અમુક કામો થતાં થઈ જતાં હોય છે. એનું ગમે એટલું
આયોજન કરો, જાતજાતના મનસૂબા
ઘડો, પણ એ ન થવાનું હોય તો ન
જ થાય. અને થવાનું હોય તો કશા આયોજન વિના ફટાફટ થઈ જાય. જેને શ્રદ્ધાળુઓ ‘નિમિત્ત’ અથવા ‘થવાકાળ’ કહે છે અને વિવેકબુદ્ધિજીવીઓ
‘રાઈટ થીંગ એટ રાઈટ ટાઈમ’ કહે છે એવું જ કંઈક. આ બ્લોગ પણ એ રીતે જ શરૂ
થયો હતો. અગાઉ જ્યારે જ્યારે બ્લોગ શરૂ કરવાનો વિચાર આવ્યો કે એની પછવાડે જ ‘બ્લોગ શરૂ કરીએ, પણ એવું તો શું
નિયમિત લખવું?’ આ સવાલ દર વખતે
સામે આવીને ઉભો રહેતો અને નિયમિતતા નહીં જાળવી શકવાના કાલ્પનિક ડરને લઈને એ કામ
પાછું ઠેલાઈ જતું. કદાચ અંદરથી ધક્કો નહીં લાગતો હોય એટલે આવા બહાનાનો મનોમન આશરો
લેવાતો હશે.
છેવટે ઝાઝા કશા વિચાર કે લાંબા આયોજન વિના ગયે
વરસે એક પોસ્ટ મૂકીને ત્રણ-ચાર દિવસ માટે ‘ટ્રાયલ રન’ લીધો. જરૂરી એવા થોડા ફેરફાર કર્યા. અને એક શુભ દિવસે પ્રકાશિત કરીને મિત્રોને
તેની જાણ કરી. એ દિવસ હતો ૧૨ મી જૂન, ૨૦૧૧ નો એટલે કે
આજથી બરાબર એક વરસ પહેલાંનો.
આ એક વરસમાં મૂકાયેલી કુલ પોસ્ટનો આંકડો ૬૯ એ
પહોંચ્યો છે, ત્યારે થોડી એ વિષે
વાત કરવાનો ઈરાદો છે. આમ જુઓ તો, બ્લોગ એક રીતે
અંગત અભિવ્યક્તિ જ હોય છે. એટલે આ બ્લોગ શું છે અને શું નથી એ વિષે મારે પોતે કંઈ
કહેવાનું નથી. વાંચનારા સૌ જાણે જ છે. મુલાકાતીઓના આંકડા કે હીટ્સ અને વિઝીટ્સની
સંખ્યાનો સરવાળો ઉત્સાહ વધારે છે એય કબૂલ. પણ બ્લોગલેખન થકી મને પોતાને જે આનંદ
અને આત્મસંતોષની પ્રાપ્તિ થઈ છે એ આ બધાયથી આગળના ક્રમે આવે છે.
વ્યવસાયે લેખક છું
એટલે એવી સફાઈ નથી કરતો કે ‘હું તો મને ગમે એ
જ લખું છું’ અથવા તો ‘મારું
લેખન નિજાનંદ માટે છે,
રંજન માટે નહીં.’ લખાણ કોઈ પણ હોય, વંચાય
નહીં તો એ ન લખાયા બરાબર જ ગણાય. એટલે એવા ભ્રમમાં નથી. છતાં હકીકત એ છે કે બ્લોગ
માટે લખવાનું બન્યું ત્યારે કોઈ પણ વ્યાવસાયિક દબાણ, વિષય
પસંદગીની કે લંબાઈની મર્યાદા કે વાચકવૃંદને રાજી રાખવા માટે લખવાનો કશો ઉપક્રમ
મનમાં નહોતો. મનમાં આવે એ વિષય પર મનમાં આવે એટલું લખવું. ‘પેલેટ’ (અને એની ટેગલાઈન) નામ પણ એ વિચારને પ્રતિબિંબીત કરતું હોવાથી એટલા માટે
જ પહેલી વારમાં ગમી ગયેલું. આટલા મૂળભૂત ખ્યાલ સાથે બ્લોગલેખન શરૂ થયું. સ્વૈરવિહાર
જેવા લખાણોમાં અનેક વાચકોને રસ પડ્યો, તેમણે
માણ્યાં-પ્રમાણ્યાં એ મારા માટે બોનસ જ ગણાય.
