Wednesday, May 19, 2021

નીરો અને સેનાપતિઓ

નીરોને રંગવૈવિધ્ય ખૂબ પસંદ હતું. પોતાના સૈન્યની વિવિધ ટુકડીઓ માટે તેણે અલગ અલગ રંગ નિર્ધારીત કરેલા. આ સૈનિકો શિરસ્રાણમાં એક લાંબું પીંછું ખોસતા. આ પીંછાના રંગ પરથી અલગ અલગ ટુકડી અને તેના સેનાપતિની ઓળખ બનતી. જેમ કે, પીળા પીંછાવાળી ટુકડી, ભૂરા પીંછાવાળી ટુકડી, જાંબલી પીંછાવાળી ટુકડી વગેરે...


આ પૈકી લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ જરા મહત્ત્વાકાંક્ષી હતો. નીરોએ શાસન સંભાળ્યા પછી તેની નજરમાં વસવા માટે લાલ પીંછાવાળી ટુકડીનો સેનાપતિ અવનવી યોજના વિચારવા લાગ્યો. તે જાણતો હતો કે નીરોની નજરે દરેક રંગના પીંછાવાળા સેનાપતિ સરખા છે. આ જ બાબત તેના મનને કોરી ખાવા લાગી. થોડા સમયમાં એક તક તેણે ઊભી કરી. તેણે વિચારેલો ખેલ ખતરનાક હતો. એમાં નિષ્ફળ જવાય તો સેનાપતિ તરીકેની પોતાની કારકિર્દી દાવ પર લાગી જાય એમ હતી. પણ....એમાં સફળ થવાય તો નીરો તેને સરસેનાપતિના પદે બઢતી આપી દે એની લગભગ ખાતરી હતી.
લાલ પીંછાવાળા સેનાપતિના આડોશપાડોશના પ્રાંતોમાં અનેક સંપર્કો હતા. સેનાપતિઓના સંપર્કો કંઈ દ્રાક્ષ-સફરજનના વેપારીઓ સાથે ન હોય! એ લોકોના પરિચયમાં અવનવા શસ્ત્રોના ઉત્પાદકો, વેપારીઓ, ભાંગફોડિયાઓ, ચોરલૂંટારા, નાના મોટા હત્યારાઓ સહિતના અનેક લોકો હોય, અને આ સંપર્કોનો સેનાપતિઓ યથાસમયે ઉપયોગ પણ કરી લેતા હોય!
લાલ પીંછાવાળા સેનાપતિએ આવા એક પરિચયનો ઉપયોગ કરવાની યોજના ઘડી કાઢી. રોમની પડોશના એક પ્રાંતમાં લૂંટ-હત્યા આચરતો એક માણસ હતો. લાલ પીંછાવાળા સેનાપતિએ તેને ‘વ્યવસાય વિસ્તરણની ઉજ્જ્વળ તકો માટે’ રોમ આવવાનું નિમંત્રણ આપ્યું. નિમંત્રણની સાથે કેટલીક શરતો પણ હતી. પેલો તો લૂંટારો હતો. રોમના એક સેનાપતિની ઓથ હોય તો પછી શી ચિંતા? એમ વિચારીને એ રોમ આવવા નીકળ્યો.
વહેલી સવારે તે રોમના પાદરમાં પ્રવેશ્યો. લાલ પીંછાવાળા સેનાપતિ જાણે કે તેની રાહ જોઈને ઊભા હતા. લૂંટારાએ ઘોડા પરથી નીચે ઉતરીને, છાતીએથી સહેજ ઝૂકીને સેનાપતિનું અભિવાદન કર્યું. હજી એ કંઈ સમજે એ પહેલાં આસપાસથી લાલ પીંછાવાળા સૈનિકો ધસી આવ્યા. તેમણે પેલા લૂંટારાને ઘેરી લીધો. તેની છાતીમાં તલવાર આરપાસ ખોસી દીધી. તેના મૃતદેહને ઘોડાની પાછળ બાંધવામાં આવ્યો. એ જ રીતે તેને છેક નીરોના મહેલ સુધી લઈ જવામાં આવ્યો.


