બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ સાથેના મારા અંગત જોડાણની વાત કરવી જરૂરી છે.
ગૌતમ બુદ્ધનો પહેલો પરિચય 'અમર ચિત્રકથા' દ્વારા થયેલો, જેમાં તેમના જીવનને વિવિધ ચમત્કારોથી ભરપૂર બતાવેલું. એ પછી 'ભારત એક ખોજ'માં તેમને વધુ ઊંડાણપૂર્વક બતાવાયા.એટલું સમજાયું કે કોઈ પણ વ્યક્તિના વિચારો ગમે એવા ક્રાંતિકારી હોય, એ વિચારોના બાહ્ય સ્વરૂપને પકડવાનું જ આપણને વધુ ફાવે છે. એના હાર્દ સુધી પહોંચવાનું કઠિન કામ ભાગ્યે જ થાય છે. આથી કોઈ પણ ક્રાંતિકારી વિચારકની પાછળ જે નવો સંપ્રદાય, પંથ કે સમૂહ ઉભો થાય એ છેવટે વ્યક્તિપૂજા પૂરતો સિમીત બની રહે છે.
હવે વાત અમારા ઘરમાંના બુદ્ધની. નીચેની તસવીરમાં દેખાતા બન્ને મૂર્તિમંત બુદ્ધ હાલ મારા વડોદરાના ઘરમાં છે. ત્રીજા બુદ્ધ સદેહે હાજર છે, જે હવે અમારા પરિવારના સભ્ય બન્યા છે. એ બુદ્ધ એટલે સિદ્ધાર્થ નામધારી અમારા જમાઈ.
આ તસવીરમાં જે શ્યામવર્ણા બુદ્ધ દેખાય છે, એ પ્લાસ્ટર ઑફ પેરિસના બનેલા છે, અને બે-એક વરસ જૂના હશે. એક નૃત્યના કાર્યક્રમમાં અતિથિપદે મળેલા નિમંત્રણ અને મેં આપેલી હાજરીના સ્વીકારરૂપે ભેટમાં આવેલા. આ કાર્યક્રમનું નિમંત્રણ મિત્રપત્ની બિદીશા રાઠોડ દ્વારા મળેલું.
એની નીચેના બુદ્ધ ખાસ્સા પ્રાચીન છે. રેતીના પથ્થરનું એ શિલ્પ છે, જે ઘણું જર્જરિત થયેલું છે. અસલમાં એને લાવનાર અમારો અમેરિકાસ્થિત મિત્ર કિર્તી પટેલ. કિર્તીએ એ અમેરિકા લઈ જવા માટે ક્યાંકથી મેળવેલા, પણ વજન ખૂબ હતું. આથી વચગાળાના ઉપાય તરીકે તેણે અમારા મિત્ર વિપુલ રાવલને ઘેર મહેમદાવાદ ખાતે મૂક્યા. વિપુલને ત્યાં એક સમયે અમારી નિયમિત સાંધ્યસભા ભરાતી. જમીપરવારીને સૌ એને ત્યાં ભેગા થતા. એ વખતે આ શિલ્પ વિપુલના ઘરના બગીચામાં મૂકાયેલું સૌની નજરે પડતું. આથી મિત્ર મયુર દ્વારા તેને 'કિર્તીના માથા' તરીકે ઓળખાવવાનું ચાલુ થયું. એ પછી તો અમે અવારનવાર 'કિર્તી' સાથે વાત કરતા, તેનો અભિપ્રાય માગતા, અને એ ખુશ કે નાખુશ થાય તો 'રહેવા દો, ભાઈ. કિર્તી ના પાડે છે.' અથવા 'કિર્તી તૈયાર છે.' એમ કહીને એની હાજરીની નોંધ લેતા.
