Wednesday, November 12, 2025

પહેલાં તો એ કહે કે તું છો કોણ?

- અવિનાશ ઓક

સવારના નવ વાગેલા. રાજકમલ (સ્ટુડિયો)ના શૂટિંગ ફ્લોર પર યુનિટના રિપોર્ટીંગ માટેનો એ સ્લેટ ટાઈમ. ચીફ રેકોર્ડિસ્ટ વેંકટને મેં બીડી પીતા ગોઠવાયેલા જોયા. મેં તેમને પૂછ્યું, 'આજે શોટ માટે શી તૈયારી કરવાની છે?' તેઓ સાવ ઉદાસીન ભાવે બેઠેલા. અળસાયેલા સ્વરે બોલ્યા, 'આસિસ્ટન્ટ ડિરેક્ટર ચન્દ્રા બારોટને જઈને પૂછ.' મિ. બારોટ એટલે એ જ વ્યક્તિ કે જેમણે આગળ જતાં અમિતાભ બચ્ચનને ચમકાવતી સુપરહીટ ફિલ્મ 'ડોન'નું દિગ્દર્શન કરેલું. તેઓ બહુ ઉત્સાહી હતા. તેઓ અમેરિકાની કોઈક ફિલ્મસ્કૂલમાંથી સ્નાતક થયેલા. તેમણે એક કાગળ કાઢ્યો અને આયોજિત કરેલો આખો સીન તેમજ શોટ્સ મને સમજાવવા લાગ્યા. હું તરત જ બૂમ (માઈક)ની ગોઠવણ વિચારવા માંડ્યો અને કેમેરા સહાયકને લેન્સમાંથી એ જોવા માટે કહ્યું. એ પછી યોગ્ય જગ્યાએ મેં બૂમ ગોઠવ્યું અને કેમેરાની ફ્રેમમાં એ ન દેખાય એ રીતે આઘુંપાછું કરતો રહ્યો. આ તમામ ગતિવિધિ દરમિયાન વેંકટ ઠંડકથી બેઠા રહ્યા અને સેટ પર આવ્યા નહીં.
સાડા અગિયારે એક કદાવર માણસ સેટ પર આવ્યો. ચપટીવાળા પેન્ટમાં તેણે સફેદ શર્ટ ખોસેલો. બધા તેને જોઈને શાંત થઈ ગયા. એ હતા નરીમાન ઈરાની, જે આ ફિલ્મના 'ડી.ઓ.પી.' (ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી) હતા. તેમનો પહેલો સવાલ હતો, 'બેક લાઈટિંગ હો ગયા ક્યા?' અને પછી તે બરાડ્યા, 'આ માઈક અહીં શું કરે છે? ચલો હટાઓ.' મને આંચકો લાગ્યો અને હું સહેજ નર્વસ થઈ ગયો. મેં કહ્યું, 'એ મેં મૂક્યું છે અને યોગ્ય સ્થાને છે.' એટલે એ કહે, 'પહેલાં તો એ કહે કે તું છો કોણ?' મેં જણાવ્યું કે હું સાઉન્ડ એન્જિનિયર વેંકટનો સહાયક અવિનાશ ઓક છું.' તે કહે, 'તારે ડાયલોગ્સ ડબ કરવાના, યંગ મેન, એકે એક ડાયલોગ. એટલે માઈકને હટાવ અને એક વાર હું બધું ગોઠવી લઉં એટલે એ ક્યાં મૂકવાનું એ તને જણાવીશ. ઓકે?' બસ, વાત પૂરી. મેં માઈક ઉઠાવ્યું અને ખૂણામાં જઈને શાંતિથી બેસી ગયો. મારો મૂડ બગડી ગયો.
થોડી વાર પછી મારા ખભા પર કોઈકનો કદાવર હાથ મૂકાયો. મેં ઊંચે જોયું. એ મિ. ઈરાની હતા. હસીને એમણે કહ્યું, 'યંગ મેન, અપસેટ થવાની જરૂર નથી. મારી તકલીફ સમજ. હું કે મારો સહાયક માઈકને ફ્રેમમાં આવતું ન જોઈએ અને શૂટ ચાલુ રાખીએ તો મને કાલે લેબોરેટરીમાં રશીઝ (જે તે દિવસના ફૂટેજને ડેવલપ કર્યા પછી બીજા દિવસે કસબીઓ એ ચકાસતા હોય છે) જોઈએ ત્યારે જ એની જાણ થાય. છેક એ વખતે અમને ખબર પડે તો બહુ તકલીફ થાય. મારે રિશૂટ કરવું પડે. બોલ, હવે તું મારી પડખે છે ને?'
આ છેલ્લું વાક્ય કદાચ મારા ચહેરા પર દ્દેખાતી ઉદાસીના પ્રતિભાવરૂપે હતું. મેં હા પાડી અને માંડ મલકાયો. 'આગળ વધ, બચ્ચા. તુઝે જિંદગી મેં બહોત કામ કરના હૈ.' મોટી આંખો ચમકાવીને મિ. ઈરાની બોલ્યા. એ પ્રસંગ ભૂલી જઈને આગળ વધવા માટે તેઓ મને કહી રહ્યા હતા. એનાથી મારો મૂડ બન્યો. એ પછી આખી ફિલ્મના શૂટ દરમિયાન તેમનો મારી સાથેનો વર્તાવ મિત્રતાપૂર્ણ રહ્યો.
હું વિચારતો હતો કે શૂટ પહેલાં ડાયલોગ્સ ડબ કરવાની આ પદ્ધતિ વિશે વેંકટ મને સહેલાઈથી જણાવી શક્યા હોત. કદાચ એમાં એમને રસ નહીં હોય કે એફ.ટી.આઈ.આઈ. (ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના સ્નાતકો સાથેનો લાક્ષણિક અસહકાર હોય- નવાગંતુકોનું એક પ્રકારે રેગીંગ કહી શકાય. એફ.ટી.આઈ.આઈ.ના આરંભ પહેલાં એ જમાનાના ફિલ્મ ટેક્નિશિયનો કામ કરતાં કરતાં જ, ગુરુ-શિષ્ય પરંપરાથી શીખતા જતા. એફ.ટી.આઈ.આઈ.ના સ્નાતકો ફિલ્મઉદ્યોગમાં આવવા લાગ્યા ત્યારે એક પ્રકારે તેમનો વિરોધ થતો- શરૂ શરૂમાં તો ખરો જ. પણ ધીમે ધીમે એ બધું બદલાતું ગયું.
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)

(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.

- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)

No comments:

Post a Comment