નીરો અને અગ્રીપીનાનો ચહેરો આગળપાછળ હોય એવા પણ કેટલાક સિક્કા હતા.
અગ્રીપીનાની દખલ પહેલેથી જ વધુ હતી, પણ શરૂઆતમાં નીરો નવો હતો. પાંચેક વરસ પછી તેણે ભોજન માટે માને નોંતરીને તેનું કાસળ કઢાવી દીધું. (એ વાત આપણે આગળ જોઈ ગયા). મા તો ગઈ, તો હવે માના ચહેરાવાળા સિક્કાનું શું કામ? એને લોકસ્મૃતિમાંથી સુદ્ધાં ભૂંસી નાંખવી રહી, જેથી કોઈ કદી યાદ જ ન કરે કે આવી કોઈક વ્યક્તિ થઈ ગઈ.
નીરોએ રાતોરાત ફરમાન બહાર પાડ્યું કે અગ્રીપીનાનો ચહેરો ધરાવતા સિક્કાઓ પાછા ખેંચવામાં આવે છે. જેની પાસે આ સિક્કા હોય તેમણે તેને બદલે નવા, નીરોના ચહેરાવાળા સિક્કા સાથે બદલી લેવા. હકીકતમાં નીરોએ પોતાના એકલાના ચહેરાવાળા સિક્કા પડાવ્યા જ નહોતા. આ ફરમાન થકી નીરોએ એક જ કાંકરે અનેક પક્ષીઓ માર્યા.
રોમનો ઠીક ઠીક સમૃદ્ધ હતા. ઘણા બધા રોમન ઉમરાવોએ સોનાના સિક્કા એકઠા કરી રાખ્યા હતા. એ સૌ થથરી ગયા. એમનું એક પ્રતિનિધિમંડળ તત્કાળ નીરોને મળવા ઉપડ્યું. નીરોએ તેમને મુલાકાત આપી. ઉમરાવોએ પોતાની સમસ્યા રજૂ કરી અને કહ્યું કે પોતે તો રાજ્યને કામ આવે એ માટે ધનસંચય કર્યો હતો. નીરોએ તેમને હૈયાધારણ આપી અને કહ્યું, 'કાલે વહેલી સવારે તમે એ તમામ સિક્કા લઈને શાહી તિજોરીએ આવી જજો અને સિક્કા બદલાવી જજો. હા, તમારો ચહેરો ઢાંકીને નીકળજો, જેથી કોઈ તમને ઓળખી ન શકે.' ઉમરાવો રાજી થઈ ગયા. તેમને ખાતરી થઈ કે સમ્રાટ નીરોના હૈયે પોતાનું હિત વસેલું છે. બીજા દિવસે વહેલી સવારે મુખવટો પહેરીને, રોમન ઉમરાવો નીકળ્યા. સિક્કાના કોથળા તેમણે ઘોડા પર લાદેલા હતા. સૌ એકઠા મળીને શાહી તિજોરીએ પહોંચ્યા. ત્યાં ખજાનચી હાજર હતો. તેણે કયા ઉમરાવ પાસેથી કેટલા સિક્કા આવ્યા એની નોંધ તૈયાર કરી. સિક્કાના કોથળાને જમા ખાતે લેવામાં આવ્યા. રોમન ઉમરાવો આગળની પ્રક્રિયા માટે રાહ જોઈને ઉભા હતા. એ વખતે આસપાસ સંતાયેલા હથિયારધારી સૈનિકો હાથમાં તલવાર સાથે નીકળી આવ્યા. તમામ ઉમરાવોનો શિરચ્છેદ કરવામાં આવ્યો. રોમના અમુક લોકોને સવારે વહેલા જાગવાની આદત હતી. કેટલાકે જોયું કે શાહી ખજાનાવાળા આવાસ તરફ ખૂબ અજવાળું દેખાઈ રહ્યું છે. એ લોકોને ખ્યાલ આવી ગયો કે શાહી ખજાનચીઓ સવારના વહેલા આવીને પોતાની ફરજ પર લાગી ગયા હશે. પોતાના રાજ્યના લોકોની ઈમાનદારી અને કર્મચારીઓની ફરજપરસ્તી પર રોમનોએ ગર્વ મહેસૂસ કર્યો.
