રોમન સંસ્કૃતિના સુવર્ણકાળ દરમિયાન એવી અનેક બાબતોનો પાયો નંખાયો, જેને પછીના યુગમાં વિવિધ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનિક ઢબે ચકાસી અને પુરવાર કરી. અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ સ્કૉટિશ રસાયણશાસ્ત્રી જોસેફ બ્લેક દ્વારા અઢારમી સદીના મધ્યકાળમાં ઓળખી બતાવવામાં આવ્યો. તેના ગુણધર્મો, અણુસૂત્ર તેમજ અન્ય લાક્ષણિકતાઓ વગેરે તેમણે ચકાસ્યાં. તેનું નામાભિધાન કરાયું. એનો અર્થ એ નહીં કે અંગારવાયુ એ પહેલાં અસ્તિત્વમાં નહોતો. આવી વૈજ્ઞાનિક શોધોને આથી જ 'discovery' અને એ શોધ કરવાની પ્રક્રિયાને 'to discover' (અનાવૃત્ત કરવું) કહે છે.
પ્રાચીન રોમન યુગમાં અંગારવાયુને તેના નામથી કોઈ જાણતું નહોતું. પણ બીજી અનેક કળા અને શાસ્ત્રોમાં અગ્રેસર હોવાને કારણે રોમન તજજ્ઞો આ વાયુના ગુણધર્મો જાણતા હતા. તેમને એ ખ્યાલ હતો કે રાત્રિના સમયે વૃક્ષો આ વાયુનું ઉત્સર્જન કરે છે. આ જ વાયુને મનુષ્યો પણ ઉચ્છવાસરૂપે બહાર કાઢે છે. આ વાયુ અગ્નિ પર અસરકારક રીતે કામ કરે છે.
રોમની વિશ્વપ્રસિદ્ધ આગનો આરંભ થયો અને જોતજોતાંમાં તે પ્રસરવા લાગી. નીરો પાસે તજજ્ઞોની આખી ફોજ હતી, પણ નીરો એ સૌને ભારે પડે એવો મિજાજ ધરાવતો હતો. આ તજજ્ઞોને ભાગે મોટે ભાગે નીરોના તુક્કાઓનો અમલ કરવાનો જ આવતો. એ તુક્કા સફળ થાય તો એનો જશ નીરોને જતો, અને નિષ્ફળ જાય તો.....! જે તે તજજ્ઞનું આરસનું બનાવેલું બસ્ટ રોમના કોઈક ચૉકમાં મૂકાઈ જતું.
આગ વખતે નીરોએ વધુ એક વાર તજજ્ઞોને બોલાવ્યા. રોમન તજજ્ઞોએ કેટલાક ઉપાય સૂચવ્યા. તેમણે રોમમાં જેટલાં વૃક્ષો હતાં એ તમામ કાપીને આ આગમાં નાંખવાનો આદેશ આપ્યો. અલબત્ત, આગમાં વૃક્ષોને નાખવાનું કામ માત્ર રાત્રે જ કરવાનું તેમણે જણાવ્યું, કેમ કે, વૃક્ષો રાત્રે જે વાયુનું ઉત્સર્જન કરે એ અગ્નિશામકનું કામ આપતો હતો. રોમની આગને ઠારવાનું કામ કંઈ સત્તાધીશોનું એકલાનું ઓછું હતું? રોમના નાગરિકોને પોતાનો નાગરિકધર્મ અદા કરવાનો મોકો આ રીતે આપવો જોઈએ અને તમે રાજધર્મ બજાવી રહ્યા છો એ જાણવાની તક નાગરિકોને આપવી જોઈએ એમ તજજ્ઞોએ જણાવ્યું. નીરોએ પહેલાં તો આ પ્રસ્તાવને નકારતાં જણાવ્યું, 'નાગરિકધર્મ, રાજધર્મ જેવી ફાલતૂ બાબતોની મારી આગળ વાત ન કરવી. હું એટલું જાણું કે આ રોમનોની પણ પોતાના દેશ માટે ફરજ છે. મારી એકલાની એ જવાબદારી નથી. એટલે બહુ શાણપણ દેખાડ્યા વિના એમને જોતરો. એ શું એમ સમજે છે કે એમણે વેરો ભર્યો એટલે રોમના રાજા થઈ ગયા?' તજજ્ઞોએ હકારમાં ડોકું ધુણાવ્યું. કેમ કે, ના પાડે તો ધુણાવવા માટે ડોકું જ ન રહે એવી પૂરેપૂરી શક્યતા હતી.
