Wednesday, May 11, 2022

'રૂપપ્રદ કલા'નો પુનર્જન્મ

'આપણને એમાં સમજણ ન પડે.' આ વાક્ય ઘણા બધાના મોંએ, ઘણી બધી બાબતો અંગે સાંભળવા મળતું હોય છે. ખાસ કરીને કળાની, દૃશ્યકળાની વાત આવે ત્યારે આ સૌથી વધુ લોકોના મોંએ બોલાતું વાક્ય હશે. શાળામાં ચિત્રકામનો વિષય ભણવામાં આવતો, અને 'બાળચિત્રાવલી' તેના પાઠ્યપુસ્તક તરીકે આવતી, ત્યારે એમાંના ચિત્રો મોટા ભાગના લોકો જાતે દોરવાને બદલે ચિત્રકામના ઉસ્તાદ એવા કોઈક પાસે જ દોરાવી લેતા. જે આબેહૂબ ચીતરી શકે એનું ચિત્રકામ સારું ગણાતું, અને એને લોકો ચિત્રની પરીક્ષા આપવાની સલાહ આપતા. રાજ્ય કક્ષાની ચિત્રકળાની બે પરીક્ષાઓ 'એલિમેન્ટરી' અને 'ઈન્ટરમિડીયેટ' ઘણા બધાએ આપી હશે, પાસ કરી હશે, અને તેનાં નાની સાઈઝનાં પ્રમાણપત્રો પણ સાચવી રાખ્યાં હશે. પોતે ધાર્યું હોત તો ચિત્રકળામાં આગળ વધી શક્યા હોત એવો વહેમ પણ પંપાળતા રહ્યા હશે. (ખોટું નહીં કહું, મેં પણ આ બન્ને પરીક્ષાઓ પાસ કરી છે.) અલબત્ત, આ પરીક્ષાઓ થકી ચિત્રકળાની કેટલી સમજણ વિકસી હશે એ સવાલ છે!

કળાની સમજણ હોવી એટલે કંઈ દોરતા આવડે એ જરૂરી નથી. કળાને માણવા માટેની સજ્જતા ગમે એ કેળવી શકે. પણ કળાક્ષેત્રમાં કાર્યરત હોય એ સિવાય જૂજ લોકો આવી સજ્જતા કેળવવા બાબતે રસ ધરાવે છે. એક સમયે 'કુમાર' દ્વારા આવો સન્નિષ્ઠ પ્રયત્ન કરાયો હતો. 'કુમાર' દ્વારા પ્રકાશિત 'શિલ્પ-પરિચય' નામની બંગાળીમાંથી અનુવાદિત એક પુસ્તિકા મારી પાસે છે, જેમાં શિલ્પકળાની પ્રાથમિક સમજણ અને તેને માણવા માટેની પાયાની બાબતો આપવામાં આવેલી છે. શિલ્પકળા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, છતાં તેને માણવાની બાબતે ખાસ રુચિ કેળવાયેલી જોવા મળતી નથી. આવા સંજોગોમાં આ પુસ્તિકા ઘણી મદદરૂપ બની રહે.
1947માં દેશ સ્વતંત્ર થયો અને વડોદરામાં મ.સ.યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી તેમાં દૃશ્ય, સંગીત, નૃત્ય, નાટ્ય અને સ્થાપત્ય કળાઓનાં ઉચ્ચ અભ્યાસનું શિક્ષણ આપતી ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સનો આરંભ કરવામાં આવ્યો. આગળ જતાં, સંગીત, નાટ્ય અને નૃત્યકળાની શાખા અલગ થઈને 'ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ' તરીકે ઓળખાઈ. આ વિશ્વવિદ્યાલયનાં પ્રથમ કુલપતિ હંસા મહેતા હતાં. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે એ માટે ઉત્તમ અધ્યાપકોને લાવવા માટે તે પ્રયત્નશીલ હતાં. ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના આયોજન અને સંચાલન માટે તેમણે એવી જ એક વ્યક્તિની પસંદગી કરી. અમેરિકામાં કળાશિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરનાર માર્કંડ છગનલાલ ભટ્ટ એ રીતે આ ફેકલ્ટીના પહેલવહેલા ડીન બન્યા. તેમને બહુ ઝડપથી સમજાઈ ગયું કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને અહીં આવતા ઘણાખરા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સમજવાની ઘણી મુશ્કેલી હતી. પુસ્તકાલયમાં કળાવિષયક અનેક સુંદર પુસ્તકો હોવા છતાં ભાષાની મર્યાદાને કારણે વિદ્યાર્થીઓ તેનો પૂરતો લાભ લઈ શકતા નહોતા. એક સન્નિષ્ઠ અધ્યાપક અને કળાપ્રેમીને જ સૂઝે એવો વિચાર તેમને આવ્યો. અનેક પ્રાચીન-અર્વાચીન સંદર્ભોનો સહારો લઈને તેમણે એક પુસ્તક ગુજરાતીમાં તૈયાર કરવાનું નક્કી કર્યું. પ્રાચીન ભારતીયથી લઈને અર્વાચીન ભારતીય તેમજ પાશ્ચાત્ય કળાઓની સમજણ આપતું પુસ્તક તેમણે તૈયાર કર્યું. જ્યોતિ ભટ્ટ, રમેશ પંડ્યા, ફીરોઝ કાટપીટિયા જેવા એ સમયના તેમના વિદ્યાર્થીઓએ આ પુસ્તક તૈયાર કરવામાં તેમને ઘણી મદદ કરી. (આ વિદ્યાર્થીઓએ આગળ જતાં પોતાના ક્ષેત્રોમાં નામ કાઢ્યું.) 1958માં પ્રકાશિત આ પુસ્તકનું નામ 'રૂપપ્રદ કલા'. આ શબ્દ 'પ્લાસ્ટિક આર્ટ્સ' માટેનો ગુજરાતી શબ્દ છે. પ્લાસ્ટિક આર્ટ્સ એટલે દૃશ્યકળા.
સંજોગોવશાત માર્કંડભાઈને કેનેડા સ્થાયી થવા માટે જવાનું બન્યું અને આ પુસ્તકના વિતરણની યોગ્ય વ્યવસ્થા થઈ શકી નહીં. મારા મિત્ર બકુલ જોશી થકી આ પુસ્તકનો મને પરિચય થયેલો. સમયગાળો 1991-92ની આસપાસનો. પણ તે પુસ્તકાલયમાંથી લાવેલો હતો. આ પુસ્તક વસાવવું જોઈએ એ તો તે વખતે જ ખ્યાલ આવી ગયેલો, પણ મેળવવું ક્યાંથી? એ ખરા અર્થમાં દુર્લભ બની ગયેલું.


