Sunday, November 30, 2025

'જે પરમાત્મા! એમ જોયા ની કર.'

- બીરેન કોઠારી

રમેશ ભોયાના અવસાનના સમાચાર વહેલી બપોરે (30 નવેમ્બર, 2025ને રવિવારે) મળ્યા. એ સાથે કેટકેટલી વાતો યાદ આવી ગઈ! એક સમયે મારો સહકાર્યકર રહી ચૂકેલો રમેશ નવોસવો જોડાયો ત્યારે એના શારિરીક બંધારણથી અલગ પડી આવતો. ઊંચાઈ ઓછી, શ્યામ વર્ણ, અને ગોળમટોળ આકાર. કપાળે નાના 'યુ' આકારમાં ત્રણ ટપકાં ધરાવતું લાલ રંગનું તિલક. જે મળે એને પોતાની છાતીએ હથેળી અડકાડીને, સહેજ માથું નમાવીને 'જય પરમાત્મા'નું અભિવાદન કરતો. રમૂજીલાલ દ્વારા સ્થપાયેલા મોક્ષમાર્ગી સંપ્રદાયનો એ અનુયાયી હોવાની ખબર પછી પડી. જોતજોતાંમાં તે સૌ કોઈનો લાડકો બની ગયો. મુખ્ય કારણ એનો ભલોભોળો અને નિષ્કપટ સ્વભાવ. બહુ ઝડપથી સૌ એને 'રમેશ' કે 'ભોયા'ને બદલે 'પરમાત્મા' કહીને જ સંબોધવા લાગેલા.

રમેશ ભોયા (તસવીર સૌજન્ય: જસવંત દરજી) 


એની બોલી સાંભળીને રમૂજ થતી. દક્ષિણ ગુજરાતની છાંટવાળા 'આઈવો', 'ગિયો' જેવા ઉચ્ચારો ઊપરાંત મોટે ભાગે તુંકારે બોલાવવાની રીત. એ પોતાના પિતાજી વિશે વાત કરે તોય કહે, 'ફાધર હમણાં આઈવો છે.'
ધરમપુર પાસે પર્વતની ગોદમાં વસેલું લુહેરી ગામ એનું વતન. કેટલાક મિત્રો એના વતન ગયેલા. એક વાર હું પણ મારા પરિવાર સાથે એને ત્યાં ગયેલો. ધરમપુરથી બસ કે વાહન ન મળ્યું. તો એનો ભાઈ શાંતિલાલ 'સ્પ્લેન્ડર' બાઈક પર અમને ચાર અને એ પોતે એમ પાંચેને બેસાડીને પથરાળ રસ્તે લુહેરી લઈ ગયેલો. ગામ કે નગરમાં ફળિયાની વ્યાખ્યાથી સાવ વિપરીત આ પહાડી ગામનું ફળિયું. એક એક ઘર એકમેકથી કેટલુંય છેટું. ગામનું સ્થાન જાણે સીધું જ કોઈ ચિત્રપોથીમાંથી બહાર કાઢીને મૂકી દીધું હોય એવું. સહેજ દૂર પર્વત દેખાતા હોય. આગળ ખુલ્લી જગ્યા અને પાછળ વહેતું ઝરણું. રસ્તાની સામેની બાજુએ છાંયાદાર વૃક્ષો. મન ફાવે ત્યાં ફરો, બેસો. મારાથી બોલાઈ ગયું, 'યાર, આવી જગ્યા છોડીને તું નોકરી કેમ કરે છે?'

ભોયાને ગામ લુહેરી ગયો ત્યારે મેં બનાવેલો સ્કેચ

તાડનાં ઝાડ પુષ્કળ. ભોયાએ ગામમાંથી બે માણસોને બોલાવ્યા. તેઓ તાડના ઝાડ પર ચડ્યા અને ઊપરથી તાડનાં મોટાં મોટાં ફળ તોડીને નીચે પાડ્યાં. એમાંથી અમે સૌએ તાડફળી ખાધી. કોઈક સરકારી અધિકારી કશા કામે આવેલા એમનેય થાળીમાં તાડફળી ધરવામાં આવી એ જોઈને બહુ નવાઈ લાગી. ભોયાના પિતાજી ગામના સરપંચ હતા, અને ગામમાં એમની ઘંટી પણ ખરી. અમે સૌ આવેલાં એટલે ભોયાએ પેલા પર્વતો પર ચડવાનો કાર્યક્રમ બનાવેલો. ત્યાં એક ગુફા હતી, જેમાં વાઘની આવનજાવન રહેતી એમ કહેવાતું. મારાં બન્ને સંતાનો નાનાં હતાં એટલે જવાય ત્યાં સુધી જવું એમ વિચારેલું. પણ ભોયાએ ગામમાંથી બે ખાસ માણસોને તેડાવ્યા. એ લોકોએ મારાં સંતાનોને તેડીને પર્વત ચડાવેલો. પેલી ગુફા પણ અમે જોઈ. એ વખતે હું સ્કેચબુક પણ લઈ ગયેલો. ત્યાં મેં સ્કેચ પણ બનાવ્યા અને ઘેર આવીને તેને પૂરા કર્યા. અહીં ભોજનમાં ચોખાના રોટલા સામાન્ય. પણ અમે આવેલા એટલે ધરમપુરથી શિખંડ મંગાવવામાં આવેલો. બે દિવસના યાદગાર રોકાણ પછી અમે પાછા આવેલા.

