અનેક વાતો થતી. એક વાર તેમણે મને પૂછ્યું, 'તું કશું સ્વતંત્ર કેમ લખતો નથી?' આનો જવાબ મારા માટે મુશ્કેલ હતો, કેમ કે, સ્વતંત્રપણે શું લખવું એ મને સમજાતું નહોતું. એ વખતે મને મોહનલાલ ભાસ્કરનો મેં કરેલો અનુવાદ યાદ આવ્યો. મેં તેના વિશે રજનીકુમારને વાત કરી. તેમણે મને એ લઈ આવવા કહ્યું. વચ્ચે એક વાર હું વડોદરા આવ્યો ત્યારે યાદ રાખીને એ અનુવાદવાળી ફાઈલ સાથે લીધી. રજનીકુમાર કામ કરતાં કંટાળે ત્યારે બ્રેક લેવા માટે કામનો પ્રકાર બદલતા. આવા એક 'બ્રેક' દરમિયાન તેમણે કહ્યું, 'લાવ, તારી પેલી ફાઈલ. મને જોવા દે.' મેં ખચકાતાં ખચકાતાં તેમને ફાઈલ આપી. કેમ કે, મેંં માત્ર નિજાનંદ માટે કરેલો અનુવાદ તેમના જેવી વ્યક્તિને કેવો લાગશે એ વિચારતો હતો.

તેમણે એ વાંચવાનું શરૂ કર્યું અને રસ પડતો ગયો. વચ્ચે વચ્ચે 'વાહ!', 'બહુ સરસ' જેવા ઉદ્ગારો કાઢતા. થોડાં પાનાં વાંચીને તેમણે મને પૂછ્યું, 'આ તેં ક્યાંય પ્રકાશન માટે મોકલ્યો છે?' મને મનમાં હસવું આવ્યું. એ બાબતે કશું કદી વિચાર્યું જ નહોતું. મેં ના પાડી. આવી બાબતે 'શુભસ્ય શીઘ્રમ'નો અભિગમ ધરાવતા રજનીકુમારે તરત જ મુંબઈ 'ચિત્રલેખા'ને ફોન જોડ્યો. (એ વખતે મોબાઈલ ફોનમાં ઈનકમિંગ ચાર્જ પણ લાગતા) એક તરફ મને બહુ સંકોચ થતો, પણ રજનીકુમારે મુંબઈ ફોન લગાડવામાં સહેજે વિલંબ કર્યો નહીં. અલબત્ત, એ સમયે 'ચિત્રલેખા'ના માળખામાં તે બંધબેસતું ન હોવાથી તેનું આગળ કંઈ થયું નહીં. એ અનુવાદ ફાઈલમાં જ ધરબાયેલો રહ્યો.
અંતિમ પ્રકરણનો અનુવાદ 
એ પછી ઉર્વીશ 'આરપાર'માં જોડાયો. એ સમયે આ અનુવાદ તેમાં પ્રકાશિત કરવો એમ તેણે સૂચવ્યું. અલબત્ત, એમાં કૉપીરાઈટ વગેરે મુદ્દાઓ હતા. આથી એ મારા નામને બદલે કોઈક એજન્સીના નામે તેમાં ધારાવાહિકરૂપે પ્રકાશિત કરાયો. જો કે, આઠ-દસ હપતા માંડ છપાયા અને કોઈક કારણસર એ અટક્યું.
વધુ એક વાર તે ફાઈલમાં રહી ગયું.
આગળ જતાં અંગ્રેજીની સાથેસાથે હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારવાનું શરૂ કર્યું ત્યારે આ અનુભવ બહુ કામમાં લાગ્યો. 'કરેલું કશું નિષ્ફળ જતું નથી' એ વચનમાં હું આ રીતે ઘણી શ્રદ્ધા ધરાવતો થયો.
આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયેલો છે. 'જનસત્તા'માં તેનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થતો એ કોણે કરેલો એ ખ્યાલ નથી, પણ એનું પુસ્તક થયું હોવાનું જાણમાં નથી.
મનમાં જે આવે એ લખી દેવું, લખેલું બધું પ્રકાશિત કરી દેવું, કે ખુદના લખાણના પ્રેમમાં પડી જવું- આનાથી બચવાના પાઠ આવા અનુભવ પરથી ઘડાતા જાય છે, જે અત્યારના સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમ પર મગજને ઠેકાણે રાખવામાં ઘણે અંશે મદદરૂપ બને છે.

No comments:

Post a Comment