Sunday, November 30, 2025

'જે પરમાત્મા! એમ જોયા ની કર.'

- બીરેન કોઠારી

રમેશ ભોયાના અવસાનના સમાચાર વહેલી બપોરે (30 નવેમ્બર, 2025ને રવિવારે) મળ્યા. એ સાથે કેટકેટલી વાતો યાદ આવી ગઈ! એક સમયે મારો સહકાર્યકર રહી ચૂકેલો રમેશ નવોસવો જોડાયો ત્યારે એના શારિરીક બંધારણથી અલગ પડી આવતો. ઊંચાઈ ઓછી, શ્યામ વર્ણ, અને ગોળમટોળ આકાર. કપાળે નાના 'યુ' આકારમાં ત્રણ ટપકાં ધરાવતું લાલ રંગનું તિલક. જે મળે એને પોતાની છાતીએ હથેળી અડકાડીને, સહેજ માથું નમાવીને 'જય પરમાત્મા'નું અભિવાદન કરતો. રમૂજીલાલ દ્વારા સ્થપાયેલા મોક્ષમાર્ગી સંપ્રદાયનો એ અનુયાયી હોવાની ખબર પછી પડી. જોતજોતાંમાં તે સૌ કોઈનો લાડકો બની ગયો. મુખ્ય કારણ એનો ભલોભોળો અને નિષ્કપટ સ્વભાવ. બહુ ઝડપથી સૌ એને 'રમેશ' કે 'ભોયા'ને બદલે 'પરમાત્મા' કહીને જ સંબોધવા લાગેલા.

રમેશ ભોયા (તસવીર સૌજન્ય: જસવંત દરજી) 


એની બોલી સાંભળીને રમૂજ થતી. દક્ષિણ ગુજરાતની છાંટવાળા 'આઈવો', 'ગિયો' જેવા ઉચ્ચારો ઊપરાંત મોટે ભાગે તુંકારે બોલાવવાની રીત. એ પોતાના પિતાજી વિશે વાત કરે તોય કહે, 'ફાધર હમણાં આઈવો છે.'
ધરમપુર પાસે પર્વતની ગોદમાં વસેલું લુહેરી ગામ એનું વતન. કેટલાક મિત્રો એના વતન ગયેલા. એક વાર હું પણ મારા પરિવાર સાથે એને ત્યાં ગયેલો. ધરમપુરથી બસ કે વાહન ન મળ્યું. તો એનો ભાઈ શાંતિલાલ 'સ્પ્લેન્ડર' બાઈક પર અમને ચાર અને એ પોતે એમ પાંચેને બેસાડીને પથરાળ રસ્તે લુહેરી લઈ ગયેલો. ગામ કે નગરમાં ફળિયાની વ્યાખ્યાથી સાવ વિપરીત આ પહાડી ગામનું ફળિયું. એક એક ઘર એકમેકથી કેટલુંય છેટું. ગામનું સ્થાન જાણે સીધું જ કોઈ ચિત્રપોથીમાંથી બહાર કાઢીને મૂકી દીધું હોય એવું. સહેજ દૂર પર્વત દેખાતા હોય. આગળ ખુલ્લી જગ્યા અને પાછળ વહેતું ઝરણું. રસ્તાની સામેની બાજુએ છાંયાદાર વૃક્ષો. મન ફાવે ત્યાં ફરો, બેસો. મારાથી બોલાઈ ગયું, 'યાર, આવી જગ્યા છોડીને તું નોકરી કેમ કરે છે?'

ભોયાને ગામ લુહેરી ગયો ત્યારે મેં બનાવેલો સ્કેચ

તાડનાં ઝાડ પુષ્કળ. ભોયાએ ગામમાંથી બે માણસોને બોલાવ્યા. તેઓ તાડના ઝાડ પર ચડ્યા અને ઊપરથી તાડનાં મોટાં મોટાં ફળ તોડીને નીચે પાડ્યાં. એમાંથી અમે સૌએ તાડફળી ખાધી. કોઈક સરકારી અધિકારી કશા કામે આવેલા એમનેય થાળીમાં તાડફળી ધરવામાં આવી એ જોઈને બહુ નવાઈ લાગી. ભોયાના પિતાજી ગામના સરપંચ હતા, અને ગામમાં એમની ઘંટી પણ ખરી. અમે સૌ આવેલાં એટલે ભોયાએ પેલા પર્વતો પર ચડવાનો કાર્યક્રમ બનાવેલો. ત્યાં એક ગુફા હતી, જેમાં વાઘની આવનજાવન રહેતી એમ કહેવાતું. મારાં બન્ને સંતાનો નાનાં હતાં એટલે જવાય ત્યાં સુધી જવું એમ વિચારેલું. પણ ભોયાએ ગામમાંથી બે ખાસ માણસોને તેડાવ્યા. એ લોકોએ મારાં સંતાનોને તેડીને પર્વત ચડાવેલો. પેલી ગુફા પણ અમે જોઈ. એ વખતે હું સ્કેચબુક પણ લઈ ગયેલો. ત્યાં મેં સ્કેચ પણ બનાવ્યા અને ઘેર આવીને તેને પૂરા કર્યા. અહીં ભોજનમાં ચોખાના રોટલા સામાન્ય. પણ અમે આવેલા એટલે ધરમપુરથી શિખંડ મંગાવવામાં આવેલો. બે દિવસના યાદગાર રોકાણ પછી અમે પાછા આવેલા.

લુહેરીમાં ભોયાના ઘરનો બનાવેલો સ્કેચ
નોકરી પર બીજી પાળી (બપોરના બેથી રાતના દસ સુધી)માં સાંજે સૌ ભેગા જમવા બેસતા. મોટા ભાગના લોકો ઘેરથી ટિફિન લઈને આવતા. એમાં ભોયાએ લાવેલા ચોખાના રોટલાની બહુ માંગ રહેતી. કેરીની સિઝન હોય એટલે ભોયા ખાસ રાજાપુરી કેરીઓ લઈ આવે. એ વખતે બીજી પાળીમાં કેરીની જયાફત હોય. રાજાપુરી કેરી આટલી મીઠી હોય એ એના દ્વારા જાણેલું. ક્યારેક એ ફણસ લાવતો. એની બહુ માંગ ન રહેતી, પણ મને એ ભાવતું. એટલે ક્યારેક એની થોડી પેશીઓ હું ઘેર પણ લેતો આવતો.
મને ખાસ ખ્યાલ નહોતો કે એ કયો સંપ્રદાય પાળે છે. પણ એને ઘેર ગયો ત્યારે જોયું તો એ સંપ્રદાયનું એ વિસ્તારમાં ઘણું ચલણ હતું. એટલે થોડી પૂછપરછ કરી. એમાંથી ખબર પડી કે એ સંપ્રદાયના સ્થાપક રમૂજીલાલ હતા. અત્યાર સુધી આ નામ મેં એક જ વાર સાંભળેલું, કેમ કે, એ નામે મણિનગર સ્ટેશન નજીક એક હૉલ છે. આથી મેં લાગલું પૂછ્યું, 'મણિનગર હૉલ છે એ જ આ?' એટલે ભોયા ખુશ થઈ ગયો. એણે એ પછી વધુ વિગત જણાવી. એ હૉલમાં રમૂજીલાલનું મંદિર પણ છે. ત્યાં એ ઘણી વાર જતો અને આવીને એના વિશે જણાવતો.
એ કૂંકણા જનજાતિનો હતો. એ વિસ્તારની કેટલીક સંસ્થાનું લેખનકાર્ય મેં કરેલું હોવાથી ત્યાંની કેટલીક જનજાતિઓનાં નામ વિશે મને ખ્યાલ હતો. આથી ક્યારેક સમય મળે ત્યારે એની બોલી અને એના શબ્દો વિશે વાત પણ નીકળતી.
તેની દીકરી જિગિષા અને દીકરા જિજ્ઞેશ વિશે પણ વાત થતી રહેતી. જો કે, 2007માં મેં મારું ક્ષેત્ર બદલ્યું એ પછી અમારું મળવાનું ઘટ્યું. કદી કોઈક પ્રસંગે કે સ્નેહમિલનમાં મળી જઈએ ત્યારે અલપઝલપ વાત થતી. હમણાં ઘણા વખતથી મળાયું નહોતું કે નહોતા કશા સમાચાર.

