Friday, May 7, 2021

નીરો અને વિષજ્ઞ

શાસક ગમે એવો એકહથ્થુ સત્તામાનસ ધરાવતો હોય, શાસન માટે તેને વિશ્વાસુ લોકોની જરૂર હંમેશાં પડતી હોય છે. નીરો તો એક પ્રજાવત્સલ, માનવ-પશુ-પક્ષીને સમભાવે નિહાળનાર શાસક હતો. તે હંમેશાં વિવિધ નિર્ણય લેતાં અગાઉ પોતાના વિશ્વાસુઓની સલાહ લેતો. આરંભિક કાળમાં આ ભૂમિકા તેના ગુરુ સેનેકા, માતા અગ્રીપીના અને બુરસ દ્વારા ભજવાતી.

નીરોના નજદીકી લોકોમાં એક વિશેષ સ્થાન હતું લોકસ્તા નામની મહિલાનું. તે વિશેષજ્ઞ હતી, વિષજ્ઞ હતી. એટલે કે વિષવિશેષજ્ઞ હતી. તેણે આ બાબતે કોઈ મહાનિબંધ લખ્યો ન હતો, આથી તેને પોતાના શાસ્ત્રની ખરેખરી જાણકારી હતી. અવનવાં વિષનાં મિશ્રણ તે તૈયાર કરતી. શુભ પ્રસંગોના ઓર્ડર તે સ્વીકારતી અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વાનગી તૈયાર કરતી. નીરોની મા અગ્રીપીનાએ તેની વિશેષ સેવા લીધેલી. નીરોના કાકા અને પોતાના પતિ ક્લોડિયસ માટે તેણે લોકસ્તાની સેવા પહેલી વાર લીધી. વિષ ખાધા પછી કેટલા સમયમાં ક્લોડિયસનું મૃત્યુ કરવાનું છે એ અંગે તેણે પૂછપરછ કરીને એક ખાસ પ્રકારનું વિષ બનાવ્યું. આ વિષને મશરૂમ પર છાંટવામાં આવ્યું. ક્લોડિયસનો ખોરાક પહેલાં અન્ય એક વ્યક્તિ દ્વારા ચાખવામાં આવતો. હેલોટસ નામની એ વ્યક્તિએ મશરૂમ ખાધાં. તેને કશું ન થયું. એ પછી ક્લોડિયસે એ મશરૂમ ખાધાં અને તેને પણ કશું ન થયું. આખરે શાહી ચિકિત્સક ગેયસ ઝેનોફોને ઝેરમાં બોળેલું પીંછું ક્લોડિયસના ગળામાં મૂકીને તેને ઉલટી કરાવવાનો પ્રયત્ન કર્યો. એ રીતે ક્લોડિયસના જીવનનો અંત આવ્યો. આમ, લોકસ્તાનું વિષ નિષ્ફળ ગયું ત્યારે ચિકિત્સકની સહાય લેવામાં આવી.
લોકસ્તા 

ક્લોડિયસની ત્રીજી પત્નીના પુત્ર બ્રિટેનિકસ માટે એક ખાસ વિષમિશ્રણ તૈયાર કરવાનું કામ ખુદ નીરોએ લોકસ્તાને સોંપ્યું. અગ્રીપીનાની સરખામણીએ નીરો સહેજ દયાળુ ખરો. ગમે એમ તોય બ્રિટેનિકસ પોતાનો ભાઈ હતો. આથી તેને સહેજ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખવાની ચેતવણી નીરોએ લોકસ્તાને આપી. કોણ જાણે કેમ, પણ લોકસ્તાએ તૈયાર કરેલું વિષ એટલું ત્વરિત અસર કરનારું ન નીકળ્યું. નીરો આથી ક્રોધિત થઈ ગયો. પોતાનો ઓરમાન ભાઈ રિબાઈ રિબાઈને મરે એ શી રીતે સહન થાય? તેણે લોકસ્તાને ધમકાવી, ફટકારી અને સારી ગુણવત્તાવાળું વિષ તૈયાર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી.
લોકસ્તાની કાબેલિયત શંકાથી પર હતી, પણ તે બને ત્યાં સુધી વનસ્પતિમાંથી વિષ બનાવતી. ખાસ કરીને તે એટ્રોપા બેલાડોના નામની વનસ્પતિનો ઉપયોગ કરતી. આમ તો, રોમના શાસકોમાં આ વિષ ખૂબ પ્રચલિત હતું. કૌટુંબિક ભોજન સમારંભોમાં તે છૂટથી વપરાતું.
નીરોની ધમકીની બરાબર અસર થઈ. આ વખતે લોકસ્તાએ કાતિલ મિશ્રણ તૈયાર કર્યું. બ્રિટેનિકસને સહેજે રિબાવું ન પડ્યું. એક ભાઈ માટે આનાથી વધુ કોઈ શું કરી શકે? નીરો જેટલો કઠોર બની શકતો હતો, એટલો જ તે કોમળહૃદયી હતો. વ્યાવસાયિક અભિગમ તેનામાં પૂરેપૂરો. લોકસ્તાએ સફળતાપૂર્વક પોતાનો પ્રસંગ દીપાવ્યો તેના પુરસ્કારરૂપે નીરોએ તેને વિશાળ જમીન ફાળવી. નીરોની દીર્ઘદૃષ્ટિને દાદ દેવી પડે. તેણે ધાર્યું હોત તો એકાદી યુનિવર્સિટીના ઉપકુલપતિપદે લોકસ્તાને નીમી દીધી હોત. તેને બદલે લોકસ્તાના કૌશલ્યનો બહોળો લાભ લઈ શકાય એવી વ્યવસ્થા કરી. લોકસ્તા પોતાની આ કળા અન્ય વિદ્યાર્થીઓને આપે અને એ રીતે અનેક નિષ્ણાતો તૈયાર કરે, જે રોમના ભાવિને યોગ્ય આકાર આપી શકે, એ મૂળ હેતુ હતો.

લોકસ્તા અને નીરો

આગળ જતાં એવો પણ વખત આવ્યો કે નીરોએ ખુદ પોતાને માટે લોકસ્તા પાસે વિષ મંગાવ્યું. એક સુવર્ણ પાત્રમાં લોકસ્તાએ એ પ્રેમપૂર્વક મોકલ્યું. નીરો માટે ખાસ તૈયાર કરાયેલું વિષ પહેલી ધારનું હતું? એ કેટલું અસરકારક નીવડ્યું? આ સવાલના જવાબ મળે એ પહેલાં જ નીરોના જીવનનો અન્ય રીતે અંત આવી ગયો.
લોકસ્તાએ સ્થાપેલું 'વિષ સંસ્થાન' પણ ઝાઝું ન ચાલ્યું. નીરોના ગયા પછી આવેલા શાસકે નીરોના નજીકના મનાતા તમામ લોકોને, એમની આવડત અને વિશેષતા સામું જોયા વિના, એક પછી એક ખતમ કર્યા. આ પગલું સ્વાવલંબનના ભાગરૂપે હતું કે કરકસરના ભાગરૂપે એ કોઈ જાણી શક્યું નહીં. આ સંસ્થાન પછીના ગાળામાં એક યા બીજા નામ હેઠળ ચાલુ રહ્યું હતું, એવી બિનઅધિકૃત માહિતી છે, પણ તેના કોઈ પુરાવા મળતા નથી.

No comments:

Post a Comment