Thursday, May 5, 2022

વિશ્વ કાર્ટૂનિસ્ટ દિન

આજે 'વિશ્વ કાર્ટૂનિસ્ટ દિન' છે. આ વિશ્વમાં જે કેટલીક પ્રજાતિ મને અતિ પ્રિય છે, એમાંની આ એક. કાર્ટૂન આમ તો દૃશ્યકળાનો જ એક પ્રકાર કહી શકાય, પણ તેનો ઉપયોગ હથિયાર તરીકે વધુ અસરકારક રહ્યો છે. અને એ પણ છેક શરૂઆતથી. આ કળા પણ સમયની સાથે શૈલીની દૃષ્ટિએ ઉત્ક્રાંત થતી રહી છે. એનો આવિષ્કાર ઈટાલીમાં થયો હોવાનું કહેવાય છે, પણ તેનો ખરેખરો વિકાસ ઈન્ગ્લેન્ડમાં થયો.

તેને પરિણામે અંગ્રેજોએ જે પણ દેશોમાં શાસન કર્યું એમાંના મોટા ભાગના દેશોમાં આ કળા વિકસી અને એવા ઘણા ખરા ઠેકાણે હજી આજે પણ સક્રિય છે. ભારતમાં આ કળા ઉત્તરોત્તર સતત વિકસતી રહી છે. એકાંગી બની જતા શાસકોની સામે વિરોધ પક્ષ સબળ હોય કે ન હોય, કાર્ટૂનિસ્ટોએ પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. અનેક કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન પ્રતિબંધિત થયા હોય, કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહના આરોપ મૂકાયા હોય એવાં અનેક ઉદાહરણો આપણા દેશમાં કે અન્યત્ર જોવા મળી શકશે. પત્રકારો પર અને કાર્ટૂનિસ્ટો પર મૂકાયેલા રાજદ્રોહના આરોપની સંખ્યાનો તુલનાત્મક અભ્યાસ કરવો રસપ્રદ બની શકે એમ છે.
કાર્ટૂનિસ્ટ કદી તટસ્થ ન હોઈ શકે. એમ હોવું જરૂરી બિલકુલ નથી. પ્રાચીન કથાઓમાં દિશાઓનાં વસ્ત્રો પહેરેલા રાજાને મોં પર એની અસલિયત જણાવવાનું કામ એક બાળકે કરેલું. કંઈક એવી જ ભૂમિકા કાર્ટૂનિસ્ટોની રહી છે. આપણા દેશની વાત કાર્ટૂનકળાના- ખાસ કરીને રાજકીય કાર્ટૂનોના સંદર્ભે કરીએ તો સત્તાધીશોની રમૂજવૃત્તિ ઉત્તરોત્તર ઘસાતી ચાલી છે. નહેરૂની રમૂજવૃત્તિ કાર્ટૂન સંદર્ભે પ્રચંડ. ('Don't spare me, Shanker!') ઈન્દિરા ગાંધીએ ઘણાં કાર્ટૂનોને પ્રતિબંધિત કરેલાં. રાજીવ ગાંધીએ કાર્ટૂનિસ્ટોને ભરપૂર મસાલો પૂરો પાડેલો. એ પછીના બદલાતા શાસકોમાં દેવગૌડા, મનમોહન સિંહ પણ કાર્ટૂનિસ્ટોને વિષય મળતા રહે એવાં કામ કરતા. 2014થી સત્તારૂઢ બનેલા શાસકોએ પણ કાર્ટૂનિસ્ટોને વિષય આપવામાં પાછીપાની નથી કરી. આમ છતાં, એમ લાગે છે કે કાર્ટૂનો માણવાની, તેમાં રહેલા વ્યંગ્યને પામ્યા પછી પચાવવાની સહિષ્ણુતામાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે. (સોશ્યલ મિડીયાના કાર્ટૂનિસ્ટોના પેજ પર જઈ જે તે કાર્ટૂન નીચેની કમેન્ટ વાંચવાથી આ ખ્યાલ આવશે.)
બદલાયેલા સમયમાં હવે તો રાજકીય પક્ષો પણ પોતપોતાના કાર્ટૂનિસ્ટ રાખતા થયા છે એ લક્ષણ જોખમી ખરું, આમ છતાં, મોટા ભાગના કાર્ટૂનિસ્ટો સત્તાપક્ષ કે વિરોધ પક્ષને આયનો દેખાડવામાં નિષ્ઠાવાન બની રહ્યા છે એ હકીકત છે. હવે કાર્ટૂન માણવા માટે બીજા દિવસનું અખબાર આવે ત્યાં સુધી રાહ જોવી નથી પડતી. અનેક કાર્ટૂનિસ્ટો સોશ્યલ મિડીયા પર સક્રિય છે, અને કોઈ ઘટના બને એના ગણતરીના સમયમાં તેઓ કાર્ટૂન બનાવીને મૂકી દે છે. આનો ફાયદો પણ છે, અને ગેરફાયદો પણ. ગેરફાયદો એ કે આવાં ઉતાવળે બનાવાયેલાં કાર્ટૂનમાં ઊંડાણ ઓછું હોય એમ બને. મોટે ભાગે જે તે ઘટનાને જ ચિત્રીત કરી દેવાઈ હોય.
ભારતીય કાર્ટૂનિસ્ટોની વાત કરીએ તો એ હકીકત બિલકુલ સ્પષ્ટ છે કે કેરળે સૌથી વધુ કાર્ટૂનિસ્ટ આપ્યા છે. કાર્ટૂનની કેરળ શૈલી એકદમ તીવ્ર, વેધક, રાજકીય કથન કરતી છે. કેરળના મોટા ભાગના કાર્ટૂનિસ્ટો આ ભૂમિકા બરાબર નિભાવતા આવ્યા હોવાનું જણાય છે. તેની સરખામણીએ ગુજરાતી કાર્ટૂનમાં મોટે ભાગે સામાજિક વિષયકેન્દ્રી કાર્ટૂન વધુ બનતાં રહ્યાં છે, એમ મને લાગે છે. અલબત્ત, આ અંગત અભિપ્રાય છે.
'વિશ્વ કાર્ટૂનિસ્ટ દિન' નિમિત્તે કાર્ટૂનિસ્ટોને શુભેચ્છા તો શું પાઠવીએ? તેઓ એક જાગ્રત પહેરેદાર બનીને પોતાની ફરજ બજાવતા રહે એટલું બસ. શુભેચ્છા કાર્ટૂનિસ્ટોના ચાહકો કે દર્શકોને પણ ખરી કે કાર્ટૂનો માણવાની, વ્યંગ્ય પચાવવાની સમજ વિકસતી રહે.
અહીં મૂકેલાં પાંચ કાર્ટૂનો એવા દેશનાં કાર્ટૂનિસ્ટોએ દોરેલાં છે, જ્યાં રાજકીય અસ્થિરતા કાયમી છે. કટ્ટરવાદ, લશ્કરી શાસન, આપખુદ શાસકો, અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર કાપ જેવી બાબતો અહીં સામાન્ય છે.


બાંગ્લાદેશનું કાર્ટૂન 
મલેશિયાનું કાર્ટૂન 

અફઘાનિસ્તાનનું કાર્ટૂન 

પાકિસ્તાની કાર્ટૂન 

મ્યાંમારનું કાર્ટૂન 

No comments:

Post a Comment