નિવૃત્તિ વખતે રમેશ ભોયા (ડાબે)
અને જયંતિ મકવાણા

(તસવીર સૌજન્યઃ રાજેન્‍દ્ર પી. પટેલ) 

આજે બી.એસ.પટેલ અને આર.પી.પટેલને પૂછતાં જાણવા મળ્યું કે દોઢેક વર્ષ અગાઉ તે નિવૃત્ત થયો એ અરસામાં જ તેને આંતરડાના કેન્સરનું નિદાન થયેલું અને સર્જરી કરવામાં આવેલી. એ પછી કિમોથેરાપી શરૂ થયેલી. આથી તે અમદાવાદ હતો. અચાનક તેના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પૃથ્વીલોકમાંથી વિદાય લઈને ભોયા ચિત્રગુપ્ત આગળ ઊભો રહેશે અને કહેશે, 'જે પરમાત્મા! એમ જોયા ની કર. વહેલો આવી ગિયો તિમાં ચોપડામાં મારું નામ ની ઓહે.' ચિત્રગુપ્તે ચોપડો બાજુએ મૂકીને આ સરળ, સહૃદય માણસને પ્રવેશ આપવો જ પડશે.

Friday, November 28, 2025

કીડી- હાથીની સમાન મૂંઝવણ અને બીજું બધું

કાર્ટૂન જોવા-માણવામાં રસ હજી કોઈકને પડે, પણ એને ચીતરવામાં? હા, ઘણા ટી.વી.પરનાં કાર્ટૂન કેરેક્ટરને ચીતરે છે અને માને છે કે પોતેય કાર્ટૂન બનાવે છે. એટલે પહેલાં એ ગેરમાન્યતાનો ભંગ, એ પછી સાચા 'ગેગ' કાર્ટૂનની સમજ, અને છેલ્લે એ શી રીતે દોરાય એની વાત. આ બધું કલાક બે કલાકમાં ન થઈ શકે. આ કારણે કોઈ શૈક્ષણિક સંસ્થાને આમાં ભાગ્યે જ રસ પડે. અલબત્ત, કાર્ટૂન દોરતાં શીખવવાની પહેલવહેલી કાર્યશાળા શિક્ષકમિત્ર પારસ દવે (ગુતાલ) દ્વારા જ યોજાઈ હતી. પણ એ શાળાનાં બાળકો. કોલેજવાળાને આવા બધામાં રસ પડે?

નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના દૃષ્ટિવંત પ્રાચાર્ય ડૉ. હસિત મહેતાએ કહ્યું કે એમની કોલેજની વિદ્યાર્થીનીઓ માટે કાર્ટૂનની કાર્યશાળા કરવી છે. ખરેખર તો કાર્ટૂનની નહીં, પણ કેરિકેચર ચીતરતાં શીખવવાની. આવી વિશિષ્ટ માગણી પહેલવહેલી વાર આવી એટલે મારે 'ધંધે લાગવું' પડ્યું. (ડૉ. હસિત મહેતાનો એ જ આશય હતો, જે સફળ થયો) અમે ચર્ચા કરી અને તારણ કાઢ્યું કે એક વખતમાં એ શક્ય ન બને. એના માટે ઓછામાં ઓછી ત્રણ વર્કશોપ કરવી પડે. એમણે કહ્યું, "તો કરો." એટલે કેરિકેચર દોરતાં શીખવવાના ભાગરૂપે પહેલી વર્કશોપ 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન યોજાઈ. ચીતરવાનો શોખ હોય કે ન હોય એવી, પણ કશુંક નવું શીખવામાં રસ ધરાવતી પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ એમાં સામેલ થઈ.

કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા

કેવાં કેવાં દૃશ્યમાધ્યમો કાર્ટૂન નથી એનું નિદર્શન

માનવાકૃતિ દોરવાની સરળ રીતનું નિદર્શન

આ બે દિવસમાં ચીતરવાની વાત ખાસ નહોતી કરવાની, પણ કાર્ટૂન એટલે શું? અથવા તો કાર્ટૂન સાથે ભેળસેળ કરાતી કઈ કઈ ચીજો હકીકતમાં કાર્ટૂન નથી એની વાત થઈ. એ પછી કાર્ટૂનના વિવિધ વિષય, એની વિવિધ શૈલીઓ વગેરેની રજૂઆત કરવામાં આવી. સહભાગિતા વિના આવી કાર્યશાળા અધૂરી ગણાય. એટલે બોર્ડ પર કોઈ એક વસ્તુનું ચિત્ર દોરીને એની પરથી કાર્ટૂન બને એ રીતે શું શું ઉમેરતા જવાય એ કવાયત બહુ મજાની રહી. જેમ કે, એક ખુરશી ચીતર્યા પછી દરેક જણ એમાં એક એક વસ્તુ એવી ઉમેરે કે એનાથી રમૂજ પેદા થાય. એક વિદ્યાર્થીનીએ હાથી દોરવાનું સૂચન કર્યું. અને બીજીએ કીડી. હાથી અને કીડીની બન્નેની મૂંઝવણ એક સરખી હતી. 'આ ખુરશી પર બેસવું શી રીતે?' આ રીતે વિવિધ ચીજો દોરીને અવનવી ટીપ્પણીઓ થઈ. બે દિવસ દરમિયાન મુખ્ય આશય એ હતો કે કાર્ટૂન એટલે શું અને શું નહીં એ બરાબર સમજી લેવું. બીજું એ પણ સમજી લેવું કે કાર્ટૂન માટે સૌથી મહત્ત્વનો છે વિચાર. ચીતરવાની આવડત પછીના ક્રમે આવે. આવી અનેક બાબતોની ચર્ચા આ બે દિવસમાં થઈ અને સહુએ એનો આનંદ માણ્યો.
આ કાર્યશાળાનો હવે પછીનો બીજો અને સઘન તબક્કો થોડા દિવસ પછી યોજાશે, જેમાં કેરિકેચર મહત્ત્વનો મુદ્દો રહેશે. ત્યાં સુધી તેઓ વિવિધ ટેક્નિકનો મહાવરો કરે એ માટે અમુક ટીપ્સ પણ આપવામાં આવી. આ સમગ્ર ઉપક્રમમાં પ્રો. નેન્સી મેકવાને સંયોજકની ભૂમિકા ભજવી. હવે આગામી તબક્કા માટે અધુ તૈયારી મારે કરવાની છે. વિદ્યાર્થીનીઓ તો એ ઝીલવા તત્પર જ છે.
(તસવીર સૌજન્ય: પ્રો. નેન્‍સી મેકવાન)