અહીં મૂકાયેલાં બહુ
ઓછાં લખાણો એવાં છે કે જે અન્યત્ર પ્રકાશિત થયાં હોય અને અહીં એનું પુનર્પ્રકાશન
કરાયું હોય. મોટા ભાગનાં લખાણો માત્ર ને માત્ર બ્લોગ માટે જ લખાયાં છે, તેને કારણે ક્યારેક બે પોસ્ટ વચ્ચે
નિયમિતતા ન જળવાઈ હોય એમ બને. અલબત્ત, એ બાબતની નોંધ લેતાં
આનંદ થાય છે કે અહીં મૂકાયેલા એવા એક લખાણ પર ‘મુંબઈ સમાચાર’નાં સંપાદિકા પીંકી દલાલની નજર પડી અને તેમણે એ લખાણ બ્લોગ પરથી દૈનિકમાં
લેવામાં રસ દેખાડ્યો, તો ‘વાહ ભાઈ વાહ’ ના અશોક અદેપાલે પણ એ માર્ગ અપનાવીને બ્લોગ પરનો લેખ પોતાના સામયિકમાં પ્રકાશિત
કર્યો અને હવે ‘નવનીત સમર્પણ’ના સંપાદક
દીપક દોશીએ પણ એવો જ રસ દેખાડ્યો છે. કેવળ બ્લોગ માટે લખીને મઝા લેવા માટે લખાયેલાં
લખાણો આમ અનાયાસે પ્રિન્ટ માધ્યમમાં જાય એટલે આપણી ગાજરની પીપૂડીમાં કોઈકને
બિસમિલ્લાખાનની શરણાઈના સૂર સંભળાયા હોય એમ જ લાગે. આનો આનંદ ન થાય એમ બને? સુરેશભાઈ જાની, દીપકભાઈ ધોળકીયા, કેપ્ટન નરેન્દ્રે પણ પોતાના બ્લોગ પર મારી અમુક પોસ્ટનો ઉલ્લેખ કરીને સદભાવ
દાખવ્યો છે. હવે તો તેને કારણે એક જવાબદારીની ભાવના પણ રહે છે.
અનાયાસે એક કામ એ
પણ થયું કે ઘણા મિત્રોનાં લખાણો પણ આ બ્લોગ પર મૂકી શકાયાં. (એટલા પૂરતો મને થોડો બ્રેક
મળ્યો હોય તો એ વધારાનો ફાયદો છે.) રસ અને વૃત્તિ આપણા સ્તર અને અપેક્ષા મુજબનાં
હોય તો લેખન સાથે સામાન્યપણે સંકળાયેલા ન હોય એવા કેટલાક મિત્રો પાસેથી મેળવેલા
લખાણના થોડા પરામર્શન પછી સુંદર લેખ બની શકે છે એ અનુભવ્યું.
કયા વિષયો કેટલા
પ્રમાણમાં ખેડ્યા એના પૃથક્કરણમાં પડવાને બદલે એટલું અવશ્ય કહીશ કે જે પણ ખેડાણ
કર્યું એમાં મોજ પડી છે. આટલું લાંબું કોણ વાંચશે, આટલાં ગીતો કોણ સાંભળશે- એવી કશી ચિંતા કર્યા વિના લખ્યું છે.
બ્લોગ પર મૂકાતાં લખાણો ટૂંકા અને મુદ્દાસર હોય તો સારું,
એવી એક સામાન્ય છાપ છે. પણ અહીં એવું કશું બંધન રાખ્યું નથી. કેમ કે, પહેલાં તો મને પોતાને જ એ લખવાની મઝા આવે છે.
