Wednesday, July 5, 2023

લદાખના પ્રવાસે (12)

 મોનેસ્ટ્રી અને મ્યુઝિયમ

તંગલાંગ લા (પાસ) ઓળંગ્યા પછી હવે નીચે ઊતરતા જવાનું હતું. આ પાસ વટાવ્યા પછી થોડે સુધી બરફ રહે છે, પણ નીચે ઉતરતા જઈએ એમ એ સતત ઘટતો જાય છે. ક્યાંક આખેઆખા પર્વતમાં એકાદો સફેદ ટુકડો બરફનો જોવા મળે એ હદે. અહીંથી નીચે તરફના વાંકાચૂકા રસ્તા પણ દેખાતા હતા. અત્યારે ટોચથી સહેજ જ નીચેના ભાગમાં હતા અને આ રસ્તા જોતાં લાગતું હતું કે અમે નીચે ઉતરીને પર્વતો વચ્ચે પુરાઈ જવાના ન હોઈએ!
હવે લેહ નજીક લાગતું હતું. વચ્ચે એકાદ સ્થળે વાહન ઊભું રાખીને સૌએ ચા-પાણી કર્યાં. જિંજર ટી, મેગી નૂડલ્સ વગેરેથી ઠંડીમાં રાહત જણાઈ. આગળ વધ્યા ત્યારે આ આખો રસ્તો આશ્ચર્યજનક જણાતો હતો. જાણે કે ગેવા કલરની ફિલ્મ હોય એમ બન્ને બાજુ આછા જાંબુડિયા કે ગુલાબી રંગના પથરાળ ખડકો પથરાયેલા હતા. અમુક પર્વતોની ટોચ એકદમ અણીદાર, અને રીતસર તેને કાપ્યા હોય એમ લાગે. તેની પર ઝાડ તો શું, ઘાસનું તણખલું સુદ્ધાં ન દેખાય, પણ રસ્તાની એક તરફ લીલોતરી જોવા મળે. સાથે નદીનું વહેણ પણ ચાલ્યું આવતું હોય. વચ્ચે વચ્ચે સ્તૂપ બંધાયેલા હતા. ગ્યા, મેરુ વગેરે ગામ વટાવતા અમે આગળ ચાલ્યા. હવે રસ્તો એકદમ પાકો અને સડસડાટ હતો. આ મનાલી- લેહ હાઈવે હતો.
કારુ ગામ આવતાં જ જાણે કે બધું પરિચીત લાગવા માંડ્યું. અહીં મોટી લશ્કરી વસાહત છે એ વટાવી. હવે પછીના રસ્તે ઘણી વસતિ હતી. અમારો આગળનો મુકામ ઠિક્સે ગામે હતો, જ્યાંની મોનેસ્ટ્રીની મુલાકાત લેવાની હતી. તે ઊંચાઈ પર આવેલી છે, અને છેક સુધી સડક બનેલી છે. અહીં પહોંચીને અમે નીચે ઉતર્યા. ટિકીટ ખરીદીને વાંકાચૂકા પગથિયે નાનકડું ચઢાણ ચડતા ઉપર પહોંચ્યા કે હિમાલયે એનો પરચો દેખાડવા માંડ્યો. ભયાનક પવન ફૂંકાવો શરૂ થયો. અહીં મૂકેલા અનેક વાવટા અને તોરણોનો ફડફડાટ બીક લાગે એ રીતે સંભળાતો હતો.







