સનતભાઈ એટલે...આમ જોઈએ તો અમારી મહેમદાવાદી મિત્રમંડળી પૈકીના પ્રદીપ પંડ્યાના મોટાભાઈ. ઉંમરમાં અમારાથી ઘણા મોટા. અમે શાળામાં હતા ત્યારે એમનાથી થોડા ડરતા પણ ખરા. એ વખતે એ અમદાવાદની આબાદ ડેરીમાં નોકરી કરતા. સાંજે પોણા સાતે મહેમદાવાદ આવતી ગુજરાત ક્વિનમાં ઉતરીને એ ઘેર આવતા હોય. અમારો સૌનો એ રમવાનો સમય. અમને ખબર ન હોય કે સનતભાઈએ અમને જોયા હશે. પણ એ પછી જ્યારે મળવાનું થાય ત્યારે સનતભાઈ કહે, 'તને એ દિવસે રમતો જોયેલો.' તેમણે સાદા વિધાન લેખે કહ્યું હોય, પણ અમને લાગે કે અમે પકડાઈ ગયા. ખાસ કરીને મુકેશ પટેલ (મૂકો) અવનવાં સ્થળે ફરતો હોય અને સનતભાઈની નજરે પડે. આથી મૂકાએ એ વખતે એમનું નામ 'સી.આઈ.ડી.' પાડેલું.
અમારા સૌના પરિવારને સનતભાઈ જાણે એટલે અમને મળે ત્યારે નામજોગી સૌની પૂછપરછ કરે. અમે મોટા થતા ગયા એમ અમને સમજાતું ગયું કે એમનો બોલવાનો ટોન એવો છે કે આપણને લાગે કે આપણે પકડાઈ ગયા. વાસ્તવમાં એ એમની સાહજિક શૈલી છે, અને એ બહુ પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે.
દર દિવાળીએ અમે મિત્રો મળીને એકબીજાને ઘેર જઈએ. (આ ક્રમ હજી જેટલા મિત્રો છે એમની સાથે જળવાયેલો છે) પ્રદીપને ઘેરથી અજયને ઘેર જતાં રસ્તામાં એમનું ઘર આવે. તે મેડે રહે, પણ નિશ્ચિત સમયે અમારા સૌની રાહ જોઈને બારીએ ઉભા હોય. અમે સૌ દાદર ચડીને એમને ત્યાં જઈએ. મીનાભાભીએ નાસ્તો તૈયાર રાખ્યો હોય એ અમે પ્રેમથી ઝાપટીએ. દર વરસનો આ ક્રમ.
એ પછી તે મણિનગર રહેવા ગયા. ત્યારે પણ દિવાળીના અરસામાં મહેમદાવાદ આવતા. પ્રદીપ અને તેનો નાનો ભાઈ મનીષ વિદેશમાં સ્થાયી થયા. એ સાથે અમારું એ ઘર બંધ થયું. પણ અમારા ઔપચારિક કે અનૌપચારિક મિલનોમાં પ્રદીપના પ્રતિનિધિ તરીકે સનતભાઈને આમંત્રણ હોય અને એ ફરજ લેખે હાજર રહે.
અનેક વાર હળતામળતા થવાથી, અને બાળપણનો પેલો ડર ઘટવાથી હવે સનતભાઈ સાથે મઝા આવવા લાગી. ખાસ કરીને તેમની અમુક ખાસિયતો ધ્યાનમાં આવી એટલે.
અમે નોંધ્યું કે એ કોઈના પણ વિશે વાત કરે એટલે નામજોગી વાત ન કરે, પણ 'ક્રીપ્ટિક' શૈલીમાં વાત કરે. જેમ કે, 'પેલો...તમારો ભાઈબંધ...એના પપ્પા જી.ઈ.બી.માં છે...'
બીજી ખાસિયત એ કે અમારી મંડળીના તમામ સભ્યો અને પરિવારની અપડેટ એમની પાસે હોય. એટલે ગમે એટલા અંતરાલ પછી મળે તો પણ એ સીધા સમાચાર જ પૂછે. 'તારી છોકરી તો ભણી રહી ને? હવે નોકરી કરે છે એમ ને...સરસ, સરસ!' અસ્સલ મોટાભાઈની શૈલીએ!
મધુ રાયની નવલકથા 'કલ્પતરુ' અમારા વાંચવામાં આવેલી. એમાં એક પાત્ર સનતકુમાર ગોખલેનું હતું. એ અગાઉ અમારી ડિરેક્ટરીમાં એક જ 'સનત' હતા. આથી અમે એમનો ઉલ્લેખ 'ગોખલે' તરીકે કરતા. અલબત્ત, તેમની સામે નહીં.
મણિનગરના સ્ટેશન પાસે આવેલા આબાદ ડેરીના મિલ્ક બૂથમાં એ ફરજ પર હોય અને અમે ત્યાંથી જતા હોઈએ તો એમની નજર પડે કે તરત બૂમ પાડીને બોલાવે. અમે પણ ટ્રેન માટે ન દોડતા હોઈએ તો એમની પાસે જઈએ અને વાતો કરીએ.
