Friday, May 6, 2022

દૂર તક નિગાહોં મૈં હૈ ફૂલ ગિરે હુએ......


'મહેમાનો આપણી સંસ્કૃતિમાં દેવસ્વરૂપ ગણાયા છે. તેમનું સ્વાગત આપણી પરંપરા છે. હવે આપણે મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરીશું.'
(તાળીઓ)
(દરમિયાન મંચ પાછળ)
"પણ પપ્પા, મને કેમની ખબર પડશે કે કયા ગેસ્ટ કોણ છે? ભૂલથી બુકે કોઈ બીજાને અપાઈ ગયો તો?"
"બેટા, ડોન્ટ વરી. જેવો કોમ્પીયર ગેસ્ટનું નામ બોલશે કે ગેસ્ટઅંકલ ખુરશીમાંથી અડધા ઊભા થઈ જશે. બસ, તારે જઈને એમના હાથમાં પધરાવી દેવાનો. અને માન કે, કોઈક બીજાને અપાઈ ગયો તો એ બીજા અંકલ જે તે ગેસ્ટને આપી દેજે. પણ બેટા, જલ્દી પતાવજે, હોં!"
(મંચ પર)
ચાંદની ચાંદ સે હોતી હૈ, સિતારોં સે નહીં,
વિમોચન ભી એક સે હોતા હૈ, હજારોં સે નહીં....
તો સૌથી પહેલાં શ્રી ભીંડાસાહેબનું સ્વાગત કરશે દૂધીકુમારી.
(તાળીઓ)
**** **** ****
આવા સંવાદો મંચ પરથી, મંચ પાછળથી અને મંચની સામેથી અનેક લોકોએ ભજવ્યા હશે કે તેમની સામે ભજવાયા હશે. બિચારા મહેમાનોને એક હદથી વધુ દોષ આપી શકાય એમ નથી, એ જ રીતે યજમાનને પણ નહીં. મહેમાને જે ઘડીએ કાર્યક્રમમાં હાજર રહેવાની મંજૂરી આપી દીધી, એ ઘડીથી જ તે આયોજકોને હવાલે થઈ ગયા ગણાય. તે એ બાબતે નચિંત બની જાય છે કે 'ન જાણ્યું જાનકીનાથે, મંચ પર શું થવાનું છે'. આયોજક અથવા તો યજમાનને 'કશુંક નવું' કરવાનો ઉત્સાહ હોય છે, આથી તે ગુલાબને બદલે રાતરાણીનાં ફૂલનો બુકે બનાવડાવે છે. કોક વધુ ઉત્સાહી 'બુકે નહીં, પણ બુક'નો પોપટમંત્ર રટીને ક્યાંય ન વંચાયાં કે વેચાયાં હોય એવાં પુસ્તકો પધરાવે છે.
અમુક મહેમાન ક્યારેક સામે ચાલીને વિનંતી કરે છે કે મારે કશું નથી જોઈતું, મને ખાદીનો હાથરૂમાલ આપો તો વધુ સારું. પણ યજમાનને તો એવી વસ્તુ આપવી છે કે જે એના બજેટમાં બેસે, અને ઉપસ્થિત મેદનીની નજરે પણ પડે. સરવાળે થાય છે એવું કે મોટા ભાગે બુકે યા બુકના બંડલ વડે મહેમાનોને નવાજવામાં આવે છે. બુકનું બંડલ હોય તો મહેમાન શરમેધરમેય પોતાના ઘર સુધી એને ઊંચકી લાવે છે. પણ બુકે?
મોટા ભાગે તો કાર્યક્રમ પત્યે તેને પોતાની બેઠક પર જ તે છોડી આવે છે, કેમ કે, કાર્યક્રમ પત્યે યજમાનને સત્તર વહીવટ હોય છે એટલે તે કંઈ સામે ઊભા રહેતા નથી. ક્યારેક કોઈક આગ્રહી યજમાન એવું પણ કરે છે કે મહેમાન ભોજન પતાવીને નીકળે એટલે ક્યાંકથી પેલા બુકે હાજર કરી દે છે અને મહેમાનને પરાણે હાથમાં થમાવે છે. મહેમાન મનમાં શું બોલતા હશે એ તો ખબર નથી, પણ મોં હસતું રાખીને તે ગાડીની પાછલી સીટ પર મૂકાવે છે. આ બુકે ડ્રાઈવર પોતાને ઘેર લઈ જઈને શું કરે? મહેમાનના ઘરમાં પણ એનો શો ખપ? આથી તે ચાલુ ગાડીએ બારીમાંથી જ બુકેને બહાર પધરાવી દે છે.
**** **** ****

