Sunday, May 9, 2021

નીરો અને બહુમતી

લોકશાહી શાસનવ્યવસ્થા હજી ખાસ વિકસીત નહોતી, એ કાળે નીરો એમાં શ્રદ્ધા ધરાવતો હતો. સૌ જાણે છે એમ લોકશાહીનો પ્રાણ 'લોકો વડે, લોકોની, લોકો માટેની શાસનપદ્ધતિ' જેવું સૂત્ર નથી. લોકશાહીનો સાદો, સરળ અને સુંદર અર્થ છે બહુમતી. એટલે કે જે પક્ષમાં વિશેષ મતનો જુમલો હોય એ પક્ષ. ('જુમલો' અહીં ગુજરાતી અર્થમાં છે) બહુમતી કેમ? સીધી વાત છે કે કોઈ એકલદોકલ માણસ હોય તો પોતાનો અમુક મત પ્રગટ કરવા પાછળ તેનું સ્થાપિત હીત હોઈ શકે, પણ બહુમતીમાં એ શક્યતા સાવ પાતળી. નીરોના હૈયે રોમનું અને રોમનોનું હીત સદાકાળ હતું, આથી તે જે કંઈ નિર્ણય લેતો એ બહુમતીથી લેતો.

કોઈ પણ મહત્ત્વનું સૂચન આવે, માહિતી યા બાતમી મળે એટલે નીરો તેના વિશે વિચારતો. પોતે કોઈ મહત્ત્વના નિર્ણય પર આવે એ પછી તે એક બારણું ખોલતો અને અંદર પ્રવેશતો.
એમ મનાતું કે આ બારણાની પછવાડે એક વિશાળ ખંડ હતો, જેમાં રોમના અગ્રણીઓને નોંતરવામાં આવતા. જો કે, કોઈએ એમને પ્રવેશતા કે બહાર નીકળતા જોયા નહોતા. આથી એમ મનાતું કે તેઓ ભૂગર્ભ માર્ગે જતા-આવતા હશે. આનો પણ તર્ક હતો. કદાચ કોઈ એવો નિર્ણય લેવાય કે જેનાથી પ્રજામાં અસંતોષ પ્રસરે, તો ભૂલેચૂકેય પ્રજાના રોષનો ભોગ રોમન અગ્રણીઓએ ન બનવું પડે. નીરોની નિર્ણયસભામાં કોણ કોણ હાજર રહેતું એની માહિતી અત્યંત ગુપ્ત રખાતી.
આને પરિણામે નીરો અનેક અભૂતપૂર્વ નિર્ણય લઈ શક્યો. આ નિર્ણયોની ઘોષણા સાંભળીને રોમનો રાજીરાજી થઈ જતા. જેમ કે, એક વાર તેણે ઘોષિત કર્યું કે રોમના રસ્તાઓ વધુ પહોળા બનાવાશે. એની વચ્ચોવચ્ચ ચાર ઘોડાની બગીઓ જઈ શકે એવો વિશેષ માર્ગ તૈયાર કરાશે. ચાર કે આઠ ઘોડાની બગી સિવાયનાં અન્ય સવારો આ માર્ગમાં પ્રવેશી શકશે નહીં. આવું રોમના કોઈ શાસકે આજ સુધી કર્યું નહોતું. ચાર કે આઠ ઘોડાની બગી ધરાવતા વર્ગ સિવાયના તમામ લોકોમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું. હવે પોતાના માર્ગમાં ચાર ઘોડાવાળી બગીઓ નડશે નહીં એ બાબતે તેઓ રાજીરાજી થઈ ગયા. ચાર ઘોડાની બગીવાળાઓને અંદાજ હતો કે હવે પોતાને માથે નવો વેરો ઝીંકાશે. આમ છતાં, સમ્રાટે કર્યું તો કંઈક વિચારીને જ કર્યું હશે એમ ધારીને તેમણે મૂંગે મોંએ આ ઘોષણા સ્વીકારી લીધી.
એક વખત આઠ ઘોડાની બગી ધરાવતા એક રોમન ઉમરાવ નીરોને મળવા તેમને મહેલ ગયા. કામ કશું નહોતું, પણ નીરોની નજરમાં રહેવું તેમને ગમતું હતું. તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. નીરો એક અગત્યની બેઠકમાં છે અને કોઈક નિર્ણય માટે બહુમતી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે એમ તેમને જણાવાયું. રોમન ઉમરાવની આગતાસ્વાગતા કરવામાં આવી. એ પછી સેવકો પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. એ વિશાળ ખંડમાં રોમન ઉમરાવ એકલા પડ્યા. એક કલાક વીત્યો. સવા, દોઢ એમ બે કલાક વીત્યા. નહોતો નીરો અંદરથી બહાર આવતો, કે નહોતો દિવાલ પાછળથી કશો અવાજ સંભળાતો. અઢી-ત્રણ કલાક થયા એટલે રોમન ઉમરાવની ધીરજ ખૂટી. નીરો બેઠેલો હોવાનું કહેવાયું હતું એ સભાખંડનું બારણું બંધ હતું. ઉમરાવ ઉભા થયા, અને ધીમે રહીને તેમણે એ બારણું સહેજ ખોલ્યું.


