રજનીભાઈ પાસે શરૂઆતમાં ફિયાટ કાર હતી. એના હેન્ડ ગિયર હતા. સૌરાષ્ટ્રના એક પ્રવાસ દરમિયાન મેં ઈચ્છા વ્યક્ત કરી કે મને આ ચલાવવા દો. એ વખતે મારી પાસે કાર આવી ગયેલી અને મને ડ્રાઈવિંગ ફાવતું હતું. રજનીભાઈએ મને હેન્ડ ગિયર શી રીતે પાડવા એ સમજાવ્યું અને કાર ચલાવવા આપી. મેં થોડે સુધી ચલાવી લીધી. કાર ચલાવતાં એમની પર અનેક ફોન કોલ્સ આવતા રહે. રજનીભાઈ એકે એક ફોનના જવાબ આપે. ક્યારેક કાર બાજુમાં ઊભી રાખીને ટેક્સ્ટ મેસેજ કરે. આ બધું ચાલતું રહેતું.
એ પછી થોડા સમયે તેમણે ફિયાટ કાઢીને ઝેન કાર લીધી. મારી પાસે પણ ઝેન જ હતી. આથી આવા એક પ્રવાસ દરમિયાન મેં કહ્યું કે તમે બાજુએ બેસો અને મને કાર ચલાવવા દો. તેઓ સૌને કહેતા એમ મને પણ કહ્યું, 'મને કાર ચલાવવી ગમે છે.' પછી કહે, 'મોટી ઉંમરે કાર મળી છે ને..એટલે..' મેં કહ્યું કે ભલે તમને ડ્રાઈવિંગ ગમતું હોય, પણ આપણે સાથે હોઈએ ત્યારે કાર હું જ ચલાવીશ. આખરે તેમણે નમતું જોખ્યું અને મને કાર આપી. તે બાજુની સીટમાં ગોઠવાયા. હવે એમના બન્ને હાથ ખુલ્લા હતા. આગળ ધ્યાન રાખવાનું ન હતું. તેમને મજા આવી ગઈ. એ કહે, 'આ તો મજા આવે છે. સરસ ફાવે છે.' મેં કહ્યું, 'એટલે તો હું તમને કહેતો હતો.' આ સુવિધા એમને એટલી ફાવી કે વારેવારે એ બાબતે આનંદ વ્યક્ત કરે. એથીય આગળ એમણે એક ગીત આ પરિસ્થિતિને અનુરૂપ યાદ કર્યું. 'બહોત શુક્રિયા, બડી મહેરબાની...' પછી કહે, 'મેરી કાર મેં હુજુર આપ આયે...' એ ગીતને આગળ વધારતાં ગણગણ્યા, 'કદમ ચૂમ લું યા આંખે બિછા દૂં' તેઓ આવું બોલ્યા એટલે મેં એમની સામે જોયું. એ અર્થમાં કે 'કદમ ચૂમ લું' શી રીતે આવે? એટલે તેઓ કહે, 'કદમ ચૂમ લું' એટલે 'મેરે કદમ'.' પોતાના કદમ શી રીતે ચૂમાય એવી ચેષ્ટા એમણે કરી બતાવી એટલે અમે બેય બરાબર હસ્યા.
બહાર જઈએ ત્યારે અજાણ્યા સરનામે જવાનું હોય એ વખતે એમની આદત એવી કે એક રિક્ષાવાળાને રોકી લેવાનો. એને પૂછી લેવાનું કે સરનામું જોયું છે? એ હા પાડે એટલે એને આગળ કરવાનો અને પાછળ પોતે કાર ચલાવતા આવે. એક વાર અમે સુરત ગયેલા. કાર હું ચલાવતો અને તેઓ બાજુમાં બેઠેલા. અમારે ક્યાંક જવાનું હતું. એક જગ્યાએ રીક્ષાઓ ઊભેલી જોઈ એટલે મેં કાર ઊભી રાખી. રજનીભાઈએ કાચ ઊતારીને સરનામું પૂછ્યું અને એક રીક્ષાવાળાને આવવા કહ્યું. રજનીભાઈ અતિશય ઝડપથી બોલતા એ પેલાને સમજાતું નહીં અને રીક્ષાવાળો દક્ષિણ ગુજરાતી બોલે એ રજનીભાઈને સમજતાં વાર લાગતી. રીક્ષાવાળો કહે, 'ટમે આમ ઠઈને આમ વરી જજો એટલે એમ બાવલું આવસે...' આમ કહીને એ બન્ને હાથ અદબમાં વાળતો. એક તો એ રીક્ષાવાળો ઊંચો અને એણે વાત કરવા નીચું નમવું પડતું. એમાં એ આવી એક્શન કરી દેખાડે. મને એક બાજુ બરાબર હસવું આવે. છેવટે અમે નક્કી કર્યું કે રીક્ષાવાળો આવવા તૈયાર નથી, કેમ કે, એને આ સ્કીમ સમજાતી નથી. એટલે આપણે એની નિશાનીએ આગળ વધીએ. અમે વિચારતા હતા કે 'બે હાથે અદબ વાળેલું 'એમ બાવલું' આવશે એ આપણી નિશાની. સહેજ આગળ જઈને અમે વળ્યા અને સ્વામી વિવેકાનંદનું પૂતળું દેખાયું. ઓહોહો! હવે અમારા મગજમાં અજવાળું થયું કે 'એમ બાવલું' એટલે આ. સહેજ વાર કારને બાજુએ ઊભી રાખીને અમે બરાબર હસ્યા. એ પછી આગળ વધતાં બીજાં જાણીતા નેતાઓનાં બાવલા વિશે પેલો રીક્ષાવાળો શી રીતે નિશાની દેખાડે એની કલ્પના કરતા રહ્યા. જેમ કે, બાબાસાહેબનું બાવલું હોય તો એ આંગળી ચીંધતું બાવલું બતાવે, ગાંધીજીનું હોય તો એ લાકડીથી ચાલવાની નિશાની કરે.. વગેરે.
એ નિશાની અમારા માટે તો કાયમી સંદર્ભબિંદુ બની, પણ મુંબઈ જાઉં ત્યારે મારી કઝીન પૌલા કાયમ મારી પાસે એ ડાયલોગ હજી બોલાવે છે.
No comments:
Post a Comment