વિપુલને એક કિસ્સો સુભાષકાકા (શાહ)એ કહેલો. સુભાષકાકા મણિનગરથી મહેમદાવાદ સ્કૂટર પર આવવા નીકળ્યા. તેમણે ક્રોસિંગ પાસે નજર કરી કે કોઈ મહેમદાવાદવાળું દેખાય તો બેસાડી લઈએ. સનતભાઈ ઊભેલા હતા. સુભાષકાકાએ એમને બેસાડી દીધા. વાતો કરતાં કરતાં તેઓ આગળ વધ્યા. હીરાપુર ચોકડીની આસપાસ અચાનક સનતભાઈએ કહ્યું, 'સ્કૂટર ઉભું રાખો.' સુભાષકાકાએ સાઈડમાં સ્કૂટર ઊભું રાખ્યું. સનતભાઈ નીચે ઉતર્યા અને રોડની બાજુની જગ્યામાં આડા પડીને સૂઈ ગયા. આ જોઈને સુભાષકાકા ગભરાયા. તેમને ચિંતા થઈ આવી એટલે પૂછવા પ્રયત્ન કર્યો. સનતભાઈએ એમને 'પછી કહીશ' એમ ઈશારાથી જણાવ્યું. થોડી વારમાં સનતભાઈ ઉભા થયા અને કહે, 'ચાલો.' સુભાષકાકાએ પૂછ્યું, 'શું થયેલું અચાનક?' સનતભાઈ કહે, 'મને અચાનક બી.પી. થઈ જાય છે. એ વખતે હું આવું કરું એટલે પાછું નોર્મલ થઈ જાય.' આ સાંભળીને સુભાષકાકાને ધરપત થઈ. આ કિસ્સો અમે સાંભળ્યો એટલે અમે કલ્પી લીધું કે સનતભાઈએ શી રીતે આ કર્યું હશે.
સનતભાઈનાં સંતાનો પલક અને ખ્યાતિ અમને 'કાકા' કહે. અમે અપરિણીત હતા ત્યારથી એ અમને કાકા કહીને બોલાવે એટલે અમને બહુ અજુગતું લાગતું.
દરેક મિત્રની ખાસિયત કઈ એ સનતભાઈ બરાબર જાણે. એટલે એમનો કાયમી શબ્દ. 'ઑને બધી ખબર!' અથવા 'આ બધું જોણે!' જેમ કે, જૂનાં ગીતો વિશે કશી વાત નીકળે એટલે સનતભાઈ મારી કે ઉર્વીશની સામે હાથ કરીને બોલે, 'ઑને બધી ખબર!' આમ કહેવામાં એમને બે વાતે આનંદ થાય. એક તો એ કે અમને બધી ખબર છે એની એમને પોતાને ખબર છે. અને બીજું કે અમે એમના બૃહદ પરિવારના સભ્યો છીએ.
સનતભાઈનો દેખાવ પણ વરસો વીતવાની સાથે ખાસ બદલાયેલો નહીં. શરીર એકધારું એકવડું. ફક્ત વાળ સફેદ થયેલા.
હાલ અમેરિકા રહેતો અમારો ભત્રીજો નીલ રાવલ નાનપણથી અમારો હેવાયો. એટલે તેને બધાની લાક્ષણિકતાઓ બરાબર ખબર. સનતભાઈ અમેરિકા પ્રદીપને ત્યાં ગયા ત્યારે નીલ પણ તેમને ત્યાં મળેલો. નીલ એ સાંભળવા તત્પર કે સનતભાઈ ક્યારે એમનું ટ્રેડમાર્ક વાક્ય બોલે છે!
અલબત્ત, ફેસબુક પર તે સક્રિય અને અવારનવાર કમેન્ટ કરે. એમની કમેન્ટનો ટોન બીજા કોઈને ન ખ્યાલ આવે, પણ મને પેલો 'સી.આઈ.ડી.' ટોન સંભળાય, કેમ કે, કમેન્ટ ભલે ટાઈપ કરેલી હોય, મને એ એમના અવાજમાં 'સંભળાતી'.
જાન્યુઆરીમાં મારી દીકરી શચિના લગ્નમાં મીનાભાભી અને સનતભાઈ આવ્યા અને પ્રેમથી મળ્યા હતા. તેઓ સહેજ વહેલા આવેલા એટલે બે-ત્રણ મિનીટ વાત થઈ શકે એવો મોકો મળેલો. એ અમારી છેલ્લી મુલાકાત.
અજયે આપેલા સમાચાર મુજબ ભાઈ પલકને કોવિડ થયેલો. સનતભાઈ પણ સંક્રમિત થયા. અને આખરે ગઈ કાલે એમણે વિદાય લીધી.
સનતભાઈ, હવે કહેતા નહીં કે 'ઑને બધી ખબર! આ બધું જોણે!' તમે આવી રીતે જશો એ ક્યાં ખબર હતી?
No comments:
Post a Comment