ક્યારેક અન્ય બ્લોગ
જોવાનું બને ત્યારે સરખામણી પણ અનાયાસ થતી રહે છે. આપણા પોતાના માટે અમુક ધોરણો, વર્તણૂકો પણ તબક્કાવાર ઘડાતી જાય છે. એમ ખપ પૂરતી ટેકનીકલ વિગતો પણ શીખાતું જવાય છે. દરેક કમેન્ટની નીચે વ્યક્તિગત આભાર માનવાનો
ક્રમ પહેલેથી જ જાળવ્યો નથી. એ વધુ પડતી વિનમ્રતા લાગે છે. લાગે
છે કે એટલો વિનમ્ર હું છું નહીં. હા, કોઈની કશીક પૃચ્છા હોય
કે કશો વિશેષ ઉલ્લેખ હોય એનો જવાબ આપવાનો જ હોય. એ સૌજન્ય છે. હું લખું અને કોઈ
વાંચે એટલે સરકીટ પૂરી. પ્રતિભાવથી આનંદ અવશ્ય થાય, પણ એ ઓછા
મળે કે ન મળે તો હતાશ કે નિરાશ થવાતું નથી. આ બ્લોગ પર ફિલ્ટર મૂક્યું નથી. અહીં નથી દલિલોનાં દંગલ નથી કે નથી ચર્ચાઓની ચમચમાટી (જ્યાં એ છે ત્યાં ખોટી
છે એમ કહેવાનો આશય નથી.). અને છેવટે તો કમેન્ટ કરનાર વ્યક્તિના બે-ચાર લીટીના લખાણમાંય
એનું વ્યક્તિત્વ કળાય છે. એટલે એની જરૂર લાગી નથી.
‘ફોલોઅર’નો આંકડો હાલ ૮૩ નો છે, જેમાંના અડધા ઉપરાંતના
મિત્રોને હું ઓળખતો નથી. માનું છું કે તમામ ફોલોઅર માટે નવી પોસ્ટ આપોઆપ મળી જાય એવી
સુવિધા છે. આ સૌની સાથે ભવિષ્યમાં પરિચય થશે કે નહીં એનીય ખબર નથી. છતાંય એ સૌ આ
લખાણ વાંચે છે એનો આનંદ છે. ફોલોઅર ન હોય અને કમેન્ટ પણ ન લખતા હોય એવાય ઘણા વાચકો
છે. એ ક્યાં છે, કોણ છે એની ખબર નથી, પણ પરોક્ષ સેતુ સધાયેલો હોય એવી અનુભૂતિ સતત થયા કરે છે.
વ્યક્તિગત નામનો
ઉલ્લેખ કરવા બેસું તો યાદી ઘણી લંબાઈ જાય,પણ સૌ વાચકો સાથે સંપર્કનો પ્રત્યક્ષ કે પરોક્ષ સેતુ રચાયો છે
એ ઉપલબ્ધિ મોટી છે. પરસ્પર વ્યવહાર ન જળવાય એમ બને, કેમ કે એમાં
હું આમેય કાચો છું. છતાં હાજરીની નોંધ લેવાતી રહે છે. હા,
જેમની સાથે ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક બ્લોગ થકી જ સ્થપાયો એવાં કેટલાંક નામોમાં સુમંત
વશી, હરનીશ જાની, પૂર્વી મલકાણ, ભરતકુમાર ઝાલા, રોહીત મારફતિયા, દીપક ધોળકીયા વગેરે ઉલ્લેખનીય છે. બિનીત મોદી, ઋતુલ
જોશી, અભિષેક જેવા મિત્રો સાથે તો બ્લોગ સિવાય પણ એટલી બધી
વાતો કરવાની હોય છે કે કાયમ સમયની તંગી નડે. દિલ્હી રહેતા અમિત જોશી સાથે પણ આ
નિમિત્તે સંપર્ક વધુ જીવંત બન્યો. મઝા એ છે કે ઘણા મિત્રો એવા છે કે જે મને કેવળ બ્લોગ
થકી ઓળખતા હોય. આની સામે ઘણા ખાસ મિત્રો એવા છે કે જેમને બ્લોગ એ કઈ બલા છે એનીય ખબર
નથી. એટલે ત્યાં હું શું કરતો હોઉં એની તો ખબર જ ક્યાંથી હોય? આને કારણે સંતુલન જળવાઈ રહે છે.