આદેશ જારી કરવામાં આવ્યો. તેને ભારે પ્રતિસાદ મળ્યો. એકે એક રોમન નાગરિક આ અભિયાનમાં જોડાયો. પહેલાં રોમનાં મુખ્ય માર્ગની આસપાસ ઉગેલાં વૃક્ષોનો વારો આવ્યો. આ ઉપરાંત કેટલાંક મેદાનોમાં ઉગી નીકળેલાં વૃક્ષો પણ ખરાં. આ વૃક્ષો જોતજોતાંમાં પૂરાં થઈ ગયાં, એટલે નાગરિકોએ પોતાના આંગણામાં ઉગાડેલાં વૃક્ષો ઉખાડવા માંડ્યા. એ પણ ન રહ્યાં એટલે બાગાયતનો શોખ ધરાવતા નાગરિકોએ પોતાને ત્યાં કૂંડામાં ઉછેરેલા ફૂલછોડને ઉખેડવા માંડ્યા. આ બધું રાતના સમયે આગમાં હોમવામાં આવતું. પણ કોણ જાણે કેમ, આગ વધુ ને વધુ વિસ્તરતી જતી હતી. આથી નાગરિકોને સતત અપરાધભાવ અનુભવાતો કે પોતાના પ્રયત્નો અપૂરતા છે. સત્તાધીશો લોકોને વૃક્ષો લાવવાની અપીલ કરી શકે, વૃક્ષો તો પોતે જ લાવીને હોમવાના રહે. આખરે એક સમય એવો આવ્યો કે વનસ્પતિના નામે રોમમાં ઘોડાને ચરવાનાં મેદાનો પરનું ઘાસ જ રહ્યું. નાગરિકો એ ઘાસ તરફ વળ્યા. આ જોઈને ભડકેલા રોમન સત્તાધીશે તેમને રોક્યા અને કહ્યું કે રોમમાં નાગરિકો કરતાં ઘોડાનું અસ્તિત્વ વધુ પ્રાથમિકતા ધરાવે છે, માટે ઘોડા માટેના ઘાસને કોઈએ તોડવું નહીં.
નાગરિકોને એમ હતું કે સત્તાધીશો આટઆટલા પ્રયત્નો કરતા હોય તો પોતે આગને કાબૂમાં લેવા માટે શું કરી છૂટે? એવામાં એક શાહી સલાહકારને બત્તી થઈ કે વૃક્ષો તો હોમાઈ ગયાં, અને તેમના દ્વારા મુક્ત કરાયેલા વાયુનું પ્રમાણ એટલું નહોતું કે આગ કાબૂમાં આવી શકે. આથી નાગરિકોને અપીલ કરવામાં આવી કે સૌ નાગરિકો પોતપોતાની નજીક આવેલા આગના વિસ્તારમાં પહોંચે. આગળની સૂચના તેમને ત્યાં આપવામાં આવશે. નાગરિકો પોતે આગથી ત્રસ્ત હતા, પોતાનાં માલમિલકત બચાવવા આમતેમ દોડી રહ્યા હતા, છતાં રાજ્ય પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ એમ તે માનતા હતા. અલગ અલગ નાગરિકો નાનામોટા સમૂહમાં આગ લાગી હતી એવા વિસ્તારની નજીક પહોંચ્યા. ત્યાં રોમન સૈનિકો ઉભા હતા. દરેક નાગરિકોને પપૈયાની ડાળી પકડાવવામાં આવી. તેમને જણાવાયું કે હવે એ પોલી ભૂંગળી તેમણે પોતાના નાક આગળ લગાવીને સતત ઉચ્છવાસ કાઢતા રહેવાનું છે. કેમ કે, આ ઉચ્છવાસમાં જે વાયુ નીકળે એ આગને કાબૂમાં લેશે. નાગરિકોને સામા પ્રશ્નો પૂછવાની આદત પહેલેથી નહોતી. કેમ કે, સવાલ પૂછે એનો અંજામ સૌ જાણતા હતા. અને આમ પણ, આવી મુસીબતના સમયે રાજ્યની પડખે ઉભા રહેવાની પોતાની નૈતિક ફરજ ગણાય. પોતાની ભાવિ પેઢી પૂછે કે રોમની ઐતિહાસિક આગ બુઝાવવામાં તમારું શું પ્રદાન હતું ત્યારે પોતાને નીચાજોણું ન થાય.
