Saturday, May 15, 2021

નીરો અને વિશાળતા

વિશાળતા નીરોના વ્યક્તિત્ત્વની વિશેષતા હતી એમ કહી શકાય. તેની દૃષ્ટિ વિશાળ હતી. તેનું હૈયું પણ વિશાળ હતું. તેણે કરેલું રોમનું દર્શન અતિ વિશાળ હતું. અને તેના શાસનકાળ દરમિયાન લાગેલી આગ પણ અતિ અતિ વિશાળ બની રહી હતી.

સાથીસંગાથીઓની હત્યા નીરો કેવળ રાજકાજના ભાગરૂપે કરતો હતો. હકીકતમાં તે એક કળાપ્રેમી શાસક હતો. માતા અગ્રીપીનાના મૃત્યુ પછી નીરોએ વધુ સમય કળા અને સંગીત પાછળ ગાળવા માંડ્યો. અગ્રીપીના તેને રાજકાજ પર વધુ ધ્યાન આપવા માટે આગ્રહ કરતી રહેતી હતી. પોતાની કળાઆરાધનામાં બાધા ન આવે એ માટે નીરોએ અગ્રીપીનાને પોતાના માર્ગમાંથી દૂર કરી દીધી હતી. એ દર્શાવે છે કે તેનો કળાપ્રેમ માતૃપ્રેમ કરતાંય ટપી જાય એવો હતો. બલ્કે તે કળાને જ માતા સમાન લેખતો હતો. નીરો પોતે લાયર/Lyre વાદન જાણતો હતો, એમ તેણે રોમના ઉચ્ચ વર્ગના લોકોને નૃત્ય શીખવા માટે પ્રોત્સાહિત કર્યા. સ્વાભાવિક છે કે નૃત્ય કરવા માટે સંગીત જોઈએ. અને નીરો સંગીતનો જાણકાર હતો. આથી રોમના ઉચ્ચ વર્ગના અનેક લોકો નીરોની ધૂન પર નૃત્ય કરવા તત્પર રહેતા.
રમતગમતને પ્રોત્સાહન આપવાનો તેણે ભરપૂર પ્રયાસ કર્યો. રોમમાં આવેલા સર્કસ મેક્સિમસમાં યોજાતી રથસ્પર્ધાઓમાં નીરો નિયમિતપણે ભાગ લેતો. સર્કસ મેક્સિમસ એવું સ્થળ હતું કે જેમાં દોઢેક લાખ લોકો સમાઈ શકતા. સર્કસ મેક્સિમસમાં કાર્યક્રમ કોઈ પણ હોય, તે હંમેશાં ખચાખસ ભરેલું રહેતું, કેમ કે, લોકોને એટલી ખાતરી હતી કે કાર્યક્રમ ભલે ગમે એ યોજાય, પણ સમ્રાટ નીરોની ઉપસ્થિતિ હશે એટલે મનોરંજનમાં કોઈ કમી નહીં રહે.
મનોરંજન માટે નીરો પાસે અવનવા તરીકા હાથવગા રહેતા. એક વખત તે દસ ઘોડા જોડેલો રથ લઈને સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો. એ વખતે રોમમાં સામાન્ય રીતે બે ઘોડા અને વધુમાં વધુ ચાર ઘોડાવાળા રથ સ્પર્ધામાં ભાગ લઈ શકે એવો નિયમ ચલણી હતો. દસ ઘોડાવાળો રથ જોઈને રોમનો હર્ષઘેલા થઈ ગયા. એ રથ જ્યારે સર્કસ મેક્સિમસમાં ચકરાવા લેવા માંડ્યો ત્યારે એ દસે ઘોડાના પગ અંદરોઅંદર અથડાવા લાગ્યા. ઘોડા લથડતા, આખડતા, પડવા લાગ્યા. એ જોઈને રોમનો કહેવા લાગ્યા, 'આજ સુધી રોમના કોઈ સમ્રાટે આવું સાહસ કરવાની હિંમત દેખાડી નથી.' નીરોના રથ સાથે જોડાયેલા દસે ઘોડા બુરી રીતે ઘવાઈને પડ્યા. નીરોનો જયઘોષ થઈ રહ્યો.
રોમનો ધીમે ધીમે નીરો દ્વારા થતા મનોરંજક કાર્યક્રમોના એવા હેવાયા બની ગયા કે તેમને થતું કે આવા કાર્યક્રમો રોજેરોજ કેમ નથી યોજાતા?


