કેમ્પફાયર કે બૉમ્બફાયર?
ન્યોમાની આગળ, એક નાળા પહેલાં મુખ્ય રસ્તો છોડીને એક ફાંટો પડતો હતો. એ હતો ત્સો (સરોવર) મોરીરી જવાનો રસ્તો. એ સૂચવતું પાટિયું હતું, પણ બીજાં પાટિયાંની આડે ઝટ નજરે પડે એવું નહોતું. આ ફાંટે સહેજ જ આગળ જતાં એક 'હોટેલ' આવી. અહીં અમે લેમન ટી પીધી અને થોડાં પડીકાં ખરીદ્યાં. કેમ કે, આટલા અનુભવે સમજાઈ ગયું હતું કે આગળના રસ્તે ભાગ્યે જ કશું મળશે. એ સમજણ સાચી પણ નીકળી. ત્સો મોરીરી તરફ જવાનો રસ્તો કાચોપાકો હતો. મુખ્યત્વે ઉઘાડા પર્વતો. ટેમ્પો ટ્રાવેલર ધીમે ધીમે ચાલે તો પણ શરીરના સાંધેસાંધા ઢીલા થઈ જતા લાગે. આખો રસ્તો નિર્જન અને વેરાન. રસ્તો એક જ દિશામાં જતો હતો, પણ ક્યાંક બે ફાંટા આવે તો ઠેકાણું પૂછવા પણ કોઈ મળે નહીં. વચ્ચે સપાટ મેદાન પણ આવતાં હતાં. મેદાનમાં વચ્ચોવચ્ચ આવેલા રોડ પર એક જ વાહન દોડતું હોય અને ચારે બાજુ પર્વતો હોય એવે વખતે એમ જ લાગે કે આપણે ત્યાંના ત્યાં જ ઊભા છીએ. કેમ કે, ગમે એટલા આગળ વધીએ, ભૂપૃષ્ઠ સરખા જેવું જ લાગતું. આમ ને આમ અમે આગળ વધતા ચાલ્યા કે દૂર બદામી રંગની જમીન વચ્ચે ભૂરું પાણી હોય એવું જણાયું. ત્સો મોરીરી આવી ગયું એમ માનીને અમે રાજી થઈ ગયા, પણ એ આટલું જલ્દી આવી ન જાય! એવામાં એક વાહન સામેથી આવતું દેખાયું. અમારા ડ્રાઈવરે તેના ડ્રાઈવરને પૂછીને અમને જણાવ્યું કે ત્સો મોરીરી હજી દૂર છે. 'યે તો ત્સો મોરીરી કા બચ્ચા હૈ'. 'બચ્ચા લેક' પર અમે ઊતર્યા. થોડું ચાલ્યા. ફોટા લીધા. અને મુસાફરી આગળ વધારી.
'બચ્ચા' લેક |
વચ્ચે વચ્ચે નાળામાં જામેલો બરફ દેખાતો હતો. બરફનું મોટું ગચિયું એમનું એમ પડ્યું હોય અને નીચેથી સડસડાટ પાણી વહી રહ્યું હોય એવું પણ જોવા મળ્યું. આ બરફ પણ જૂનો થયો હોવાથી મેલો જણાતો હતો.
એકાદ ઠેકાણે આગળ જતાં રસ્તો બંધ થતો હોય એમ લાગ્યું. આથી બીજા કાચા રસ્તે વાહન વાળ્યું. આમ ને આમ આગળ વધતા ગયા. ક્યાંય કશી વસતિ જણાતી નહોતી. વચ્ચે સાવ છૂટાછવાયા ફેબ્રિકેટેડ ઘર જોવા મળ્યા, પણ તેમાં કોઈ રહેતું ન હતું. કદાચ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય કે અન્ય હેતુથી. આખરે કર્ઝોકનું પાટિયું દેખાયું. બીજું પાટિયું ચૂમુરનું હતું. અમે ચુમૂરના રસ્તે આગળ વધ્યા, પણ થોડે ગયા પછી સામેથી સૈન્યનું એક વાહન મળ્યું. તેમને પૂછતાં જાણ થઈ કે અમારે કર્ઝોક જવાનું હતું. ગાડી પાછી વાળીને અમે કર્ઝોક તરફ આગળ વધવા લાગ્યા. ત્સો મોરીરીનાં દર્શન શરૂ થઈ ગયાં હતાં. અહીં રસ્તો સરોવરથી સહેજ ઊંચાઈએ અને વળાંકવાળો હોવાથી સુંદર દૃશ્ય ખડું થતું હતું.
