વિખ્યાત સમાજવિજ્ઞાની ધીરુભાઈ શેઠનું 7 મે, 2021ને શુક્રવારના રોજ દિલ્હી ખાતે અવસાન થયાના સમાચાર મળ્યા. એ સાથે જ તેમની સાથેનાં કેટકેટલાં સ્મરણો તરવરી ઉઠ્યા.
ધીરુભાઈ શેઠ
( 17-3-1934 થી 7-5-2021)
'ડી.એલ.શેઠ' તરીકે ઓળખાતા ધીરુભાઈ સાથે મારો પરિચય બિપીનભાઈ શ્રોફ દ્વારા થયેલો. વડોદરાના વિચારક રાવજીભાઈ પટેલ 'મોટા'ના જીવન વિશે પુસ્તક લખવાનું મને સોંપાયું એ પછી મોટાની 'રેનેસાં ક્લબ' સાથે સંકળાઈ ચૂકેલા લોકોની દીર્ઘ મુલાકાત અમે લેતા હતા. એમાં બે નામ વારેવારે કાને પડતા, અને એ બેય દિલ્હીના હતા. એક રજની કોઠારી અને બીજા ધીરુભાઈ શેઠ. બન્ને દિલ્હિસ્થિત 'સી.એસ.ડી.એસ.' (સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપમેન્ટલ સોસાયટીઝ) સાથે સંકળાયેલા.
એવામાં સમાચાર મળ્યા કે ધીરુભાઈ વડોદરા આવેલા છે. બિપીનભાઈ સાથે મેં એમની મુલાકાત લીધી. એ વખતે ખબર પડી કે વડોદરામાં તેમનું મકાન છે, અને તે વડોદરા લાંબું રોકાણ કરવાના છે. તેમનાં પત્ની સુરભિકાકી પણ હતાં. ધીરુભાઈનો ઈન્ટરવ્યૂ કદાચ સૌથી અઘરો હતો. કેમ કે, તે કોઈ પણ પ્રશ્નનો જવાબ વિસ્તારથી આપતા. ઈન્ટરવ્યૂનું ઓડિયો રેકોર્ડિંગ થતું હતું, એટલે મને રાહત હતી, નહીંતર તેમનાં ઘણા શબ્દો મારા માટે નવા હતા. એ ઈન્ટરવ્યૂ લઈને અમે બહાર નીકળ્યા પછી બિપીનભાઈને મેં કહ્યું, 'આ કાકા બહુ કડક છે. એમની પાસે વાત કઢાવવી મુશ્કેલ પડે.' એ ઈન્ટરવ્યૂની મેં ટ્રાન્સક્રિપ્ટ કરી અને પછી ધીરુભાઈને એ આપવા ગયો એ અમારી બીજી મુલાકાત.
એ પછીની મુલાકાતો ગણવાનું છોડી દેવું પડ્યું. મારા ઘરથી સાવ નજીક હોવાને કારણે અમે અઠવાડિયે ત્રણેક વાર તેમને ત્યાં જવા લાગ્યા. સામાન્ય રીતે તે દિલ્હીમાં શિયાળો બેસે એટલે વડોદરા આવી જાય અને પછી ત્રણ-ચાર મહિના રહે. આ સમયગાળાની અમે રીતસર રાહ જોતા હોઈએ.
સાંજે પરવારીને સાડા નવ-દસે હું અને કામિની સાયકલો લઈને એમને ત્યાં ઉપડીએ. એ દોઢ-બે કલાકમાં કંઈ કેટકેટલા વિષયો આવે. એમાં ખરી મઝા ત્યારે આવે કે કામિની અને ધીરુભાઈ એક બાજુ બેસીને વાતો કરતા હોય, અને સુરભિકાકી મારી સાથે વાતે વળગ્યાં હોય. અમે કાં તો કોઈક જૂના ગીતની, સંગીતકારની કે એવી વાત કરીએ, બીજી બાજુ ધીરુભાઈની વાતના વિષય અવનવા. સૌથી વધુ મઝા કામિની અને ધીરુભાઈની ચર્ચાની. એક ગૃહિણી તરીકે કામિની સાવ સપાટ રીતે કહે, 'ધીરુકાકા, મને તમારી આ વાતમાં જરાય સમજણ ન પડી.' ત્યારે ધીરુભાઈ એટલું જ ફ્લેટલી કહે, 'તું વધારે સારી રીતે સમજે છે.' આમ કહીને તે સમજાવે કે પોતે કહ્યું એ શી રીતે સાચું છે.