સવાર પડતાં જ ઠેરઠેર રોમનોએ ધસારો કરવા માંડ્યો. રાજ્ય તરફથી સિક્કા પાછા ખેંચવાનું ફરમાન થયેલું, પણ એ ક્યાં આપવા, કયા સમયે આપવા એ કશાની સ્પષ્ટતા નહોતી. કેટલાક લોકો રોમના બજાર મધ્યે આવેલા ચોકમાં પહોંચી ગયા. તેમણે વિચાર્યું કે આ સ્થાને શિરચ્છેદ જેવાં અગત્યનાં કામ હાથ ધરવામાં આવે છે, આથી શક્ય છે કે સિક્કા બદલવાનું પણ ત્યાં રાખ્યું હશે. ત્યાં પહોંચતાં તેમણે જોયું કે ચોક પર રાબેતા મુજબનું કામ ચાલુ હતું, પણ સિક્કા જમા કરાવવા અંગે ત્યાં ઉભેલા સૈનિકોને કશો ખ્યાલ નહોતો. બિચારા ફરજપરસ્ત સૈનિકોએ એ હદ સુધીની ઑફર મૂકી કે કહેતા હો તો કશા વાંકગુના વિના આપનો શિરચ્છેદ કરી આપીએ, બાકી સિક્કાઓ વિશે અમને કશું કહ્યું નથી.
કેટલાક લોકો રોમના પ્રબુદ્ધ લોકોને ઘેર પહોંચી ગયા. તેમને એમ કે રોમન પ્રબુદ્ધોને અવશ્ય જાણ હશે કે સિક્કા ક્યાં જમા કરાવવા. રોમન પ્રબુદ્ધો મૂંઝાયેલા હતા. છતાં તેમણે કહ્યું, 'જુઓ, સમ્રાટ નીરોએ બધું સમજીવિચારીને કર્યું હશે. આવા સમયે આપણી ફરજ છે કે ઉહાપોહ કરવાને બદલે તેમને સહકાર આપીએ.' નાગરિકોને નવાઈ લાગી કે પોતે સહકાર આપવા તો આવેલા છે, અને ઉહાપોહ વિશે વિચાર્યું સુદ્ધાં નથી. છતાં તેમને પોતાના રાજ્યના પ્રબુદ્ધો પર શ્રદ્ધા હતી કે તેમણે જે કહ્યું એ સમજીવિચારીને કહ્યું હશે.
હાથમાં સિક્કાની નાનીમોટી પોટલીઓ લઈને રોમનો વિવિધ ઠેકાણે તપાસ કરી રહ્યા હતા કે એને ક્યાં જમા કરાવવી. એવે વખતે અચાનક તેમની પર હુમલા થવા લાગ્યા. ચિત્રવિચિત્ર કપડાં પહેરેલા સૈનિકો મુખવટો પહેરીને ઘોડો દોડાવતા ધસી આવતા, અને પોટલીઓ ખૂંચવી લેતા. કોઈ પ્રતિકાર કરવા જાય તો તેને ભાલાથી વીંધી નાખતા.
રોમનોમાં ભાગદોડ મચી ગઈ. સિક્કાને બદલે હવે તેઓ જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા. ભાગ્યે જ કોઈ એવો રોમન બચ્યો હતો કે જેની પાસે હવે નીરો અને અગ્રીપીનાવાળા સિક્કા હોય.
**** **** ****
નીરોના મહેલના એક ખંડમાં સિક્કાની વિવિધ કદની પોટલીઓ ખડકાઈ ગઈ હતી. નીરોએ હુકમ કર્યો, 'આ તમામ સિક્કાઓ ઓગાળી નાખો. હવે ફક્ત મારા ચહેરાવાળા સિક્કા બનાવો.'
એક શાણા માણસે સહેજ સંકોચ સાથે પૂછ્યું: 'પણ નામદાર, ત્યાં સુધી લોકો શું કરશે?'
નીરોએ કહ્યું, 'તમને છેલ્લી ચેતવણી છે. મારી ફીડલ ટ્યૂન કરાવવાનું તમને સોંપેલું છે એ કરાવવાને બદલે તમે ભળતા સવાલો પૂછો છો! તમને રોમદ્રોહી ઘોષિત કરી દઈશ તો તમે જેમના વતી સવાલ કરો છો એ જ લોકો તમને જીવતા સળગાવી મૂકશે, સમજ્યા?'
શાણો માણસ ખરે જ શાણો હતો. તેણે નીચી ગરદને કહ્યું, 'નામદારને માલૂમ થાય કે આપે હુકમ કર્યો એ પછી કલાકમાં જ ફીડલ ટ્યૂન અપ થઈ ગઈ હતી. સમ્રાટનો જય હો!'
આટલું કહીને તેમણે ઉંચે જોયું તો નીરો ત્યાંથી નીકળી ગયો હતો. શાણા માણસે વિચાર્યું, 'મારા સમ્રાટ કેવા નિરાભિમાની છે! એમને પોતાનો જયઘોષ સાંભળવાની પડી નથી.'
આવા શાણા માણસો અને નિરાભિમાની સમ્રાટ થકી રોમ ઉજળું હતું.
No comments:
Post a Comment