ત્યાં સુધીમાં અન્ય રંગનાં પીંછાવાળા સેનાપતિઓએ નીરોને સમાચાર પહોંચાડી દીધા હતા. લૂંટારાની લાશને ઢસડતો ઘોડો અને એ ઘોડાની પાછળ લાલ પીંછાવાળા સેનાપતિ આવી પહોંચ્યા. નીરો કશું પૂછે એ પહેલાં જ લાલ પીંછાવાળા સેનાપતિએ નીરો સમક્ષ નિવેદન કર્યું, ‘સમ્રાટ, આ ખતરનાક હત્યારો આપની પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે ધસી આવતો હતો. અમે એને રસ્તામાં જ ઝબ્બે કરી દીધો.’ આ સાંભળીને નીરો હસી પડ્યો. તેણે સીધો સવાલ કર્યો, ‘તમને મારા જીવની ચિંતા છે કે પછી સરસેનાપતિ બનવાની ઉતાવળ?’ નીરોએ આગળ ચલાવ્યું, ‘લાલ પીંછાવાળા સેનાપતિ, આવી બધી રમતો હું બ્રિટેનિકસ સાથે રમતો.’ નીરોએ આકાશ તરફ જોઈને કહ્યું, ‘બ્રિટેનિકસ! બિચારો ભોળિયો જીવ હતો!’
નીરોએ તાળી પાડવા હાથ પહોળા કર્યા. બે હથેળીઓ એકબીજા સાથે ટકરાય એ પહેલાં જ લાલ પીંછાવાળા સૈનિકો ભાલા સાથે હાજર થઈ ગયા. તેમણે પોતાના જ સેનાપતિને પકડી લીધા અને તેમના હાથ બાંધી દીધા. નીરોએ સૈનિકોને તાકીદ કરી, ‘એમને ઘેરથી ભોજન લાવવાની અને મુલાકાતીઓને મળવાની છૂટ આપજો.’
લાલ પીંછાવાળા સેનાપતિને જેલમાં નાખવામાં આવ્યા. જોતજોતાંમાં સમગ્ર રોમમાં આ વાત પ્રસરી ગઈ. રોમની જનતાને આનાથી ખાસ ફરક ન પડ્યો, પણ રોમના પ્રબુદ્ધજનો માટે મૂંઝવણ ઊભી થઈ ગઈ. નીરોને ટેકો આપવો કે લાલ પીંછાવાળા સેનાપતિને, કે જે પોતે નીરોનો જ પ્રતિનિધિ હતો! મુલાકાતીઓને મળવાની છૂટ હોવાથી રોમના પ્રબુદ્ધજનો લાલ પીંછાવાળા સેનાપતિની મુલાકાતે જવા લાગ્યા. જેલમાં મળતી નવરાશનો સદુપયોગ તે કવિતા લખવામાં કરે એવાં સૂચન તેમને મળવા લાગ્યાં. એક પ્રબુદ્ધજને એ સેનાપતિને કહ્યું, ‘હું તમને સમગ્ર રોમ વતી કહેવા આવ્યો છું કે આ મુશ્કેલ ઘડીએ અમે તમારી સાથે છીએ.’ આવી વિષમ પરિસ્થિતિમાં પણ લાલ પીંછાવાળા સેનાપતિને આ પ્રબુદ્ધજનના ભોળપણ પર હસવું આવી ગયું. તેણે જરાય કટાક્ષ વગર એ પ્રબુદ્ધજનને પૂછ્યું, ‘તમારાથી ચાર ઘર દૂર તમારું નામ પૂછીએ તોય કોઈ તમારા સરનામાની કોઈને ખબર હોતી નથી. અને તમે સમગ્ર રોમ વતી કહેવા આવ્યા?’
આ સાંભળીને એ પ્રબુદ્ધજને સહેજ પણ ઓઝપાયા વિના કહ્યું, ‘તમે મારા વિશે ગ્રીસમાં પૂછો, મોરોક્કોમાં પૂછો, આર્મેનિયામાં પૂછો.’
લાલ પીંછાવાળા સેનાપતિએ ચર્ચા વધુ ન લંબાવતાં બે હાથ જોડીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું. આમ ને આમ, લાલ પીંછાવાળા સેનાપતિના દિવસો જેલમાં પસાર થતા રહ્યા. આ સમયગાળામાં નીરોનું કદ ઘણું વિસ્તર્યું, તેની ધાક બરાબર જામી. રોમના પ્રબુદ્ધજનો હવે લાલ પીંછાવાળા સેનાપતિને તેમના હાલ પર છોડીને સીધા નીરો સાથે સંપર્ક સ્થાપવા લાગ્યા.

No comments:

Post a Comment