કોઈ પણ પ્રદેશમાં ફરીને પાછા આવીએ એ પછી એની સ્મૃતિઓ થોડો સમય તાજી રહેતી હોય છે. પણ હિમાલયના પ્રદેશની વાત અલગ છે. એની પ્રકૃતિ, હિમશીખરો, પહાડી સંસ્કૃતિ, નદીનાળાં- આ બધાનું આકર્ષણ એવું હોય છે કે એ મનમાંથી ખસે નહીં. હિન્દી સાહિત્યકાર-પ્રવાસી કૃષ્ણનાથે પોતાના પુસ્તક 'સ્પિતી મેં બારીશ'ના આમુખમાં લખ્યું છે: 'હિમાલયનો પ્રત્યેક ભાગ પોતાની રીતે પૂર્ણ છે, છતાં વાસ્તવમાં અપૂર્ણ. હિમાલયને આખેઆખો કોણ જાણી શક્યું છે? હિમાલય જ હિમાલયને ઓળખી શકે. કે પછી કદાચ એ પણ નહીંં. એક આંખ બીજી આંખને ક્યાં જોઈ શકે છે?'
કાલપાના એક મંદિરના દરવાજાનો એક હિસ્સો
મેદાની પ્રદેશમાં રહેતા આપણા જેવા લોકોને પહાડી ભૂગોળનું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે, પણ પહાડી જનજીવન દૂરથી જેટલું રોમેન્ટિક લાગે એટલું હોતું નથી. મધ્ય હિમાલયમાં વસેલો સ્પિતી ખીણનો પ્રદેશ વર્ષાછાયાનો પ્રદેશ છે. અહીં વરસાદ ઓછો પડે છે એમ નહીં, બિલકુલ પડતો જ નથી. પડે છે કેવળ હિમ. આ કારણે અહીંનું ખાનપાન અને રહનસહન સાવ અલગ છે.
આ સમગ્ર વિસ્તારમાં મકાનની બાંધણી બાબતે એક ખાસ બાબત એ જોઈ કે અહીં મકાનોના સ્લેબ સિમેન્ટથી ભરેલા નથી હોતા. છત વળીઓની બનેલી, એની ઉપર ઘાસ ઢંકાયેલું હોય. વરસાદ ન હોય તો સ્લેબની શી જરૂર? જો કે, માત્ર હિમવર્ષા થાય છે, છતાં છત ઢોળાવવાળી નથી એ જોઈને નવાઈ લાગી. પૂછતાં સંતોષકારક જવાબ ન મળ્યો, જે પછી કૃષ્ણનાથના પ્રવાસવર્ણનમાં મળ્યો. અહીં તડકાનું, તડકામાં વસ્તુઓ સૂકવવાનું બહુ મહત્ત્વ છે. બરફ તો સાફ કરી શકાય, પણ વસ્તુઓ સૂકવવા માટે જગ્યા અને તડકો જોઈએ. એ કારણે આવી છત રખાય છે. પીવાનું પાણી હિમ પીગળવાથી જે મળે એ. સતત સૂકી અને ઠંડી હવા ત્વચાના રંગ અને સુંવાળપ પર પણ અસર કરે
છે.
સમગ્ર સ્પિતી ખીણમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે, જે સદીઓથી તિબેટ સાથે રહેલા વ્યવહારનું પરિણામ હશે. આક્રમણખોરો, ધર્મગુરુઓ, પશુઓ વગેરેનો અહીંના લોકોને અનુભવ હશે, પણ પ્રવાસી નામની પ્રજાતિ એમના માટે પ્રમાણમાં નવી છે. જે રીતે પ્રવાસીઓનો ધસારો અહીં થઈ રહ્યો છે, જે પ્રમાણમાં એમના માટે સુવિધાઓ ઊભી કરાઈ રહી છે એ જોતાં પ્રવાસીઓની આખી અલાયદી સંસ્કૃતિ અહીં ઊભી થશે એમ લાગે છે. હિમાચલ પ્રદેશમાં એમ બન્યું હોવા છતાં ત્યાંના લોકોમાં હજી સરળતા ટકી રહી હોય એમ લાગે. નવાઈ લાગે એવી વાત એ છે કે લદાખના કે સ્પિતીના આ પ્રદેશમાં દરેક ઠેકાણે વેસ્ટર્ન ટોઈલેટ જોવા મળ્યાં- તંબૂઓમાં સુદ્ધાં. આ વિકસતી જતી પ્રવાસન સંસ્કૃતિ છે.
