Monday, July 10, 2023

લદાખના પ્રવાસે (14)

 સ્થળ: કે.બી.આર. વિમાનીમથક, લેહ

સમય: સવારના સાડા નવની આસપાસ
દિવસ: 13 મે, 2023, મંગળવાર
બે સપ્તાહના લેહ-લદાખ પ્રવાસનો અંતિમ દિવસ હતો. વળતાં હવાઈ માર્ગે લેહથી મુંબઈ જવાનું આયોજન હતું. સવારના અગિયાર વાગ્યાનો સમય હોવાથી અમે સવા આઠ-સાડા આઠે વિમાનીમથક પહોંચી ગયા. પ્રવેશ, બૉર્ડિંગ પાસ, બેગેજ ટેગિંગ વગેરે પતાવીને સિક્યુરિટી ચેક-ઈન માટે બીજા વિભાગમાં પ્રવેશવાનું હતું. અહીં માત્ર હેન્ડ બેગેજની ચકાસણી થતી હતી. એક ટ્રેમાં પોતાની પાસે રહેલો સામાન મૂકીને સ્કેનરમાંથી તે પસાર થાય એટલે બીજે છેડે જઈને તેને મેળવી લેવાનો. બીજે છેડે જતાં અગાઉ એક સિક્યુરિટી અફસર દ્વારા મેટલ ડિટેક્ટર વડે પણ ચકાસણી કરાવવાની. ટ્રે ઉપરાંત હેન્ડ બેગેજને પણ એ જ રીતે સ્કેનરમાંથી પસાર કરવાનું હતું. સામાન સ્કેનરમાં મૂકાય એ પહેલાં અને તેમાંથી પસાર થાય એ બધું સી.આઈ.એસ.એફ.ના જવાનોની નજર હેઠળથી પસાર થતું, જેમના ચહેરા પર હાસ્ય ભાગ્યે જ જોવા મળતું, કેમ કે, મુસાફરોનો ધસારો એટલો હતો કે સમયમર્યાદામાં બને એટલું ઝડપથી કામ પતાવવું જરૂરી બની રહે. સ્કેનરની બહાર જે સામાન નીકળતો ત્યાં સી.આઈ.એસ.એફ.ની યુવતીઓ કાર્યરત હતી.
અમારું હેન્ડ બેગેજ સ્કેનરમાંથી સલામત રીતે નીકળી ગયું, પણ ઈશાનની બેગ સ્કેનરમાંથી નીકળી એ સાથે જ પેલા જવાને એને બાજુમાં મૂકી દીધી અને કહ્યું, 'ઈસમેં બહોત સારી મેટલિક ઔર ઈલેક્ટ્રોનિક ચીજેં હૈં.' આ સાંભળીને અમે બધાં સ્કેનરની બહારની બાજુએ ઉભેલી સી.આઈ.એસ.એફ.ની યુવતીની નજીક ગયા, જેણે એ બેગ પોતાના હાથમાં લઈને ઈશાનને કહ્યું, 'ઈસે જરા દિખા દિજીયે.' ઈશાને એક પછી એક વસ્તુ કાઢીને બહાર મૂકવા માંડી, જેમાં મુખ્યત્વે કેમેરા અને તેને સંબંધિત ચીજો હતી. પણ એ કાઢતાં કાઢતાં એ બેગમાં ઊભી મૂકાયેલી વાંસળી પર પેલી યુવતીની નજર પડી. એ જોતાં જ તેણે પૂછ્યું, 'આપ ફ્લૂટ બજાતે હૈ? મુઝે ઉસકી ધૂન બહોત અચ્છી લગતી હૈ.' ઈશાને હકારમાં ડોકું ધુણાવ્યું. દરમિયાન અંદરથી હાર્મોનિકા પણ નીકળ્યું, જે 'મેટલિક' હતું. પેલી યુવતીએ ઈશાનને કહ્યું, 'આપ ફ્લૂટ બજાઈયે ના!' ઈશાનને એમ કે એ કહેવા ખાતર કહેતી હશે. બીજી બાજુ અમને સહેજ ફિકર થઈ રહી હતી કે આ બધું બહાર કઢાવી ન મૂકે તો સારું! એ યુવતીએ વધુ એક વાર વિનંતી કરી એટલે ઈશાને ફ્લૂટ કાઢીને હોઠે લગાડી. હળવેકથી 'કૈસી તેરી ખુદગર્જી, ના ધૂપ ચુને, ના છાંવ'ની ધૂન શરુ કરી. નીચી પીચ પર શરૂ થયેલી એ ધૂન આગળ વધી એમ સી.આઈ.એસ.એફ.ની બીજી યુવતીઓ અને છેક આગળ રહેલા જવાનોનું આ તરફ ધ્યાન ખેંચાયું. એ પછી એકદમ હાઈ પીચ પર 'રે કબીરા, માન જા' વાગ્યું એટલે સિક્યુરિટી સ્ટાફના તમામ લોકો બે-ત્રણ સેકન્ડ માટે આ તરફ મોં ફેરવીને જોવા લાગ્યા. ધૂન પૂરી થઈ એટલે એ સૌએ તાળીઓ પાડી.


સી.આઈ.એસ.એફ.ની મુખ્ય જણાતી યુવતીએ 'થેન્ક યુ' કહીને ઈશાનને પૂછ્યું, 'આપ કા કોઈ યુ ટ્યૂબ ચેનલ હૈ ક્યા?' ઈશાને પોતાનું ‍‍‍‍‍‍‍‍ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. હોવાનું જણાવ્યું એટલે તેમણે ઈન્સ્ટાગ્રામ પર હતી એવી પોતાની એક સાથીદારને આ વાત જણાવીને ઈશાનનું ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પૂછ્યું.
લદાખના પ્રવાસના અંતિમ દિવસે, વિદાયની આ મસ્ત સ્મૃતિ લઈને અમે ઘરના માર્ગે પ્રસ્થાન કર્યું.

No comments:

Post a Comment