Wednesday, November 26, 2025

ત્યાં કાગડો અને અહીં કોયલ

- સઈ પરાંજપે

એક સરસ બનાવ મને યાદ આવે છે. નેહા (દિપ્તી નવલ) સાથે ઓમી (રાકેશ બેદી)ની મુલાકાતના વાસ્તવિક અને કાલ્પનિક વર્ણનવાળાં દૃશ્ય પર અમે કામ કરી રહ્યા હતાં. 'વાસ્તવિક' મુલાકાત દરમિયાન નેહા ઓમીને પ્લમ્બરનો માણસ ધારીને બેસિનનો નળ રીપેર કરવા જણાવે છે. ચૂપચાપ બહાર નીકળી જઈને ઓમી સમય પસાર કરવા માટે એક મ્યુનિસિપલ પાર્કમાં જઈને બેસે છે. જ્યારે મિત્રો સમક્ષ વર્ણવેલા કાલ્પનિક દૃશ્યમાં તે કોઈ પરીકથા જેવા માહોલમાં બતાવાયો છે. મંગેશજી (દેસાઈ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ)એ ફિલ્મને અધવચ્ચે અટકાવી દીધી અને કહ્યું, 'સઈ બાઈ, આપણે એવું કરીએ તો? મ્યુનિસિપલ પાર્કવાળા દૃશ્યમાં વાસ્તવિક વર્ણન વખતે કાગડાના 'કા...કા'ની સાઉન્ડટ્રેક મૂકીએ અને 'ડ્રીમ વર્ઝન'માં કોયલના ટહુકા મૂકીએ તો?' શું કહેવું છે?' મારે શું કહેવાનું હોય! હું આશ્ચર્ય અને અહોભાવથી દિગ્મૂઢ બની ગઈ. કેટલો અદ્ભુત વિચાર! કાગડાનું કર્કશ 'કાઉં કાઉં' અને કોયલના મધુર ટહુકાએ બન્ને દૃશ્યમાં મૂલ્યવૃદ્ધિ કરી. પરિણામ જોઈને અમે રોમાંચિત થઈ ગયાં. એ પછી મંગેશજીએ મારી સામે જોયું અને રમૂજમાં બોલ્યા, 'આ બધું કરવામાં અમને સહેજ મુશ્કેલી પડી. પણ કોઈ એની નોંધ લેશે કે એની તરફ કોઈનું ધ્યાન જશે કે કેમ એ સવાલ છે. જે હોય એ, આપણે બન્નેને આનંદ થયો ને! સર્જકતાની એ જ તો મઝા છે.'
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: HarperCollins India, 2020)

(નોંધ: 'ચશ્મે બદ્દૂર'નું આ દૃશ્ય આ ક્લિપમાં જોઈ શકાશે. ક્લિપ એ જ દૃશ્યથી આરંભાશે અને 19.00 સુધી જોવાથી બન્ને દૃશ્યો અને મંગેશ દેસાઈની કમાલ 'જોઈ' શકાશે.)


Monday, November 24, 2025

જીના ઈસી કા નામ હૈ

શનિવારને 22મી નવેમ્બર, 2025ની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ.દ્વારા ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તક અંગે વાર્તાલાપ હતો. આથી નક્કી એવું થયું કે સવારે જ હું ભરૂચ પહોંચી જાઉં અને એમિટી સ્કૂલમાં પહોંચું. ખરેખર તો એવું થયેલું કે ભરૂચના મારા કાર્યક્રમની જાણ માટે હું રણછોડભાઈને ફોન કરીને કશું કહું એ પહેલાં જ તેમણે 'વેલકમ ટુ ભરૂચ'નું આમંત્રણ આપી દીધું. આ શાળાના 37 વર્ષના કાર્યોનું પુસ્તકસ્વરૂપે દસ્તાવેજીકરણ કર્યું ત્યારે, એ પહેલાં અને એ પછી પણ શાળાનો સતત સંપર્ક રહ્યો છે. આથી એમિટીમાં જવાનું બહાનું શોધતો હોઉં. સવારે વડોદરાથી નીકળીને સીધા મારે એમિટી પહોંચવું એમ નક્કી થયું. વચગાળામાં એમિટીના પ્રકાશભાઈ મહેતાએ સૂચવ્યું કે મારે ત્યાંના શિક્ષકો સમક્ષ હોમાય વ્યારાવાલા વિશે વાત કરવી. પ્રિય વ્યક્તિ વિશે વાત કરવી કેમ ન ગમે? પ્રકાશભાઈએ એ પણ જણાવ્યું કે કેટલાક શિક્ષકોએ હોમાયબહેન વિશેનું મારું પુસ્તક વાંચેલું છે. ખાસ કરીને ગુજરાતી ન વાંચી શકતા શિક્ષકો એમના વિશે થોડું ગૂગલ પર વાંચી લે એવું મેં સૂચન કર્યું, જેથી એમને થોડી પૂર્વભૂમિકા રહે. મેં થોડી તૈયારી કરીને હોમાયબહેનના જીવનનો આલેખ મળી રહે એવું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું.

એમિટીમાં પ્રવેશતાં જ એમ લાગે કે આ જાણે કે મારું બીજું ઘર છે, અને અહીં બધાં સ્વજનો જ છે. અહીં જઈએ એટલે પહેલાં હળવામળવાનો અને સાથે ચા-નાસ્તાનો દોર ચાલે. એમાં જાતભાતની વાતો નીકળે. પ્રમેશબહેન મહેતા થોડા નબળા સ્વાસ્થ્ય સાથે પણ ખાસ ઊપસ્થિત રહ્યાં. રણછોડભાઈની સાથે સંગીતાબહેન પણ આવી ગયાં. સાથે 'કોર ગૃપ'નાં સુશ્રી રીના તિવારી, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સુનિતા પાન્ડા, તોરલ પટેલ, સરોજ રાણા, સુબી ઝેવિયર પણ હંમેશ મુજબ જોડાયાં. ચા-નાસ્તા સાથે હસીમજાક સહિત વિવિધ પ્રકારની વાતો થઈ. એ પછી ત્રીજે માળે આવેલા હૉલમાં કાર્યક્રમ હતો.
પ્રકાશભાઈએ ઔપચારિક રીતે કાર્યક્રમ આરંભીને મને સુકાન સોંપ્યું.