મૈત્રેય બુદ્ધની વિરાટ પ્રતિમા


બહાર પાર્કિંગ પાસેના સ્તૂપ 


ઠિક્સે મોનેસ્ટ્રીના જુદા જુદા હિસ્સાની તસવીરો 

આ મોનેસ્ટ્રીમાં અનેક મુલાકાતીઓ હતા. મોટા ભાગના પ્રવાસીઓ. મોનેસ્ટ્રીને રંગરોગાન કરેલા હોવાથી તે ફોટોજેનિક લાગતી હતી. તેના વિવિધ હિસ્સાઓમાં ફર્યા, વિવિધ ઠેકાણેથી ફોટા લીધા. એક ઠેકાણે મૈત્રેય બુદ્ધની વિરાટ પ્રતિમા હતી. આ વિસ્તારમાં મૈત્રેય બુદ્ધની વિરાટ પ્રતિમા ઘણે ઠેકાણે જોવા મળે છે. જો કે, અમારો મુખ્ય રસ મોનેસ્ટ્રીના વિવિધ હિસ્સાઓના ફોટા લેવાનો હતો. એ સંતોષાયો એટલે અમે નીચે આવી ગયા. મોનેસ્ટ્રીના મુખ્ય દરવાજાની બહાર સમાંતર દિવાલો પર 'પ્રેયર વ્હીલ' મૂકેલાં હતાં. તેની નીચે એ મૂકાવનાર પરિવારના નામની તકતી લગાડેલી હતી. તકતી જો કે, નાની, લેબલના કદની હતી. બહાર ત્રણ સ્તૂપ હતા. અહીંથી આખું ભૂપૃષ્ઠ અદ્ભુત દેખાતું હતું. એક તરફ સાવ ભૂખરા, જાણે કે માટીના બનેલા હોય એવા ઉજ્જડ પહાડ, તો નીચેના ભાગે લીલાં ઝાડ અને તેની વચ્ચે આવેલાં મકાનો.
ઠિક્સેથી અમે હવે શે તરફ આગળ વધ્યા. શે પેલેસ જોવાની અમારી ઈચ્છા હતી. આ મહેલ આ વિસ્તારનો પ્રાચીનતમ મહેલ છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં કેવળ આ મહેલને જ 'મહેલ'નો દરજ્જો પ્રાપ્ત હતો. અલબત્ત, લેહમાં આવેલો 'લેહ પેલેસ' ખરો, પણ એ 'ફક્ત' ચારસો વર્ષ જૂનો છે. લદાખની રાણીની પ્રસૂતિનો સમય નજીક આવે ત્યારે તે શે મહેલ આવી જતી. ઉપરાંત શાહી લગ્નની તમામ ગતિવિધિઓ આ મહેલમાં થતી. આક્રમણખોરો સામેના બચાવ માટે શે મહેલ સહિતના પર્વત પર લાંબી દિવાલ બનાવવામાં આવી હતી. સાથે ઠેરઠેર દરવાજા પણ ખરા. જો કે, અત્યારે આ મહેલને મોનેસ્ટ્રીમાં ફેરવી દેવામાં આવ્યો છે. તેના અમુક ભાગનો જિર્ણોદ્ધાર કરાયો છે. આથી તેનો આગળનો ભાગ આકર્ષક દેખાય છે. એમ ઉપર ચડ્યા પછી કિલ્લાના અવશેષોરૂપે બુરજ, કાંગરા, દિવાલ વગેરે છે ખરા, પણ સાવ ખંડેર જેવા. અમારે તો એ બધું જોવું હતું.

