ધોળે દિવસે તારા નહીં, ટેલિસ્કોપ!
મેરાકમાં રાત ગાળીને, સવારે બ્રેકફાસ્ટ કર્યા પછી અમારો આગળનો મુકામ હાનલે વાયા ચૂશુલ હતો. ચૂશુલ વિશે અગાઉ હર્ષલ પુષ્કર્ણાએ વિગતવાર લખેલું હતું તેમજ ત્યાંની મુલાકાત વેળાએ તેમને શહીદસ્મારક પર 'રીથ' ચડાવવાનું સન્માન પણ પ્રાપ્ત થયેલું એની જાણ હતી. મેરાક છોડીને આગળ વધતા ગયાં એમ ફરી એક વાર ભૂખરા પહાડ અને તેની પછવાડે બર્ફીલી ટોચ ધરાવતાં શિખરો નજરે પડવા લાગ્યાં.
રસ્તામાં ક્યાંક જંગલી ગધેડા ને એકાદ સસલું પણ જોવા મળ્યું. આ પ્રાણીઓની ત્વચાનો રંગ આસપાસના પર્યાવરણ સાથે ભળી જાય એવો- કેમોફ્લાજ થઈ જાય એવો- આછાથી લઈને ઘેરા ભૂખરા જેવો હતો. લદાખમાંનાં મકાનો મોટા ભાગે માટીમાંથી બનતા હોવાથી એ પણ જાણે કે કેમોફ્લાજની અસર ઊભી કરતા હતા.
ચૂશુલ ગામ આવી પહોંચ્યા, પણ અમારે તેને વટાવીને સહેજ આગળ આવેલા 'રેઝાંગ લા વૉર મેમોરિયલ' પહોંચવાનું હતું. ચૂશુલમાં સવારનો તડકો હતો અને હીમવર્ષા થઈ રહી હતી. વહેલી સવારથી કદાચ એ ચાલુ હશે, એટલે આસપાસનાં ઝાડ પર બરફ લાગેલો હતો. જમીન પર પણ સફેદ જાજમ પાથરી હોય એમ જણાતું હતું. ગામ વટાવ્યા પછી ખાસ્સો રસ્તો કાચો હતો. આ રસ્તાની પડખે ઘાસનાં મોટાં મેદાન હતાં. લીલું ઘાસ અને તેની પર પથરાયેલો છૂટોછવાયો બરફ. આ મેદાનમાં ચરી રહેલાં ઘેટાંબકરાં અને થોડી યાક. ફરજિયાતપણે ઊભા રહી જવું પડે એવું દૃશ્ય હતું. અમે સૌ નીચે ઊતર્યા. આ પ્રાણીઓના ટોળા વચ્ચે તેમનો માલિક ક્યાંક પોતાની મસ્તીમાં બેઠેલો હતો. અમે સૌએ રસ્તાની કિનારેથી સહેજ નીચે ઉતરીને, અને ઈશાને છેક વચ્ચે પેલા ગોવાળિયા પાસે જઈને તેની તસવીરો લીધી.
કાચા અને પથરાળ રસ્તે અમે આગળ વધતા ગયા. મેમોરિયલનું અંતર ગામથી માંડ દસ-બાર કિ.મી.નું હતું, પણ પથરાળ રસ્તાને કારણે ઘણું લાંબું લાગતું હતું. આખરે દૂરથી મેમોરિયલના દર્શન થયા. સાથે એ પણ ખ્યાલ આવ્યો કે અહીં રાતે યા વહેલી સવારે પુષ્કળ બરફવર્ષા થઈ હતી.
હીમાચ્છાદિત રેઝાંગ લા મેમોરિયલ |
આ યુદ્ધસ્મારકની મુલાકાત રોમાંચક હતી. બહારથી જ એક સૈનિક આપણી સાથે જોડાય અને સ્મારકના વિવિધ વિભાગોનો પરિચય કરાવતા જાય. 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે આ સ્થળ મહત્ત્વનું રણમેદાન બની રહ્યું હતું. મેજર શેતાનસિંઘ આ સ્થળે ખેલાયેલા યુદ્ધના હીરો હતા. મેમોરિયલમાં એક સ્થળે આ યુદ્ધના કેટલાક અવશેષોને સાચવી રખાયા છે, જેમ કે, ગોળીના નિશાનવાળું પાણીનું કેનિસ્ટર, અમુક બંદૂક વગેરે.. 'રેઝાંગ લા યુદ્ધ' અંગેની પંદરેક મિનીટની એક ફિલ્મ પણ અહીં બતાવવામાં આવી. અમિતાભ બચ્ચને તેમાં પોતાનો સ્વર આપ્યો છે. માત્ર સાંભળીને રુંવાડા ખડા થઈ જાય એવા આ યુદ્ધ વિશે જ કવિ પ્રદીપે લખેલું:
थी खून से लथ पथ काया
फिर भी बंदूक उठाके
दस दस को एक ने मारा
फिर गिर गये होश गँवाके
દસ દસ કો એક ને મારા... |
આસપાસના સમગ્ર વિસ્તારના ભૂપૃષ્ઠનું મોડેલ પણ મૂકવામાં આવ્યું હતું, જેમાં વાસ્તવિક દિશા મુજબનાં સ્થાન દર્શાવેલાં હતાં. સામેના કાચની આરપાર એ જ પર્વતો નજરે પડતા હતા. એ અનુભવ ગજબનો હતો.