ત્સો મોરીરીનો નજારો |
વિશાળ પટમાં પથરાયેલા મોરીરી સરોવરનો નજારો મસ્ત લાગતો હતો. અહીં પાણીમાં જળકૂકડીઓ પણ જોવા મળી. આ સરોવર પોણા પંદરેક હજાર ફીટની ઊંચાઈ પર આવેલું હતું. રસ્તાના વળાંકને કારણે અમને ગામ દેખાતું નહોતું. અમે આગળ ને આગળ વધી રહ્યા હતા. આખરે મકાનો નજરે પડ્યાં. માંડ સો-સવાસો ઘરનું ગામ હશે. પ્રવેશતાં સૌથી પહેલાં તંબૂઓ જ નજરે પડ્યા. એક ઠેકાણે અમે હોમસ્ટે શોધ્યો. હજી બપોરના બે-અઢી થયા હતા. ભૂખ સખત લાગી હતી, પણ અમારા પેકેજમાં ડીનર અને બ્રેકફાસ્ટ સામેલ હતા. અત્યારે કશું મળી શકે એમ ન હતું. ગામમાં એકાદી દુકાન હશે. ત્યાં પણ ભાગ્યે જ કશું મળે. હોમસ્ટેનાં માલિકણે અમને કહ્યું કે 'મેગી'નાં પેકેટ પડ્યાં હશે તો એ બનાવી શકાશે. સદ્ભાગ્યે એ પડેલાં હતાં. અમે ચા પણ મંગાવી. ચા, મેગી નૂડલ્સ પર અમે તૂટી પડ્યા. માલિકણ કહે, 'બિસ્કુટ હૈ તો મૈં દેખતી હૂં.' 'બિસ્કુટ'નાં બેએક પેકેટ તેઓ લાવ્યાં એને પણ અમે સાફ કરી દીધાં.
આ કાર્યક્રમ પછી અમે સરોવર તરફ લટાર મારવા નીકળ્યા. અહીં પણ સૂસવાટા મારતો બર્ફીલો પવન વાતો હતો. સરોવરના પાણીમાં દરિયાની જેમ મોજાં ઉછળતાં હતાં. સરોવરના કિનારાની જમીન પર આછી લીલી ઝાંય જોવા મળતી હતી. સરોવરકાંઠે અમારા સિવાય કોઈ નહોતું. ફોટા પાડી લીધા પછી અહીં ઊભા રહેવું મુશ્કેલ લાગ્યું. આથી અમે પાછા આવ્યા અને ગામ તરફ લટાર મારવા નીકળ્યા. ગામ શું હતું? સહેજ ચઢાણવાળો એક મુખ્ય રસ્તો હતો. તેની એક તરફ એટલે કે ઉપરની બાજુએ અને બીજી તરફ એટલે કે નીચેની બાજુએ મકાન હતાં. આ સિવાય રેસ્તોરાં કે હોમસ્ટે. નજીકમાં એક સ્કૂલ હતી.
કર્ઝોક ગામ |
અહીંના લોકોના ગાલ ઘેરા લાલ રંગના હતા. કાશ્મીરીઓ કે હિમાચલ પ્રદેશના લોકોના હોય છે એવા આછા લાલ નહીં! તેમની ત્વચાનો રંગ પણ ઘેરો હતો. આ વિસ્તારના હવામાનને લઈને એમ હશે. ઉપરની તરફ એક સ્તૂપ દેખાતો હતો. અમે ચાલીને ત્યાં સુધી જવાનું વિચાર્યું.
પણ આગળ જતાં રસ્તો પૂરો થઈ જતો હતો. ત્યાં એક મોટું બાંધકામ હતું. બહાર એક લામા ઊભેલા હતા અને કોઈક ગામવાસી સાથે વાત કરી રહ્યા હતા. ગામવાસીએ અમને જોઈને કહ્યું, 'યે મંદીર હૈ. આપ જાકે દર્શન કિજીયે.' અમે લામાને પૂછ્યું કે અંદર જવાય કે કેમ! તેમણે હા પાડી અને અમારી સાથે અંદર આવ્યા. એ એક મોનેસ્ટ્રી હતી. જોઈને જ લાગતું હતું કે સો-બસો વર્ષ જૂની હશે. પેલા મુખ્ય લામાને અમે કહ્યું કે આના વિશે અમને કંઈક જણાવો અને અંદર ફેરવવા માટે કોઈકને મોકલી શકાય એમ હોય તો મોકલો. લામાએ જણાવ્યું કે આ મોનેસ્ટ્રી ત્રણસો વર્ષ જૂની છે.(હકીકતમાં એ ચારસો વર્ષ જૂની છે) તેના ઈતિહાસ વિશે તેઓ ખાસ કશું કહી શક્યા નહીં.