શે પેલેસનું પ્રવેશદ્વાર 

જિર્ણોદ્ધાર પામેલો મહેલનો આગળનો ભાગ 

મહેલનો એક હિસ્સો 

કિલ્લાના ખંડેર 

કિલ્લાના દરવાજા, રાંગ, બુરજ વગેરેના અવશેષ 

મહેલની અંદર આવેલી મોનેસ્ટ્રી 

મોનેસ્ટ્રીમાં જવામાં અમને રસ નહોતો. આથી મોનેસ્ટ્રીમાં જવાને બદલે આવા ખંડેરોની આસપાસ અમે ફર્યા. પણ તેની બહુ નજીક જઈ શકાય એવું નહોતું. આ આખું સંકુલ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને હવાલે છે, છતાં અહીં ખડકો પર રંગીન 'ઓમ મણિપદ્મે હૂં' કોતરાયેલો જોઈને ચીડ ચડી.
બપોર થઈ ગયેલી, અહીં તડકો પણ લાગતો હતો. અને શે મહેલ અમારી અપેક્ષા મુજબનો ન નીકળ્યો. આથી સહેજ કંટાળો પણ આવેલો. ધીમે પગલે અમે ઢાળ ઉતરતા નીચેની તરફ આવ્યા.
શોખમાંથી સંગ્રહાલય ઉભું કરનાર 'લદાખ રોક એન્‍ડ
મીનરલ્‍સ મ્યુઝીયમ'ના ફુંગશુક આંગશોક 
શે મહેલ જવા માટે અમે વાહનમાંથી ઉતરેલા ત્યારે સુજાતે પાછળની તરફ એક પાટિયું વાંચેલું, જેની પર લખેલું 'Ladakh Rock and Minerals Museum'. શે મહેલથી ઉતરીને આવ્યા પછી અમે સૌ ઢીલા પડી ગયા હતા. એવામાં સામે આ જ પાટિયું વંચાયું. થાક અને કંટાળો હોવા છતાં અમે નક્કી કર્યું કે ત્યાં જવું જ. ફરી ક્યારે આ વિસ્તારમાં આવવાનું બને એ કોને ખબર! અમે ત્યાં પહોંચ્યા તો નીચે એક સાવ નાનકડી જગ્યામાં થોડા ખડકો ગોઠવેલા હતા. પછી ખ્યાલ આવ્યો કે અહીં પગથિયાં છે, જે ઉપલા માળ તરફ દોરી જાય છે અને પગથિયાં પર પણ અમુક ખડકો મૂકેલા છે. આવડું નાનું મ્યુઝિયમ ન હોઇ શકે! અમે બાજુની દુકાનમાં પૂછવાનું વિચારતા હતા એવામાં ત્યાંથી જ એક ચશ્માધારી સજ્જન અમને જોઈને બહાર આવ્યા અને પૂછ્યું, 'મ્યુઝિયમમાં જવું છે?' અમે 'હા' પાડી એટલે તેઓ આવ્યા. પહેલાં તેમણે અમને નીચે મૂકેલા કેટલાક ખડકો બતાવ્યા. એમાં એક ખડકના ટુકડાની ઘનતા એટલી બધી હતી કે તેમણે અમને એ ટુકડો ઊંચકી જોવા માટે આગ્રહ કર્યો. અતિશય વજનદાર હતો એ. એ પછી તેઓ ઉપર જવા લાગ્યા એટલે અમે પણ એમની પાછળ દોરાયા. ઉપરના માળે પહોંચીને તેમણે એક પછી એક સ્વીચ પાડી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે તેમણે કાચના કેસમાં હારબંધ અનેક નમૂના ગોઠવેલા છે. તેમણે અમને ટિકિટ આપી અને બધું જોવા જણાવ્યું. ઠેરઠેર લેબલ મારેલાં હતા, છતાં અમે તેમને વિનંતી કરી કે તેઓ અમને બધું જણાવે. તેમણે એક પછી એક નમૂના અમને બતાવવા માંડ્યા અને તેના વિશે જણાવવા લાગ્યા. લદાખ વિસ્તાર વિવિધ પ્રકારના ખડકો અને ખનીજોનો ભંડાર છે. અંગત રસ લઈને તેને એકઠા કરી મ્યુઝિયમ બનાવનાર એ સજ્જનનું નામ ફુંગશુક આંગશોક. તમામ ખનીજોને તેના ગુણધર્મો સહિત તેમણે દર્શાવ્યા હતા. આ ઉપરાંત વિવિધ મૂલ્યવાન પથ્થરો જેવા કે- ટોપાઝ, સેફાયર, જેડ, રુબી અને બીજા અનેક. ઉપરાંત તાંબું, સીસું, અબરખ, સલ્ફર, લોખંડ ધરાવતા ખડકો. હિમાલય શી રીતે અસ્તિત્ત્વમાં આવ્યો તેની આકૃતિ તેમણે મૂકેલી. એ રીતે આ તમામ ખનિજો પણ અહીં આવ્યા હશે. અશ્મિઓ પણ હતાં. અમે રસપૂર્વક એ જોઈ રહ્યા હતા એવામાં બીજા પ્રવાસીઓ આવ્યા. એટલે ફુંગશુકભાઈ એમને ટિકિટ આપવા ગયા. આ બધામાં વિજળીની આવનજાવન થતી રહેતી હતી એટલે અમે મોબાઈલ ફોનની ટોર્ચના પ્રકાશમાં આ જોઈ રહ્યા હતા. બહારના ખંડમાં આ બધું હતું, જ્યારે અંદરના ખંડમાં લદાખની સંસ્કૃતિની ઝલક આપતી વિવિધ ચીજો હતી, જેમાં પોષાક, વાસણો, ચિત્રો તેમજ અન્ય ઉપકરણો પણ સામેલ હતા. શે મહેલમાં અમે ધાર્યું એ મુજબ કશું ન હતું. એનાથી થયેલી નિરાશાનું અનેકગણું સાટું અહીં વળી ગયું. આ સંગ્રહ જોઈને અમને એ સજ્જનમાં રસ પડ્યો અને એમની સાથે વાત ચાલુ કરી. પોતે કશું મુદ્રિત સાહિત્ય તૈયાર કર્યું છે કે કેમ એ પૂછ્યું. તેમણે જણાવ્યું કે આનું પોતે ટ્રસ્ટ બનાવ્યું છે અને સરકાર સરખી જગ્યા આપે તો આને વ્યવસ્થિત સ્વરૂપે પ્રદર્શિત કરવા ઈચ્છે છે. પણ આ સ્થળનું માસિક ભાડું જ સાઠ હજાર રૂ. છે. અહીં એક સહાયક તેમણે રાખી છે. મુદ્રણનો ખર્ચ બહુ છે, અને બ્રોશર છપાવે તો 40/રૂમાં પડે, તેની સામે પ્રવેશ ટિકિટ 50/ રૂ. છે. આથી એ પરવડે એમ નથી. તેમણે એક મહત્ત્વાકાંક્ષી આયોજન જણાવ્યું કે સરખી જગ્યા મળે તો પોતે આ બધું એક ગુફા જેવી રચનામાં ગોઠવવા ઈચ્છે છે, જેથી એ વધુ નૈસર્ગિક લાગે અને 'ખૂલ જા સીમસીમ'ની જેમ પ્રવાસીને એ જોવા મળી શકે. માત્ર ને માત્ર પોતાના શોખથી તેમણે ઊભું કરેલું આ સંગ્રહાલય જોઈને અમને બહુ આનંદ થયો. તેમને શુભેચ્છા પાઠવીને અમે બહાર નીકળ્યા.
હવે અમે સીધા લેહ તરફ ઉપડ્યા. હોટેલ પર પહોંચીને રૂમનું બારણું ખોલ્યા પછી પહેલું કામ ગીઝરની સ્વીચ ઑન કરવાનું કર્યું.

No comments:

Post a Comment