અહીંથી બહાર નીકળ્યા પછી મૌન! કશું બોલવાનું મન થતું નહોતું. હૈયા પર એક જાતનો ભાર અનુભવાતો હતો. આખા મેમોરિયલમાં ઠેરઠેર બરફની ચાદર જામેલી હતી. ધીમે ધીમે અન્ય પ્રવાસીઓ પણ આવવા લાગ્યા હતા. અમે હવે આગળની મુસાફરી શરૂ કરી.
આ મુસાફરીનો માર્ગ ગજબનો હતો. સપાટ મેદાનમાં, ઉબડખાબડ રસ્તો. અને ચારે બાજુ બરફ. વચ્ચે વચ્ચે જમીન કે ઘાસ નજરે પડે, અને પર્વતો દૂર દૂર. આવી ભૂગોળ હોય ત્યારે અંતર બહુ આભાસી લાગતું હોય છે. સામે જ દેખાતું સ્થળ ગમે એટલું અંતર કાપવા છતાં કેમે કરીને નજીક જ ન આવે. દૂર પશ્ચાદભૂમાં બરફના પહાડો દેખાતા હતા. અમે સૌ બંધ વાહનમાં બેઠા હોવાથી નજારો માણવાની મજા આવતી હતી.
આમ ને આમ અમે એ બર્ફીલો વિસ્તાર ઓળંગીને ત્સાગા લા (પાસ) વટાવ્યો. ઊંચાઈ પંદરેક હજાર ફીટ. હવે જાણે કે ફિલ્મનો આખો સેટ બદલાઈ ગયો હતો. બરફ આગલા જન્મની વાત હોય એમ બન્ને બાજુ આછા લીલા રંગના પર્વતો શરૂ થયા. આ રંગ ઘાસને કારણે નહીં, પણ એ ખડકોનો જ હતો. ત્સાગા ગામ વટાવીને અમે આગળ વધતા ચાલ્યા. આછા લીલા પર્વતોની વચ્ચે ક્યાંક આછા ગુલાબી કે જાંબુડિયા રંગના પર્વતો પણ હતા. આ પર્વતો પર અમુક સ્થાને વાદળનો પડછાયો પડતો હોવાથી એટલો ભાગ ઘેરા રંગનો જણાતો. તેને કારણે છાયાપ્રકાશની મસ્ત અસર ઊભી થતી. પર્વતો સાવ બોડા. એની પર કશું જ ઉગેલું ન મળે. બન્ને બાજુ રેગિસ્તાન. ક્યાંક છૂટાંછવાયાં મકાન જોવા મળી જતાં. આગળ વધતાં લોમા આવ્યું, જ્યાંથી બે ફાંટા પડતા હતા. એક ન્યોમા તરફ, જે રસ્તો આગળ જતાં ત્સો મોરીરી જતો હતો. અને બીજો ફાંટો હાનલે તરફ. આ જંક્શન પર આઈ.ટી.બી.પી. (ઈન્ડો-તિબેટ બૉર્ડર પોલિસ)ની કેન્ટિન હતી, જે તેના જવાનો જ ચલાવતા હતા. અહીં સમોસાં, જલેબી, ચનાસમોસા, મોમો જેવી વાનગીઓ મળતી હતી. સૌએ એ 'ચાખી'. ચા-કૉફી પણ પીધાં અને હાનલેની દિશામાં આગળ વધ્યા. લગભગ પિસ્તાલીસેક કિ.મી. અંતરે આવેલા હાનલે તરફ જતો આ રોડ એકદમ પાકો હતો. આથી વાહન સડસડાટ ચાલ્યું. છેલ્લા ત્રણ-ચાર કિ.મી.નો રસ્તો કાચો હતો. એ વટાવીને અમે બપોરના અઢી-ત્રણ વાગ્યે હાનલે આવી પહોંચ્યા. ગામ કેવું હતું?
આસપાસ આછા લીલા અને ભૂખરા રંગના પર્વતો હતા. તેની વચ્ચે ક્યાંક બર્ફીલી ટોચ ધરાવતા પર્વતો પણ ખરાં. વચ્ચે મોટી સપાટ જગ્યા એટલે કે ખીણ. અને એમાં વસેલું હાનલે ગામ. સિત્તેર-પંચોતેર મકાનો હશે. ગામની વચ્ચેથી એક મુખ્ય રસ્તો જાય, જે આગળ જતાં બંધ થઈ જતો. અહીંથી આગળ જવાતું નહોતું.
