Monday, May 10, 2021

નીરો અને નવો મહેલ

 રોમન સ્થાપત્યો એક મિસાલરૂપ ગણાય છે. સ્વાભાવિકપણે જ નીરોને તેનું ઘણું આકર્ષણ હતું. આથી તેણે પોતાના આવાસ માટે એક ભવ્ય મહેલનું નિર્માણ કરવાનું વિચાર્યું. નીરો કશું પણ વિચારે એટલે સીધો એનો અમલ જ હોય. આયોજન પછી આવે. આ ભવ્ય મહેલ દોમસ ઓરિઆ/Domus Aurea તરીકે ઓળખાવાયો. અંગ્રેજીમાં તેને 'ગોલ્ડન પેલેસ' કહી શકાય.

દોમસ ઓરિઆ 
તો શું નીરો રાજા બન્યા પછી જે મહેલમાં વસવાટ કરતો હતો એ ભવ્ય નહોતો? જે મહેલમાં નીરો વસતો એનું નામ દોમસ ટ્રાન્ઝિટોરિઆ/Domus Transitoria હતું. પેલેટાઈન હીલ પર આવેલા આ ભવ્ય મહેલની બહારની દિવાલો આરસની જડેલી હતી. આની પરથી અંદાજ બાંધી શકાશે કે એ મહેલ અંદરથી કેટલો ભવ્ય હશે!

દોમસ ટ્રાન્‍ઝિટોરિઆ
શા માટે નીરોને નવો મહેલ બનાવડાવવાનો વિચાર આવ્યો? આ સવાલનો જવાબ આજે બે હજાર-એકવીસસો વરસ પછી શોધવો મુશ્કેલ છે. પણ દરેક રાજાને પોતે એક યા બીજી રીતે અમર બની જવાના ખ્વાબ હોય છે. પોતે શારિરીક રીતે અજરામર નથી એ તેઓ જાણતા જ હોય છે, આથી એ માટેના બીજા નુસખા તે અજમાવતા રહ્યા છે. નીરો એ રીતે તદ્દન વ્યવહારુ અને વાસ્તવદર્શી હતો. તેને ખબર હતી કે પોતાના મૃત્યુ પછી લોકો તેને યાદ રાખે કે કેમ એ પોતાના હાથમાં નથી.

લોકો પણ વિચિત્ર હોય છે! નીરોને તેમણે યાદ તો રાખ્યો, બલ્કે કદી ભૂલ્યા નહીં. કેમ કે, નીરો પોતે એક માપદંડ સમો બની રહ્યો હતો. પછીના કાળના વિવિધ શાસકો નીરોની સરખામણીએ કેટલા ક્રૂર અથવા કેટલા નિર્દય છે એ સમજવા માટે નીરોનો સંદર્ભ અપાતો રહ્યો. ભવ્યાતિભવ્ય બની રહેનારા દોમસ ઓરિઆ માટે પણ નીરોને યાદ ન રખાયો, કે નીરો જે મહેલમાં રહેતો એ દોમસ ટ્રાન્ઝિટોરિઆ માટે પણ નીરો યાદ ન કરાયો.
નીરો ઈતિહાસમાં અમર બની રહ્યો રોમની પ્રચંડ આગ થકી. કોણ જાણે કેમ, પણ લોકોને આગ વધુ યાદ રહી જતી હોય છે. બાકી રોમની એ આગ ગમે એવી ભીષણ હોય, એ ફક્ત છ દિવસ સુધી જ ચાલી હતી. છ દિવસની એ આગે નીરોને, વર્તમાન વર્ષ સુધી ગણીએ તો કહી શકાય કે આશરે એકવીસસો વરસનું આયુષ્ય અપાવ્યું. શાસકો પોતે દોમસ ઓરિઆ કે દોમસ ટ્રાન્ઝિટોરિઆ જેવાં સ્થાપત્યોથી અમર થવા માંગતા હોય છે, પણ એ તેમના હાથમાં નથી કે લોકો તેમને શી રીતે યાદ રાખશે. મહેલ કાયમી હોવા છતાં નશ્વર છે અને આગ કામચલાઉ હોવા છતાં શાશ્વત રહે છે, એમ નીરોની કથા જાણ્યા પછી લાગ્યા વિના રહે નહીં.

(By clicking image, the URL can be reached) 

No comments:

Post a Comment