રોમની ઐતિહાસિક આગની પહેલી જ્વાળા દેખાઈ ત્યારે પણ રોમનો એમ જ માનતા હતા કે આ પણ નીરો દ્વારા યોજાયેલો કોઈ વિશિષ્ટ મનોરંજન કાર્યક્રમ જ છે.
રોમનોને લાગતું રહ્યું કે હમણાં સમ્રાટ નીરો પ્રગટ થશે અને કંઈક એવું કરતબ દેખાડશે કે મજા મજા આવી જશે. તેઓ હથેળીઓને નજીક લાવીને તાળીઓ પાડવા માટે તત્પર બની ઉભા રહ્યા. ધીમે ધીમે આગ પ્રસરતી ચાલી. અનેક રોમનોની દુકાનો બળી ગઈ. જેમની દુકાન બળી ગઈ હતી એ લોકોને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ કોઈ મનોરંજક કાર્યક્રમ નથી, પણ ખરેખર દુર્ઘટના છે. તેમણે અન્ય લોકોને આ હકીકત ગળે ઉતારવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ આગથી ઘણે દૂર રહેલા વિસ્તારના રોમનો આવા લોકોની મજાક ઉડાવવા માંડ્યા. તેઓ કહેતા, 'તમારી દુકાનવખરી બળી ગઈ છે એટલે તમે કકળાટ કરો છો. બાકી આ મનોરંજક કાર્યક્રમ જ છે.' પેલા દુકાનદારો ગળગળા થઈને કહેતા, 'આ મનોરંજક કાર્યક્રમ નથી. આ સાચી આગ છે.' આની સામે દલિલમાં અન્ય રોમનો કહેતા, 'તમે નીરોના વિરોધી છો, રોમના વિરોધી છો. મનોરંજન જોઈતું હોય તો થોડું ગુમાવવાની તૈયારી પણ રાખવી પડે. તમને એમ લાગે છે કે મનોરંજન મફત મળે છે?' આટલું કહીને એ રોમનો ધીમેથી કહેતા, 'તમે તમારી દુકાનવખરીને રડો છો! એ આગમાં કેટલા બધા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બળી મર્યા. એમાંથી કોઈએ ફરિયાદ કરી? તમને થોડું નુકસાન ગયું એમાં રોદણાં રડવા બેસી ગયા!'


જેમની દુકાનવખરી બળી ગઈ હતી એ લોકોને સમજાઈ ગયું કે હવે બને એટલા જલ્દી સ્થળાંતર કરવામાં ભલાઈ છે. 'નીરોની જય' બોલતાં બોલતાં તેઓ આગની જ્વાળાઓ દેખાતી હતી એની વિરુદ્ધ દિશામાં ચાલી નીકળ્યા. એ વખતે તેમને તારનું ટ્યુનિંગ કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેઓ સમજી ગયા કે સમ્રાટ નીરો મનોરંજનમાં કોઈ કસર છોડશે નહીં, અને આ આગને વિશ્વની સૌથી વિશાળ આગ બનાવીને જ જંપશે.
રોમદ્રોહી ગણાઈ જવાનું જોખમ ખેડીને પણ એ સૌ રોમ છોડીને નીકળી ગયા.

(By clicking image, the URL will be reached) 

1 comment:

  1. નીરો શ્રેણીનો હિન્દીમાં અનુવાદ કરાવીને પુસ્તક રૂપે અથવા હિન્દી કથાઓના કોઈ બ્લૉગ પર મૂકો.

    ReplyDelete