Thursday, September 16, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (11)

 સૌજન્યને સીધી લેવાદેવા શિક્ષણ સાથે નહીં, પણ કેળવણી સાથે હોય છે. અને કેળવણી કોઈ આપી શકતું નથી. હા, એ મેળવવા ઈચ્છનાર એને મેળવી શકે ખરા. સૌજન્યની વ્યાખ્યા પ્રાંત અને પ્રજા મુજબ અલગ અલગ થતી હોય છે. હોમાય વ્યારાવાલા પોતે એકદમ સૌજન્યશીલ, અને એ પણ એકદમ સહજ રીતે, આથી એમને સામાવાળા પાસેથી એવી અપેક્ષા હોય એ સમજાય એવું છે. પોતાનું નાનામાં નાનું કામ કરનારને એ 'થેન્ક યુ' કે 'ગૉડ બ્લેસ યુ' કહે ત્યારે એ કેવળ ઔપચારિકતા નહીં, પણ તેના પૂરા ભાવ સાથે કહેવાયું હોય.

અમારી મુલાકાત પંદર-વીસ દિવસે એકાદ વાર થતી, અને એ ગાળામાં તેમને કશુંક કામ હોય તો તે પત્ર લખી જણાવતાં. અમારી મુલાકાત સમયે કશાક કામની વાત થઈ હોય અને એ પછી તેમનું કામ કરવાની કોઈ વ્યવસ્થા હું ગોઠવું, એ કામ માટેની એજન્સીને તેમને ત્યાં મોકલું, અને કામ પૂરું થઈ જાય એટલે એની જાણ કરતો પત્ર હોમાયબેન અચૂક લખે.
'એક્નોલેજમેન્ટ' એટલે કે 'સ્વીકારપહોંચ' આપવાનું મોટા ભાગના લોકો શીખ્યા જ નથી હોતા. એમને એમ હોય છે કે સામેવાળાએ કશું મોકલ્યું, આપણને એ મળી ગયું એટલે વાત પૂરી. વ્હૉટ્સેપની ભૂરી ટીકનો વિચાર કદાચ લોકોની આ પ્રકૃતિને કારણે જ આવ્યો હોય તો નવાઈ નહીં.
હોમાયબેનના ડ્રાઈવિંગ લાયસન્સની અવધિ પૂરી થવા આવેલી એટલે તેના નવિનીકરણની વિધિ મેં હાથમાં લીધેલી અને એક એજન્ટ દ્વારા એ કામ કરાવેલું. બધી વિધિને અંતે લાયસન્સ એમને ઘેર પહોંચતું થઈ ગયું. માત્ર તેની જાણ કરતું, ફક્ત બે લીટીનું પોસ્ટકાર્ડ તેમણે લખી મોકલ્યું. તેમણે ધાર્યું હોત તો અમે રૂબરૂ મળવા જઈએ ત્યારે જણાવી શક્યાં હોત. પોસ્ટકાર્ડ લખવું, તેને પોસ્ટ કરવા માટે લેટરબૉક્સ સુધી ચાલીને જવું તેમને માટે ઘણું અગવડભર્યું હતું, પણ સૌજન્ય જેનું નામ. (એ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એ જ રીતે તેમના પાસપોર્ટને લગતું કામ ચાલી રહ્યું હતું, જેમાં સબીના દિલ્હીથી અમુક કાર્યવાહી કરી રહી હતી, અને સ્થાનિક ધોરણે હોમાયબેન સાથે મારો વ્યવહાર ચાલતો હતો. પાસપોર્ટ માટે જરૂરી પોલિસ ઈન્ક્વાયરીની વિધિ પૂરી થઈ અને તેમને ઘેર પોલિસ વિભાગમાંથી આવીને પૂછપરછ કરી ગયા. તેની પણ જાણ એમણે મને એક લીટીનું પોસ્ટકાર્ડ લખીને કરી. (આ પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


બહુ ઝડપથી અમારી વચ્ચે એવો વ્યવહાર થઈ ગયેલો કે અમે તેમને ત્યાં ફોન કર્યા વિના જવા લાગ્યાં. એ મંજૂરી અમે તેમની પાસેથી મેળવી લીધેલી. દસ-પંદર દિવસ થાય એટલે તેમને મનમાં હોય કે અમે આવીશું. આથી વચ્ચેના સમયગાળામાં તેમણે ક્યાંક બહારગામ જવાનું થયું હોય તો તે પત્રથી જાણ કરી દેતાં કે અમુક તારીખો દરમિયાન પોતે ઘેર નહીં હોય. (આવું એક પોસ્ટકાર્ડ અહીં મૂકેલું છે.)


એક વખત એવું બન્યું કે અમે તેમને ત્યાં સાંજે પહોંચી ગયાં. તેમણે મંગાવેલી થોડી વસ્તુઓ પણ સાથે હતી. ઘેર તાળું જોયું એટલે અમે મૂંઝાયાં કે તે ક્યાં ગયાં હશે! શ્રીમતિ મિશ્રાને ત્યાં અમે તપાસ કરી તો હોમાયબેન ત્યાં નહોતાં. આથી અમે એવું નક્કી કર્યું કે તેમના માટેની ચીજવસ્તુઓને તેમના મુખ્ય બારણા આગળ મૂકી દીધી, જેથી તેમનું ધ્યાન પડે. એટલું કરીને અમે નીકળી ગયાં. બે-ચાર દિવસમાં જ એમનું પોસ્ટકાર્ડ આવ્યું. અહીં મૂકેલા એ પોસ્ટકાર્ડલા પહેલા ફકરાના અંગ્રેજી લખાણનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
મારા બારણા નજીક વસ્તુઓ મૂકી જવા બદલ અને તમે તથા તમારાં પત્ની ફરી ક્યારે આવશો એની નોંધ સુદ્ધાં મૂકી ન જવા બદલ આભાર." સૌજન્યવશ તેમણે અમારો આભાર તો માન્યો, સાથે હળવો ઉપાલંભ પણ આપ્યો. જો કે, આનો એક ફાયદો એ થયો કે તેમણે પોતાની ગેરહાજરીમાં તેમના મકાનનું બારણું કેવી રીતે ખોલવું એટલે કે પોતે ચાવી ક્યાં મૂકતાં હતાં એ ઠેકાણું બતાવી દીધું.


તે ક્યાંક આસપાસમાં ગયાં હોય અને થોડી વારમાં પરત ફરવાની ધારણા હોય તો તે એક પાટિયું ટીંગાવીને જતાં, જેથી મુલાકાતીને ખ્યાલ આવે કે પોતે રાહ જોવાની છે.


સૌજન્ય અને ઔપચારિકતા (ફોર્માલિટી) વચ્ચે કેવડો મોટો ભેદ હોય છે, અને હોવો જોઈએ એ હોમાયબેન પાસેથી જાણવા મળ્યું.

No comments:

Post a Comment