"જુઓને, આ કેટલું સુંદર રીતે કોતર્યું છે?"
"હા. ખરેખર."
"એમ લાગે કે આની આગળ આપણે કંઈ જ નથી. થાય કે આપણા કરતાં એ વધુ હોંશિયાર છે."
"અં.અં..સોરી, પણ એમ ન કહી શકાય. એને આ સિવાય બીજું કશું આવડે છે? એને આ એક જ કામ આવડે છે અને તેને એ શ્રેષ્ઠ રીતે કરે છે. આપણે તો અનેક કામ કરવાનાં હોય છે. તમે ફોટોગ્રાફ લેતાં તો ફોટો પાડવાથી માંડીને ડેવલપ કરવો અને છેક પ્રિન્ટ કાઢવા સુધીનાં કામ શ્રેષ્ઠ રીતે નહોતાં કરતાં? એટલે આનું કામ શ્રેષ્ઠ છે એમાં ના નહીં, પણ આપણા કરતાં એ વધુ હોંશિયાર છે એ કહેવું વધુ પડતું છે."
"યસ. યુ હેવ અ પોઈન્ટ."
શબ્દશ: નહીં, પણ ભાવશ: આવા સંવાદો એક વખત હોમાય વ્યારાવાલા સાથે થયેલા. એમના ઘરની અમારી નિયમીત મુલાકાતો દરમિયાન જાતજાતની વાતો નીકળતી. એમના ઘરની બારીની ગ્રીલ પર એક મસ્ત ડ્રીફ્ટ વુડ એમણે ટીંગાવેલું. એક વખત એમાં ભમરાએ કાણું પાડ્યું. જો કે, પછી એ કાણામાં હોમાયબેને ચોકલેટના રેપરનો ગોટો કરીને મૂકી દીધું. પણ એ નિમિત્તે અમારે આવી વાત થઈ હતી. પછી તો ભમરો શું શું ન કરી શકે એની મસ્તીભરી કલ્પનાઓ ચાલતી રહી.
અમારા ઘરના બગીચામાં અમે એક ડ્રીફ્ટ વુડ આ તસવીરમાં છે એ રીતે દિવાલને ટેકે મૂકેલું છે. કામિની દરરોજ જોતી કે એક ભમરો એના પાછલા ભાગમાં આંટા માર્યા કરે છે. આખરે એ લાકડું અમે ચત્તું કર્યું ત્યારે ખબર પડી કે ભ્રમરકુમારે તેમાં મસ્ત કાણું પાડ્યું છે. બાજુમાં પડેલો લાકડાનો ભૂકો તેની ગવાહી પૂરે છે. હજી આ કાણામાં તે આવે છે. સહેજ નજીકથી જોયું તો તેના બે પગ પણ અંદર દેખાયા. વધુ નજીક જવાની હિંમત નહોતી, પણ એમ લાગે છે કે હવે એ આ કાણાને નીચેની તરફ વધારવાની ફિરાકમાં છે.
ભમરો અને ફૂલનાં રૂપકો આદિકાળથી એક યા બીજી રીતે વપરાતાં રહ્યાં છે. આમ છતાં, ભમરો માનવવર્ગમાં એટલો લોકપ્રિય નથી એનું કારણ તેનો સંભવિત ડંખ. 'મેઘદૂત'ની રચનાનું નિમિત્ત પણ એક ભમરો જ હતો. અને હિન્દી ફિલ્મોમાં પણ અનેક ગીતો ભમરાના ઉલ્લેખ સાથે લખાયાં છે. જો કે, એ બધામાં મને સૌથી ગમતું ગીત 'રાની રૂપમતિ'નું 'ઉડ જા ભંવર, માયા કમલ કા આજ બંધન છોડ કે' અને 'આજા ભંવર, સૂની ડગર, સૂના હૈ ઘર, આજા' છે, જે મન્નાડે અને લતા મંગેશકરના એમ બે ભાગમાં છે.
એક સવાલ એ છે કે એને કુદરતનો કારીગર કહેવો કે કલાકાર? આપણે ઘેર ઉત્તમમાં ઉત્તમ રીતે કામ કરતા મિસ્ત્રીને કદી 'શિલ્પી' કહેવાનો વિચાર આવતો નથી. તેમનું કૌશલ્ય અતિ ઉચ્ચ હોય તો પણ તેમાં સર્જકતા નથી. એ જ રીતે ભમરાને પણ મારી દૃષ્ટિએ કારીગર વર્ગમાં મૂકવો ઉચિત ગણાય. એના તમામ કૌશલ્ય પ્રત્યે આદર સહિત.
It reminded me of Kishorkumar's 'Dheere Se Jaana Khatiyan (Bagiyan) Mein'
ReplyDeletesong. Poet Neeraj was probably thinking along the same lines!
હીરેનભાઈ, કિશોરકુમારે ગાયેલું 'છુપા રુસ્તમ'નું એ ગીત મૂળ તો સચીનદેવ બર્મને ગાયેલા 'ધીરે સે જાના બગીયન મેં ભંવરા'ની પ્રતિરચના જેવું હતું. ફિલ્મના સંગીતકાર પણ એસ.ડી.બર્મન જ હતા. બર્મનદાદાનું એ ગીત બિનફિલ્મી હતું, પણ બહુ લોકપ્રિય અને સુંદર હતું.
Delete