રમતગમત અને કળા- આ બન્ને બાબતો એવી છે કે જે કોઈ પણ રાજ્યની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. નીરોએ આ બન્નેને પ્રોત્સાહન આપવા માટે પૂરતા પ્રયત્નો કર્યા. નીરો પોતે કવિતા લખતો. આથી રોમના કવિઓને તે પોતાની જ બિરાદરીનો લાગતો. પોતાનાં કાવ્યસંગ્રહોનાં લોકાર્પણ નીરો પાસે કરાવવા માટે તે ઉત્સુક રહેતા. લોકાર્પણની નીરોની આગવી પદ્ધતિ હતી. તેને જનમેદની ખૂબ પસંદ હતી. આથી તે દરેક કાર્યક્રમો એ રીતે યોજતો કે લાખો લોકોની ઉપસ્થિતિ હોય. અરે, તે પોતાની મા અગ્રીપીનાને મળવા જાય ત્યારે પણ રસ્તાની બેય બાજુએ ઉપસ્થિત જનમેદની તેનું અભિવાદન કરતી.
વિમોચન કાર્યક્રમ મોટે ભાગે કોલોઝિયમમાં યોજાતા. જે ગુલામોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોય તેમને એ દિવસે ઉપસ્થિત રખાતા. 'સ્લેવ ડઝન્ટ હેવ ચૉઈસ'ની ઉક્તિને ખોટી ઠેરવતો નીરો આ ગુલામોને મૃત્યુ માટે વિકલ્પ આપતો. એક તરફ અઠવાડિયાના ભૂખ્યા વાઘને બહાર કાઢવામાં આવતા. બીજી તરફ જેના કાવ્યસંગ્રહનું લોકાર્પણ કરવાનું હોય એ કવિનો કાવ્યપાઠ યોજાતો. પેલા ગુલામો આમાંથી કયા માર્ગે મોત ઈચ્છે છે એ તેમને પૂછવામાં આવતું. ગુલામોની જિંદગી આમે દોજખ જેવી હતી, પણ મૃત્યુને તેઓ બને એટલું પીડાવિહીન રાખવા ઈચ્છતા. આથી તેઓ વાઘવાળો વિકલ્પ પસંદ કરતા. જો કે, અમુક ગુલામો એવા હતા કે જેમને કોઈ વિકલ્પ અપાતો નહીં. એક યા બીજી રીતે ભાગી છૂટવાનો કે ચોકિયાત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય એવા ગુલામો આ યાદીમાં રહેતા. આથી તેમના મૃત્યુને બને એટલું યાતનામય બનાવાતું. પહેલાં તેમને કાવ્યપાઠ સંભળાવવામાં આવતો. એ સાંભળતાં સાંભળતાં ગુલામ ચીસો પાડતો, આક્રંદ કરતો, જ્યારે ઉપસ્થિત મેદની 'દુબારા, દુબારા'ના પોકારો કરતી. એક ગુલામે તો સામે ચાલીને વાઘના મોંમાં ધસી જવાનો પ્રયાસ કર્યો, પણ વાઘ સાંકળ વડે બંધાયેલો હતો, આથી તેની કારી ફાવી નહીં. આ ગુલામને વધારાની સજા ફરમાવવામાં આવી. કાવ્યપાઠ ઉપરાંત તેને ચિંતનલેખો પણ વાંચી સંભળાવવામાં આવ્યા. મૂળ આશય એ જ કે ફરી અન્ય કોઈ ગુલામ કદી નીરો સામે માથું ઉંચકવાની જુર્રત ન કરે.
નીરો પોતે અદ્ભુત સંગીત વગાડતો. તે લાયર/Lyre નામનું વાદ્ય વગાડતો. કોલોઝિયમમાં તેનું વાદન યોજાય ત્યારે આખું કોલોઝિયમ હકડેઠઠ ભરાઈ જતું. એ પછી તેના તમામ દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવતા. લાયરના સૂર નીરો છેડે એ સાથે જ રોમનો અભિભૂત થઈ જતા. એક વાયકા મુજબ, શંકર-જયકિશને 'આવારા'માં બનાવેલી 'તેરે બિના આગ યે ચાંદની, તૂ આજા' અસલમાં નીરોની ધૂન પર આધારિત છે. અન્ય એક વાયકા એવી પણ છે કે ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર કે અચ્છાંદસ પ્રકાર પ્રચલિત છે, તેના મૂળમાં આ સમયગાળાના રોમન કાવ્યો છે. આ સામ્ય વિશે કોઈક વિદ્વાનો પ્રકાશ પાડી શકે, પણ ઘણા ભાવકોએ એ વાંચતાં નજર સામે ત્રાડ પાડતો ભૂખ્યો વાઘ હોવાની અનુભૂતિ કરી છે એ હકીકત છે.
અગાઉ આપણે જોયું કે નીરો પશુ-પક્ષીપ્રેમી પણ હતો. તે વાઘની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખતો. ઘણી વાર કોઈક કવિ પોતાનો કાવ્યપાઠ કરી રહ્યા હોય ત્યારે તેમની પર વાઘને છોડી મૂકાતો. એમ દર્શાવાતું કે એ કવિની કવિતાથી જો વાઘ આટલો અકળાઈ જતો હોય તો આપણા રોમનોની શી દશા થાય?
આમ છતાં, રોમના કવિઓનો જુસ્સો એવો હતો કે તે કવિતા રચવાનું છોડતા નહોતા. મોટા ભાગના કવિઓને એક જ લાલસા રહેતી કે બસ, પોતાની કવિતા સાંભળ્યા પછી જ કોઈ ગુલામ વાઘને હવાલે થાય.
વાઘ પર મનોવૈજ્ઞાનિક અસર થવાનો આરંભ આ કાળથી થયો હતો, એમ મનાય છે. એ જે હોય એ, હકીકત એટલી કે નીરો કાવ્યપોષક, કાવ્યોદ્ધારક અને કાવ્યહિતૈષી હતો. તે પોતે કવિતા લખતો હતો, અને અન્યોને લખવા પણ દેતો હતો, એ બાબત આ હકીકતની પુષ્ટિ કરે છે.
(By clicking image, the URL can be reached)
No comments:
Post a Comment