Sunday, January 15, 2012

હોમાય વ્યારાવાલાની વિદાય: ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ

હોમાય વ્યારાવાલા 

૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૧/૨૦૧૨

            એમની ચીરવિદાયનો શોક ન જ હોય, બલ્કે એ સુખરૂપ, તેમની ઈચ્છા મુજબ ગયાં, છતાંય એક મજબૂત મિત્ર ગુમાવ્યાનું દુ:ખ થાય એ સ્વાભાવિક છે. તેથી જ એક આંખમાં તેમની વિદાયથી પડેલી અંગત ખોટને કારણે બાઝતી ભિનાશ અને તેમની સાથે ગાળેલી ક્ષણોની સ્મૃતિઓને લીધે અનાયાસે હોઠ પર આવી જતા સ્મિતની મિશ્ર લાગણીઓ સાથે આ પોસ્ટ લખી રહ્યો છું.
          હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla ભારતનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોવાનું બહુમાન ધરાવતાં હતાં, પણ તેમની ઓળખને આટલા પરિચયમાં સમાવી ન શકાય. ફોટોગ્રાફી છોડ્યાને આશરે ચાર દાયકા થયા હતા, જેમાં અનેક અંગત કારૂણીઓ તેમના જીવનમાં આવી. છતાં તમામ આઘાત, આપત્તિઓ સામે ઝઝૂમીને એક જાંબાઝ યોદ્ધાની જેમ તે ઝઝૂમતાં રહ્યાં. એટલું જ નહીં, જરાય કડવા, લાચાર કે બિચારાં થયા વિના સ્વમાન અને ખુમારીથી જીવનરસથી ભરપૂર જિંદગી જીવતાં રહ્યાં. હજી ગયા મહિને નવમી ડિસેમ્બર, ૨૦૧૧ના દિવસે તેમણે ૯૮ વરસ પૂરાં કરીને નવ્વાણુમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમના એ છેલ્લા જન્મદિનની આગલી સાંજે મળવા ગયા ત્યારે તેમણે લાંબુ નહીં, પણ સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવવાની વાત કરી હતી. (એ પોસ્ટ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.com/2011/12/blog-post_09.html)
થોમસ મૂર/ Thomas Moor ની પ્રસિદ્ધ કવિતા ધ લાસ્ટ રોઝ ઑફ સમર’/ The last rose of summer તેમને અતિ પસંદ હતી. તેમને લાગતું હતું કે આ કવિતામાં તેમની પોતાની જ વાત છે. પહેલાં તો તેમણે આ કવિતા અમને સંભળાવી, જે અહીં જોઈ શકાશે.



પછી મેં વિનંતી કરતાં તેમણે પોતાના હસ્તાક્ષરમાં એ લખી આપી. મિત્રો સુધાબેન મહેતા અને ઋતુલ જોષીએ રસ લઈને આ કવિતાનો અનુવાદ કરવામાં મદદ કરી, જેનો ફક્ત શબ્દાનુવાદ અહીં મૂકું છું.

ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ, રહી ગયું અટૂલું,
સઘળા સાથી સુંદર, કરમાયા ને ખરી ગયા, 
કોઈ તેની આસપાસમાં નથી તેના જેવું,
નજરે પડતી નથી કોઈ ગુલાબની કળી,
તેના સુખે મલકી ઉઠે ને,
દુ:ખે તેના ભરે નિસાસો,
ભલે નિરધાર્યું વિધાતાએ જવાનું,
છોડીશ નહીં એકલું તને, છોડ પર અટૂલું,
સાથી તારાં પોઢ્યાં જ્યાં, જઈને પોઢી જા તું પણ.

