કાલપાથી છિતકુલનું અંતર સાઠેક કિ.મી. જેટલું, અને એમાં વચ્ચે સાડત્રીસેક કિ.મી.એ સાંગલા આવે. એ હિસાબે છિતકુલથી સાંગલા ત્રેવીસેક કિ.મી. થાય. કાલપાથી ઊતરતો રસ્તો અને વચ્ચે આવતા કરછમથી ચડતો રસ્તો. તીવ્ર વળાંક અને કાચોપાકો રસ્તો એટલે સમય ઘણો જાય. સાવ સરહદ પર આવેલા છિતકુલથી અમે પાછા વળ્યા અને વચ્ચે આવતા સાંગલામાં થોભ્યા. આ આખો વિસ્તાર કિન્નૌર પ્રદેશમાં હોવાથી અતિશય હરિયાળો. નીચે બસ્પા નદીનું વહેણ સતત સાથ આપતું રહે. સાંગલા પહોંચીને એક મુખ્ય રસ્તા પરથી કાટખૂણે સીધો, તીવ્ર ઢાળ ચડીને અમારું વાહન સાંકડા રસ્તે આગળ વધ્યું ત્યારે ઘડીક વિચાર આવ્યો કે સામેથી કોઈક વાહન આવશે તો? પણ હિમાચલના પર્વતીય પ્રદેશમાં જેટલી વાર જવાનું થયું છે ત્યારે ત્યાંના વાહનચાલકોની શિસ્ત, ધીરજ અને કાબેલિયત પ્રત્યે નવેસરથી માન જાગ્રત થાય છે. ગમે એટલો ખુલ્લો રસ્તો હોય, પોતાની સાઈડ છોડવાની નહીં. સાંકડા રસ્તે બે વાહનો આમનેસામને થઈ જાય તો શાંતિથી પોતાનું વાહન પાછું હટાવવામાં કશો અહમ નડે નહીં કે ન કોઈ બૂમબરાડા થાય. બલકે હસીને, કોઈ ને કોઈ અભિવાદનની આપ-લે કરીને એ કામ થાય. આ જોઈને બહુ સારું લાગે. અમારું વાહન સીધા ઢાળ પરથી વળીને એક સ્થળે આવી ઊભું, જ્યાં રસ્તાનો અંત હતો. ઊતરીને જોયું તો એક મોટું દ્વાર નજરે પડ્યું, જ્યાંથી અમારે કામરુ કિલ્લા સુધી જવાનું હતું. જોયું તો આખું ગામ પર્વત પર નીચેથી ઊપર વસેલું હતું. આથી સીધી નજરે કિલ્લો ક્યાંય દેખાતો નહોતો. અમે પગથિયાં ચડવા લાગ્યા, પણ તેની સીધ એટલી બધી હતી કે અમને હાંફ ચડવા લાગ્યો. આ રસ્તો કિલ્લે જશે કે નહીં એ પૂછવા માટે કોઈ દેખાતું પણ નહોતું. એટલે અમે આગળ ને આગળ વધતા ગયા. પગથિયાં ગામનાં મકાનો વચ્ચેથી પસાર થતા હતા, અને ગામના દીદાર પણ થતા હતા. સાવ સાંકડી ગલીઓ, ઠેરઠેર ઊગાડેલાં ફૂલ તેમજ ફળાઉ ઝાડ, અને પથ્થરનાં મકાનો. વચ્ચે કોઈકનું ઘર આવ્યું અને ત્યાં બે બહેનો ઊભેલી દેખાઈ. તેમને પૂછતાં ખ્યાલ આવ્યો કે અમે સાચે રસ્તે હતા. ધીમે ધીમે કરતા અમે છેક કિલ્લે પહોંચ્યા ખરા.
Tuesday, July 1, 2025
સ્પિતી ખીણના પ્રવાસે (13): પહલે બોર્ડ પઢ લો, ફિર અંદર આઓ
કિલ્લો સાંભળીને આપણા મનમાં રાજસ્થાનના ભવ્ય અને વિશાળ કિલ્લાઓની કલ્પના આવે તો નિરાશ થઈ જવાય. આ પ્રદેશમાં, આટલી ઊંચાઈએ કિલ્લો હતો એ સાવ નાનો. એમ કહી શકાય કે એ કેવળ વૉચ ટાવરની ગરજ સારે એ રીતે બનાવાયો હતો. લંબચોરસ આકારનું, લાકડાનું બનાવાયેલું ત્રણ-ચાર મજલી માળખું એટલે કામરૂ કિલ્લો. ભીમાકાલી મંદિર સાથે ઘણું સામ્ય જણાય. લાકડાના કોતરકામવાળો દરવાજો હતો અને અંદર બે-ત્રણ કારીગરો કામ કરતા હતા. મુખ્ય દરવાજો બંધ હતો. એ લોકોએ જણાવ્યું કે અમે દરવાજો ખખડાવીશું તો અંદરથી એક ભાઈ ખોલશે. અમે એ ખટખટાવીને ઊભા રહી ગયા. બહાર 'કડક' સૂચનાઓ હતી. જેમ કે, ચામડાનો પટ્ટો પહેરીને અંદર પ્રવેશવું નહીં, ઈંડાં અને અન્ય સામીષાહાર ખાઈને પ્રવેશવું નહીં, માસિક ધર્મવાળી બહેનોએ પ્રવેશવું નહીં વગેરે.. કિલ્લામાં પ્રવેશવા આવી સૂચના? પછી ખ્યાલ આવ્યો કે કિલ્લાના જ સંકુલમાં કામાખ્યા દેવીનું મંદિર છે અને આ સૂચનાઓ તેને અનુલક્ષીને છે. દરવાજાની પાછળથી એક ભાઈ નીકળ્યા અને દરવાજો અડધો ખોલીને ઊભા રહ્યા. અમને બોર્ડ બતાવીને કહે, 'પહલે બોર્ડ પઢ લો, ફિર અંદર આઓ.' તેમણે પૂછ્યું કે તમે માંસમચ્છી ખાઈને નથી આવ્યા ને? આ સવાલ એવો વિચિત્ર હતો કે મનોમન હસવું આવ્યા વિના રહે નહીં. માથું ઢાંકીને તેમજ કમરે એક કેસરી ચીંંદરડી જેવું કશુંક બાંધીને અંદર જવાનું હતું. અમે અંદર ગયા. પ્રમાણમાં નાની કહી શકાય એવી સપાટ જગ્યા હતી, જેમાં કિલ્લો અને મંદીર સામસામા હતા. મંદીરના જિર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હોવાથી એમાં મૂર્તિ નહોતી. તો કિલ્લામાં અંદર જઈ શકાય એમ નહોતું. ખરી મજા હતી આ સ્થાનની. ગામનું સૌથી ઊંચું સ્થાન. નીચે આખું ગામ દેખાય. સામે હિમાલયની લીલીછમ પર્વતમાળા, અને હીમશિખરો નજરે પડે. બિલકુલ સ્વર્ગીય અનુભૂતિ જણાય.
