રેતી, પથ્થર, હીમ અને પાણી
કુદરતી સૌંદર્યની આપણી સામાન્ય વ્યાખ્યામાં ભર્યાભાદર્યા પહાડ, એમાંથી નીકળતાં ઝરણાં કે વહેણ, ઊંચા વૃક્ષો વગેરે આવતાં હોય છે. લદાખમાં આનાથી તદ્દન વિપરીત દૃશ્યો જોવા મળે. પહાડ સાવ ઉઘાડા, ઘાસનું તણખલું સુદ્ધાં જોવા ન મળે ત્યાં વૃક્ષોની વાત જ શી કરવી? ખીણમાં નદીનું વહેણ જોવા મળે, પણ એનો પટ એટલે રેગિસ્તાન જોઈ લો. જ્યાં પાકા રોડ છે ત્યાં બરાબર, નહીંતર કાચા રોડ પર પુષ્કળ ધૂળ કે રેતી ઉડતાં હોય. પહાડો પર માટી ન હોય તો ખડક જોવા મળે. ટોચ પર હીમ. આવાં દૃશ્યો સતત આઠ-દસ દિવસ સુધી જોયા કરવાનાં હોય ત્યારે આપણી સૌંદર્યદૃષ્ટિને નવેસરથી કેળવવી પડે.
ભૂગોળમાં વર્ષાછાયા અને વર્ષાભિમુખ પ્રદેશ ભણ્યા હતા એ અહીં પ્રત્યક્ષ જોવા મળ્યાં. લદાખની ઊંચાઈ એટલી છે કે વર્ષાનાં વાદળો અહીં પહોંચી શકતા જ નથી. તે નીચે જ ઠલવાઈ જાય છે. અહીં બાકી રહે છે સૂકા, ભેજરહિત, તેજ ગતિવાળા બર્ફીલા પવનો.
અહીં હિમાલય તમને એના અસ્તિત્ત્વનું ભાન કરાવતો રહે. એ કદી ભૂલવા ન દે કે તમે હિમાલયમાં આવેલા છો. વાહનમાંથી ઉતરીએ અને ભરતડકો હોય તો ઘડીભર મન થઈ આવે કે જેકેટ, ટોપી, મફલર, હાથમોજાં વગેરે વાહનમાં મૂકીને ઉતરીએ. પવન ન હોય ત્યારે રીતસર ગરમી લાગે, પણ બર્ફીલા પવનના સૂસવાટા ચાલુ થાય એટલે હાડને થિજાવી મૂકે. આ સૂસવાટા સૂકા હોય એટલે ત્વચા પરથી ભેજને શોષી લે. આથી નિર્જળીકરણ ટાળવા માટે સતત પાણી પીતાં રહેવું પડે. ટૂંકમાં, હિમાલયનો આનંદ માણવાનો, પણ એને જરાય હળવાશથી નહીં લેવાનો. આટલી વિપરીતતાઓ છતાં રખડવાની જે મઝા આવે એની વાત જ ઓર!