પ્રકાશભાઈ મહેતા દ્વારા પૂર્વભૂમિકા અને પરિચય

(ડાબેથી) તોરલબહેન, રણછોડભાઈ, બીરેન, કામિની, સંગીતાબહેન,
રીનાબહેન અને નિવેદીતાબહેન
હોમાયબહેન વિશે વાત

રજૂઆત દરમિયાન
તસવીરો અને એની સાથે સાથે એક વ્યક્તિની જીવંતતાની કથા ઊઘડતી ગઈ અને યોગ્ય રીતે સામે છેડે પહોંચી રહી છે એમ લાગ્યું. એકાદ કલાક ક્યાં પસાર થઈ ગયો એની સૂધ પણ ન રહી. એમાંય હોમાયબહેનની અમારી સાથેની છેલ્લી બની રહેલી મુલાકાતની વિડીયો અને એમણે પોતાના સ્વરમાં બોલેલી અંગ્રેજી કવિતા સાંભળવાની અનુભૂતિ અવર્ણનીય હતી. મારી સાથે હોમાયબહેને જાતે બનાવેલી એકાદ બે ચીજો પણ હું લેતો આવેલો, જે સૌને હાથોહાથ જોવા માટે ફેરવવામાં આવી.
અપેક્ષા મુજબ જ આ રજૂઆત પછી સવાલોનો દોર ચાલ્યો. અને જે વાત રજૂઆતમાં આવી ન હતી એવી વાતો આમાં આવરી શકાઈ. હોમાયબહેન વિશે જ્યારે પણ વાત કરવાની આવે ત્યારે જેટલી મને એ કહેવાની મજા આવે છે એટલી જ સાંભળનારને પણ આવતી હોય એમ અનુભવાયું છે.
કાર્યક્રમ પછી ભોજન હતું. ભોજન દરમિયાન પણ વિવિધ વાતો અને ગપસપ ચાલી. એ પછી દોઢેક વાગ્યે મિત્ર દેવેન્દ્રસિંહ લેવા આવ્યા એટલે એમને ઘેર જવા નીકળ્યા.
આમ, દિવસનો પૂર્વાર્ધ બહુ સરસ રીતે, પરિચીતો- સ્નેહીઓની વચ્ચે વીત્યો. હવે સાંજની પ્રતિક્ષા હતી.
(તસવીર સૌજન્ય: અલ્પેશ પટેલ)

Sunday, November 23, 2025

ભૂપેન ખખ્ખરનાં સ્મરણોની વહેંચણી

22 નવેમ્બર, 2025ને શનિવારની સાંજે ભરૂચના બી.ડી.એમ.એ. ખાતે બુક લવર્સ મીટની 261મી કડી અંતર્ગત ભૂપેન ખખ્ખર વિશેના મારા પુસ્તકનો વાર્તાલાપ યોજાઈ ગયો. મઝાની વાત એ હતી કે આ પુસ્તકનું સાવ આરંભકાળે બીજ બાર- તેર વરસ અગાઉ ભરૂચના આ જ કાર્યક્રમમાં રોપાયેલું. મારા કોલેજકાળના મિત્ર દેવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રો.રાવજીભાઈ પટેલ 'મોટા' વિશેનું મારું પુસ્તક 'ક્રાંતિકારી વિચારક' અમરીશભાઈ કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યું. એ વાંચ્યા પછી તેમને થયું કે ભૂપેન ખખ્ખર વિશે આવું પુસ્તક થવું જોઈએ.

એ પછીના લાંબા ઘટનાક્રમ પછી આખરે આ વર્ષના માર્ચમાં એ પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક વિશે કળાક્ષેત્રના તેમજ અન્ય વાચનરસિક લોકો પણ પરિચીત થાય એ હેતુથી તેના વિશેના વિવિધ વાર્તાલાપનું આયોજન થતું રહ્યું છે. વડોદરા અને સુરતની ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમજ વડોદરાની 'ગ્રંથગોષ્ઠિ' પછી ભરૂચની બુક લવર્સ મીટમાં પણ એ થયું. આ ગોષ્ઠિના સંયોજક અંકુર બેન્કરે મુદ્દાસર કાર્યક્રમની ઔપચારિકતાઓને પૂરી કરીને સીધા વક્તવ્ય માટે આમંત્રણ આપ્યું. મીનલબહેન દવે, ઋષિભાઈ દવે, જે.કે.શાહ, દેવાંગ ઠાકોર આ કાર્યક્રમને સતત સંવારતા રહ્યા છે. એ સૌની હાજરી બહુ ઉત્સાહજનક બની રહી. તો ભરૂચના એમિટી પરિવારના શ્રીમતિ અને શ્રી રણછોડભાઈ શાહ, શ્રીમતિ અને શ્રી પ્રકાશભાઈ મહેતા પણ પધાર્યા. બકુલભાઈ પટેલ, શિલ્પકાર મિત્ર રોહિત પટેલ, નરેન સોનાર તેમજ રમણિકભાઈ અગ્રાવતને મળવાની તક મળી. એમ શૈલેષભાઈ પુરોહિત, કાજલબેન પુરોહિત સાથે પરિચય થયો. કામિની તેમજ મિત્રદંપતિ દેવેન્દ્રસિંહ ગોહિલ અને કાનન ગોહિલ સાથે અમરીશભાઈ તો ખરા જ. પણ આ બધાં નામ મેં એ હેતુથી નથી લખ્યાં કે અમે એકમેકને 'ઓબ્લાઈજ' કરીએ.
અસલમાં ભરૂચ સાથેનો મારો પરિચય કશો નહોતો. કોલેજના અભ્યાસ પછી મિત્ર દેવેન્દ્રસિંહે જી.એન.એફ.સી. ખાતે નોકરી લીધી અને એ ત્યાં રહેવા ગયો. એ પછી વરસો સુધી મારા માટે ભરૂચની એક માત્ર ઓળખ એટલે એનું ઘર બની રહેલી. કદી વિચાર્યું નહોતું કે ભરૂચમાં આટલા બધા પરિચય કેળવાશે. એટલે કાલે લગભગ પૂરેપૂરા ભરાયેલા હોલમાં જાણે કે સૌ પરિચીતો જ હોય એમ લાગતું હતું. ભૂપેનના જીવન, પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કર્યા પછી અમરીશભાઈએ પોતાના તરફથી પણ ટૂંકમાં વાત મૂકી આપી.
કાર્યક્રમ પછી સૌને હળવામળવાનું પણ આકર્ષણ હોય છે. છેલ્લે મીનલબહેન, વિનોદભાઈ, ઋષિભાઈ સાથે ભોજન પછી વડોદરા આવવા નીકળ્યા.
કાર્યક્રમ લાઈવ કરવામાં આવ્યો હતો, જે આ લીન્ક પર સાંભળી શકાશે.

દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો આરંભ
(પોડિયમ પર અંકુર બેન્
કર, નીચે બીરેન કોઠારી, દેવાંગ ઠાકોર,
અમરીશ કોન્
ટ્રાક્ટર, મીનલબહેન દવે) 

વક્તાનું સ્વાગત : (ડાબેથી) મીનલબહેન દવે, બીરેન કોઠારી,
દેવાંગ ઠાકોર, ઋષિ દવે

ભૂપેન વિશેની વિવિધ વાતો

અમરીશભાઈ દ્વારા બે મિત્રોની મૈત્રી વિશેની લાગણીસભર વાત

(તસવીર સૌજન્ય: અંકુર બેન્કર)






Friday, November 21, 2025

અન્યના કામની પ્રશંસા પીઠ પાછળ કરવી દુર્લભ છે

- સઈ પરાંજપે

'ચશ્મે બદ્દૂર'ની લગભગ સમાંતરે જ રણધીર કપૂરની 'બીવી ઓ બીવી'નું નિર્માણ આર.કે.બેનર તળે થઈ રહ્યું હતું. આથી ડબિંગ, સાઉન્ડ ઈફેક્ટ્સના રેકોર્ડિંગ અને રિમિક્સિંગ બાબતે બન્ને ફિલ્મો વચ્ચે જાણે કે હોડ લાગેલી. અમારું શેડ્યુલ ચસોચસ રહેતું, આથી એક પક્ષ પોતાનું કામ પતાવે ત્યાં સુધી બીજા પક્ષે રાહ જોવી પડતી.
રાહ જોનારી ટીમ કન્ટ્રોલ રૂમમાં આવેલી કાચની પેનલમાંથી બીજી ફિલ્મ જોઈ શકતી. 'બીવી ઓ બીવી' અમારા કરતાં ત્રણ દિવસ વહેલી સંપન્ન થઈ અને યોગ્ય સમયે સેન્સર બોર્ડને મોકલવામાં આવી. એ ટીમમાંથી કોઈકે એ ફિલ્મ ગજબનાક કોમેડી હોવાનું પ્રશંસાના સૂરે કહ્યું ત્યારે રણધીર કપૂરે કહેલું: 'ચશ્મે બદ્દૂર' ની સરખામણીએ આ કંઈ ન કહેવાય. અસલ કોમેડી તો એ છે.' મારી ફિલ્મ સેન્સરમાં ગઈ ત્યારે મને આમ જણાવાયેલું. ફિલ્મનો આ સૌથી પહેલો પ્રતિભાવ અને મંજૂરીની મહોર કહી શકાય. ફિલ્મ જગતમાં કોઈ અન્યના કામની પ્રશંસા પીઠ પાછળ કરવી દુર્લભ છે. રણધીર કપૂરનો એ ઉદાર પ્રતિભાવ મને હજી યાદ રહી ગયો છે.
'ચશ્મે બદ્દૂર'ની રજૂઆત તારદેવ ખાતે આવેલા જમુના થિયેટરમાં કરવામાં આવી. એ થિયેટર હવે નથી રહ્યું. શરૂઆતના પાંચેક દિવસ થિયેટર લગભગ ખાલી જેવું રહેલું, પણ એ પછી અચાનક તેણે હરણફાળ ભરી અને એ પછી કદી અટકી નહીં. હાઉસફૂલનાં પાટિયાં કાયમ ઝૂલતાં રહેતાં. પ્રસાર માધ્યમોએ પણ માન્યામાં ન આવે એ રીતે તેની પર વરસી પડ્યાં. એક વાર મેં ગુલ (આનંદ, નિર્માતા)ને આ ફિલ્મ કોઈક ચોક્કસ સિનેમા હોલમાં રજૂ કરવાની સલાહ આપી. તેણે ગંભીરતાથી કહ્યું, 'જુઓ, મેં તમને શૂટિંગ દરમિયાન કદી એમ કહ્યું કે આ શોટ અમુક રીતે લેવો, કે કેમેરાને આ રીતે ગોઠવો?'તો પછી મારા ક્ષેત્રમાં તમે મને કેમ સલાહ આપો છો?'
'ચશ્મે બદ્દૂર' સંપૂર્ણપણે હીટ ફિલ્મ પુરવાર થઈ અને એ પણ વિવિધ વયજૂથના દર્શકોમાં. (ગુલને એની ક્રેડિટ મળી?) તાજગીસભર ફિલ્મ તરીકે તેની સરાહના કરવામાં આવી અને જોતજોતાંમાં તેને એક 'કલ્ટ' ફિલ્મનો દરજ્જ્જો પ્રાપ્ત થઈ ગયો. અલબત્ત, એને ક્યાંય એક તો શું, અડધો એવોર્ડ પણ પ્રાપ્ત ન થયો. (કોમેડી માટે એવોર્ડ? કદી સાંભળ્યો ખરો?)
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)

Wednesday, November 19, 2025

સ્માઈલ પ્લીઈઈઈઝ....અને સાહેબની દોટ

- યેસુદાસન

ત્યારે હું મિડલ સ્કૂલમાં હતો. એક દિવસ મેં રામ ઐયર સરને પોતાની છત્રી સાથે શાળાના દરવાજાની બહાર દોડી જતા જોયા. એકાદ બે શિક્ષકો અને થોડા વિદ્યાર્થીઓ તેમની પાછળ દોડી રહ્યા હતા. છેવટે એ લોકોએ સરને આંબી લીધા અને પાછા શાળામાં લઈ આવ્યા.

મારો સહાધ્યાયી એ.સી.જોઝ મારી સાથે હતો. પહેલાં તો મને સમજાયું નહીં કે શાળાના મેદાન પર શું ચાલી રહ્યું છે. અમને કોઈકની બૂમ સંભળાઈ, 'રેડી, 'સ્માઈલ પ્લીઝ.' જેવો એ 'પ્લીઝ' બોલ્યો કે રામ ઐયર સરે ફરી વાર બહારની તરફ દોટ મૂકી. વધુ એક વાર થોડા લોકો તેમની પાછળ દોડ્યા અને તેમને પાછા લેતા આવ્યા. આ બધું શું થતું હતું એ જોવા માટે અમે કમ્પાઉન્ડ વૉલમાંથી અંદર જોયું. ખબર પડી કે ત્યાં વાર્ષિક ફોટો સેશન ચાલી રહ્યું હતું. દરેક શૈક્ષણિક વર્ષના અંતે એ યોજાતું હોય છે. ફોટોગ્રાફર દરેકને તેમની ઊંચાઈ મુજબ ઊભા રાખતો હતો. પણ જેવો તે તસવીર ખેંચવા તૈયાર થતો કે ઐયર સર દોટ મૂકતા અને આ સ્થળેથી દૂર જવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતાનો ચહેરો તસવીરમાં આવવા દેવા નહોતા માગતા.