સુરભિકાકી અને ધીરુભાઈ શેઠ |
ધીરુભાઈ સી.એસ.ડી.એસ. સાથે સક્રિય હોવાથી દિલ્હીના ઉચ્ચ ગણાતા બૌદ્ધિક વર્તુળમાં તેમનું નામ અગ્ર હરોળમાં લેવાય. તેમનો દૃષ્ટિકોણ બૌદ્ધિક પ્રકારનો, એટલે તે દરેક બાબતને એક ઉંચાઈએથી જુએ.
પહેલી મુલાકાત થકી ઉપસેલી છાપ તો ક્યાંય જતી રહી, અને એક જુદી જાતની આત્મીયતા સ્થપાતી ગઈ. ધીરુભાઈની એક શૈલી એવી કે એ સામે ચાલીને કશું ન કહે. ક્યારેક સાંજે તેમણે બહાર જવાનું હોય તો એ અમને ફોન કરીને જણાવી દે એ તો બરાબર. પણ ખરી મઝા ત્યારે આવે કે જ્યારે તે ઘેર હોય અને ઈચ્છતા હોય કે અમે આવીએ. સાડા સાત-પોણા આઠે એમનો ફોન રણકે અને પૂછે: 'કેમ છો? કાલે અમે બહાર ગયેલા...' વગેરે. પછી કહે, 'આજે નીકળવાના છો?' તેમની આ શૈલી ખબર પડી ગયેલી એટલે હું કહી દઉં, 'તમે ઘેર છો તો આવી જ જઈએ.'
'અહા!જિંદગી'માં મારે 'ગુર્જરરત્ન' કોલમ ચાલતી ત્યારે મેં એમના વિશે લખવાનો ઈરાદો વ્યક્ત કર્યો. સંપાદક દીપક સોલિયાને પૂછતાં તેમણે મંજૂરી આપી. પણ ધીરુભાઈની જવાબ આપવાની શૈલીથી હું પૂરો પરિચીત હતો, એટલે મેં તેમને મારા બે એક લેખ વાંચવા આપ્યા, જેથી મારી જરૂરિયાત શી છે એ તેમને ખ્યાલ આવે. આ રીત બહુ કારગર નીવડી. ઈન્ટરવ્યૂ વખતે તે કોઈ જવાબ વિસ્તારથી આપવા જાય ત્યારે કહે, 'આ તને લખવામાં કામ નહીં લાગે, પણ એના આધારે જે બીજી વાત કરવાનો છું એ સમજવામાં કામ લાગશે.' રજની કોઠારીનું અવસાન થયું ત્યારે ધીરુભાઈ અને સુરભિકાકી વડોદરામાં હતા. મારી 'ગુજરાતમિત્ર'ની કોલમ માટે રજની કોઠારી વિશે લેખ લખવાનો હતો. તેમને કોઠારીના અવસાનનો ઘણો શોક હતો, છતાં એ લેખ માટે મને ઘણી માહિતી પૂરી પાડેલી, તેમજ માહિતીને ચકાસી પણ હતી.
તે દૃઢપણે માનતા કે સમાજવિજ્ઞાન વિશેની આપણી સમજ પશ્ચિમ પાસેથી ઉછીની લેવાઈ છે, તેથી તેના ઉકેલ પણ એ જ દૃષ્ટિએ વિચારવામાં આવે છે. તૈયાર ઉકેલ જે સમસ્યામાં ફીટ બેસી જાય એ જ દૃષ્ટિકોણથી સમસ્યાને જોવામાં આવે છે કે તેને ઊભી કરવામાં આવે છે.