તેમની સાથેનો દસેક વરસનો ગાઢ અને અંતરંગ સંબંધ જીવનભરના સંભારણા તરીકે યાદ રહેશે અને તેમના થકી જે શીખવા મળ્યું છે, તેની તો વાત જ શી કરવી! એ બધી વાતો ધીમે ધીમે બ્લોગ પર મૂકતો રહીશ. દરમ્યાન ઉર્વીશના બ્લોગ પર તેણે લખેલી અનેક પોસ્ટમાંથી હોમાયબેનના કર્તૃત્વ તેમજ વ્યક્તિત્વ વિષે અહીં ક્લીક કરવાથી વધુ જાણી શકાશે  (.http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala ) 
        બારમી જાન્યુઆરી, ૨૦૧૨ની સવારે તે પોતાના ઘરમાં જ પડી ગયાં હતાં અને એ સાંજે તેમને દવાખાનામાં દાખલ કરાયાં. તેમને થાપાના ફ્રેક્ચરનું નિદાન થયું. જો કે, ઓર્થોપેડીક સર્જને જણાવ્યું કે તેમને પહેલી જરૂર ફીઝીશીયનની સારવારની છે. ત્યાર પછી ફીઝીશીયનને ત્યાં તેમને ખસેડવામાં આવ્યાં, ત્યારે મિત્ર પરેશ પ્રજાપતિ તેમની સાથે હતો. સવારે પરેશ સાથે મારે વાત થઈ ત્યારે પરેશે જણાવ્યું કે હોમાયબેનને શ્વાસ લેવાની ઘણી તકલીફ પડી રહી છે અને હાલત ચિંતાજનક કહી શકાય એવી છે. જો કે, બે-ત્રણ કલાક પછી તેણે જણાવ્યું કે પરિસ્થિતિ હવે ઘણી સારી છે. ૯૮ વરસની ઉંમરની બીજી કોઈ વ્યક્તિ હોત તો આશા છોડી દીધી હોત, પણ આ તો એક અને માત્ર એક એવાં હોમાય વ્યારાવાલા હતાં. મૃત્યુના મુખેથી એ પાછાં આવે તો અમને જરાય નવાઈ ન લાગે! તેમના જીવન વિષેનું પુસ્તક લખનાર સબિના ગડીહોક પણ દિલ્હીથી આવી ગયાં. આ સમય દરમ્યાન પરેશ અને શ્રીમતી હવેવાલા હોમાયબેનની સાથે હતાં.
          જો કે, અંદરખાનેથી અમને સૌને થતું હતું કે.......! કેમ કે, થાપાના ફ્રેક્ચરને લઈને તેમનું હલનચલન મર્યાદિત બને એ નક્કી હતું. આજે ૧૫મી જાન્યુઆરીએ લગભગ બાર-સવા બારે સબિનાએ મને ફોનમાં કહ્યું, શી હેઝ જસ્ટ પાસ્ડ અવે. એ બે-ત્રણ સેકંડમાં છેલ્લા દસ વરસમાં તેમની સાથે ગાળેલા સમયની કેટલીય ફ્રેમો ધડધડાટ કરતી ફરી ગઈ. મન હજી માનવા તૈયાર નહોતું અને છતાં વાસ્તવિકતા એ વાસ્તવિકતા હતી. અડધો કલાકમાં અમે ત્રણ- ઉર્વીશ, કામિની અને હું વડોદરા આવવા નીકળ્યાં. રસ્તામાં મિત્રોના ફોન-સંદેશાઓ આવતા રહ્યા.
         તેમને ઘેર પહોંચ્યા એ પછી થોડા જ સમયમાં તેમના મૃતદેહને હોસ્પીટલમાંથી લાવવામાં આવ્યો. પ્રેસના માણસો પણ ઘર આગળ એકઠા થયેલા હતા. હોસ્પીટલમાંથી પરેશ અને સબિના તેમની સાથે આવ્યાં હતાં. ત્યાં હાજર હતાં એમાંથી મોટા ભાગના લોકો એવા હતા કે જે એકબીજાને પહેલી વાર મળતા હતા, છતાં એકબીજાથી પરિચીત હતા. ઓળખવાળા નિમિષાબેન, શ્રીમતી જયશ્રીબેન મિશ્રા, કલાકાર ગાર્ગીબેન, છેલ્લે છેલ્લે હોમાયબેનને ઘેર કામ કરતાં ડાહીબેન વગેરે સૌ હોમાયબેન સાથે ગાઢ રીતે સંકળાયેલાં, પણ એકબીજાને કદી મળ્યા ન હતા. કેમ કે, સૌ પોતાની અનૂકુળતા મુજબ તેમને મળવા જાય ત્યારે હોમાયબેન સાથે વાતો થાય એમાં બાકીનાની હાજરી હોય જ. એ જ રીતે વડોદરાનાં મેયર ડૉ. જ્યોતિબેન પંડ્યા આવ્યાં ત્યારે એ હોદ્દાની રૂએ નહીં, પણ એક સ્વજનની જેમ મળવા આવ્યાં હતાં, અને અત્યંત સૌજન્યપૂર્વક તેમણે આવતી કાલે યોજાનારી તેમની અંતિમ વિધિની ગોઠવણ કરવામાં રસ લીધો.
       હોમાયબેન પોતાના દેહને અગ્નિદાહ અપાય એમ ઈચ્છતાં હતાં. પારસી પરંપરા મુજબ થતી અંતિમ વિધી માટે તેમનું એમ કહેવું હતું કે – હવે ગીધોની સંખ્યા તદ્દન ઘટી ગઈ છે અને પોતે નથી ઈચ્છતાં કે તેમનો દેહ એમ જ દિવસો લગી પડ્યો રહે.
          તેમની ઈચ્છાને માન આપીને આવતી કાલે ૧૬મી જાન્યુઆરી, ૨૦૧૨ને સોમવારના દિવસે સવારે દસેક વાગે વડોદરાના કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાનગૃહમાં (ગેસની ચિતા પર) તેમના મૃતદેહને અગ્નિને હવાલે કરવામાં આવશે.