એ વરિષ્ઠ શિક્ષક માનતા હતા કે કોઈ વ્યક્તિની તસવીર ખેંચવામાં આવે તો એનું આયુષ્ય ઘટી જાય. એમના જણાવ્યા અનુસાર, જેટલી વાર પોતાની છબિ નેગેટીવ પર અંકિત થાય કે જીવનનું એક વર્ષ ઘટી જતું. તેમને ડર હતો કે વારેવારે તસવીર લેવડાવવાથી પોતે પેન્શન લેવાપાત્ર નહીં રહે. (ત્યાં સુધી જીવશે નહીંં) આજે તો રામ ઐયર અમારી વચ્ચે નથી, અને પચાસ વર્ષ કરતાંય જૂની પેલી નેગેટીવો પણ કોઈની પાસે સચવાયેલી નથી. તેમના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનાં સ્થાન શોભાવે છે, પણ ઐયર સરના ફોટોગ્રાફી અંગેના વિચારોમાં કોઈ માનતું નથી. તસવીરો લેવા અને લેવડાવવા બાબતે એ સૌ પાગલ કહી શકાય એ હદે જાય છે.

(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

સર્જકતાની શોધ: શા માટે? શી રીતે?

ઊપક્રમ એવો હતો કે નડિયાદની આયુર્વેદિક કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ મારે નડિયાદના ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ 'સ્ટડી સર્કલ' વિશે વાત કરવી. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ (સ્વ.) કુલીનચંદ્ર યાજ્ઞિકે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો. દર ગુરુવારે સાંજના છ વાગ્યે કુલીનકાકા ગોવર્ધન સ્મૃતિમંદીરે આવે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. સંખ્યા ક્યારેક બે પણ હોય તો ક્યારેક બાવીસ પચીસ પણ હોય. કુલીનકાકાનું આવવું અને વાત કરવું અચળ. છેક એમના અવસાનના થોડા સમય પહેલાં સુધી તેમણે આ ચાલુ રાખેલું. એમના પુત્ર પ્રો. નીરજ યાજ્ઞિક, પ્રો. આશિષ શાહ, ઉર્વીશ કોઠારી અને હું- પણ સંકળાયા. પ્રો. હસિત મહેતા આ આખી પ્રવૃત્તિ પાછળનું ચાલકબળ. અહીં મજા એ આવતી કે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય નહીં, તેમની સાથે સંવાદ સધાતો, જેમાં સૌના મનની અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. કોઈ પણ વિષય અંગે અહીં મુક્તતાથી વાત થઈ શકે એવું વાતાવરણ કુલીનકાકાએ ઊભું કરેલું. અમારા સૌની જવાબદારી એને જાળવી રાખવાની. બારેક વર્ષ થયા એટલે હવે અહીં આવનારા વિદ્યાર્થીઓની પણ બીજી- ત્રીજી પેઢી આવી. પણ એક સમયે અહીં સંકળાઈ ચૂકેલા વિદ્યાર્થીઓ આજે ભલે ગમે ત્યાં હોય, હજી તેઓ માનસિક રીતે અહીં સંકળાયેલા રહ્યા છે. આમ, એક બિરાદરી ઊભી થઈ છે એમ કહીએ તો ખોટું નહીં.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનું મહત્ત્વ જેટલી તેમની જરૂરિયાત છે, એટલી જ આપણી પણ જરૂરિયાત છે, કેમ કે, એ વિના તેમની સમસ્યાઓ કે વિચારજગતનો અંદાજ આવી શકે જ નહીં. હજી વધુ વિદ્યાર્થીઓને આ બાબતે માહિતગાર કરવા અમે નડિયાદની વિવિધ કોલેજોમાં જવા વિચાર્યું છે. આ ઉપક્રમની શરૂઆત ગઈ કાલે થઈ ગઈ. 'સ્ટડી સર્કલ'ના જ બિરાદર અને નડિયાદની આયુર્વેદિક કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મિત્ર ભાર્ગવે સુશ્રી ભાગ્યશ્રી ટંડેલના સહયોગથીપોતાની કોલેજમાં આ ઊપક્રમ ગોઠવ્યો. આ કોલેજના કેયુર અને વશિષ્ઠ પણ 'સ્ટડી સર્કલ' સાથે સંકળાયેલા છે.
એ મુજબ વિદ્યાર્થીમિત્રો નાઝનીન અને જૈનિક સહિત અમે ત્યાં પહોંચી ગયા. 'સર્જકતાની શોધ' જેવા વિષય પર વાતનો આરંભ કર્યો અને જીવનમાં સર્જકતાનું મહત્ત્વ કેટલું તેમજ કેવી રીતનું હોય એ વિશે વાત કરી. ત્યાર પછી ટૂંકમાં નડિયાદના અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય તેમજ ગોવર્ધનરામ સ્મૃતિમંદિર વિશે તેમજ ત્યાં ચાલતી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. એ પછી ભાર્ગવ અને જૈનિકે આ સ્થળ સાથે પોતે સંકળાયા તેના અનુભવ ટૂંકમાં કહ્યા.
સમય પ્રમાણમાં ઓછો હોવાથી પ્રશ્નોત્તરી થઈ શકી નહીં. પણ આવા સ્થળે જઈએ ત્યારે એક વાત વિદ્યાર્થીઓને ખાસ કહેતા હોઈએ છીએ કે 'સ્ટડી સર્કલ' સાથે સંકળાવ કે ન સંકળાવ એનું મહત્ત્વ એક હદથી વધુ નથી. પણ તમે સમરસિયાઓ ભેગા મળીને આવું કશુંક અનૌપચારિક મિલન કરતા રહો અને વિવિધ વિષય પર વાત કરવાનું રાખો. કેમ કે, હવે વ્યક્તિગત સંવાદની જરૂર વધુ છે. ક્યારેક ક્યાંકથી અમને જાણવા મળે કે અમુક સ્થળે વિદ્યાર્થીઓ આને અનુસરે છે ત્યારે એ જાણીને આનંદ થાય.
કાર્યક્રમની કેટલીક તસવીરો.