લુહેરીમાં ભોયાના ઘરનો બનાવેલો સ્કેચ
નોકરી પર બીજી પાળી (બપોરના બેથી રાતના દસ સુધી)માં સાંજે સૌ ભેગા જમવા બેસતા. મોટા ભાગના લોકો ઘેરથી ટિફિન લઈને આવતા. એમાં ભોયાએ લાવેલા ચોખાના રોટલાની બહુ માંગ રહેતી. કેરીની સિઝન હોય એટલે ભોયા ખાસ રાજાપુરી કેરીઓ લઈ આવે. એ વખતે બીજી પાળીમાં કેરીની જયાફત હોય. રાજાપુરી કેરી આટલી મીઠી હોય એ એના દ્વારા જાણેલું. ક્યારેક એ ફણસ લાવતો. એની બહુ માંગ ન રહેતી, પણ મને એ ભાવતું. એટલે ક્યારેક એની થોડી પેશીઓ હું ઘેર પણ લેતો આવતો.
મને ખાસ ખ્યાલ નહોતો કે એ કયો સંપ્રદાય પાળે છે. પણ એને ઘેર ગયો ત્યારે જોયું તો એ સંપ્રદાયનું એ વિસ્તારમાં ઘણું ચલણ હતું. એટલે થોડી પૂછપરછ કરી. એમાંથી ખબર પડી કે એ સંપ્રદાયના સ્થાપક રમૂજીલાલ હતા. અત્યાર સુધી આ નામ મેં એક જ વાર સાંભળેલું, કેમ કે, એ નામે મણિનગર સ્ટેશન નજીક એક હૉલ છે. આથી મેં લાગલું પૂછ્યું, 'મણિનગર હૉલ છે એ જ આ?' એટલે ભોયા ખુશ થઈ ગયો. એણે એ પછી વધુ વિગત જણાવી. એ હૉલમાં રમૂજીલાલનું મંદિર પણ છે. ત્યાં એ ઘણી વાર જતો અને આવીને એના વિશે જણાવતો.
એ કૂંકણા જનજાતિનો હતો. એ વિસ્તારની કેટલીક સંસ્થાનું લેખનકાર્ય મેં કરેલું હોવાથી ત્યાંની કેટલીક જનજાતિઓનાં નામ વિશે મને ખ્યાલ હતો. આથી ક્યારેક સમય મળે ત્યારે એની બોલી અને એના શબ્દો વિશે વાત પણ નીકળતી.
તેની દીકરી જિગિષા અને દીકરા જિજ્ઞેશ વિશે પણ વાત થતી રહેતી. જો કે, 2007માં મેં મારું ક્ષેત્ર બદલ્યું એ પછી અમારું મળવાનું ઘટ્યું. કદી કોઈક પ્રસંગે કે સ્નેહમિલનમાં મળી જઈએ ત્યારે અલપઝલપ વાત થતી. હમણાં ઘણા વખતથી મળાયું નહોતું કે નહોતા કશા સમાચાર.

નિવૃત્તિ વખતે રમેશ ભોયા (ડાબે)
અને જયંતિ મકવાણા

(તસવીર સૌજન્યઃ રાજેન્‍દ્ર પી. પટેલ) 

આજે બી.એસ.પટેલ અને આર.પી.પટેલને પૂછતાં જાણવા મળ્યું કે દોઢેક વર્ષ અગાઉ તે નિવૃત્ત થયો એ અરસામાં જ તેને આંતરડાના કેન્સરનું નિદાન થયેલું અને સર્જરી કરવામાં આવેલી. એ પછી કિમોથેરાપી શરૂ થયેલી. આથી તે અમદાવાદ હતો. અચાનક તેના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પૃથ્વીલોકમાંથી વિદાય લઈને ભોયા ચિત્રગુપ્ત આગળ ઊભો રહેશે અને કહેશે, 'જે પરમાત્મા! એમ જોયા ની કર. વહેલો આવી ગિયો તિમાં ચોપડામાં મારું નામ ની ઓહે.' ચિત્રગુપ્તે ચોપડો બાજુએ મૂકીને આ સરળ, સહૃદય માણસને પ્રવેશ આપવો જ પડશે.

No comments:

Post a Comment