બ્લોગમાંની પોસ્ટની
નિયમિતતા તેમજ સામગ્રી અંગે મારા કરતાંય જેમને વધુ ફિકર છે, એવા સુરતના હરીશ રઘુવંશીના સદાના સહકાર
માટે ‘આભાર’ શબ્દ ઓછો પડે. બ્લોગ પર
હવે પછી હું ક્યારે અને શું મૂકીશ એની ચિંતા હરીશભાઈને મારા કરતાંય વધારે છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તો રજનીકુમાર પંડ્યા જેવા ગુરુજનનો
વાત્સલ્યભર્યો હાથ માથે ફરતો અનુભવાય એય આ બ્લોગની ઉપલબ્ધિ જ ગણાય. ઊર્વીશે તો ઘણા
વખત પહેલાં પોતાનો બ્લોગ શરૂ કર્યો હતો, એટલે એ માર્ગે તેને
નડેલા કાંટા મને ન નડે એની કાળજી તેણે રાખી છે. આ સૌ શુભેચ્છક અને સદાય મદદ કરવા
તત્પર હિતચિંતકો છે જ, પણ એવા જ આકરા પરીક્ષકો છે. એટલે અમુક
લખાણો લખતી વેળાએ મનમાં તેમનું સ્મરણ રહે એમાં નવાઈ નથી.
આ ઉપરાંત ગૂગલની
બ્લોગર સર્વિસ, યૂ
ટ્યૂબ જેવી સુવિધાઓ તેમજ અસંખ્ય વેબસાઈટ્સ પર માહિતી ઉપલબ્ધ કરાવનાર નામી-અનામી
સહયોગીઓને પણ ધન્યવાદ પાઠવું છું કે જેમના થકી ઘણી માહિતી સરળતાથી સુલભ બની શકી છે, જેનો અહીં અનેક વાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફરી વાર કહું તો આપ
સૌનો હૃદયપૂર્વક આભારી છું. એટલા માટે કે મને જે લખવામાં આનંદ આવ્યો છે એ
વાંચવામાં આપ સૌએ પણ રસ દેખાડ્યો અને યોગ્ય પ્રતિભાવ આપ્યો.
હજી આ પહેલો મુકામ
છે. આગળ કેટલે પહોંચાશે એની ખબર નથી, એમ ફિકર પણ નથી. હવે શું, કેવું અને કેટલું લખાશે એય
ખબર નથી. હા, એટલું નક્કી છે કે બસ,
ચાલતા રહીશું મોજ પડે ત્યાં લગી.
(નોંધ: તમામ ચિત્રાંકનો નેટ પરથી લીધાં છે.)
Happy b'day to your blog! Looking at the list of the labels on the right side of the blog, you have managed to hit boundaries all over the ground :) Looking forward to similar and better years ahead!
ReplyDeleteસાક્ષર, તારે તો યાર,આશીર્વાદ દેવાના હોય બ્લોગને. કેમ કે, એ મામલે તું વડીલ છે.
Deleteલેબલનું લીસ્ટ જોઈને અધધ લાગે એમાં યોગ્ય લેબલ મારવાની મારી અણઆવડત પણ જવાબદાર ખરી. દર વખતે વિચારું કે આ વખતે લેબલ સરખા કરું, પણ એ વખત આવતો જ નથી.
શુભેચ્છાઓ માટે આભાર.
we are daily blog reader wait for your blog details ,today chance to somthing say simply like it.subject variation is too good not built in one ratheym,
ReplyDeletedrpatel
આભાર, દિનેશભાઈ. આપણો ફોનસંપર્ક ફરી સ્થપાયો છે, પણ રૂબરૂ મળવું બાકી રહ્યું.
DeleteHappy birthday to your blog! બ્લોગ-બાળક ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવા દિલથી અભિનંદન. તમારી આ બ્લોગ સફરમાં અમને બહુ મજા આવી રહી છે. so please keep it up and aboout...
ReplyDeleteધન્યવાદ, ઋતુલ!
DeleteDear Birenbhai,
ReplyDeleteCongratulations on completing one year of your blog.
You have given very rare information in your articles , we hope to read more interesting articles in the second year of your blog.
હરીશભાઈ, તમારા સહયોગ વિના આ બન્યું જ ન હોત.
DeleteCongratulations on completing one successful year, Birenbhai and wish you many more to come !
ReplyDeleteઆભાર, આરાધનાબેન. આપણા સંપર્કમાંય બ્લોગનો ફાળો ખરો.