હાન્લેથી અમે વહેલી સવારે બ્રેકફાસ્ટ કરીને ઊપડ્યા. અહીંથી લોમા સુધીનો, પિસ્તાલીસેક કિ.મી.નો રસ્તો એકદમ સડસડાટ હતો. સહેજ આગળ ગયા કે બે ફૌજીઓને અમે બેગબિસ્તરા સાથે ઊભેલા જોયા. તેમણે લિફ્ટ માગવા માટે હાથ ઊંચો કર્યો. અમારા ડ્રાઈવર તાશીએ અમને પૂછ્યું, 'ગાડી મેં જગહ હૈ? ઈનકો બિઠા લેંગે?' અમે હા પાડી કે તેણે બ્રેક લગાવી. બન્ને ફૌજીઓ આવીને અમારા વાહનમાં ગોઠવાયા. એક સિનીયર હતા, અને એક જુનિયર. તેઓ બન્ને ગોઠવાયા એ સાથે જ અમારા સૌનું કુતૂહલ જાગ્રત થઈ ઉઠ્યું. તેમને અનેક સવાલો પૂછાવા લાગ્યા. તેઓ પણ ઉત્સાહથી જવાબ આપતા ગયા. સિનીયર ફૌજી મહારાષ્ટ્રના હતા, અને જુનિયર હરિયાણાના. તેમના પરિવાર વિશે પણ વાતો થઈ. સામાન્ય સંજોગોમાં તેમને સિવિલિયન સાથે ભળવાની વધુ છૂટ નથી હોતી. તેઓ પોતાના પરિવારજનો સાથે ફોન પર વાત કરે એ જુદી વાત. તેમણે બહુ નિખાલસતાથી અમારા તમામ સવાલના જવાબ આપ્યા. સિનીયર ફૌજી હસીને કહે, 'હમારા પંદ્રહ દિન કા ક્વોટા પૂરા હો ગયા.' અમારી પાસે રહેલી સૂંઠની ગોળીઓ અને સૂકવેલાં આંબળા અમે તેમને આપ્યાં. આનાકાની પછી તેમણે એ સ્વીકાર્યાં. ડ્રાઈવર તાશી પણ અગાઉ ફૌજમાં હતો એની અમને ત્યારે જ ખબર પડી. તે વચ્ચે વચ્ચે ટાપશી પૂરીને પૂરક માહિતી આપતો જતો હતો.
વાતવાતમાં રસ્તો કપાતો જતો હતો. રસ્તાની બન્ને બાજુએ સફેદ જમીન નજરે પડી. એ જોઈને પહેલાં એમ લાગ્યું કે બરફ પડેલો છે. પણ એ હકીકતમાં ક્ષાર હતો.
આમ ને આમ લોમા આવી ગયું. પેલા સિનીયર ફૌજી અહીં ઊતર્યા. લોમાથી બે ફાંટા પડે છે. એક હાન્લે તરફ અને બીજો લેહ તરફ. આ જંક્શન પર આઈ.ટી.બી.પી. (ઈન્ડો-તિબેટ બોર્ડર પોલિસ)ની કેન્ટિન આવેલી છે. આઈ.ટી.બી.પી.ના જવાનો જ એ ચલાવે છે. આગલા દિવસે અમે અહીં થોભીને સમોસાં, મોમો, જલેબી, ચનાસમોસા જેવી ચીજો 'ચાખી' હતી. આ વાનગીઓ પેટમાં ગયા પછી પોતાની હાજરી પુરાવતી રહી હતી. આથી આજે અમે એ કેન્ટિન અરફ નજર સુદ્ધાં કર્યા વગર આગળ વધી ગયા.
જુનિયર ફૌજીને આગળ ઉતરવાનું હતું. હવે નવેસરથી વાતોનો દૌર શરૂ થયો. આ વિસ્તારની ભૌગોલિક વિષમતા તેમણે વર્ણવી. કહે કે અમને અહીં ડ્રાયફ્રુટથી લઈને ભલભલી ચીજો આપવામાં આવે છે, પણ ખાઈ શકાતું નથી. પચતું નથી. ફૌજની કઠિનાઈઓ વિશે તેમણે ખુલીને વાત કરી. પોતાની સાથે અમુક 'ભાઈ' (ગુજરાતીઓ) હોવાનું તેમણે જણાવ્યું અને કહ્યું કે તેઓ સાઈડમાં કશોક ને કશોક બિઝનેસ કરતા રહેતા હોય છે. હસીમજાક પણ થતી રહી.
આમ ને આમ અમે ન્યોમા વટાવ્યું. ન્યોમા પછી તેમને ઊતરવાનું હતું અને કારુ પહોંચવાનું હતું. તેમને ઉતાર્યા પછી અમે ત્સો (સરોવર) મોરીરી તરફ આગળ વધ્યા.
No comments:
Post a Comment