તેમની સાથે ગાળેલી થોડી અંગત પારિવારિક ક્ષણોની તસવીરોની એક ઝલક.

ડાલ્ડા-૧૩ તરીકે ઓળખાતી તેમની ફિયાટ કાર સાથે હોમાયબેન પોતાના સરંજામ સાથે.

 

ત્યાર પછી ડાલ્ડા-૧૩નું રૂપાંતર જીજે-૬, એ-૧૨૪૯માં થયું, પણ તેમનો સાથ ચાલુ રહ્યો. એ દિવસોમાં લીધેલી એક તસવીર.


મારા ઘેર એક વખત તે બે-ત્રણ દિવસ માટે રહેવા આવ્યાં હતાં. તેમનું એ રોકાણ મારા પરિવારજનો જીવનભરની મૂડીસમાન બની રહ્યું છે. ઈન્ટરનેટ, કમ્પ્યુટર, ઈ-મેલ, વેબસાઈટ વગેરે વિષે તેમણે જિજ્ઞાસાપૂર્વક પૂછપરછ કરી હતી. ઈન્ટરનેટ પર તેમના પોતાના વિષેનું એક પેજ વાંચતાં હોમાયબેન.


અમે એમને કહ્યું કે અમારે ઈકેબાના શીખવું છે, પણ જરૂરી ફૂલો ક્યાંથી લાવવાં? ત્યારે તેમણે મારા બોન્સાઈ ગાર્ડનના અમુક વૃક્ષોનાં પાંદડા તેમજ અન્ય ચીજવસ્તુઓ જાતે પસંદ કરીને તેની ગોઠવણી કરી બતાવી હતી અને કહ્યું કે- ઢગલાબંધ ફૂલોથી જ ઈકેબાના થાય એવું નથી. તમારી પાસે જે હોય એમાંથી કલાત્મક ગોઠવણી કરો એ જ ખરું.