કર્ઝોકમાં આવેલી ચારસો વર્ષ જૂની મોનેસ્ટ્રી |
મોનેસ્ટ્રીની અંદરના ભાગમાંથી દેખાતું સરોવરનું દૃશ્ય |
એક લામાને તેમણે અમારી સાથે મોકલ્યો, જે અમને મંદિરના અંદરના ભાગમાં લઈ ગયો. એક તો તેના ઉચ્ચારો ન સમજાય, અને અમને બૌદ્ધ ધર્મ વિશે એ લામા પાસેથી જાણવાની જિજ્ઞાસા નહીં, આથી અમે ફોટા પાડવામાં જ વધુ ધ્યાન આપ્યું. દરમિયાન બીજો પણ એક પરિવાર અંદર આવ્યો હતો. તેમણે લામાને પૂછતાં તેણે જણાવ્યું કે દસેક મિનીટમાં જ પૂજા શરૂ થશે. અમે કુતૂહલવશ રોકાયા. પૂજાવિધિ શરૂ થઈ, જેમાં નર્યું ક્રિયાકાંડ જ હતું. અમને એમાં સહેજ પણ રસ નહોતો. બિલકુલ એ જ વખતે એક ટેણિયું ત્યાં આવીને ગોઠવાઈ ગયું, જાણે કે એનો રોજિંદો ક્રમ ન હોય. એને આખી વાત સાથે કશી લેવાદેવા હોય એમ લાગતું ન હતું. અમને એ ટેણિયાના ફોટા પાડવામાં રસ પડ્યો. થોડી વારમાં એ દોડીને જતું રહ્યું. અમે આ મંદિરમાં થોડા પૈસા મૂક્યા. બીજો એક લામા થોડી વારમાં આવ્યો અને એ પૈસા લઈ ગયો. પછી અમને એ સામો મળ્યો ત્યારે કોઈક દુકાનમાંથી એ જરૂરી ચીજો લઈને આવતો હતો.
મોનેસ્ટ્રીમાં આવીને ગોઠવાઈ ગયેલું ટેણિયું |
સાંજ પડે સરોવર પર જવાની કોઈની હિંમત નહોતી. અમારા રૂમની બારીમાંથી જ સરોવરનું અદ્ભુત દૃશ્ય દેખાતું હતું. પવન એવો ફૂંકાતો હતો કે હોમસ્ટેનું મુખ્ય બારણું પણ બંધ કરવું પડ્યું, જેથી લૉબીમાં ઠંડી ન લાગે. એક જ રૂમમાં બેઠા બેઠા અમે ગપાટા માર્યા અને ભોજનનો કોલ આવે તેની રાહ જોતા રહ્યા. એ પછી ડાઈનિંગ હૉલમાં જઈને અમે ગોઠવાયા. થોડી વારમાં ભોજન મૂકાઈ ગયું. અમે જમી રહ્યા હતા ત્યારે માલિકણ પણ અમારી સાથે આવીને બેઠાં. દંપતિ અને સંતાનની ઓળખ તેમણે પૂછી. સહાયક રસોઈયો પણ આવીને ગોઠવાયો હતો. વાતવાતમાં કામિનીએ માલિકણને પૂછ્યું, 'યહાં રાત કો વો લકડી જલાતે હૈ?' માલિકણને સમજાયું નહીં. આથી ઈશાને તેમને પૂછ્યું, 'યહાં કેમ્પફાયર કરતે હૈ?' આ સાંભળીને માલિકણ કહે, 'ક્યા? બૉમ્બફાયર?' તેમના આવા ઉદ્ગાર સાંભળતાં જ અમે સૌ હસી પડ્યાં. અમારી પાછળ ગોઠવાયેલા સહાયક રસોઈયાનું હસવું કેમે કરીને રોકાતું નહોતું. હજી અહીં માંડ પ્રવાસીઓ આવતા થયા છે, અને આ વિસ્તાર સંરક્ષણની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. આથી માલિકણને 'બૉમ્બફાયર' સંભળાય એમાં નવાઈ નહોતી.
'રાતે વહેલા જે સૂઈ, વહેલા ઉઠે વીર'નો નિયમ સમગ્ર પ્રવાસ દરમિયાન ફરજિયાતપણે જળવાયો હતો. અહીં પણ એમાં અપવાદ નહોતો. પછીના દિવસે સવારે બ્રેકફાસ્ટ કરીને અમારે ત્સો કાર તરફ જવા નીકળવાનું હતું. એ અમારી વળતી મુસાફરીનો આરંભ હતો.
No comments:
Post a Comment