નાગરિકોએ પપૈયાની ભૂંગળીને પોતાના નાકમાં ખોસીને ઉચ્છવાસ કાઢવાના શરૂ કર્યા. તેઓ જોશભેર ઉચ્છવાસ કાઢી શકે એ માટે રોમન લશ્કરી બેન્ડ તાલબદ્ધ સંગીત આપતું. સાથેસાથે સૈનિકો જોશભેર ઉચ્ચાર કરતા, 'માતૃભૂમિનું, સમ્રાટ નીરોનું ઋણ અદા કરવાની આ તક એળે ન જાય એ જોજો.' સૌથી પહેલો એક નાગરિક ફસડાઈ પડ્યો. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ધરતી પર ફસડાયેલો હોવા છતાં તે બોલ્યો, 'મને અફસોસ છે કે મારી માતૃભૂમિ માટે હું કામ ન આવી શક્યો.' એક રોમન સૈનિક તેની નજીક આવ્યો. તેણે ફસડાઈ ગયેલા એ નાગરિકને પૂછ્યું, 'તમે શી રીતે મુક્તિ ઈચ્છો છો? તલવારથી? કે આગથી?' પોતાના શરીરમાં રહેલા અગ્નિશામક વાયુનો છેલ્લો અંશ પણ આગ બુઝાવાના કામમાં આવી શકે એથી રૂડું શું હોઈ શકે? આમ વિચારીને તેણે કહ્યું, 'આગથી.' બે સૈનિકો તેને ઉંચકવા આગળ આવ્યા. પેલા ફસડાઈ ગયેલા રોમને કહ્યું, 'તમે બીજા નાગરિકો પર ધ્યાન રાખો. હું મારી મેળે ચાલીને જતો રહીશ.' સહેજ અટકીને એ બોલ્યો, 'સમ્રાટ નીરોને કહેજો કે મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે, છતાં આગ કાબૂમાં ન આવી શકી એનો અપરાધભાવ અનુભવતો હું આગને હવાલે થાઉં છું.' આમ બોલતાં તે ઉભો થયો. તેના કાને ફીડલના આછા સૂર પડ્યા. એ દિશામાં તે ફર્યો, ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું. એ પછી ઉભા થઈને આગ તરફ આગળ વધ્યો અને આગમાં પ્રવેશ કર્યો.
કટોકટીના સમયે પોતે રાજ્યને કામ આવી શક્યા એ આશ્વાસન, અને પોતાના પ્રયત્નો છતાં કટોકટી દૂર ન થઈ એ અપરાધભાવ સાથે તેમનું જીવન સમાપ્ત થયું.
રોમની ભાવિ પેઢી પોતાને પૂછશે કે રોમની ઐતિહાસિક આગ વખતે તમે શું પ્રદાન કરેલું- એ મૂંઝવણમાંથી કેવળ આ એક નહીં, અનેક રોમન નાગરિકોને મુક્તિ મળી ગઈ હતી. ભાવિ પેઢી પેદા થઈ શકે એ માટે વર્તમાન પેઢીનું અસ્તિત્ત્વ જ ન રહ્યું.
(By clicking image, the URL will be reached)
No comments:
Post a Comment