તેમની હાસ્યવૃત્તિ વિશિષ્ટ પ્રકારની. મજાકમસ્તી બહુ સહજ. તેમને પદ્મવિભૂષણ મળ્યાની ઘોષણા કરવામાં આવી એ પછી અમે તેમને મળવા ગયાં. એ જ વખતે કોઈક તેમને બુકે આપી ગયેલું. એ બુકે તેમણે પ્રેમપૂર્વક કામિનીને આપ્યો. મેં હમેશ મુજબ ગમ્મતમાં કહ્યું, એવું ન ચાલે. કામિની તો અહીં મારી સાથે આવી છે. એટલે ખરો હકદાર હું ગણાઉં. તમારે મને કંઈક આપવું જોઈએ. એટલે બાજુમાં પડેલી મીઠાની બરણી તેમણે ઉપાડી અને કોઈ મોટો એવોર્ડ આપતાં હોય એમ મને અર્પણ કરી. મેં કહ્યું, એમ નહીં, રાષ્ટ્રપતિ મને પદ્મવિભૂષણ આપતા હોય એ રીતે આ આપો અને હું એ સ્વીકારતો હોઉં એવો ફોટો પડાવીએ. અમારો ઈરાદો એ સમારંભમાં હોવી જોઈએ ગંભીર મુખમુદ્રા સાથે ફોટો પડાવવાનો હતો, પણ હસવું કેમેય કરીને રોકાતું નહોતું.


બે એક વરસ અગાઉ તેમને આઠ-દસ દિવસ માટે હોસ્પીટલમાં દાખલ કરવાં પડેલાં. સાજાં થઈને ઘેર આવ્યાં એ દિવસે તેમના વિસ્તૃત પરિવારના સભ્યો એવા અમે સૌએ સાથે આ ફોટો પડાવેલો.

(પાછળ- ડાબેથી) સબિના ગડીહોક, પરેશ અને પ્રતિક્ષા પ્રજાપતિ, ઇશાન કોઠારી
(બેઠેલાં- ડાબેથી) મલક પ્રજાપતિ, બીરેન કોઠારી, હોમાયબેન, કામિની કોઠારી

આ ખુરશી એટલે તેમની કાયમી બેઠક, જેના માટે એ કહેતાં, 'આંય મારું તખત છે.'  


તેમના પાડોશી શ્રીમતી મિશ્રાના એક સંબંધી દેવરિયા (ઉ.પ્ર.) ના રાબી શુક્લાએ પાડેલો આ ફોટો તેમને બહુ પસંદ હતો. તેમની ઈચ્છા એવી હતી કે પોતાના મૃત્યુની જાણ મિત્રો કે સ્નેહીઓને આ તસવીરની સાથે ધ લાસ્ટ રોઝ ઑફ સમર કવિતા મોકલીને કરવામાં આવે. આ તસવીર અને તેની સાથે તેમના જ હસ્તાક્ષરમાં લખેલી કવિતા અહીં મૂકી છે. 




પણ લાગે છે કે એ ક્યાં મૃત્યુ પામ્યાં છે? એ મૃત્યુ પામી શકે ખરાંમનમાં તો તેમનું સ્થાન સદાય જીવંત જ રહેવાનું. 

17 comments:

  1. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે.
    એમનો પરિચય બનાવી આપવાની વિનંતી દોહરાવું છું.

    ReplyDelete
  2. Binit Modi (Ahmedabad)January 16, 2012 at 4:55 AM

    પ્રિય કોઠારીભાઈઓ,
    ડિજિટલ ફોટોગ્રાફીના યુગમાં ફોટા પાડતી વખતે બોક્ષ કેમેરાની જેમ ‘ખટાક’ નથી થતું પણ આ સમાચાર મગજમાં ખટકો બોલાવી ગયા. ઘરમાં પડેલા બોક્ષ કેમેરાનો ઉપયોગ તો થઈ શકે એમ નથી પરંતુ જ્યારે જ્યારે તેની તરફ નજર જશે, હોમાયબેન જરૂર યાદ આવશે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  3. ભરત કુમારJanuary 16, 2012 at 9:40 AM

