'ઘર'વાપસી વેળા
કર્ઝોક (ત્સો મોરીરી)માં સવારે સાડા સાતે ચા-નાસ્તો પતાવ્યો અને આઠ વાગ્યે મુસાફરી શરૂ કરી. લેહથી શરૂ કરાયેલી મુસાફરીનો આ છઠ્ઠો દિવસ હતો અને છેલ્લો પણ. આ પાંચ દિવસમાં સૌથી મહત્ત્વની બાબત એ પુરવાર થઈ હતી કે સ્નાન આપણા પ્રાત:કર્મનો કેટલો મોટો હિસ્સો રોકે છે! આપણાં પ્રાત:કર્મો બે ભાગમાં વહેંચાઈ જાય છે: સ્નાન પહેલાં અને સ્નાન પછી. અહીં અમને ખ્યાલ આવ્યો કે સ્નાન જ કરવાનું ન હોય તો આપણો કેટલો બધો સમય બચી શકતો હોય છે! જો કે, એ બચેલા સમયનું શું કરવું એ અલગ સમસ્યા છે. કર્ઝોકથી પાછા એ જ રસ્તે વળવાનું હતું. ઘણે સુધી કાચોપાકો રસ્તો, પછી સડક, બન્ને બાજુ એ જ ભૂખરા પહાડ અને વચ્ચે સપાટ મેદાન. પ્રવાસશાસ્ત્રના નિયમ મુજબ કોઈ પણ સ્થળે પહોંચતા હંમેશાં વધુ સમય લાગે, પણ એ જ રસ્તે પાછાં વળતાં જાણે કે ઝડપથી આવી જવાતું હોય એમ જણાય. એ ન્યાયે અમે પણ પરિચીત રસ્તે ઝડપભેર મુખ્ય રસ્તા પર આવી ગયા. વચ્ચે પેલું 'બચ્ચા સરોવર' આવી ગયું. અમારે હવે ત્સો (સરોવર) કાર જવાનું હતું.
પુગા નામનું એક સ્થળ હતું, જ્યાં ગરમ પાણીના ઝરા હતા. ત્યાં જવા માટે રસ્તો સહેજ ફંટાતો હતો અને અમુક અંતરેથી ચાલતા જવાનું હતું. પાંચ પાંચ દિવસ રણમાં રખડ્યા પછી આજે હવે અમે સહેજ કંટાળ્યા પણ હતા. ગરમ પાણીના ઝરા બાબતે અમે ખાસ ઉત્સાહ ન બતાવ્યો અને એને પડતા મૂકીને ફક્ત ત્સો કારની મુલાકાત લેવાનું જ નક્કી કર્યું.
આ માર્ગનું આ ત્રીજું સરોવર હતું. સવા પંદરેક હજાર ફીટની ઊંચાઈએ આવેલું ખારા પાણીનું આ સરોવર એક સમયે મીઠાનો મહત્ત્વનો સ્રોત ગણાતું અને અહીંથી અમુક જનજાતિઓ મીઠાની નિકાસ કરતી. હવે આ પ્રદેશમાં બર્ફીલાં શિખરો નહોતાં. એક તરફ સપાટ મેદાન હતાં, બીજી તરફ પર્વત. સપાટ મેદાનમાં સફેદ રંગનો ક્ષાર ઠેરઠેર દેખાતો હતો, જે બરફ હોવાનો આભાસ કરાવતો હતો.
અહીં ઢાળ ચડવા ઉતરવાના વધુ હતા. આ તરફ વચ્ચે વસતિ પણ જણાતી હતી. અમે આગળ વધતા ચાલ્યા અને સામે નીચાણવાળા ભાગમાં ત્સો કારનાં દર્શન થયાં. અહીં પાણીનો ખાસ કોઈ રંગ દેખાયો નહીં, જે અમે અગાઉ પેન્ગોન્ગ અને ત્સો મોરીરીમાં જોયો હતો. આગળ વધતા ગયા એમ ખ્યાલ આવ્યો કે આ સરોવરનું પાણી થીજી ગયેલું હતું.
પાણી હોય તો એમાં રંગ દેખાય ને! અત્યાર સુધી ઉબડખાબડ અને કાચાપાકા રસ્તે મુસાફરી કર્યા પછી હવે મસ્ત, કાળી સડક નજરે પડી. એ જોઈને અમે ખુશ થઈ ગયા.
આ સરોવરનો વિસ્તાર એટલો વિશાળ હતો કે અમને સમજાયું નહીં કે અમારે વાહન ક્યાં ઊભું રાખવું. આથી અમે કિનારાની સમાંતરે, વળાંકવાળા રસ્તે આગળ વધતા જ રહ્યા. વચ્ચે નાની વસાહત અને થોડા તંબૂ આવ્યા. એ વટાવીને અમે વળ્યા કે રસ્તો સહેજ ઉપરની તરફ ચડતો જણાયો. અમને ખ્યાલ આવ્યો કે આમ ને આમ અમે આગળ વધતા રહ્યા તો સરોવર પૂરું થઈ જશે. આથી અમે એક વળાંક પર વાહન ઊભું રાખ્યું. અહીં કરવાનું કશું નહોતું, પણ ઊતરીને સહેજ ટહેલ્યા, ફોટા લીધા. નીચાણના વિસ્તારમાં પથ્થરનાં થોડા બાંંધકામ હતાં, જેમાંના અમુક મકાન તો અમુક ઘેટાંબકરાંના વાડા હતા. એ બધું ખાલી પડ્યું હતું. અમારા ડ્રાઈવરે જણાવ્યું કે આ બધાં વેચીને લોકો હવે બીજે વસવાટ કરવા લાગ્યા છે. સાચુંખોટું એ જાણે! સામી તરફ હિમપર્વત દેખાતા હતા. તડકો ભરપૂર હતો. થોડી વાર ઊભા રહ્યા પછી અમે આગળ વધ્યા. અહીં પર્વતની ધારે સડક છેક સુધી દેખાતી હતી. સામે મેદાનની પેલે પાર નાના નાના ડુંગરા હતા.
તંગલાંગ લા |
આજે સાંજ સુધીમાં અમારે લેહ પહોંચવાનું હતું. લેહ જાણે કે અમારું વતન હોય અને અમારે અમારા પોતાના ઘેર જવાનું હોય એવી લાગણી અમને થતી હતી.
આ આખો રસ્તો અત્યારે અમે દિવસના સમયે પસાર કરી રહ્યા હતા, જ્યાંથી અમે અગાઉ રાત્રે પસાર થયેલા.
સારું થયું કે અમે આ રસ્તે બીજી વાર પસાર થયા, નહીંતર આ રસ્તાનું આવું અદ્ભુત સૌંદર્ય અમે ચૂકી ગયા હોત! હજી લેહ પહોંચતાં વચ્ચે અમારે રોકાણ કરવાનું હતું અને અમુક સ્થળ જોવાનાં હતાં.
No comments:
Post a Comment