Deleteબાપજી,
ReplyDeleteપહેલા તો બ્લોગ નિમિત્તે તમને હાર્દિક 'બ્લોગનો જન્મદિન મુબારક. અને ફિલ્મી ભાષામાં (બ્લોગને) તુમ જીયો હઝારો બાર, હર બાર હમ પાયે નિત નયા નયા આકાર,
અને હવે વરસ દહાડે ભાંખોળિયા ભરતો થયો છે, તો પગલી માંડીને ધમધમાટ દોડતા વાર નહિ લાગે. વાચકોએ તો આંગળી પકડેલી જ છે, ફક્ત તમે સામે બેસીને ઘૂઘરો વગાડવાનું બંધ ના કરશો, બરાબર? ઇમેલ ખોલતાંની સાથે જ હરીશભાઈ,બિરેનભાઈ કે રજનીભાઈની ટપાલ પહેલી ફોડાય છે!! કેમ?? જવાબ તમારી પાસે છે.
વધાઈના પેંડા ખાઈ લીધા છે.
પેંડા ખાઈ લીધા એ ગમ્યું. 'ઘૂઘરો વગાડતા રહેવાની' એ પ્રેરણા છે.
Deleteબિરેનભાઈ, તમે સારી મહેનત કરો છો. તમે લખો એમાં તમને મોજ પડે છે તો અમારા જેવા વાચકોને બ્લોગ વાંચવાની મોજ પડે છે.
ReplyDeleteઅભિનંદન.
આભાર, માવજીભાઈ. મારી મોજમાં તમારી મોજ હોય પછી પૂછવું જ શું?
Deleteપેલેટને એક આખું વર્ષ સરસ વીત્યું છે અને આવાં અનેક વર્ષો પણ વીતશે તેવી શુભેચ્છાઓ.
ReplyDeleteલગે રહો બીરેનભાઈ !!
ઓલ ધ બેસ્ટ !!
એન્ડ થેન્ક્સ ફોર એવરીથીંગ.
સુધાબહેન, આભાર. અવારનવાર મળતા તમારા પ્રતિભાવોથી આનંદ થાય છે.
DeleteHi Biren,
ReplyDeleteThis is a candid and sincere post. Enjoyed it as much as I've enjoyed reading your other posts also. Here's wishing all the very best for many more to come.
Hetal
ચાલો, તમને આમ લાગ્યું એટલે લખેલું વસૂલ, હેતલ.
Deleteપ્રિય બિરેનભાઇ ,
ReplyDeleteઅવનવાં રંગોથી ભરી - ભરી સફરે એક વર્ષ મોજથી પૂરું કર્યું એનો આનંદ છે. ' પેલિટ ' ની રંગયાત્રામાં અમે ઘણું ઘણું પામ્યા છે. પણ એને માટે તમને થેંક યુ નહી કહું કેમ કે આ સફરમાં તમારી લેખનયાત્રા અને અમારી વાચનયાત્રા સાથે સાથે જ ચાલતી રહી છે. હમસફરો વચ્ચે થેંક યુ નો સંબંધ હોય, ખરો ? ને વળી પેલિટની રંગછટાઓમાં એક છાંટો મારો ય છે, એનો આનંદ તો અલગ જ છે.
ગુજરાતી ભાષામાં લખાતા હોય એવા બ્લોગની સંખ્યા નાનીસૂની તો નથી જ, પણ જ્યાં ડોકિયું કરતા રહેવાનું બંધાણ થઇ જાય, એવા બ્લોગ્સ તો ગણ્યા-ગાંઠ્યા જ છે, એ હરોળમાં આપણા બ્લોગ ' પેલિટ ' નો ગૌરવભેર સમાવેશ થઇ શકે. હાસ્ય, કાર્ટૂન, સંગીત, બોન્સાઇ, નાટક, પ્રવાસ, વ્યક્તિચિત્રો - કેટકેટલા વિષયો તમારી આંગળીના સ્પર્શે ( ' કલમના સ્પર્શે ' શબ્દ નેટયુગમાં ધીરે ધીરે કેવો અપ્રસ્તુત બની ગયો, નહી? ) ખીલી ઉઠ્યા છે . અહીંથી મેં જે મેળવ્યું છે, એની તો વાત જ ન્યારી છે. અહીંથી જ મને અભિષેક જેવો દોસ્ત મળ્યો છે. એટલે મનની સાથે સંબંધની તરસ પણ અહીં જ સંતોષાઈ છે. આટઆટલું બધું બીજે ક્યાં મળે? અહીંની 69 પોસ્ટ પૈકી બોન્સાઇ, નાટકનો મહાકુંભ, કૃષ્ણકાંત, બાબાસાહેબના લેબલ હેઠળ આવતી પોસ્ટસ તો મારા દિલની ખાસ નજીક છે. આ બ્લોગ સાથે એ હદે હવે અંગતતા બંધાઇ ગઈ છે કે ' પેલેટ ' હવે મને મારો પોતાનો બ્લોગ હોય એવું જ લાગે છે.