કોઈ ગાઈડ હતા નહીં. એટલે ઈન્ટરનેટ પરથી એના વિશે વાંચી લઈશું એમ મન મનાવીને અમે અહીંથી નીકળ્યા. બહાર નીકળતાં પેલા ભાઈએ અમને એક ચોપડામાં સહુનાં નામ લખવા જણાવ્યું. કેમ? તો કહે, 'યહાં સે હમેં એસ.પી.સા'બ કો ભેજના પડતા હૈ.' એ લખીને અમે બીજા રસ્તે નીચે ઊતરવા લાગ્યા. રસ્તામાં ગામની એક બે મહિલાઓ મળી. એમણે હસીને પૂછ્યું કે ક્યાંથી આવો છો!
નીચે હજી એક મંદિર હતું- બેરિંગ નાગ મંદીર. પહેલાં એક પ્રાચીન જણાતું મંદીર પાછળથી દેખાયું. બહુ સરસ હતું, પણ આગળ જતાં જોયું તો એ બંધ હતું. અમે સાંકડી ગલીઓમાં પગથિયાં ઊતરતા આગળ વધ્યા અને આખરે એક મંદીરે પહોંચ્યા. મોટો ચોક હતો. એની એક તરફ મંદીર હતું. બીજી તરફ બૌદ્ધ મંદિર હતું. એક તરફ કેટલાક સ્થાનિક માણસો બેઠેલા હતા. વચ્ચે લાકડાના મંડપ જેવું સ્થાન હતું, જ્યાં ઢોલક અને બીજાં વાદ્યો મૂકાયેલાં દેખાયાં. ગામલોકો કદાચ ત્યાં ભજન માટે એકઠા થતા હશે એમ લાગ્યું. બીજી તરફ કેટલાંક બાળકો બૉલ રમતા હતા.
અમે થોડી વાર બેઠા. આસપાસના દૃશ્યને વધુ એક વાર માણ્યું અને હવે નીચે તરફ ઊતરવા લાગ્યા. બહાર નીકળીને અમે ઊતરતાં હતાં કે એક નાની છોકરી હાથમાં મેગી નૂડલ્સના પેકેટ સાથે મળી. એ પેકેટમાંથી કાચાં નૂડલ્સ ખાતી હતી. અમને જોઈને તેણે પૂછ્યું, 'શોપ પે નહીં જાના?' અમને એમ કે એના પિતાજીની કે કોઈક સગાની દુકાન હશે. પણ પૂછતાં એણે કહ્યું કે એની કોઈ દુકાન નથી. એટલે સમજાયું કે ટુરિસ્ટો સામાન્ય રીતે ખરીદી માટે જતા હોય છે એમ ધારીને એણે અમને પૂછેલું. એ જે રીતે લિજ્જતથી નૂડલ્સ કાચાં ખાતી હતી એમાં અમને મજા આવી. એને પૂછ્યું કે અંદર મસાલાનું પડીકું હોય છે એનું શું કર્યું? એ કહે કે એને અંદર ભભરાવી દીધો છે. કાચાં 'મેગી' નૂડલ્સ એની જેમ મારા જેવા અનેકને ભાવે છે. એમાં આ 'ટીપ' મહત્વની લાગી.
એ એના રસ્તે ફંટાઈ અને અમે પણ અમારા રસ્તે આગળ વધ્યા. ઉપર ચડતાં જે હાંફ ચડતો અને થાક લાગેલો એ હવે ગાયબ હતો. જોતજોતાંમાં અમે અમારા વાહન પાસે આવી પહોંચ્યાં. હવે અમારે નીચે ઊતરીને, કરછમ બંધ આગળથી નારકંડા તરફ જતો રસ્તો પકડવાનો હતો.
Labels:
personal,
Spiti Valley,
Travel,
અંગત,
પ્રવાસ,
સ્પિતી ખીણ
Subscribe to:
Posts (Atom)