એ સાથે જ તે ચકરાઈ ગયા. તેમણે જે જોયું એ માનવામાં આવે એમ નહોતું. એ સભાખંડ 'હાઉસ ઑફ મિરર્સ' હતો, જેની ચોફેર અરીસા જડેલા હતા. આખો સભાખંડ ભરેલો હતો અને તેમાં ઠેરઠેર નીરો જ બેઠેલો જણાતો હતો. કશી ગંભીર ચર્ચા ચાલી રહી હતી અને તમામ નીરોના હાથ એક સાથે સંમતિમાં ઊંચા થતા હતા. બહુમતી લેવાની પ્રક્રિયાના એક માત્ર સાક્ષી આ રોમન ઉમરાવ બની રહ્યા.
જો કે, બારણું ખૂલવાથી નીરોનું ધ્યાન તરત જ એ તરફ ફંટાયું. તેણે પ્રસ્તાવ મૂક્યો, 'ગુપ્તતા અધિનિયમ ધારા અંતર્ગત કોઈ રાજ્યની ગુપ્ત વાત સાંભળી જાય તો એને મોતની સજા કરવી યોગ્ય રહે એમ કેટલા માને છે?' સભાખંડમાં બેઠેલા તમામ નીરોએ સંમતિમાં હાથ ઉંચા કર્યા.
બે દિવસ પછી રોમન ઉમરાવનાં પરિવારજનો રડતાંકકળતાં નીરોના દરબારમાં આવ્યા અને ફરિયાદ કરી કે પોતાના પરિવારના મોભી બે દિવસથી ઘેર આવ્યા નથી. નીરોએ તેમને આશ્વાસન આપ્યું અને પોતે તેમને શોધવા માટે બધું જ કરી છૂટશે એમ જણાવી વિદાય કર્યા.
થોડા સમય પછી રોમમાં ચાર બગીવાળો માર્ગ તૈયાર થયો ત્યારે તેના આરંભબિંદુનું નામ પેલા રોમન ઉમરાવના નામે આપવામાં આવ્યું. નીરોએ પોતાનું વચન પાળ્યું હતું.
(નોંધ: 'હાઉસ ઑફ મિરર્સ'નો આવિષ્કાર નીરોએ કર્યો કે કેમ એ મતમતાંતર હશે, પણ બહુમત માટે તેનો સૌથી વધુ ઉપયોગ નીરોએ કર્યો હતો એ બાબતે એકમત પ્રવર્તે છે. આગળ જતાં ચાર્લી ચેપ્લિને 'ધ સર્કસ'માં, બ્રુસ લીએ 'એન્ટર ધ ડ્રેગન', શોમુ મુખરજીએ 'છૈલા બાબુ' ફિલ્મમાં તેમજ બીજા અનેક નિર્માતાઓએ સફળતાપૂર્વક ફિલ્મોમાં 'હાઉસ ઑફ મિરર્સ'નો ઉપયોગ કર્યો હતો.)

(By clicking image, the URL will be reached)

No comments:

Post a Comment