સમય વીતતો ચાલ્યો. એક પછી એક મિત્રો મહેમદાવાદ છોડવા લાગ્યા. વિપુલ પણ વિદ્યાનગર રહેવા આવ્યો. આમ છતાં, દર દિવાળીએ વિપુલના ઘેર એકઠા થવાનો ક્રમ અમે લગભગ જાળવતા આવ્યા છીએ. ઘણા વખત સુધી અમે દિવાળી ટાણે 'કિર્તી'ને પણ યાદ કરતા. જો કે, વરસના બાકીના દિવસો 'કિર્તી' એકલો પડી જતો. અચાનક એક વાર મને સૂઝ્યું કે આને વડોદરા મારે ઘેર લેતો આવું તો? અસલ કિર્તી જ્યારે પણ આવે અને ઈચ્છે તો મારે ત્યાંથી એ લઈ લેશે, પણ અહીં એ રેઢું રહે એ ઠીક નહીં. 'કિર્તી'ના કસ્ટોડિયન એવા વિપુલે ખુશીખુશી મંજૂરી આપી, અને એક દિવસ અમે આ પ્રાચીન બુદ્ધને એટલે કે 'કિર્તી'ને વડોદરા ખાતે લઈ આવ્યા.
ખરી મજા એ પછી આવી. દોઢેક વરસ અગાઉ મિત્ર પૈલેશનો ટૂંકી મુદતનો ફોન આવ્યો અને જાણ કરી કે એ અને કિર્તી અમારે ઘેર આવી રહ્યા છે. અમે ઘેર જ હતા, આથી તેમના આગમનની રાહ જોતાં નાનીમોટી તૈયારીઓ કરવા લાગ્યા. થોડી વારમાં તેઓ આવ્યા, પણ અમારા આશ્ચર્ય વચ્ચે પૈલેશ અને કિર્તી એકલા જ નહોતા. કિર્તીની સાથે તેનાં પત્ની પારૂલભાભી અને દીકરી ભક્તિ પણ હતાં. એ બન્નેને અમે ફોન પર મળેલાં, પણ રૂબરૂ પહેલી વાર મળી રહ્યા હતાં. એ કલાક-સવા કલાકમાં બહુ બધી ફટકાબાજી બેય પક્ષે થઈ, જેમાં કિર્તીએ પોતાના મિત્રો કેવા બદમાશ છે એની માહિતી આપી, અને અમેય અમારો મિત્ર કેટલો નકામો છે એ જણાવ્યું.
એ પછી અચાનક મને કંઈક યાદ આવતાં કહ્યું, 'કિર્તીને અમે રોજ યાદ કરીએ છીએ, એ તમને ખોટું લાગતું હોય તો એનો પુરાવો બતાવું.' આમ કહીને અમે બહાર નીકળ્યા, અને 'કિર્તીનું માથું' એના પરિવારજનોને બતાવ્યું. અમારી દરેક મિટિંગોમાં 'કિર્તી'ની હાજરી શી રીતે રહેતી, અને એના અભિપ્રાયને અમે શી રીતે માન આપતા- આ બધી વાતો પરિવારજનોએ બહુ રસપૂર્વક સાંભળી. છેવટનો ચૂકાદો એવો આપવાનો થયો કે- 'કિર્તીના મિત્રો એ કહે છે કે માને છે યા મનાવે છે એટલા બદમાશ નથી.' સામે પક્ષે અમારે પણ એ કહેવાનું થયું કે- અમારો મિત્ર પણ ધારીએ છીએ એવો નકામો નથી. ('ધાર્યા કરતાં વધારે છે' એ બેય પક્ષે વગર કહ્યે સમજી લીધેલું.)
એમ લાગે છે કે અમારી 'કિર્તીભક્તિ'થી પ્રસન્ન થઈને હવે આ બુદ્ધ અમારે ત્યાં જ રહેશે. અને છતાં તેના મૂળ માલિક ગમે ત્યારે એની માગણી કરે તો એ આપવાની અમારી તૈયારી છે જ. બુદ્ધને ઘરમાં (કે બહાર) રાખીએ તો આ અભિગમ કેળવવો જ પડે.
બુદ્ધ સાથે મારું જોડાણ આટલું તો છે જ.
No comments:
Post a Comment