કોઇનું ઘર આપણું પોતીકું બની જાય એવી હળવાશ અહીં મળે છે.
પણ છેલ્લે એક વાત. એક વર્ષ નિમિત્તે હજી વધું સરસ રીતે આ પોસ્ટ લખાવી જોઇતી હતી. હું થોડો નિરાશ થયો. અલબત્ત આ ટિપ્પણી આ પોસ્ટ માટે જ લાગુ પડે છે .
લાગણી માટે ધન્યવાદ, ભરત. તને 'આપણો બ્લોગ' લાગે એ મારી ઉપલબ્ધિ.
Deleteઆ નિમિત્તે કંઈ લાંબી-પહોળી કેફિયત હતી નહીં, એટલે ટૂંકમાં પતાવ્યું. ક્યારેક તો ટૂંકું લખવાનું મન થાય ને! :-)
બીરેનભાઇ.....બ્લોગના જન્મદિન નિમિત્તે શુભેચ્છા.....લખતાં રહો અને આનંદ મેળવતા/આપતા રહો તેવી શુભકામનાઓ.....(અમને પણ ટૂંકું લખવાનું મન થાય ને! !!!!)
ReplyDeleteઆભાર, હીતેન. (ટૂંકમાં)
Delete'પેલેટ' जीये हजारों साल, साल के [ब्लोग] हो पचास हजार.
ReplyDeleteબાકી, यारब न वो समझें है न समजेंगे हमारी बात, कहेते है के गालिबका है अंदाझ-ए-बयां और એ સત્ય તો છે જ.
જો કે આજના દિવસે તમે લગભગ દરેક કોમેન્ટનો જવાબ આપવાનું સૌજન્ય બતાવી જન્મદિવસને ખરા અર્થમાં ઉજવ્યો છે.
અશોકભાઈ, તમારા જેવા સંવેદનશીલ અને જાણકાર માણસ બ્લોગ વાંચે છે એ જોઈને આનંદ થાય છે. શુભેચ્છાઓ બદલ આભાર.
Deleteબિરેનભાઈ,
ReplyDeleteપેલેટ નાં વર્ષાન્તે અભિનંદન.
લખાણ, લેબલ અને સિમ્બોલિક આકૃતિઓ સાથે દરેક લેખ
કૈંક નાવીન્ય લઈને જ આવ્યો છે... સદાય સુંદર...ધન્યવાદ..
હેમંત જાની...
હેમંતભાઈ, તમારી સાથેનો (ભલે પરોક્ષ) પરિચય કોઈ ઉપલબ્ધિથી કમ નથી. ધન્યવાદ.
DeleteDear Birenbhai,
ReplyDeleteCongratulations on this wonderful occasion. I love your writing and enjoy reading the same.
With good thoughts -
Harish Trivedi,
Dayton, Ohio
આભાર, હરીશભાઈ. આપણે બ્લોગ નિમિત્તે નહોતા મળ્યા, પણ પહેલાં મળ્યા પછી બ્લોગ યાદ આવ્યો. તમને લખાણ ગમે છે જાણી આનંદ.
DeleteBirenbhai,
ReplyDeleteThis is indeed a good blog to read. I am with you since first day. Congratulations and keep it up.
આભાર, રોનકભાઈ. તમારા જેવા જોડીદાર પહેલા દિવસથી જ સાથે છે એ જાણીને આનંદની લાગણી થાય છે.
