નીરો એક વિનમ્ર શાસક હતો. તેના દિમાગમાં સત્તાની રાઈ જરાય ભરાયેલી નહોતી. આ રાઈ એવા લોકોના દિમાગમાં ભરાય કે જેમના હાથમાં એ અનાયાસે આવી ગઈ હોય. નીરોને કિશોરાવસ્થાથી જ ખબર હતી કે પોતે યોગ્ય સમયે રોમની ગાદી સંભાળવાની છે.
નીરોની સ્ત્રીસન્માનની ભાવના અને વડીલોની આદરઈજ્જત કરવાની વૃત્તિ વિશે પણ વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. જાહેરમાં નીરો એક માતૃભક્ત, આજ્ઞાકારી પુત્ર હોવાનું દેખાડતો. રોમનાં નગરજનોને થતું કે વાહ, સમ્રાટ હોય તો આવો. નીરો જાહેરમાં મહિલાઓની ઈજ્જત કરતો રહ્યો હતો. હા, માતા અગ્રીપીના અને પોતાની પત્નીઓ ઓક્ટેવિઆ અને પોપીઆનું અપમૃત્યુ નીરોના ઈશારે જ થયું હોવાનું કહેવાય છે. આમ છતાં, નીરોએ નથી એ મામલે પોતાનું કર્તૃત્વ દાખવ્યું કે નથી એ મહિલાઓ વિશે ઘસાતું બોલ્યો. મહિલાઓ પ્રત્યે સન્માન દર્શાવવાની તેની રીત એટલા માટે જ આગવી ગણાઈ છે.
પોતાના ગુરુ સેનેકા પ્રત્યે પણ તે આદર દર્શાવવાનો પ્રયત્ન કરતો. જો કે, સેનેકા પોતે ફિલસૂફ હતા, તેમજ સાહિત્યના રસિયા. એટલે તે જાહેરમાં દાવો ન કરતા કે નીરો પોતાનો શિષ્ય છે અને પોતે તેનું ઘડતર કર્યું છે. વયના તફાવતને કારણે સેનેકાને ખબર હતી કે પોતાનું આયુષ્ય નીરોની સરખામણીએ વહેલું સમાપ્ત થવાનું છે. છતાં, ભવિષ્યમાં નીરોના ગુરુ તરીકે તેમની બદનામી ન થાય એવી તકેદારી તે રાખતા. ગુરુ સેનેકા માટે નીરોને ઘણો ભાવ હતો. ઉત્તરાવસ્થામાં તે નિષ્ક્રિય બની ગયા છે એમ ન લાગે આથી નીરોએ 'પીસોનિયન કોન્સ્પીરસી' તરીકે ઓળખાયેલા, પોતાની હત્યાના કાવતરામાં સેનેકાનું નામ સાંકળ્યું. આમ કરવાનો ઉમદા આશય એટલો જ હતો કે ગુરુ સેનેકા ભલે વયસ્ક, નિવૃત્ત અને અમુક હદે નકામા લાગતા હોય, પણ તેમનું દિમાગ હજી તેજ છે. અને આવા તેજ દિમાગ ધરાવતા ગુરુનો શિષ્ય હોવા બદલ પોતે સાર્થક્ય અનુભવે છે. કાવતરાં સાથે સંકળાયેલાં લોકોને પકડવામાં આવ્યા ત્યારે પણ નીરોએ ગુરુ પ્રત્યે કૂણું વલણ દાખવ્યું. તલવારધારી સૈનિકો ધારત તો સેનેકાને ચપટીમાં પતાવી દેત, પણ ના! ગુરુનો આદર જળવાવો જ જોઈએ. આથી તેમને કહેવામાં આવ્યું કે તે ખુદ આત્મહત્યા કરી લે. ગુરુપત્ની પોમ્પીઆએ પણ પતિને પગલે આવો પ્રયાસ કર્યો ત્યારે નારીસન્માનની ભાવનાને બરકરાર રાખીને નીરોના સૈનિકોએ તેમને રોક્યાં નહીં. અલબત્ત, બન્ને ગંભીર રીતે ઘવાયાં, છતાં મૃત્યુ તેમને નસીબ ન થયું. એ પછીના ગાળામાં પણ નીરોએ ગુરુને તેમનો હેતુ પાર પાડવામાં શક્ય એટલો સહયોગ આપ્યો.
સ્વાભાવિક છે કે પોતાનાં કુટુંબીજનો પ્રત્યે પણ નીરોને સ્નેહભાવ રહેતો. મતભેદ ભાગ્યે જ થતા, કેમ કે, પરિવારનું વાતાવરણ અત્યંત સૌહાર્દપૂર્ણ હતું. પરિવારજનોને પોતાનું જીવન વધુ વહાલું હતું કે નીરો, એ મીઠી મૂંઝવણ હતી. જેમને નીરો કરતાં પોતાનું જીવન વધુ વહાલું હોવા બાબતે ખાતરી હતી એમની માન્યતા બદલવા માટે નીરોએ કશું દબાણ નહોતું કર્યું. બસ, તેઓ પોતાનું જીવન પોતાની સાથે લઈને જાય એવી વ્યવસ્થા કરી આપી હતી.
રોમનો નહોતાં નીરોનાં પરિવારજન, કે નહોતા ગુરુ! નીરોની જાહેર ચેષ્ટાઓ બદલ તેને ઉછળી ઉછળીને વધાવતા રોમનો એમ વિચારીને રાજી થતા રહ્યા કે નીરો પોતાનાં આત્મીયજનો પ્રત્યે આવો સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી શકતો હોય તો રોમનો માટે કેટલી દરકાર તેના મનમાં હશે!
આવા પરિવારવત્સલ, સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતા, ગુરુનો આદર કરતા સમ્રાટ માટે રોમનો ગર્વ ન અનુભવે તો જ નવાઈ!
(By clicking image, the URL will be reached)
No comments:
Post a Comment