અનેક દેશોની મુલાકાત લઈ ચૂકેલા ધીરુભાઈની શૈલી મુઠ્ઠી પછાડીને કે જોરશોરથી બરાડા પાડીને રજૂઆત કરવાની નહીં, પણ ધીમેથી, છતાં મક્કમતાપૂર્વક વાત મૂકવાની હતી. મોટે ભાગે એમ બનતું કે આંતરરાષ્ટ્રીય ચર્ચા, મિટીંગ કે સેમિનારમાં તેમની રજૂઆત જોઈને કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેમને પૂછનાર નીકળે કે પશ્ચિમની કઈ યુનિવર્સિટીમાંથી ધીરુભાઈએ સોશિયલ સાયન્સનો અભ્યાસ કર્યો? 'ઓક્સફર્ડ', 'કેમ્બ્રીજ', 'હાવર્ડ' કે 'યેલ' જેવા જવાબની અપેક્ષા સાથે પૂછાયેલા આ સવાલના જવાબમાં ધીરુભાઈ હસતાં હસતાં કહે, 'હું મોજે ગામ બહાદરપુર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું.'
બહાદરપુર (બાધરપુર) જેવા નાનકડા ગામમાં વીતેલા તેમના બાળપણે તેમને અનુભવસમૃદ્ધ કર્યા હતા, અને આ અનુભવ તેમને સમાજકારણને વ્યાપક રીતે સમજવામાં બહુ કામ લાગ્યા. એક ઉદાહરણ: પંચમહાલ જિલ્લાના કંબોઈ ગામે તેમનો એક મિત્ર હતો, જે ભીલ હતો. બન્ને રસ્તા પર દોડાદોડી કરતા હતા. ધ્યાન ન રહેતાં પેલો મિત્ર પાણીના ટાંકામાં પડ્યો. જોતજોતાંમાં ટોળું ભેગું થઈ ગયું. પેલાને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ થયા. આખરે બહાર આવ્યું તો તેનું શબ. છોકરાની માને આ દુર્ઘટનાનો જબ્બર આઘાત લાગ્યો. એ પછી રોજ સવારે તે પોતાના દીકરાને યાદ કરીને મરશિયા ગાતી. ધીરુભાઈને એ મરશિયાનો ભાવ યથાતથ યાદ હતો: 'હે દીકરા, તું આવતા જન્મે બ્રાહ્મણ ન બનતો. કેમ કે, ચાલી ચાલીને તારા પગ ઘસાઈ જશે. તું વાણિયો પણ ન બનતો. કેમ કે હિસાબ લખી લખીને તારી આંખો ફૂટી જશે. તું સોની ન બનતો. તું ભીલ જ બનજે અને મારે ખોળે જનમજે.' આ મરશિયા પાછળ રહેલું સમાજદર્શન ધીરુભાઈ પછી બરાબર સમજેલા.
શેરીની કૂતરી વિયાઈ હોય તો એનાં ગલુડિયાંની સંભાળ લેવાની, કૂતરી માટે શિરો બનાવવા ઘેરઘેરથી ઉઘરાણું કરવાનું, કોઈકની બકરી દોહીને દૂધ લઈ આવવાનું, વાંદરા પકડવા, પતંગો લૂંટવી, મેળામાં જઈને ત્યાંથી વસ્તુઓ સેરવી લેવાની, ગામમાં આવેલા સરકસમાં પાછલે બારણે ઘૂસ મારવી, સરકસમાં જોયેલા કૂતરાના ખેલ ઘેર આવ્યા પછી પોતે રિંગ માસ્ટર બનીને શેરીનાં કૂતરાં પાસે કરાવવા અને તેમાંથી કમાણી કરવી- આવાં તો કંઈક કરતબો તે બાળપણમાં - કિશોરાવસ્થામાં કરી ચૂકેલા.
ગામમાં સેવાદળ શરૂ થયું એટલે મિત્રો સાથે એમાં જોડાયા અને વિવિધ વાદ્યો વગાડતાં શીખ્યા. સહેજ ફાવટ આવી એટલે મિત્રોએ ભેગા થઈને બૅન્ડ બનાવ્યું. નામ રખાયું, 'બંસી બૅન્ડ'. પોતાના કે પડોશનાં ગામોમાં શુભ પ્રસંગે આ બૅન્ડને બોલાવવામાં આવતું. ધીરુભાઈ એમાં બંસરી વગાડતા. બંસરીમાં બહુ ફાવટ નહીં આવેલી, પણ બીજા વાદકો વચ્ચે નભી જતું. પણ આ બૅન્ડની આવકનો ઉપયોગ કોઈકને અભ્યાસમાં સહાય માટે કરવામાં આવતો.