ભાગ્યશ્રી મેડમ દ્વારા ચોકલેટથી અભિવાદન

'સ્ટડી સર્કલ'ના ઊપક્રમ વિશે વાત

વિદ્યાર્થીઓ સાથે સંવાદ

'સ્ટડી સર્કલ'ના પોતાના અનુભવ જણાવી રહેલા ભાર્ગવ


(તસવીર સૌજન્ય: કેયુર અને નાઝનીન)

Monday, November 17, 2025

મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી તેઓ જરાય કમ નહોતા

- યેસુદાસન

શંકરને ઘેર રોજેરોજ રાજકારણીઓનો મેળાવડો થતો. મેં સાંભળેલું કે તેઓ સ્કેચ બનાવવા માટે કાગળ લઈને લોકોની વચ્ચે ફરતા. પછી મને ખ્યાલ આવ્યો કે એ સાચું નહોતું. તેઓ બરાબર સાડા આઠે ઓફિસ પહોંચી જતા, તમામ અખબારો વાંચતા અને પોતાને ગમ્યા હોય એવા સમાચારનાં કટિંગ કરતા. બહુ ઝીણવટપૂર્વક તેઓ લોકોનું નિરીક્ષણ કરતા.
પોતાના પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોના વિશાળ સંગ્રહ બાબતે શંકર બહુ ગૌરવ અનુભવતા. મારા માટે તેઓ- મારા બીજા ગુરુ- મૂલ્યવાન પાઠ ધરાવતા પાઠ્યપુસ્તકથી કમ નહોતા. પહેલા દિવસનો એક બનાવ મને યાદ આવે છે. એ કદાચ એટલો મહત્ત્વનો ન લાગે, પણ તેણે મારા વિચારો અને દૃષ્ટિકોણ પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.
એમની ઓફિસમાં મારા પહેલા જ દિવસે તેમણે મને જાણીતા બ્રિટીશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોનાં ત્રણ પુસ્તકો લાવવાનું કહ્યું. મને એ જડ્યાં નહીં. જો કે, તેમણે એક જ મિનીટમાં એ શોધી કાઢ્યાં. પોતાના પુસ્તકાલયમાંથી તેમને જણાવ્યા વિના પુસ્તકો લઈ જવાની તેમણે મને ના પાડેલી. ઘણા કાર્ટૂનિસ્ટો એમની પાસેથી લઈ ગયેલાં પુસ્તકો પરત કરતા નહોતા એ બાબતે તેઓ નારાજ હતા.
તેમણે મને શેરીઓમાં ભટકીને ભિક્ષુકો, કાર મિકેનીકો અને બૂટપાલિશ કરતા છોકરાઓનો અભ્યાસ કરતાં શીખવ્યું. સાથોસાથ મિલનસ્થાનોની મુલાકાત, વક્તવ્યમાં ભાગ લેવો તેમજ લોકોની રીતભાતને ઝીણવટથી અવલોકતાં શીખવ્યું.
તેમની પાસેથી હું શીખ્યો કે જગજીવન રામની અને મોરારજી દેસાઈની લાકડી ભલે એક સરખી જણાય, પણ એક કાર્ટૂનિસ્ટની દૃષ્ટિએ એમાં ફરક જણાવો જ જોઈએ.
કાર્ટૂનિંગ બાબતે તેમણે મને (કાર્ટૂનિસ્ટ) ઓ.વી.વિજયનની કે અબુ (અબ્રાહમ)ની શૈલીને ન અનુસરવાની સલાહ આપી. એક કાર્ટૂન એ હદનું બૌદ્ધિક ન હોવું જોઈએ કે એક સરેરાશ માણસ એને માણી ન શકે. જેમ કે, વિજયનનું 'યુ ટૂ, બ્રુટસ' શિર્ષકવાળું કાર્ટૂન કોઈક જુએ તો એ બ્રિટીશ લાયબ્રેરીમાં જાય, સવારે દસ વાગ્યે એ ખૂલે ત્યાં સુધી રાહ જુએ, સીઝર પરનું પુસ્તક ફંફોસે અને પછી પાછો આવીને કાર્ટૂનનું વિશ્લેષણ કરીને હસે એ અશક્ય છે. શંકર માનતા કે એક જ લસરકામાં કોઈકને હસાવી શકે એ સફળ કાર્ટૂન.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
(Published by: The Alcove publishers, Gurgaon, 2025)
(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)
(આ સાથે અબુ અબ્રાહમ, ઓ.વી.વિજયન, શંકર અને યેસુદાસનનાં એક એક કાર્ટૂન તેમની શૈલીનો અંદાજ આવે એ હેતુથી મૂક્યાં છે.)

અબુ અબ્રાહમનું કાર્ટૂન

ઓ.વી.વિજયનનું કાર્ટૂન
શંકરનું કાર્ટૂન

યેસુદાસનનું કાર્ટૂન (રાજ્યસભાની બેઠક માટે સોનિયા ગાંધી સામે
ઊમેદવારી માટે કરુણાકરણ જૂથ અને કે.એમ.મણિ આગળ આવ્યા)

Sunday, November 16, 2025

તેં વેશ્યાગૃહ જોયું છે?

- યેસુદાસન

એક દિવસ તેમણે મને પૂછ્યું, 'તેં વેશ્યાગૃહ જોયું છે?' આ સવાલથી હું દિગ્મૂઢ થઈ ગયો અને મેં ના પાડી. એટલે તે અકળાઈ ગયા. મારું જ્ઞાન તો મેં ફિલ્મોમાં જે જોયેલું એના પૂરતું સીમિત હતું. તેમણે તરત પોતાના ઓફિસ સહાયક રાધેલાલને બોલાવ્યા અને મને જી.બી.રોડ પરના રેડ લાઈટ એરિયામાં લઈ જવાની એમને સૂચના આપી. સવારના સાડા નવ આસપાસ એમની લીલા રંગની એમ્બેસેડર કારમાં મને લઈ જવામાં આવ્યો. એ સાંકડી ગલીઓમાં નાના નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરતા હતા અને ઊપરના માળે મહિલાઓ કતારબંધ પોતાના દેહવિક્રય માટે ઊભેલી હતી.
સાડા અગિયાર સુધી હું પાછો આવ્યો કે એમણે પૂછ્યું, 'તેં બધું બરાબર જોયું?'
એ પછી શંકરે એ દિવસનું પોતાનું કાર્ટૂન પૂરું કર્યું અને એનો વિષય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. કોંગ્રેસના તત્કાલીન વડા યુ.એન.ઢેબરે એક નિવેદન આપેલું કે કોંગ્રેસ તરફ વધુ લોકોને આકર્ષિત કરવા માટે પક્ષે પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જોઈએ. આ નિવેદનના આધારે શંકરે કાર્ટૂન બનાવેલું, જેમાં તેમણે નહેરુ, વી.કે.કૃષ્ણમેનન, કરણસિંઘ, જગજીવનરામ, ગુલઝારીલાલ નંદા, અને લાલ બહાદુર શાસ્ત્રીને રેડ લાઈટ એરિયામાં પોતાનું દેહપ્રદર્શન કરતા ઊભા રહેલા ચીતરેલા. કૃષ્ણમેનનને બહુ કામુક રીતે બસો રૂપિયા માંગી રહેલા બતાવેલા. મને નવાઈ લાગી કે મારા એ ગુરુએ સવારના મારા નિરીક્ષણને યથાતથ કાગળ પર ઊતારેલું. કાર્ટૂન દોરતી વખતે તેઓ કહીસુની વાતને બદલે જાતઅનુભવમાં માનતા. આર.શંકરની દેહમુદ્રાને બરાબર ન બતાવીએ કે પી.ટી.પિલ્લાઈના નાક પરના મસાને બરાબર ન ચીતરીએ તો શંકર અકળાઈ જતા. નેતાઓના નિરીક્ષણ માટે તેમણે મને સંસદ ભવનમાં નિયમીતપણે જવાની સૂચના આપેલી. 'મનોરમા'માંથી હું 2008માં નિવૃત્ત થયો ત્યાં સુધી મેં આ સીલસીલો ચાલુ રાખેલો.
(Excerpt from 'Finishing Lines', an autobiography by Cartoonist Yesudasan.)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

(Published by: The Alcove publishers, Gurgaon, 2025)

(કાર્ટૂનિસ્ટ યેસુદાસન પોતાના ગુરુ કાર્ટૂનિસ્ટ શંકર વિશે)

Wednesday, November 12, 2025

પહેલાં તો એ કહે કે તું છો કોણ?