આટલી વસતિમાં પણ હોમસ્ટેના ઘણા વિકલ્પો હતા. પૂછતાંફરતાં આખરે અમે એક હોમસ્ટેમાં વ્યવસ્થા ગોઠવી. પ્લાયવુડની નવી જ બનાવેલી, સામસામી ગોઠવાયેલી બાર-ચૌદ કેબિન હતી. જેમાં બેડરૂમ હતો અને ટોઈલેટ. ડીનર અને બ્રેકફાસ્ટ સામેલ. એક દંપતિ તેનું સંચાલન કરતું હતું, અને તેઓ ખાસ ટૂરિસ્ટ સીઝનમાં આ કામ માટે જ અહીં આવેલા હતા. અભિગમ એકદમ વ્યાવસાયિક. અમે સામાન ગોઠવ્યો અને સહેજ હળવા થયા.
લદાખનાં તમામ ગામોમાં સામાન્ય રીતે બપોર કે ઢળતી બપોરે પહોંચી જઈએ પછી શું કરવું એ એક સવાલ હોય છે. કેમ કે, એવી બીજી કશી પ્રવૃત્તિ વિકસી નથી (એ સારું જ છે). ઉપરાંત અહીં બર્ફીલા પવનનું જોર એટલું પ્રચંડ હોય છે કે એ આ સ્થળના રોમાંચ અને રોમાન્સ બન્નેને ઠારી નાખે.
હાનલેમાં એક ઓબ્ઝર્વેટરી/વેધશાળા આવેલી છે, જે પોણા પંદરેક હજાર ફીટની ઊંચાઈએ છે. ભારતની સૌથી વધુ અને વિશ્વના દ્વિતીય ક્રમની ઊંચાઈએ આવેલી આ વેધશાળાનું આગવું માહાત્મ્ય છે. હાનલેમાં આકાશ એકદમ સ્વચ્છ હોવાથી અહીં 'ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ એસ્ટ્રોફીઝીક્સ' દ્વારા આ વેધશાળા ઊભી કરવામાં આવી છે.
હાનલેમાં આવેલી વેધશાળા |
અહીં એક મોનેસ્ટ્રી પણ નજરે પડી. મોટા ભાગની મોનેસ્ટ્રીની જેમ એ પણ ઊંચાઈ પર હતી. આ જ મોનેસ્ટ્રીની મુલાકાતે રાહુલ સાંકૃત્યાયન 1930ના દાયકામાં આવ્યા હતા એ પછી જાણ્યું. અલબત્ત, મોનેસ્ટ્રીને અંદરથી જોવામાં અમને રસ નહોતો.
વેધશાળાથી પાછા આવીને અમે ગામમાં લટાર મારવા નીકળ્યા. થોડાં મકાનો, ધૂળ અને એમાં અમુક અમુક હોમસ્ટે. હજી તડકો હતો, છતાં બર્ફીલા પવનનો માર એવો હતો કે અમે બહુ ઝડપથી પાછા ઉતારે આવી ગયા.
હાનલેની આસપાસ પોપટી અને ભૂખરા રંગના પર્વતો |
હાનલેમાં એકાદ જગ્યાએ રાતે આકાશદર્શનનો કાર્યક્રમ પણ થાય છે. અમને કહેવામાં આવ્યું કે અમે ઉતરેલા એ સ્થાને જ એક ટેલિસ્કોપ છે. અને રાતે બીજેથી પણ લોકો આવશે.
અમે ઉતારે પાછા આવ્યા. ભોજન લીધું. આ બધું પતાવતાં હજી માંડ સાડા સાત આઠ થયા હતા. પવનનું જોર એવું હતું કે બહાર બેસી શકાય એમ નહોતું. અમે આકાશ તરફ એક નજર કરી. હજી સહેજ અજવાળું હતું. થોડાં વાદળાં દેખાતાં હતાં. અમે આકાશવેત્તાની અદાથી ધારી લીધું અને મન મનાવી લીધું કે આજે આકાશમાં વાદળાં હોવાથી તારાદર્શન કરવાની મજા નહીં આવે. માટે ચાલો, સૂઈ જઈએ.
સૂતી વખતે અમે એટલી સભ્યતા જાળવી કે બૂટ કાઢી નાંખ્યા. નહીંતર ઠંડી એવી લાગતી હતી કે એટલું મન પણ ન થાય. થોડી વાર પૂરતી ઠંડી વેઠી લઈશું એમ ધારીને અમે બૂટ કાઢ્યા. અને પછી લંબાવી તો વહેલી પડે સવાર.
પ્રાત:કર્મમાં સ્નાનની બાદબાકી થઈ જતી હોવાથી વહેલા તૈયાર થઈ જવાતું હતું. પુરીભાજી અને ચાનો બ્રેકફાસ્ટ કરીને અમે હાનલેથી નીકળ્યા. આગલો મુકામ હતો ત્સો મોરીરી.
No comments:
Post a Comment