આવા કંઈક અનુભવો તેમને સમાજવિજ્ઞાન સમજવામાં કામ લાગ્યા. તેમની ખ્યાતિ પોલિટીકલ સોશ્યોલોજિસ્ટ તરીકેની, છતાં તે કહેતા: 'સમાજ કંઈ નિર્જીવ અને જડ પદાર્થોનો સમૂહ નથી કે તેમાં વિજ્ઞાનની જેમ સાર્વત્રિક નિયમો લાગુ પાડી શકાય. હા, સમાજ વિશેનાં જ્ઞાન, જાણકારી અને માહિતી હોઈ શકે.' તેમની કાર્યપદ્ધતિ પોતાના જ અનુભવો થકી સમૃદ્ધ બનતી ગઈ. કોઈ એક પ્રસ્થાપિત સિદ્ધાંતને અનુસરવાને બદલે પોતાના અનુભવોમાંથી તારવેલી સમજણને તે કામે લગાડતા. આથી પોતાની કાર્યપદ્ધતિને તે 'સ્લીપ વૉકિંગ' સાથે સરખાવતા. એ વિશે તે કહેતા, 'મેં કદી કોઈ ધ્યેય સામે રાખીને કામ નથી કર્યું. મને જેમાં રસ પડે એ હું કરતો ગયો, આગળ વધતો ગયો અને માર્ગ ખૂલતો ગયો.' કોઈ પણ બાબતને એકરંગી (બ્લેક એન્ડ વ્હાઈટ) જોવાને બદલે તેની વચ્ચે રહેલા રંગપટ (ગ્રે શેડ્સ) પ્રત્યે તે ખાસ ધ્યાન દોરતા.
'સીટીઝન્સ એન્ડ પાર્ટીઝ' (આશિષ નાન્દી સાથે), 'ધ મલ્ટીવર્સ ઑફ ડેમોક્રેસી', 'માઈનોરિટી આઈડેન્ટિટીઝ એન્ડ ધ નેશન-સ્ટેટ' (ગુરપ્રીત મહાજન સાથે), અને 'વેલ્યૂઝ એન્ડ ધ એક્ટિવ કમ્યુનિટી' જેવાં પુસ્તકો તેમણે લખેલાં છે. અભયકુમાર દુબે દ્વારા સંપાદિત 'સત્તા ઔર સમાજ'માં વિવિધ મુદ્દાઓ અંગેના ધીરુભાઈના દર્શનને વાતચીત સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. છેલ્લે તેમણે 'એટ હોમ વીથ ડેમોક્રસી: અ થિયરી ઑફ ઈન્ડિયન પોલિટિક્સ' પુસ્તક લખ્યું. (તેમના વિસ્તૃત પ્રદાન વિશે મારા પુસ્તક 'ગુર્જરરત્ન'માં વિગતવાર આલેખન છે. )
તેમનાં બન્ને સંતાનો દિલ્હીમાં છે. પુત્ર નિનાદ પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે, અને એક સમયે 'ઓપન' સામયિકના સંપાદન સાથે સંકળાયેલા હતા. હાલ તે 'બિઝનેસ વર્લ્ડ' સાથે સંંકળાયેલા છેેે, તો પુત્રી સોહા (શાહ મોઈત્રા) 'ક્રાય' (Child Relief & You) નું રિજીયોનલ ડાયરેક્ટરપદ શોભાવી રહ્યાં છે. છેલ્લા ઘણા વખતથી ધીરુભાઈ ગુડગાંવ ખાતે સોહાબેનને ત્યાં જ રહેતા હતા. સોહાબેનના માધ્યમથી તેમની ખબરઅંતર અમે પૂછી લેતા, કેમ કે, ધીરુભાઈને શ્વાસની તકલીફ ઘણી હતી. તેમની વય 85 વરસની હતી.
સુરભિકાકીની વિદાય પછી હવે ધીરુભાઈની વિદાયને લઈને એક એવો ખાલીપો સર્જાયેલો લાગે છે કે જે કદી ભરી ન શકાય. સાવ ઓછા સમયગાળામાં, છતાં જીવનને સમૃદ્ધ કરનારા જે કેટલાક સંપર્કો થયા એમાંના આ એક હવે સ્મૃતિમાં જીવંત રહેશે!
ધીરુભાઈને નમન.
ReplyDelete