હવે સુરતના 'કલા પ્રતિષ્ઠાન' દ્વારા આ પુસ્તકનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે અને એમ સાઠ વર્ષ પછી કળાપ્રેમીઓ માટે તે સુલભ બનાવવામાં આવ્યું છે. માર્કંડ ભટ્ટના પુત્રનો પત્તો મેળવીને તેમની પાસેથી પુસ્તકના હક્ક મેળવ્યા પછી તેને પ્રકાશિત કરાયું છે. કુલ ત્રણ ખંડમાં વહેંચાયેલા આ પુસ્તકને બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ખંડ 1માં રૂપપ્રદ કલાની વ્યાખ્યાને વિવિધ પાસાંઓ વડે સમજાવવામાં આવી છે, જેમાં રંગ, રેખા, ઘનતા, અવકાશ, છાયાપ્રકાશ જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. ખંડ 2માં પાશ્ચાત્ય મંતવ્યોની રૂપરેખા વિગતે વર્ણવવામાં આવી છે. ખંડ 3માં સૌંદર્યતત્ત્વનાં વિવિધ પ્રાચ્ય મંતવ્યોની રૂપરેખાનું વર્ણન છે, જેમાં ભારતીય ઉપરાંત ચીન, જાપાનનાં મંતવ્યો વર્ણવાયાં છે.

આ ગ્રંથસંપુટ માત્ર કળાના વિદ્યાર્થી કે કળાકાર માટે જ મર્યાદિત નથી, પણ કળા અને સૌંદર્યશાસ્ત્રમાં પ્રાથમિક રુચિ ધરાવતા સહુ કોઈ માટે છે. 'કલા પ્રતિષ્ઠાન'ના રમણિક ઝાપડીયા દ્વારા એક પછી એક એમ કુલ 28 કળાવિષયક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ ગ્રંથ પ્રકાશિત કરીને તેમણે કળાપ્રેમીઓ પર મોટો ઉપકાર કર્યો છે. 



No comments:

Post a Comment