Deleteબીરેન ભાઈ, બ્લોગ ના જન્મ દિવસ માટે ખુબજ સુભ કામના.તમારા બ્લોગ ની દરેક પોસ્ટ માં આનંદ આવે છે.પણ જો તમે કહો કે મારે એકજ પોસ્ટ સિલેક્ટ કરવાની હોય તો હું મુકો પોસ્ટ સિલેક્ટ કરું.ખરેખર લાગણી સભર છતાં ખુબજ સંયમિત લેખ.આપનુ આ પત્ર લેખન જોસેફ મેકવાન ના દરજા નું છે, તેવો મારો વ્યક્તિગત આભિપ્રાય છે. આવી પોસ્ટ ની મારી આપની પાસે અંગત અપેક્ષા. બીજું મારે આપનો અંગત આભાર એ માનવા નો છે કે આપના બ્લોગ થી મને એક સ્નેહાળ માણસ શ્રી હરીશ ભાઈ રઘુવંસી ની વ્યક્તિગત ઓળખાણ થઈ છે તેના થી હું ખુબજ આંતરિક રીતે સમૃદ્ધ થયો છું. તે બદલ હું આપનો અંગત આભારી છું. લી રાજુ પારેખ (રાજકોટ)
ReplyDeleteરાજુભાઈ, તમને મુકાની પોસ્ટ સૌથી વધુ ગમી એનો વિશેષ આનંદ. મને પોતાને પણ એ લખાણ વધુ ગમે છે, કેમ કે મારા એક સદગત મિત્રના વ્યક્તિત્વને આ રીતે આપ સૌની સમક્ષ મૂકી શકાયું છે.
Deleteહરીશભાઈને સાચી રીતે મૂલવવાનું ગુજરાતે હજી બાકી છે. આ બ્લોગ દ્વારા એમાંનું થોડુંય થઈ શક્યું હોય તો આનંદ.
બીરેન.
ReplyDelete'તુમ લીખો હજારો સાલ, લેખ કો પઢે પચાસ હજાર'.
શબ્દોની રંગોળી અહીં શરુ કર્યાના પહેલા જન્મદિનની અનેક શુભકામનાઓ.
-સતિષ
આભાર, સતીષ. તમારા જેવા મિત્રોની શુભકામનાઓ સદાય સાથે જ હોય છે.
Deleteબીરેન અંકલ,
ReplyDeleteનમસ્કાર. આપના અહીંના રંગબેરંગી શબ્દો સદાય અમારા માઉસની ક્લિક વડે ઝળહળતાં રહે એવી શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન !! -જયમ પટેલ
જયમ, તારો પ્રતિભાવ વાંચીને આનંદ થયો. આભાર. તેં બ્લોગ શરૂ કર્યા પછી કેમ આગળ નથી વધાર્યો?
Deleteબહુ દિલ્રરંજક બાનીમાં આ પોસ્ટ લખાઇ છે. અભિનંદન અને આશિર્વાદ -
ReplyDeleteપણ તે મનેય મારો બ્લૉગ બનાવવાને રવાડે ચડાવ્યો એ તારું પાતક પરભુ માફ નહિ કરે. તે મને સતત હાંફતો રાખ્યો આ બુઢાપાના દોહ્યલા દહાડાઓમાં !
બાકી હું આમ તો "તારા અક્ષરનો અફીણી., તારા બ્લૉગનો બંધાણી.,તારા પચરંગી પેલેટનો આશક --ના ના, એક્લો નહિ , અનેકો માંહેનો એક !
આનંદ.
Deleteતમારા અનેક ચાહકોની જેમ ક્યારેક પરભુનેય તમારાં લખાણ વાંચવાની ઈચ્છા થઈ આવે તો એ ચોપડી ખરીદવા ક્યાં જાય? એને બદલે આ 'અવકાશી ઓટલે' એ સહેલાઈથી (અને વિના મૂલ્યે) વાંચી શકે એ જ નિર્દોષ હેતુ હતો, તમારો બ્લોગ શરૂ કરાવવા પાછળ.
એટલે આ પાતક એ માફ કરી દેશે, એમ લાગે છે.
આદરણીય શ્રી બિરેનભાઈ,
ReplyDeleteઆપના બ્લોગને ૧૨ જુને એક વર્ષ પૂર્ણ થયું. ખુબ ખુબ અભીનંદન.
આપના નવા નવા વિષયો ઉપરના લેખો વાચવાની મઝા આવી.
આભાર !
નરેન્દ્રભાઈ, તમે અવારનવાર પ્રતિભાવ લખો છો એટલે આનંદ થાય છે. રૂબરૂ મળ્યાની કમી પૂરાતી હોય એમ લાગે છે.
Delete