![]() |
તાબોમાં એક ચાની લારીએ |
મિત્ર ઋતુલ જોશીએ ટ્રાફિકસમસ્યા વિશેના એક લેખમાં લખેલું એમ આપણે જ્યારે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હોઈએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આપણે પોતે પણ ટ્રાફિક જ છીએ. એવું જ પ્રવાસીઓ માટે કહી શકાય. આપણે જ્યારે પ્રવાસીઓના ધસારાની વાત કરીએ ત્યારે એમાં આપણે સામેલ જ હોઈએ છીએ.
![]() |
લથબથ ફૂલો સ્થળ જોયા વિના ઊગે |
પ્રવાસી માનસિકતા સામાન્ય રીતે 'પૈસા ફેંંકીને' પોતાને ફાવતી સુવિધા મેળવવાની છે. આને કારણે દરેક પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓ માટેનું જુદું બજાર ઊભું થાય છે. એક સમયના અતિ દુર્ગમ ગણાતા આ પ્રદેશોમાં હવે નકરી ભીડ ઠલવાવા લાગી છે, જેની પોતાની વિપરીત અસરો હોય જ. ભીડને રોકી શકાય એમ નથી, પણ સ્થાનિક સંસ્કૃતિનો પરિચય કેળવવાનો પ્રયત્ન કરવામાં આવે, તેને જે તે સ્થળના ભૌગોલિક સ્થાનના પરિપ્રેક્ષ્યમાં સમજવામાં આવે તો કદાચ ઘણો ફરક પડી શકે.
સ્પિતી ખીણમાં નાસ્તાનાં લાલપીળા પડીકાં ખાસ જોવા ન મળ્યા. કારણ ખબર નથી, પણ એ મનમાં નોંધાયું અને ગમ્યું પણ ખરું. પહાડી સ્થળે, અને એ પણ આટલા ઊંચા, નિર્જળ વિસ્તારની સ્વચ્છતાની આગવી સમસ્યાઓ અને ઊકેલ હોય છે, જે પ્રવાસીઓના ધસારાને કારણે ખોરવાઈ જાય છે.
કાઝામાં 'ઈકોસ્ફીયર' નામની એક સંસ્થા પણ હતી, જેમાં સ્વયંસેવક તરીકે જોડાઈને સ્થાનિકોને મદદરૂપ બની શકાય છે. બદલામાં આપણા રહેવાની વ્યવસ્થા એ લોકો કરી આપે. આવા ઉપક્રમ બહુ ઉપકારક નીવડતા હોય છે, કેમ કે, સ્થાનિકોની સાથે જઈને રહીએ નહીં ત્યાં સુધી એમના જીવનનો અંદાજ આવવો મુશ્કેલ છે.
મુદ સહિત અનેક વિસ્તારમાં અમે ઈંધણાંના ઢગ ગોઠવાયેલા જોયા. આ વૃક્ષવિહીન વિસ્તારમાં ઝાડનાં કાપેલાં લાકડાં ક્યાંથી આવ્યાં? જાણવા મળ્યું કે સરકાર એને રાહત દરે પૂરાં પાડે છે. આવા દુર્ગમ સ્થળે ગેસલાઈન કે ગેસ સિલીન્ડર પહોંચાડવાં કેવાં મુશ્કેલ છે એ તો ગયા વિના પણ સમજાય!
આવી તો અનેક બાબતો હશે, જેનો આપણને અંદાજ સુદ્ધાં આવવો મુશ્કેલ છે. દયા કે સહાનુભૂતિથી નહીં, કેવળ કુતૂહલથી વિચારીએ તો પણ આ જાણવામાં રસ પડે એવો છે.
હિમાચલ પ્રદેશમાં સમગ્રપણે સ્થાનિકોનો અનુભવ ઘણો સારો રહે છે. તેઓ હસમુખા, સરળ અને મદદગાર જણાય. અલબત્ત, આપણને મળેલા છૂટાછવાયા અને ગણતરીના લોકો પરથી આખા પ્રદેશના લોકોનું સામાન્યીકરણ ન કરી શકાય. છતાં પ્રવાસી તરીકે જોઈએ તો આમ લાગ્યું છે.
પંડિત રાહુલ સાંકૃત્યાયન અને કૃષ્ણનાથ જેવા પૂર્વસૂરિઓએ આ પ્રદેશને એ સમયગાળે ખેડેલો જ્યારે અહીં આવાગમનની સુવિધા પાંખી હતી અને આ પ્રદેશ વર્ષના ચારેક મહિના સુધી જ સંપર્કમાં રહેતો. આથી જ તેમનાં નિરીક્ષણો અને અભ્યાસ બહુ મહત્ત્વનાં અને આજેય એટલા રસપ્રદ જણાય છે.
સ્પિતી ખીણનો અમારો આ પ્રવાસ પૂરો થયો, પણ મનમાં એ એક સુખદ સ્મૃતિ તરીકે અંકાયેલો રહેશે એ નક્કી.
No comments:
Post a Comment