Thursday, May 19, 2022

લેખકશ્રી, વક્તાશ્રી, પુસ્તકશ્રી વગેરે...

"મિત્રો, આજના આપણા વક્તાશ્રી ખરેખર વિદ્વાન છે. નામની પરવા કર્યા વિના તેઓશ્રીએ અનેક પુસ્તકો લખ્યાં છે. મારા-તમારા-આપણા સૌના વાંચવામાં એ પુસ્તકો આવ્યાં હશે, છતાં આપણને અંદાજ નહીં હોય કે એ પુસ્તક તેઓશ્રીના કરકમળ વડે લખાયેલું હશે. અમે આ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી બનવા માટે તેઓશ્રીને નિમંત્રણ આપવા ગયા ત્યારે તેઓશ્રીએ તરત તેનો સ્વીકાર કરી લીધો. બાકી જાણીતા સાહિત્યકારો કેવો ભાવ ખાય છે એ આપણે સૌ ક્યાં નથી જાણતા? એ તો ઠીક, એમણે તો એ હદે કહ્યું કે તમે પુરસ્કાર નહીં આપો તો પણ ચાલશે.

તમે તો જાણો છો, સુજ્ઞ વાચકશ્રીઓ, કે આપણા સાહિત્યકારો જે ગામમાં ડામરનો રોડ પણ ન હોય ત્યાં બોલવા આવવા માટે પ્લેનની ટિકિટનું ભાડું માગતા હોય છે. હું મારી વાત વધુ લંબાવતો નથી, પણ મુદ્દે એટલું જ કહેવું છે કે આવા મહાનુભાવનું આપણી વચ્ચે ઉપસ્થિત હોવું આપણું સદ્ભાગ્ય છે. તેઓશ્રીનો ફક્ત એક જ આગ્રહ હતો. એમણે કહેલું કે એમનું વક્તવ્ય શરૂ થાય એ અગાઉ એમના પરિચયમાં પણ સમય ન વેડફવો. તેઓશ્રીના કહેવા મુજબ આવા પરિચયોમાં નકરી અતિશયોક્તિની સાથોસાથ નર્યાં જૂઠાણાં અને બિનજરૂરી લંબાણ હોય છે. મેં એમને ખાતરી આપી હતી કે સાહેબ, આપડે એવું કશું નહીં બોલીએ. તેઓશ્રીએ ફક્ત એક જ શરત મૂકી હતી, જે સાવ મામૂલી હતી. અને તે એ કે એમણે લખેલાં પુસ્તકોનાં નામની યાદી વાંચી સંભળાવવી, જેથી ઉપસ્થિત સુજ્ઞ વાચકોને એમના કાર્યનો અંદાજ મળી રહે. આવા અદના લેખકશ્રીને પહેલાં આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.

(તાળીઓનો ગડગડાટ)

"તો દોસ્તો, આ વિદ્વાન લેખકશ્રીએ લખેલાં કુલ વીસ પુસ્તકો છે. એનાં નામ છે: 'મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1990, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1991, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1992, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1993, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1994, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1995, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1996, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1997, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1998, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 1999, મોડેલ પ્રશ્નપત્ર- જવાબો સાથે- 2000. આ શ્રેણી પછી તેમણે એક અન્ય શ્રેણી શરૂ કરી."
(બેલનો અવાજ)
"મિત્રો, દિલગીરી સાથે કહેવું પડે છે કે આ સાથે આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થઈ ગયો છે. તેમનાં પુસ્તકોની અધૂરી યાદી માટે હવે તેમને આપણે ફરીથી નિમંત્રણ આપીશું. અને એમાં સમય રહેશે તો તેઓશ્રીનું ટૂંકું વક્તવ્ય પણ ગોઠવીશું."

No comments:

Post a Comment