    પ્રિય બિરેનભાઇ,હોમાયબેનની વિદાયવેળાએ તમારી જ નહી અમારી આંખો ય ભીની છે,દોસ્ત.હજી નવમી ડિસેમ્બરે હમણાં જ સવા મહિના અગાઉ જ જેમને જન્મદિનની શુભેચ્છા આપી હોય,એમને અંતિમ વિદાય આપતુ લખાણ લખવું-વાંચવું એ લખનાર ને વાંચનાર બેઉ માટે વસમું જ હોય,એ કહેવાની વાત થોડી જ હોય? હોમાયબેનને પ્રત્યક્ષ મળવાનું ન બન્યું,પણ લાગણી પ્રત્યક્ષ મળવાનું થાય તો જ જન્મે,એવું થોડું જ હોય? અહીંયા આ જ જગ્યાએ હોમાયબેન નામના વ્યક્તિત્વનો પરિચય થયેલો.એમનું નામ તો સાંભળ્યુ જ હતું,પણ એ કેવા મીઠા ને પ્રેમાળ સ્વભાવના માલિક છે,એની ઓળખાણ તો આ બ્લોગ પર જ મળેલી.ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર ને ભારતના દ્વિતિય સર્વોચ્ચ ખિતાબ ‘ પદ્મવિભુષણ ’ થી સમ્માનિત વ્યક્તિ હતા,એ સિદ્ધિ તો કહેવાય જ,પણ એમની હસ્તિ માત્ર આટલા પૂરતી સીમિત નહોતી.જિંદગીની અનેક થપાટો પછી ય ખુમારીવાળું જીવન જીવવાનું પસંદ કરનાર એ એક ઝિંદાદિલ સ્ત્રી હતા.હવે જ્યારે પણ મીઠાની બરણી દેખાશે,ત્યારે જીભ પર ખારાશ સાથે હોઠો પર મલકાટ આવી જાય,તો માનજો કે હોમાયબેન આસપાસ જ છે.પરેશભાઇ પ્રજાપતિને એમની નિ:સ્વાર્થ લાગણી માટે સલામ.હોમાયબેન આપણા સહુના અંતરમા એમના પ્રેમાળ સ્મરણોથી કાયમ જીવંત રહેશે.

    ReplyDelete
  4. બહુ જ દુખ થયું, તમારા દ્વારા તે પણ મારા સ્વજન જેવા બની ગયાં હતાં..પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે....

    ReplyDelete
  5. The Hinduની લિંક મોકલું છું. માત્ર એના હેડિંગમાં એક સુધારો સૂચવીને હું એમને અંજલી આપવામાં જોડાઉં છું. " એમણે માત્ર ઇતિહાસને જ કેમેરા પર કેદ ન કર્યો, એ પોતે જ ઇતિહાસ હતાં. http://www.thehindu.com/news/national/article2803740.ece

    ReplyDelete
  6. રજનીકુમાર પંડ્યાJanuary 16, 2012 at 2:49 PM

    બીરેન. તે અને ઉર્વીશે તેમને કદિ સ્વજનોની ખોટ સાલવા દીધી નહિ. તારો આ લેખ બહુ સ્વસ્થપણે લખાયેલો છે છતાં તેમાં સજળ આંખે ફરકાવેલો તારો હાથ દેખાય છે-
    રજનીકુમાર પંડ્યા

    ReplyDelete
  7. વાસ્તવિકતા ને મને કે ક-મને સ્વિકારવીજ પડે છે ,એ આજની આપણા સૌની કમનસીબી છે.કાશ.....

    ReplyDelete
  8. Kothari family and friends are really Memmber of ,હોમાયબેન,

    in not only word in Really sense.....

    drpatel

    ==========================================

    ReplyDelete
  9. ભલે... હવે વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી. હવે તેમની મહાનતા સ્વીકારીને તેમના આદર્શ જીવન-મૂલ્યોને યોગ્ય સન્માન આપીને આપણે તેમના માર્ગે આગળ વધીશું, એ જ તેમને મળેલી સાચી શ્રધ્ધાંજલિ હશે. તે વ્યક્તિ ખૂબ મહાન હતી. તેમને લાખ-લાખ વંદન...
    મારા પિતા (પરેશભાઇ) જ્યારે તેમની સેવા કરતાં ત્યારે મનમાં એક ગર્વની લાગણી થતી. મનમાં એક વ્યક્તિ, કે જેમનું કોઇ નથી તેમની સેવા કરવાનો ગર્વ થતો. પણ હવે મનને જ પ્રશ્ન થાય છે કે ‘હું છું જ કોણ?’. એ તો બહુ મોટી વ્યક્તિ હતાં, કે જેમનો હું તો માત્ર એક ચાહક હતો!

