કોઈક કૃતિનાં અનેક અર્થઘટનો થઈ શકતાં હોય છે. બટકું રોટલો ખાતા ઉંદરના ચિત્રની અર્થચ્છાયાને સ્થાનિક સત્તાકેન્દ્રના પ્રતીકથી શરૂ કરીને સામ્યવાદ કે મૂડીવાદથી માંડીને છેક વૈશ્વિક ત્રાસવાદ સુધી લંબાવી શકાય. એ જરૂરી નથી કે એ કૃતિના સર્જકના મનમાં જે તે અર્થ યા અર્થઘટન હોય. સર્જક બને ત્યાં સુધી મૂંગો રહે અને પોતાની કૃતિને બોલવા દે તો તેણે ધાર્યું ન હોય એવા અર્થ તેમાંથી નીકળતા રહે. એ આનંદ પણ લૂંટવા જેવો હોય છે.
હું નથી કોઈ સર્જક, કે નથી કોઈ અર્થઘટનકાર. કુતૂહલપૂર્વક (એટલે કે બઘવાઈને) આપણી આસપાસના જગતને આપણે નિહાળતા હોઈએ ત્યારે અનેક સ્વરૂપો, છબિઓ, રંગ, આકાર વગેરે આંખ સામેથી પસાર થતાં હોય. પણ મૂળભૂત વૃત્તિ સળીની હોવાને કારણે એક વસ્તુનો આકાર કે સ્વરૂપ કોઈ ભળતી વસ્તુમાં જોવાની આદત પડી હોય તેને લઈને બહુ મઝા આવે.
'ટૉમ એન્ડ જેરી'ની શ્રેણી જેમણે ટી.વી. પર જોઈ હશે એ સૌને ખ્યાલ હશે કે તેમાં બ્રેડનો જે આકાર બતાવાયો છે એ બહુ વિશિષ્ટ છે. આપણે ત્યાં મોટે ભાગે ચોરસ બ્રેડ મળે છે. તેની સરખામણીએ આ બ્રેડનું તળિયું સપાટ અને ઊપલો ભાગ કમાનાકાર હોય છે.
એક વખત અમારે ત્યાં 'રિલાયન્સ'માંથી બ્રેડનું જે પેકેટ લાવવામાં આવ્યું અને તેમાં રહેલા બ્રેડનો આકાર જોયો એટલે મને સૌથી પહેલી 'ટૉમ એન્ડ જેરી'ની શ્રેણી યાદ આવી.
આરંભિક સરખામણી પૂરી થઈ અને પેલો બ્રેડ હજી ડિશમાં સામે જ પડેલો. આથી તેને જોઈને વધુ એક સરખામણી યાદ આવી. આજે જેને લેન્ડલાઈન તરીકે ઓળખવામાં આવે છે, એ ઉપકરણ ભૂતકાળમાં 'ટેલિફોન', 'ફોન' કે 'ફૉન' તરીકે ઓળખાતું. ફોન ત્યારે આજની જેમ જ જરૂરિયાતનું ઓછું, અને મોભાનું પ્રતીક વધુ હતું. નાના ગામમાં સામાન્ય રીતે પોસ્ટ ઑફિસમાં કે પંચાયતગૃહમાં ફોન રહેતો. ફોનની ઘંટડી ત્યારે જ બજતી જ્યારે કોઈ અણધાર્યા શુભ યા અશુભ સમાચાર હોય. એ ફોનમાં એટલું મોટેથી બોલવું પડતું કે આખા ફળિયામાં સંભળાય. ગુજરાતી રહસ્ય નવલકથાઓ વાંચવાની આદતે એટલી ખબર પડેલી કે એમાં જે ભાગ હાથમાં પકડવાનો હોય તે 'રિસીવર' કહેવાય, જે ભાગ મોં આગળ હોય તેને 'માઉથપીસ' કહેવાય, અને રિસીવર જ્યાં ગોઠવાય એ ભાગને 'ક્રેડલ' કહેવાય.
આપણે વિકાસ તો અવશ્ય કર્યો છે એની ના નહીં. એક જમાનામાં ગામ દીઠ એકાદ ફોન માંડ હતા, અને આજે તો કાન દીઠ બબ્બે ફોનની નવાઈ નથી. ફોન લેવાની પ્રક્રિયા અટપટી અને લાંબી હતી. નોંધાવ્યા પછી ફોન ક્યારે મળે એ નક્કી નહીં.