ચારેક વરસ પહેલાં, એપ્રિલ, 2018ની એક સાંજે અમે ચાલવા નીકળ્યા હતા અને રસ્તાની કોરે ત્રણ-ચાર તાજા બુકે ફેંકાયેલા જોયા. પહેલાં તો એ જોઈને હાયકારો નીકળી ગયો અને મહેમાનો કેવા ક્રૂર હોય છે એ વિચાર આવ્યો. પછી વિચારતાં થયું કે ના, ક્રૂર તો યજમાનો હોય છે. પછી થયું કે ના, વાંક તો ફૂલોનો જ ગણાય. જે હોય તે, આનું કરવું શું? એ ચર્ચામાં અમે આગળ ચાલ્યા. 
                                              


આગળના અંતિમ બિંદુએથી અમારે પાછા ફરવાનું હતું. ત્યાં સુધીમાં અમે નક્કી કરી લીધું કે બુકે બાબતે કંઈ થઈ શકે એમ નથી. પણ તેની નીચેનું, જેમાં તે 'ખોસાયેલા' છે એ પાત્ર આપણે લઈ લેવું જોઈએ. બુકે ત્યાં જ પડેલા હશે એ બાબતે અમને ખાત્રી હતી. પાછા વળ્યા, અને એ બુકેમાંથી અમે ફૂલો અને પાત્રને અલગ કર્યાં. સફેદ માટીનાં રૂપકડાં પાત્રોમાં શું રોપવું એ મનમાં ગોઠવાતું હતું. એ ત્રણે પાત્રો હાથમાં લઈને ચાલવાનો કાર્યક્રમ પૂરો કર્યો. ઘેર આવીને તેમાં તળિયે કાણાં પાડ્યાં. આખરે વરસાદી મોસમમાં તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી.


**** **** ****

તમે યા તમારા કોઈ પરિચીત યજમાન હો યા બનવાના હો અને મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવાના હો તો વિચારજો. મહેમાનને ઊપયોગી થઈ પડે એવી કોઈ ચીજ આપવાનું વિચારજો. ઓછા ખર્ચે કદમાં મોટી જણાતી ચીજની અસલિયત સહુ જાણતા જ હોય છે. ગમે એવી ઘડીયાળ, નકામો ગિફ્ટ આર્ટિકલ યા શાલ પધરાવો એને બદલે હાથરૂમાલ આપશો તો એ કમ સે કમ પરસેવો લૂછવાના કામમાં તો આવશે જ. (મંચ પર આમેય પરસેવો થતો જ હોય છે.)
તમે મહેમાન હો તો તમારો જે સિધ્ધાંત હોય એ, પણ યજમાનની ભાવનાની વધુ નહીં તો થોડી કદર કરજો. બુકે કમ સે કમ તમારા ઘર સુધી પહોંચે એટલો વહેવાર જાળવજો. બુકે સાથે તમે કારમાંથી બહાર નીકળશો તો તમારા પાડોશીને પણ થશે કે એ ધારે છે એટલા નકામા માણસ તમે નથી.
તમે રસ્તે ચાલનારા હો તો યજમાનો અને મહેમાનોની દયા ખાવ કે ન ખાવ, રસ્તે ફેંકાયેલાં ફૂલોની, તેના કન્ટેનરની દયા ખાજો, અને બધી શરમ મૂકીને એ પાત્રને ઊપયોગમાં લઈ શકાય એ માટે ઘેર લેતા આવજો. બને કે તમને અમારો વિચાર આવે અને થાય કે અમારા માટે લઈ લઈએ અથવા અમને બોલાવી લઈએ. પણ એમ ન કરશો. તમારા હૈયામાં પ્રેમળ જ્યોતિ પ્રગટે એ જરૂરી છે.

No comments:

Post a Comment