    ReplyDelete
  10. Dear Birenbhai,

    My Hearty condolences.

    ReplyDelete
  11. સ્નેહાળ ભાઈશ્રી બિરેનભાઈ,
    હોમાયબેનના દુખદ સમાચાર વાંચી અત્યંત દુ:ખ થયું.
    આવનારા પ્રસંગોનાએંધાણ પહેલેથી આવી જતા હોય છે !!
    અગાઉનો એવનનો લેખ હજી તો મન:પટ પરથી ખસ્યો નથી ત્યાં આવા સમાચાર..
    હોય, કુદરતની વાતો ન્યારી ,દિવંગત આત્માને પ્રભુ એની ગોદીમાં શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના ..

    ReplyDelete
  12. સુધા મહેતાJanuary 17, 2012 at 11:41 PM

    પ્રિય બીરેનભાઈ,
    તમે થોડા વખતથી તમારા મિત્રોની મૈત્રી અમારી સાથે કરાવતા રહ્યા છો, એમાં પણ હોમાયબેનનું નામ મોખરે છે. અને એથી જ ભલે તેઓ વડોદરા હતાં અને અમે અહીં, પણ તેમના વિષે જાણીને ખુબ જ આનંદ થતો. તેમના અને તેમણે લીધેલા ફોટોગ્રાફોનો પણ પરિચય તમે કરાવી આપેલો તે અદભુત છે. તેમના વિશેની વિગતો જાણીને તેમને માટે અતિશય માન થઇ આવે.
    તેમની વિદાય દરેક વ્યક્તિની જેમ નિશ્ચિત તો હતીૢ પરંતુ તમે લખો છો તેમ આટલી ખુમારી અને આનંદથી પાછલું જીવન વિતાવવું તેની કળા તેઓ પાસે શીખવા જેવી ખરી.
    પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
    તમને પણ એક સરસ સંબંધ પૂરો થયો તે માટે દિલાસો આપવો જરૂરી સમજું છું, જો કે આથી વધુ તો શું કહું?
    વંદન.

    ReplyDelete
  13. Chandrashekhar VaidyaJanuary 17, 2012 at 11:46 PM

    ભાઈ બીરેન,
    પંદરમીએ રાત્રિના આંખો તમને ટાગોર હૉલમાં શોધતી હતી. મોદીને પૂછતાં ગેરહાજરીનું દુ:ખદ કારણ સાંભળવા મળ્યું. તમને દિલસોજી છે. આવા ઉંમરલાયક મિત્ર ગુમાવવાનું દુખ કેવું હોય છે તે હું જાણું છું. મેં તો તમારા લખાણોતી જ હોમાયજીને ઓળખ્યા છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

    ReplyDelete
  14. દુખ થયું. ઉત્કૃષ્ટ અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર ગુમાવ્યા.પણ તે દુ:ખી ના થયા તે તેમના જેવા જાજરમાન વ્યક્તિને યોગ્ય થયું.
    તમને સૌને પ્રભુ શક્તિ આપે ...

    ReplyDelete
  15. પ્રિય બિરેનભાઇ, હોમાય જી વિષે સતત વાંચતો રહેતો.. જીજ્ઞાસા થતી. એમની ચોઈસ પ્રમાણેની કવિતા, એમના જ સ્વરમાં આપીને તમે અમને લાગ્નીસભર બનાવી દીધાં. એમના વિષે, એમના કાર્ય વિષે વિસ્તૃત વિગતો આપતો લેખ પોસ્ટ કરજો પ્લીઝ.. તેઓ તો પ્રભુને પ્યારા થયા, છેલ્લું ગુલાબ.. વસંત કરમાઈ ગઈ..

    ReplyDelete
  16. Birenbhai
    I do'nt know personally her but after reading your article i feel my own relative has gone.May her soul rest in peace.
    Himanshu Pathak.

    ReplyDelete
  17. Birenbhai, It was a pleasure talking to you about Homai Vyarawala. Your tribute/radio interview is uploaded and can be heard anytime anywhere on www.sursamvaad.net.au on the last 2 programs page.

    ReplyDelete