- અવિનાશ ઓક

સવારના નવ વાગેલા. રાજકમલ (સ્ટુડિયો)ના શૂટિંગ ફ્લોર પર યુનિટના રિપોર્ટીંગ માટેનો એ સ્લેટ ટાઈમ. ચીફ રેકોર્ડિસ્ટ વેંકટને મેં બીડી પીતા ગોઠવાયેલા જોયા. મેં તેમને પૂછ્યું, 'આજે શોટ માટે શી તૈયારી કરવાની છે?' તેઓ સાવ ઉદાસીન ભાવે બેઠેલા. અળસાયેલા સ્વરે બોલ્યા, 'આસિસ્ટન્ટ ડિરેક્ટર ચન્દ્રા બારોટને જઈને પૂછ.' મિ. બારોટ એટલે એ જ વ્યક્તિ કે જેમણે આગળ જતાં અમિતાભ બચ્ચનને ચમકાવતી સુપરહીટ ફિલ્મ 'ડોન'નું દિગ્દર્શન કરેલું. તેઓ બહુ ઉત્સાહી હતા. તેઓ અમેરિકાની કોઈક ફિલ્મસ્કૂલમાંથી સ્નાતક થયેલા. તેમણે એક કાગળ કાઢ્યો અને આયોજિત કરેલો આખો સીન તેમજ શોટ્સ મને સમજાવવા લાગ્યા. હું તરત જ બૂમ (માઈક)ની ગોઠવણ વિચારવા માંડ્યો અને કેમેરા સહાયકને લેન્સમાંથી એ જોવા માટે કહ્યું. એ પછી યોગ્ય જગ્યાએ મેં બૂમ ગોઠવ્યું અને કેમેરાની ફ્રેમમાં એ ન દેખાય એ રીતે આઘુંપાછું કરતો રહ્યો. આ તમામ ગતિવિધિ દરમિયાન વેંકટ ઠંડકથી બેઠા રહ્યા અને સેટ પર આવ્યા નહીં.
સાડા અગિયારે એક કદાવર માણસ સેટ પર આવ્યો. ચપટીવાળા પેન્ટમાં તેણે સફેદ શર્ટ ખોસેલો. બધા તેને જોઈને શાંત થઈ ગયા. એ હતા નરીમાન ઈરાની, જે આ ફિલ્મના 'ડી.ઓ.પી.' (ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી) હતા. તેમનો પહેલો સવાલ હતો, 'બેક લાઈટિંગ હો ગયા ક્યા?' અને પછી તે બરાડ્યા, 'આ માઈક અહીં શું કરે છે? ચલો હટાઓ.' મને આંચકો લાગ્યો અને હું સહેજ નર્વસ થઈ ગયો. મેં કહ્યું, 'એ મેં મૂક્યું છે અને યોગ્ય સ્થાને છે.' એટલે એ કહે, 'પહેલાં તો એ કહે કે તું છો કોણ?' મેં જણાવ્યું કે હું સાઉન્ડ એન્જિનિયર વેંકટનો સહાયક અવિનાશ ઓક છું.' તે કહે, 'તારે ડાયલોગ્સ ડબ કરવાના, યંગ મેન, એકે એક ડાયલોગ. એટલે માઈકને હટાવ અને એક વાર હું બધું ગોઠવી લઉં એટલે એ ક્યાં મૂકવાનું એ તને જણાવીશ. ઓકે?' બસ, વાત પૂરી. મેં માઈક ઉઠાવ્યું અને ખૂણામાં જઈને શાંતિથી બેસી ગયો. મારો મૂડ બગડી ગયો.
થોડી વાર પછી મારા ખભા પર કોઈકનો કદાવર હાથ મૂકાયો. મેં ઊંચે જોયું. એ મિ. ઈરાની હતા. હસીને એમણે કહ્યું, 'યંગ મેન, અપસેટ થવાની જરૂર નથી. મારી તકલીફ સમજ. હું કે મારો સહાયક માઈકને ફ્રેમમાં આવતું ન જોઈએ અને શૂટ ચાલુ રાખીએ તો મને કાલે લેબોરેટરીમાં રશીઝ (જે તે દિવસના ફૂટેજને ડેવલપ કર્યા પછી બીજા દિવસે કસબીઓ એ ચકાસતા હોય છે) જોઈએ ત્યારે જ એની જાણ થાય. છેક એ વખતે અમને ખબર પડે તો બહુ તકલીફ થાય. મારે રિશૂટ કરવું પડે. બોલ, હવે તું મારી પડખે છે ને?'
આ છેલ્લું વાક્ય કદાચ મારા ચહેરા પર દ્દેખાતી ઉદાસીના પ્રતિભાવરૂપે હતું. મેં હા પાડી અને માંડ મલકાયો. 'આગળ વધ, બચ્ચા. તુઝે જિંદગી મેં બહોત કામ કરના હૈ.' મોટી આંખો ચમકાવીને મિ. ઈરાની બોલ્યા. એ પ્રસંગ ભૂલી જઈને આગળ વધવા માટે તેઓ મને કહી રહ્યા હતા. એનાથી મારો મૂડ બન્યો. એ પછી આખી ફિલ્મના શૂટ દરમિયાન તેમનો મારી સાથેનો વર્તાવ મિત્રતાપૂર્ણ રહ્યો.
હું વિચારતો હતો કે શૂટ પહેલાં ડાયલોગ્સ ડબ કરવાની આ પદ્ધતિ વિશે વેંકટ મને સહેલાઈથી જણાવી શક્યા હોત. કદાચ એમાં એમને રસ નહીં હોય કે એફ.ટી.આઈ.આઈ. (ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના સ્નાતકો સાથેનો લાક્ષણિક અસહકાર હોય- નવાગંતુકોનું એક પ્રકારે રેગીંગ કહી શકાય. એફ.ટી.આઈ.આઈ.ના આરંભ પહેલાં એ જમાનાના ફિલ્મ ટેક્નિશિયનો કામ કરતાં કરતાં જ, ગુરુ-શિષ્ય પરંપરાથી શીખતા જતા. એફ.ટી.આઈ.આઈ.ના સ્નાતકો ફિલ્મઉદ્યોગમાં આવવા લાગ્યા ત્યારે એક પ્રકારે તેમનો વિરોધ થતો- શરૂ શરૂમાં તો ખરો જ. પણ ધીમે ધીમે એ બધું બદલાતું ગયું.
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)