અમારા મહેમદાવાદના ઘરમાં મારા પપ્પાએ ફોન નોંધાવી રાખેલો. કોઈ એક દિવસે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ખાતાના અજાણ્યા ચહેરાઓ અમારે ત્યાં આવ્યા અને અમને ફોનનું જોડાણ મળ્યું હોવાનું જણાવ્યું. આ અરસો સીત્તેરના દશકાના અંતભાગનો હશે. પપ્પા વડોદરા નોકરી કરતા હોવાથી તેઓ રાત્રે મોડા આવતા. ટેલિફોન જોડાણ આપ્યા પછી એ કર્મચારીઓને 'ખુશ કરવા'નો અર્થ મને સમજતાં બહુ મુશ્કેલી પડેલી. મઝા એ હતી કે ફોનનું ડબલું મૂકાયું, અને પહેલી રીંગ ટેલિફોન એક્સચેન્જ દ્વારા જ વગાડવામાં આવી ત્યારે આસપાસનાં ઘરોમાં પણ ખબર પડી ગઈ કે 'કોઠારીને ત્યાં ફોન આવ્યો છે.' ત્યાર સુધી ફોન ફિલ્મોમાં જોયેલા. મારા ફોઈને ત્યાં તેને સાવ નજીકથી જોયેલો, પણ હાથમાં પકડીને વાત કરવાનું બન્યું નહોતું. એટલી ખબર કે તેમાં ચકરડું ફેરવીને નંબર ઘુમાવવાના હોય છે. કૌતુક એ હતું કે અમારે ત્યાં જે ફોન મૂકાયો એમાં આવું ચકરડું જ નહોતું. મને એમ કે ચકરડું તેઓ પછી મૂકી જશે. સાંજે પપ્પા આવ્યા. તેમણે ફોન જોઈને રાજીપો વ્યક્ત કર્યો. સીઝન્ડ ખેલાડીની જેમ તેમણે રિસીવર ઊઠાવ્યું. કોઈકને કહ્યું, 'પંચ્યાશી આપો. એઈટ ફાઈવ!' થોડી મિનીટોમાં તેમણે વાત ચાલુ કરી, 'હા, બોલો સાહેબ! બસ, આજે જ આવ્યો.' વગેરે.. આ નંબર જનુકાકા એટલે કે જનુભાઈ જડીલાલ પંડ્યાનો હતો. ત્યાર પછી રોજ સાંજે આવ્યા પછી તેમજ દર રવિવારે પપ્પા અને જનુકાકા નિયમિતપણે ફોન પર વાતો કરતા.
પછી સમજાયું કે અમારે ત્યાં જે એક્સચેન્જ હતું એ ઑટોમેટિક નહોતું. આથી રિસીવર ઊપાડીને ઓપરેટર પાસે નંબર માંગવો પડતો. ઓપરેટર એ નંબર લગાવી આપે ત્યાર પછી જ વાત થઈ શકતી. સામેનો નંબર વ્યસ્ત હોય, યા કોઈ ઊપાડતું ન હોય ત્યારે ઓપરેટર 'એન્ગેજ' કે 'નો રિપ્લાય' જણાવતા. આ નવા શબ્દો સાંભળીને મૂંઝવણ થતી, જેનો અર્થ મમ્મીએ સમજાવેલો.
એ વખતે મહેમદાવાદમાં બે યા ત્રણ અક્ષરના નંબરો ચલણમાં હતા. અમારો ફોનનંબર હતો 178. પપ્પા વડોદરાથી છીપલા જેવા કોઈક મટિરીયલ પર 'ANIL C. KOTHARI, Tel. No. 178' લખાવીને લઈ આવેલા. આ ગોળાકારને ફોનના ડબલામાં બરાબર ડાયલની જગ્યાએ ચોંટાડી દેવાનું હતું.
થોડા સમયમાં મારાં દાદીમા કપિલાબેન ચીમનલાલ કોઠારીનું અવસાન થયું ત્યારે આ ફોનનો ઠીક ઊપયોગ થતો જોવા મળેલો. એ સિવાય તે ખાસ વપરાતો નહીં. પછીના વરસોમાં ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા માંડી ત્યારે આ ફોનને કાઢી નાખવાનો નિર્ણય લેવાયો. પપ્પાને કદાચ એ આકરું લાગ્યું હશે, પણ હું અને મમ્મી ખુશ હતાં. .
આજે સવારે નાસ્તાની ડિશમાં મૂકાયેલી બ્રેડનો આકાર જોઈને ફોન યાદ આવ્યો, અને ફોન યાદ આવતાંની સાથે જ 178 ની કથા પણ યાદ આવી. કામિનીએ મારા કહેવાથી તેની પર 178 નંબર ચીતરી આપ્યો.
આમ, શેને જોઈને, કયા સમયે, શું યાદ આવશે એ આપણને ખબર નથી હોતી, કેમ કે, મનના પેટાળમાં આવી અનેક ચીજો સંઘરાયેલી પડી હોય છે. પણ એટલું ખરું કે સામાન્ય ચીજોમાં નવાનવા અર્થ જોવાની, અર્થઘટનો કરવાની મઝા માપમાં રહીને લેવા જેવી હોય છે.
(આ પ્રતીકો, તેની કથા વગેરેનું અનર્થઘટન વાંચનાર પર છોડવામાં, એટલે કે છોડી મૂકવામાં આવ્યું છે.)
શેને જોઈને, કયા સમયે, શું યાદ આવશે એ આપણને ખબર નથી હોતી, કેમ કે, મનના પેટાળમાં આવી અનેક ચીજો સંઘરાયેલી પડી હોય છે. ✔
ReplyDeleteપ્રતિભાવ બદલ આભાર, વિમલાબહેન.
Delete